બુકનેર, જ્યૉર્ગ (જ. 1813; અ. 1837) : જર્મન નાટ્યકાર. ગટે અને શિલર જેવા તત્કાલીન નાટ્યકારોની રંગદર્શી કૃતિઓ સામેના પ્રત્યાઘાત રૂપે એમણે લખેલાં બે નાટકો ‘ડેન્ટૉન્સ ટોડ’ (1834) અને ‘વૉઇઝેક’(1836)થી નાટ્યસાહિત્યમાં પ્રકૃતિવાદનાં એમણે પૂર્વએંધાણ આપ્યાં, જે 1880ના દાયકામાં ફૂલ્યાંફાલ્યાં. કેટલાકને મતે આ નાટકોમાં આલેખાયેલી હિંસા અને દૂષિત માનસિકતાથી 1920ના દાયકાના
અભિવ્યક્તિવાદનું આગમન પણ પૂર્વસૂચિત થતું હતું. બુકનેરનાં નાટકો પ્રથમ વિશ્વયુદ્ધ પછી ખૂબ ભજવાયાં છે. ‘ડેન્ટૉન્સ ટોડ’ ફ્રેન્ચ ક્રાંતિ અંગેનું ઐતિહાસિક નાટક છે; એને જર્મન દિગ્દર્શક રેઇનહાર્ટે 1927માં અને ઑર્સન વેલ્સે 1938માં ફરી ભજવ્યું હતું. અભણ સૈનિકના જીવન અંગેનું કરુણ ચિત્ર બુકનેરે ‘વૉઇઝેક’માં ઉપસાવ્યું છે. એના પરથી એક ઑપેરા પણ તૈયાર થઈ હતી. પોતાની ટૂંકી લેખન-કારકિર્દીમાં એમણે એક કૉમેડી ‘લિયૉન્સ ઍન્ડ લીના’ લખી હતી. વિદ્યાર્થીકાળમાં ફ્રેંચ ક્રાંતિના આદર્શોથી પ્રભાવિત આ નાટ્યકારે 1834માં ઉગ્રવાદી સમાજ-પરિવર્તનનો કાર્યક્રમ પણ પ્રસિદ્ધ કર્યો હતો, જે પ્રકૃતિવાદ માટેના જાહેરનામાનો પહેલો અધ્યાય ગણાયો છે. એમનાં નાટકોમાં એના પડઘા સંભળાય છે, આમ છતાં એમની કૃતિઓમાં સાહિત્યિક કે રંગમંચીય પ્રતીકવાદી મૂલ્ય લેશમાત્ર ઊણું પડતું નથી. આજે પણ જર્મનીમાં અને અન્ય અનેક દેશોમાં એમનાં નાટકો અનેક વાર ભજવાતાં રહ્યાં છે.
હસમુખ બારાડી