બીરબૉમ, સર મૅક્સ (જ. 24 ઑગસ્ટ 1872, લંડન; અ. 20 મે 1956, રૅપેલો, ઇટાલી) : ઇંગ્લૅન્ડના વ્યંગ્યચિત્રકાર, લેખક તથા અત્યંત વિનોદી-મોજીલા માનવી. મૂળ નામ હેન્રી મેક્સમિલન બીરબૉમ. અભિનેતા-નિર્માતા સર હર્બર્ટ બીરબૉમ ટ્રીના તેઓ સાવકા નાના ભાઈ થતા હતા. એ રીતે તેઓ નાનપણથી જ ફૅશનેબલ સમાજથી ટેવાયેલા અને સુપરિચિત હતા. ઑક્સફર્ડની મર્ટન કૉલેજમાં હજુ તો પૂર્વસ્નાતક હતા ત્યારે જ તેમણે પ્રતિષ્ઠિત ‘યલો બુક’માં માર્મિક અને હાસ્યરસિક નિબંધો પ્રગટ કર્યા. 1895માં તેમણે બીરબૉમ ટ્રીઝ થિયેટ્રિકલ કંપનીના પ્રેસ એજન્ટ તરીકે અમેરિકાનો પ્રવાસ કર્યો. તેમની સર્વપ્રથમ સાહિત્યિક કૃતિ તે, ‘ધ વર્ક્સ ઑવ્ મૅક્સ બીરબૉમ’ તથા સર્વપ્રથમ ડ્રૉઇંગપુસ્તક તે ‘કૅરિકેચર્સ ઑવ્ ટ્વેન્ટીફાઇવ જેન્ટલમેન’. 1896માં તે પ્રગટ થયાં. 1898માં તેઓ ‘સૅટરડે રિવ્યૂ’માં શૉના અનુગામી તરીકે નાટ્ય-વિવેચક તરીકે જોડાયા. તેમની મનભાવન બોધકથા ‘ધ હૅપી હિપૉક્રિટ’ 1897માં તથા તેમની એકમાત્ર નવલકથા ‘ઝુલેખા ડૉબ્સન’ 1911માં પ્રગટ થઈ. આ નવલકથા ઑક્સફર્ડ જીવનશૈલીની વિડંબનારૂપ કૃતિ છે. ‘ક્રિસ્ટમસ ગાર્લેન્ડ’(1912)માં ક્રિસ્ટમસ-કથાઓનો સંચય છે. તેમાં સંખ્યાબંધ જાણીતા લેખકો–ખાસ કરીને હેન્રી જેમ્સ–ના શૈલીવિષયક દોષો આલેખવામાં આવ્યા છે. તેમનો વાર્તાસંગ્રહ ‘સેવન મેન’ (1919) એક ઉત્કૃષ્ટ સર્જન છે.

1910માં તેમણે અમેરિકામાં જન્મેલાં બ્રિટિશ અભિનેત્રી ફ્લૉરેન્સ કાન સાથે લગ્ન કર્યાં અને બંને જણ રૅપેલો, ઇટાલીમાં સ્થાયી થયાં. તેમને ત્યાં અનેક નામાંકિત અગ્રણી મુલાકાતીઓ સતત આવતા રહેતા; એ સૌ તેમની વાર્તાલાપની છટા તથા વિનોદવૃત્તિથી ખૂબ પ્રભાવિત થતા હતા. તેમનાં ઠઠ્ઠાચિત્રો–કટાક્ષચિત્રો અત્યંત સચોટ હતાં. છતાં ક્યારેય તેમાં સભ્ય-સંસ્કારી વિવેચનાની ઊણપ વર્તાતી નહોતી અને કદાપિ તે પોતાના વ્યંગ્યવિષયરૂપ વ્યક્તિને ઉતારી પાડતા નહોતા. રાજવી પરિવારની પેઢી-દર-પેઢીની વિવિધ વ્યક્તિઓ વિશે તેઓ કટાક્ષચિત્રો કરતા રહ્યા હતા, છતાં તેમને 1939માં ‘સર’નો ખિતાબ અપાયો હતો. તેમનાં શિષ્ટ-સંસ્કારી ડ્રૉઇંગ તથા વિડંબના-ચિત્રો, તેમના સમયના નામાંકિત તથા ફૅશનેબલ અગ્રણીઓની આડંબરી, કૃત્રિમ તથા બેવકૂફીભરી લાક્ષણિકતાઓને બહુધા નિર્દંશ શૈલીથી ઝડપવા-આલેખવાની બાબતમાં અજોડ મનાયા છે. શૉએ તેમના માટે ‘અજોડ  મૅક્સ’ એવો શબ્દપ્રયોગ કર્યો હતો. તેઓ તીવ્રતાપૂર્વક આક્રમક બન્યા હોય તો તે બે બાબતમાં – એક બ્રિટિશ સામ્રાજ્યવાદ અને બીજી રડ્યાર્ડ કિપ્લિંગની બાબતમાં.

મહેશ ચોકસી