બુકનેર, એડુઆર્ડ (જ. 20 મે 1860, મ્યૂનિક; અ. 13 ઑગસ્ટ 1917, ફોકસાની, રુમાનિયા) : આથવણ માટે જીવંત કોષોની જરૂર નથી તેવું દર્શાવનાર જર્મન રસાયણવિદ્. બુકનેરે પ્રો. નેગેલીના હાથ નીચે વનસ્પતિશાસ્ત્રનો તથા બાયર અને કર્ટિયસના હાથ નીચે યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિકમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1888માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બાયરના મદદનીશ તરીકે પાંચ વર્ષ કામ કર્યા બાદ, 1893થી તેઓ કીલમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે પછી તેઓ અનેક સ્થળો બદલ્યા બાદ 1911થી વુર્ઝબર્ગમાં સ્થાયી થયા અને પ્રથમ વિશ્વયુદ્ધમાં મેજર તરીકે ફરજ બજાવતાં માર્યા ગયા ત્યાં સુધી કામ કરતા રહ્યા.

1897 સુધી એવું મનાતું કે આથવણક્રિયા માટે જીવંત યીસ્ટ કોષો આવશ્યક હોય છે. બુકનેરે આ વિધાનને કસોટી ઉપર ચડાવ્યું અને 1896–97 દરમિયાન તેમાં નોંધપાત્ર પ્રગતિ કરી. તેમણે યીસ્ટ-કોષોને રેતી સાથે દળીને કોષ-મુક્ત નિષ્કર્ષ મેળવ્યો. આ નિષ્કર્ષને જ્યારે ખાંડના દ્રાવણમાં ઉમેરવામાં આવ્યો ત્યારે આથવણપ્રક્રિયા થતાં ઇથેનોલ તથા કાર્બન ડાયૉક્સાઇડ વાયુ નીકળ્યાં. આવું જ યીસ્ટકોષો ઉમેરતાં પણ થતું હતું. તેમણે આ નિતારણમાંના સક્રિય પદાર્થને ઝાઇમેઝ નામ આપ્યું. આવા જૈવિક ઉદ્દીપકોને હવે ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પ્રોટીન દ્રવ્યો છે, વિશિષ્ટ ક્રિયાશીલતા દર્શાવે છે તેમજ લગભગ બધાં જ જીવરાસાયણિક પરિવર્તનો માટે કારણભૂત છે. આધુનિક ઉત્સેચક-રસાયણશાસ્ત્રના તેઓ આદિસંશોધક ગણાય છે. તેમને જૈવ-રાસાયણિક સંશોધનો તેમજ કોષમુકત આથવણ ક્રિયાની શોધ માટે 1907નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

જ. પો. ત્રિવેદી