બુધ (Mercury) : સૂર્યથી નજીકમાં નજીક આવેલો સૌરમંડળનો ગ્રહ. તેનો વ્યાસ 4,876 કિમી. અને સૂર્યથી તેનું અંતર 5.79 x 107 (= 5.79 કરોડ) કિમી. છે.

બુધ કદમાં નાનો છે અને ઝળહળતા સૂર્યની ખૂબ નજીક છે. તેથી આ ગ્રહને પૃથ્વી ઉપરથી જોવા માટે દૂરબીન અનિવાર્ય છે. વર્ષ દરમિયાન કેટલીક વખત બુધ સૂર્યાસ્ત પછી આકાશમાં પશ્ચિમ તરફ ઘણે નીચે જોઈ શકાય છે. તે જ રીતે વર્ષના બીજા સમયે તે સૂર્યોદય પહેલાં આકાશમાં પૂર્વ તરફ ઘણે નીચે જોઈ શકાય છે. દૂરબીન વડે બુધના ગ્રહનું નિરીક્ષણ કરતાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. દૂરબીનના ર્દષ્ટિવિસ્તાર(field of vision)માં સૂર્યનાં કિરણો સીધેસીધાં પ્રવેશી આંખમાં ન જાય તે જોવાનું રહે છે. નહિતર ગફલતભર્યું  નિરીક્ષણ આંખો માટે ભારે જોખમરૂપ બની જાય છે. એમાં પૂરતી તકેદારી રાખવામાં ન આવે તો તે કદાચ અંધાપો પણ આપી શકે છે.

બુધ સૂર્યની ફરતે ઉપવલયી (elliptical) કક્ષામાં ભ્રમણ કરે છે. બુધ સૂર્યની નજીકમાં નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર 4.6 x 107 (= 4.6 કરોડ) કિમી. હોય છે અને તે દૂરમાં દૂર હોય ત્યારે તેનું અંતર 6.98 × 107 (= 6.98 કરોડ) કિમી. હોય છે. સૌરમંડળ(solar system)ના કોઈ પણ ગ્રહ કરતાં બુધ સૂર્યની ફરતે સૌથી વધારે ઝડપથી ભ્રમણ કરે છે. તે સૂર્યની ફરતે 48 કિમી./સેકન્ડની ઝડપે ગતિ કરે છે. સૂર્યની ફરતે બુધને એક પરિભ્રમણ પૂરું કરતાં પૃથ્વીના 88 દિવસ લાગે છે.

બુધ બે પ્રકારની ગતિ કરે છે. એક, સૂર્યની ફરતે ભ્રમણગતિ; બીજું, બુધ તેના પોતાના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક ધરી(axis)ની ફરતે ચાકગતિ (rotational motion) કરે છે. પૃથ્વીના 59 દિવસમાં તે પોતાની ધરીની ફરતે એક ચક્કર પૂરું કરે છે. શુક્રની ચાકગતિ કરતાં બુધની ચાકગતિ થોડીક વધારે હોય છે. પણ બાકીના બીજા બધા ગ્રહો કરતાં તે ધીમેથી ચાકગતિ કરે છે. બુધની ધીમી ચાકગતિ અને સૂર્યની ફરતે તેની ઝડપી ભ્રમણગતિને કારણે બુધ ઉપર બે ક્રમિક સૂર્યોદય વચ્ચેનો સમય પૃથ્વીના 176 દિવસ જેટલો થાય છે.

1965 સુધી ખગોળવિદો એવું માનતા હતા કે સૂર્યની ફરતે પરિભ્રમણ પૂરું કરવા બુધને જેટલો સમય લાગે છે તેટલા સમયમાં (એટલે કે પૃથ્વીના 88 દિવસમાં) તે પોતાની ધરી ઉપર એક ચક્કર પૂરું કરે છે. એટલે કે બુધની બાબતે આ પ્રમાણે થતું હોય તો બુધ ઉપરથી સૂર્ય સ્થિર દેખાય. બુધની એક જ બાજુ સૂર્ય તરફ રહે છે, જે પ્રકાશિત હોય છે અને બીજી બાજુ સૂર્યથી દૂર રહે છે, જે અપ્રકાશિત હોય છે. 1965માં બુધ ઉપર રડારના તરંગો મોકલી પરાવર્તન કરી પાછા મેળવ્યા. બુધની એક તરફથી પાછા મળેલા સંકેત અને બીજી તરફથી પાછા મળેલા સંકેત વચ્ચે તફાવત જોવા મળ્યો. આ સંકેતોના તફાવતની મદદથી નક્કી કરી શકાયું કે બુધને એક ચક્કર પૂરું કરતાં 59 દિવસ લાગે છે.

બુધની કળા : દૂરબીન વડે બુધનું નિરીક્ષણ કરતાં માલૂમ પડ્યું કે તેના આકાર અને કદમાં ફેરફારો થતા રહે છે. આ દેખીતા ફેરફારને કળા (phase) કહે છે. બુધની આ પ્રમાણેની કળા ચંદ્રની કળાને મળતી આવે છે. કળાને કારણે પૃથ્વી ઉપરથી બુધનો પ્રકાશિત ભાગ જુદા જુદા સમયે જોવા મળે છે.

સૂર્ય પછી બુધ અને ત્યારબાદ પૃથ્વી એક રેખામાં હોય ત્યારે બુધની પૃથ્વી તરફની સપાટી અપ્રકાશિત હોય છે. આવે સમયે આ ગ્રહ પૃથ્વી ઉપરથી દેખાતો નથી અને બુધ તથા પૃથ્વી સૂર્યની ફરતે જુદા જુદા કોણે ભ્રમણ કરતાં હોય છે. પરિણામે, બુધ પૃથ્વી અને સૂર્યની વચ્ચે થઈને સીધેસીધો હંમેશાં પસાર થતો નથી. કેટલીક વખત બુધ પૃથ્વી અને સૂર્યની વચ્ચે હોય છે. 3થી 13 વર્ષમાં આવું થતું હોય છે ત્યારે ગ્રહ યામ્યોત્તર ગમન (transit) કરતો હોય છે. સૂર્યની તકતી સામે તે એક કાળા ટપકા જેવો લાગે છે.

બુધની સપાટી અને વાતાવરણ : બુધની સપાટી મહદંશે ચંદ્રની સપાટીને મળતી આવે છે. તેની સપાટી ઉપર જેટલો સૂર્યપ્રકાશ આપાત થાય છે તેનો 6 % પ્રકાશ પરાવર્ત (reflect) પામે છે. ચંદ્રની જેમ બુધની સપાટી સિલિકેટ્સ જેવાં ખનિજોના પાતળા સ્તર વડે છવાયેલી હોય છે. આ સિલિકેટ્સ સૂક્ષ્મ કણોના સ્વરૂપે હોય છે. વળી તેના ઉપર પહોળાં પહોળાં સમતલ મેદાન (plains), સપાટીને લગભગ લંબરૂપ હોય તેવી ભેખડો (cliffs) અને ઊંડા ખાડા (craters) જોવા મળે છે. કેટલાક ખગોળવિદોનું માનવું છે કે આ પ્રકારના ખાડા ઉલ્કાઓ (meteors) અથવા ધૂમકેતુઓ (comets) અથડાવાથી સર્જાયા હશે. એટલે તેમને ઉલ્કાગર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધનું વાતાવરણ બેહદ પાતળું છે. આથી ઉલ્કાઓ, ઘર્ષણબળનો સામનો કર્યા સિવાય, સડસડાટ બુધની સપાટી ઉપર વિના સળગ્યે ખાબકે છે.

બુધની સપાટી પરનાં કોતરો અને પર્વતોને સ્પષ્ટ રીતે ર્દશ્યમાન બનાવતી
મૅરિનર-10એ બુધની બંને તરફના અર્ધ-ભાગોની લીધેલી તસવીરો

બુધની સપાટી ચંદ્રની સપાટી જેવી છે. પણ તેનો અંદરનો ભાગ પૃથ્વીને મળતો આવે છે. ખગોળવિદો માને છે કે બુધ અને પૃથ્વીનો અંતરિયાળ ભાગ મુખ્યત્વે લોખંડ અને ભારે તત્વોનો બનેલો છે. બુધની આસપાસ ચુંબકીય ક્ષેત્રની જાણકારી થયા બાદ કેટલાક માને છે કે બુધનો અંતર્ભાગ (core) પ્રવાહી લોખંડ ધરાવે છે, પૃથ્વીની જેમ જ બુધ શુષ્ક અને અત્યંત ગરમ છે. તેના ઉપર હવા નથી. પૃથ્વી ઉપર આવતાં સૂર્યનાં કિરણો કરતાં બુધ ઉપર આવતાં કિરણો સાતગણાં વધારે પ્રબળ હોય છે. બુધના વાતાવરણમાં ખાસ વાયુઓ નથી. તેથી સૂર્યનાં કિરણોની ગરમી અને પ્રકાશ બુધ ઉપર પહોંચતાં લગભગ યથાવત્ રહે છે. બુધનું દિવસ દરમિયાન તાપમાન 427° સે. અને રાત્રિનું તાપમાન –173° સે. જેટલું રહે છે. બુધની આસપાસ વાતાવરણ નહીં હોવાથી બુધનું આકાશ કાળું (અપ્રકાશિત) દેખાય છે. આથી બુધ ઉપરથી ધોળે દિવસે તારા દેખાય છે.

બુધની આસપાસ અલ્પ પ્રમાણમાં હીલિયમ, હાઇડ્રોજન અને નિયૉન વાયુઓ છે. ઉપરાંત આર્ગન, કાર્બન ડાયૉક્સાઇડ, ક્રિપ્ટૉન અને ઝેનૉન જેવા વાયુનો પણ અણસાર મળે છે. બુધના અત્યંત પાતળા વાતાવરણને કારણે તેનું દબાણ 2 × 10–12 કિગ્રા./સેમી.2 જેટલું છે. પૃથ્વીના વાતાવરણનું દબાણ 1 કિગ્રા./સેમી.2 છે એટલે કે પૃથ્વીના વાતાવરણના દબાણ કરતાં બુધના વાતાવરણનું દબાણ આશરે બે હજાર અબજાંશ જેટલું છે.

અસહ્ય ગરમી અને ઑક્સિજનના અભાવને કારણે પ્રાણીઓ અને વનસ્પતિનું જીવન બુધ ઉપર સંભવિત નથી એમ વિજ્ઞાનીઓ માને છે.

બુધની ઘનતા અને દળ : બુધની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં થોડીક ઓછી છે એટલે કે પૃથ્વી અને બુધના એકસરખા કદના ભાગ લેવામાં આવે તો તેમનું વજન લગભગ સરખું થાય છે. બુધ પૃથ્વી કરતાં નાનો છે અને તેથી તેનું દળ પૃથ્વીના દળ કરતાં ઓછું છે. બુધનું દળ ઓછું હોવાથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ ઓછું છે. બુધનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં ત્રીજા ભાગનું છે. પૃથ્વી ઉપર જે પદાર્થનું દળ 90 કિગ્રા. થાય છે તે જ પદાર્થનું દળ બુધ ઉપર 34 કિગ્રા. જેટલું થાય છે.

સૌરમંડળમાં પૃથ્વીની નજીકના ગ્રહોની જાણકારી સુર્દઢ કરવા માટે અવકાશયાનો મોકલવાનો કાર્યક્રમ કેટલાક દેશોએ ઘડી કાઢ્યો. તેમાં યુ.એસ. અને તત્કાલીન યુ.એસ.એસ.આર. (હાલ રશિયા) મોખરે રહ્યાં છે. યુ.એસ.નું મરિનર–10 અવકાશયાન બુધ ભણી જનાર પ્રથમ છે. 29 માર્ચ, 1974ના દિવસે અ-માનવ (unmanned) અવકાશયાન બુધ ભણી રવાના થયું અને બુધની આસપાસ 740 કિમી.ની ઊંચાઈએ ભ્રમણ કરવા લાગ્યું. આ દરમિયાન બુધની કેટલીક તસવીરો લેવામાં આવી અને ચુંબકીય ક્ષેત્રની પણ નોંધ કરવામાં આવી. આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના માત્ર એક ટકા જેટલું છે. તે ચુંબકીય આવરણ (magnetosphere) પણ ધરાવે છે, જે સૌર પવનોને વળાંક આપે છે. યુ.એસ.ના મરિનર–10 વડે બુધ અને શુક્ર – એમ બે ગ્રહોનો અભ્યાસ કરવાનો પ્રયાસ થયો છે. ખોજ-તંત્ર (probe) વડે શુક્રની તસવીરો લેવામાં આવી છે. તેને આધારે વૈજ્ઞાનિક અભ્યાસ થયો છે. ખોજ-તંત્ર શુક્ર પાસેથી પસાર થયું કે તુરત જ તેના ઉપર શુક્રના ગુરુત્વાકર્ષણ બળની અસર થતાં તેની ઝડપમાં વધારો થયો. આથી મરિનર–10 ઓછા સમયમાં અને ઓછા ઈંધણના ભોગે બુધની નજીક પહોંચ્યું. મરિનર–10ને પૃથ્વી ઉપરથી બુધ ઉપર સીધેસીધું મોકલવામાં આવે તો સમય અને ઈંધણ – બંને વધુ વપરાય.

ભવિષ્યમાં અવકાશ-ખોજ–તંત્રને બુધ ઉપર ઉતારી શકાશે. તેને આધારે જે વધુ માહિતી મળશે તેના વડે આ ગ્રહનો વિગતવાર અભ્યાસ થઈ શકશે. તેના ઉપરથી એ પણ નક્કી થશે કે બુધનું નિર્માણ કેવી રીતે થયું છે.  બુધની સપાટી ઉપર પ્રવર્તતી પ્રતિકૂળતાઓ(અસહ્ય ગરમી અને ઠંડી, અત્યધિક પાતળું વાતાવરણ)ને કારણે સ-માનવ અવકાશયાન (manned spacecraft) તેના ઉપર ઉતારવું અત્યારે તો અશક્ય લાગે છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે મર્ક્યુરી દેવોનો અત્યંત ઝડપી સંદેશવાહક હતો. રોમનો તેને વ્યાપાર, મિલકત અને સમૃદ્ધિનો દેવ ગણતા હતા. કેટલાક રોમનો તેને કપટી, ભ્રામક, હરામખોર અને ચોર પણ સમજતા હતા. ગુનેગારો મર્ક્યુરીને પોતાનો રક્ષક સમજે છે !

બુધ દેવોના રાજા બૃહસ્પતિનો પુત્ર છે. કલાકારોએ તેનું સુંદર, ચપળ, બુદ્ધિશાળી અને યુવાન પુરુષના જેવું ચિત્રણ કર્યું છે. સૌરમંડળના ગ્રહોમાં એકનું નામ આ રીતે બુધ રાખવામાં આવ્યું છે.

પ્રહલાદ છ. પટેલ