બીટારોધકો (betablockers) : લોહીનું દબાણ, હૃદયના વિવિધ રોગો ઉપરાંત અન્ય વિકારોમાં વપરાતાં ઔષધો. કેન્દ્રીય ચેતાતંત્રથી સ્વાયત્ત હોય એવા ચેતાતંત્રને સ્વાયત્ત ચેતાતંત્ર અથવા અનૈચ્છિક ચેતાતંત્ર (involuntary nervous system) કહે છે. તેના 2 વિભાગ છે : અનુકંપી ચેતાતંત્ર (sympathetic nervous system) અને પરાનુકંપી ચેતાતંત્ર (para sympathetic nervous system). બંને ચેતાતંત્રોની વિવિધ અવયવોના સ્નાયુઓ અને ગ્રંથિઓ પર સામસામેની અસર હોય છે અને આમ સ્વાયત્ત ચેતાતંત્ર તેમનું નિયમન કરે છે. અનુકંપી ચેતાતંત્રમાંના સંદેશાઓ આવેગ(impulse)ના રૂપમાં કોષો, પાસે આવે છે. તેની ચેતાઓના છેડામાંથી કેટેકોલ એમાઇન જૂથનો સંદેશવાહક (નોરએપિનેફ્રિન) મુક્ત થાય છે. જે કોષની સપાટી પર આવે છે. કોષની સપાટી પર તેને સ્વીકારવા માટે જે પ્રોટીનનો અણુ હોય તેને સ્વીકારક (receptor) કહે છે. તે બે પ્રકારના છે : આલ્ફા અને બીટા. તેમની પણ અલગ અલગ અસરકારકતા હોય છે. જો કોષની સપાટી પર બીટા-સ્વીકારકો હોય તો તેના માધ્યમ દ્વારા ઉદભવતી અસરો જોવા મળે છે. બીટા-સ્વીકારકોના 2 પ્રકાર છે : બીટા1 અને બીટા2. તે અલગ પ્રકારના અવયવો કે કોષો પર આવેલા છે. બીટા-સ્વીકારકોના માધ્યમથી વિવિધ અવયવોમાં ઉદભવતી અલગ અલગ અસરોને સારણી 2માં દર્શાવી છે. બીટારોધક ઔષધો આ અસરોને ઘટાડે છે.
સારણી 1 : બીટા1 અને બીટા2 સ્વીકારકો
પ્રકાર | બીટા1 | બીટા2 |
સ્થાન | હૃદય, મૂત્રપિંડના ગુચ્છસમીપી કોષો (juxtaglomerular cells) | શ્વસનનલિકાઓ, લોહીની નસો, ગર્ભાશય, જઠર-આંતરડાં, મૂત્રમાર્ગ |
વિશિષ્ટ ઉત્તેજક | પ્રિનેલ્ટેરોલ | સાલ્બ્યુટેમોલ |
વિશિષ્ટ રોધક | મેટોપ્રોલોલ, એટિનોલ | બ્યુટોક્ઝેમિન, આલ્ફા-મિથાઇલ પ્રોપ્રેનોલોલ |
નોરએફિનેફ્રિનના સમધર્મી તરીકેની ક્ષમતા | પુષ્કળ | મંદ |
સારણી 2 : આલ્ફા (α) અને બીટા (β) સ્વીકારકો દ્વારા માધ્યમિત થતી અસરો
અવયવ/સ્થાન | આલ્ફા–અસર | બીટા–અસર | |
1. | ધમનિકાઓ | સંકોચન થાય, લોહીના દબાણમાં વધારો થાય. | પહોળી થાય (β2 અસર), લોહીનું દબાણ ઘટે. |
2. | હૃદય | ખાસ અસર નહિ, ભારે માત્રામાં ધબકારાનો તાલ તૂટે. | હૃદયનાં સંકોચનોનો દર તથા બળ વધે, તેમાં આવેગોનો વેગ વધે (β2). |
3. | શ્વસનનલિકાઓ | – | પહોળી થાય (β2). |
4. | કનીનિકાપટલ (iris) | આંખની કીકીમાંનું છિદ્ર (કનીનિકા) પહોળું થાય. | – |
5. | આંતરડાં | શિથિલ થાય, દ્વારરક્ષકો (sphincters) સંકોચાય. | શિથિલ થાય (β2). |
6. | મૂત્રાશય | ડેટ્રુઝર-સ્નાયુ સંકોચાય. | ડેટ્રુઝરસ્નાયુ શિથિલ થાય (β2). |
7. | ગર્ભાશય | સંકોચન. | શિથિલન (β2). |
8. | બરોળનું સંપુટ (આવરણ) | સંકોચાય. | થોડું શિથિલ થાય (β2). |
9. | ચેતા અને સ્નાયુ વચ્ચેના આવેગનું વહન | વધે | ઝડપથી સંકોચાતા સ્નાયુમાં લંબાય, ધીમે સંકોચાતા સ્નાયુમાં તેનો સમયગાળો ટૂંકાય, જેથી ધ્રુજારી (કંપન) થાય (β2). |
10. | ઇન્સ્યુલિનનું સ્રવણ | ઘટે | વધે (મંદ-અસર, β2). |
11. | મૂત્રપિંડમાં રેનિનનું સ્રવણ | – | વધે (β1). |
12. | પુરુષના જાતીય અવયવો | વીર્યક્ષેપ (ejactulation) થાય. | – |
13. | લાળગ્રંથિઓ | પાણી અને પોટૅશિયમનું સ્રવણ થાય. | ટાયલિન નામનો ઉત્સેચક સ્રવે. |
14. | પશ્ચ પીયૂષિકા (pituitary) ગ્રંથિ | – | પ્રતિમૂત્રસર્જક અંત:સ્રાવ (antidiuretic hormone) |
15. | ચયાપચયી અસરો | કેટલાંક પ્રાણીઓના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે. | યકૃતના ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ લોહીમાં પ્રવેશે સ્નાયુઓના ગ્લાયકોજનમાંથી લૅક્ટિક ઍસિડ બને અને લોહીમાં પ્રવેશે, મેદમાંથી મુક્ત મેદામ્લો લોહીમાં પ્રવેશે (β2). |
બીટા-સ્વીકરકો પર અસર કરતાં ઔષધોના 2 પ્રકારો છે – બીટા-સ્વીકારકોના કાર્યનું ઉત્તેજન કરે તેવા બીટા-ઉત્તેજકો (beta stimulants) અને તેના કાર્યનું અવદાબક કે તેમાં અવરોધ કરે તેવા બીટા-રોધકો (beta-blockers).
પ્રતિએડિનર્જિક ઔષધો : તેઓ એડ્રિનાલિન અને તેને સંબંધિત ઔષધોની અસરોને અવરોધે છે. સામાન્ય રીતે તેઓ દ્વારા સ્પર્ધાત્મક વિધર્મન (competitive antagonism) થાય છે. એડ્રિનર્જિક અસરોનું અવદાબન 2 રીતે શક્ય છે – ચેતાઓના છેડામાંથી ચેતાસંદેશવાહકને મુક્ત થતો અટકાવે તેવાં ઔષધોને એડ્રિનર્જિક ચેતાકોષ-રોધકો (adrenergic neurone blockers) કહે છે; દા.ત., રેઝરપિન, ગ્વાનેથિડિન, બ્રેટિલિયમ, આલ્ફામિથાયલ–પી–ટાયરોસિન વગેરે. ચેતાસંદેશવાહકનો સ્વીકાર કરતા સ્વીકારકોનો અવરોધ કરતાં ઔષધોને એડ્રિનર્જિક રોધકો (adrenergic blocking agents) કહે છે. એડ્રિનર્જિક રોધકો 2 પ્રકારના હોય છે : (1) આલ્ફા એડ્રિનર્જિક રોધકો અથવા આલ્ફા રોધકો અને (2) બીટા એડ્રિનર્જિક રોધકો અથવા બીટારોધકો.
બીટારોધકો : ઈ.સ. 1958માં આઇસોપ્રીનાલિનનું ડાયક્લૉરો-સમધર્મી સંયોજન શોધાયું, જે સૌપ્રથમ બીટારોધક હતું. તેને ડાયક્લૉરો આઇસોપ્રીનાલિન કહેવાયું, પણ તેનો ચિકિત્સાલક્ષી ઉપયોગ શક્ય ન હતો. 1963માં પ્રોપ્રેનોલોલ આવ્યું, જેણે ઔષધવિદ્યામાં એક મહત્વનો ફેરફાર પણ આણ્યો. ત્યારબાદ અનેક દવાઓ તેમાં ઉમેરાઈ છે. બધા બીટારોધકો સ્પર્ધાત્મક વિધર્મી ઔષધો છે. પ્રોપ્રેનોલોલ β1 અને β2 – એમ બંને અસરોને અવરોધે છે. β1 અને β2 સ્વીકારકોની અલગ અને વિશિષ્ટ રીતે પણ અસરો અવરોધાય એવાં રસાયણો શોધાયાં છે. દા.ત., પ્રેક્ટેલોલ β1 રોધક છે અને બ્યુટોક્ઝેમિન β2 રોધક છે. આ બંને રસાયણો હાલ તેમની ઝેરી અસરને કારણે વપરાશમાં નથી. બીટારોધકોનું વર્ગીકરણ સારણી 3માં દર્શાવ્યું છે.
સારણી 3 : બીટારોધકોનું વર્ગીકરણ અને ઉદાહરણો
મુખ્ય ગુણધર્મ | ગૌણ ગુણધર્મ | ઉદાહરણ | |
1. | β1 અને β2 બંને પર અસર કરતા અવરણાત્મક (non-selective) | (અ) આંતરિક અનુકંપી અસરો ન હોય. | પ્રોપ્રેનોલોલ, સોટાલોલ, નેડોલોલ, ટિમોલોલ |
(આ) આંતરિક અનુકંપી અસરો હોય | પિન્ડોલોલ, ઑક્સપ્રિનોલોલ, એલ્પ્રિનોલોલ | ||
(ઈ) α રોધકક્ષમતા પણ હોય | લાબેટોલોલ, ડાયલેવાલોલ | ||
2. | β1 વરણાત્મક (β1 selective) અથવા ફક્ત હૃદયલક્ષી અસરો | – | મેટોપ્રોલોલ, એટિનોલોલ, એસિબ્યુટોલ, એસ્નોલોલ, બીટાક્ઝોલોલ, પ્રેક્ટેલોલ |
3. | β2 વરણાત્મક | – | બ્યુટોક્ઝેમિન |
પ્રોપેનોલોલ : પ્રોપેનોલોલને બીટારોધકોના જૂથપ્રતિનિધિ તરીકે અથવા આદિપ્રકાર ઔષધ (prototype drug) તરીકે વર્ણવવામાં આવે છે. તેનું રાસાયણિક સૂત્ર છે.
પ્રોપેનોલોલ હૃદયના ધબકારાનો દર ઘટાડે છે. વધુ માત્રામાં તે હૃદયના સંકોચનનું બળ વધારે છે. તથા હૃદયમાંથી એક મિનિટમાં બહાર ધકેલાતા લોહીના જથ્થામાં પણ વધારો થાય છે. તે હૃદયનો સંકોચનકાળ લંબાવીને ક્ષેપકમાંના સ્નાયુતંતુઓ વચ્ચેનું સહકાર્ય ઘટાડે છે. આરામ કરતી સામાન્ય વ્યક્તિમાં તેની અસર દેખાતી નથી; પરંતુ કસરત કે લાગણીજન્ય સ્થિતિમાં જ્યારે અનુકંપી ચેતાતંત્ર સક્રિય હોય ત્યારે આ અસર સ્પષ્ટ બને છે. સામાન્ય વ્યક્તિમાં ક્ષેપકનું કદ ઘટે છે, પરંતુ જેઓનું હૃદય નિષ્ફળ થઈ રહ્યું હોય, એટલે કે તેની ક્ષમતામાં અપર્યાપ્તતા (insufficiency) આવી રહી હોય, તેઓમાં દીર્ઘકાલી અને રુધિરભારિતાકારી હૃદયી નિષ્ફળતા (chronic and congestive heart failure, CHF) થઈ આવે છે અથવા, જો તે થયેલી હોય તો તે વધુ તીવ્ર બને છે. હૃદયનું કાર્ય તથા તેના દ્વારા થતો ઑક્સિજનનો વપરાશ ઘટે છે. હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમનીઓ(coronary arteries)માં રુધિરાભિસરણ ઘટે છે. તેને અરુધિરવાહિતા(ischamemia)નો વિકાર કહે છે. તેને કારણે અવાધિહૃદ્ વિસ્તાર(sub–epicardiac region)માં તેની ખાસ અસર થાય છે, પરંતુ જ્યાં અરુધિરવાહિતા(ischaemia)ની સૌથી વધુ અસર હોય તેવા અવાંત:હૃદ્વિસ્તાર(sub endocardial area)માં ખાસ અસર થતી નથી. જ્યારે હૃદયને લોહી ઓછું મળતું હોય તેવા અલ્પરુધિરવાહિતાવાળા વિકારમાં હૃદ્પીડ(angina pectoris)નામની છાતીમાં થતા દુખાવાની તકલીફ ઉદભવે છે. તે સમયે હૃદયને મળતો ત્યારે ખરેખર તો ઑક્સિજનનો પુરવઠો તેને માટેની માંગ કરતાં ઓછો હોય છે. બીટારોધકો તે વધારે છે અને તેથી હૃદ્પીડ ઘટે છે તથા શ્રમ કરવાની ક્ષમતા વધે છે.
તે હૃદયના સ્નાયુઓનો અપ્રતિભાવી કાળ (refractory period) ઘટાડે છે અને તેથી તેમના સ્વયંસર્જિત સંકોચન કરાવતા ક્રિયાવિભવો ઘટે છે. તેને કારણે હૃદયના અનિયમિત ધબકારાની શક્યતા ઘટે છે. વળી તે કર્ણક અને ક્ષેપક વચ્ચેના આવેગોના વહનને પણ ઘટાડે છે. આમ વિવિધ રીતે તે હૃદયના ધબકારાને અનિયમિત થતાં અટકાવે છે. તે એડ્રિનર્જિક ઔષધોથી થતા વિકારોને અટકાવે છે, પરંતુ તે ડિમેક્સિન, કૅલ્શિયમ આયનો, મિથાયલ ઝૅન્થિન્સ તથા ગ્લુકેગોનની હૃદયના ઉત્તેજનની અસરોને ઘટાડતા નથી.
પ્રોપેનોલોલ લોહીની નસોને પહોળી કરીને લોહીનું દબાણ ઘટાડે છે. તેને એક વખત આપવાથી કોઈ ખાસ અસર નોંધાતી નથી, પરંતુ લાંબા સમય સુધી વારંવાર આપવાથી લોહીના ઊંચા દબાણથી પીડાતા લોકોમાં તે લોહીનું દબાણ ધીમે ધીમે ઘટાડે છે. સામાન્ય દબાણવાળી વ્યક્તિઓનું લોહીનું દબાણ ઘટતું નથી. શરૂઆતમાં તે પરિધીય નસોમાં અવરોધ વધારીને હૃદયનો પ્રતિમિનિટ નિર્ગમ (cardiac output) ઘટાડે છે. તેથી લોહીનું દબાણ જળવાઈ રહે છે. લાંબા સમયના ઉપયોગ પછી પરિઘીય અવરોધ (peripheral resistance) અને લોહીનું દબાણ પણ ઘટે છે. લાંબા ગાળે થતા આ પ્રકારના ફેરફાર માટે વિવિધ સંભાવનાઓ સૂચવાયેલી છે. અનુકંપી ચેતાઓ દ્વારા નોરએપિનેફ્રિનનો ઘટેલો સ્રાવ, મૂત્રપિંડ દ્વારા રેનિનનો ઘટેલો સ્રાવ, કેન્દ્રીય ચેતાતંત્ર દ્વારા અનુકંપી ચેતાતંત્રની ઘટાડેલી સક્રિયતા વગેરે.
પ્રોપેનોલોલ શ્વસનનલિકાના સ્નાયુઓનું સંકોચન કરાવીને શ્વસનમાર્ગમાં અવરોધ વધારે છે. સામાન્ય વ્યક્તિમાં તે ખાસ અસરકારક નથી, પરંતુ દમના દર્દીમાં શ્વાસોચ્છવાસની તીવ્ર તકલીફ ઉત્પન્ન કરે છે.
કેન્દ્રીય ચેતાતંત્ર પર તેની ખાસ અસર નથી. છતાં કેટલાક વર્તનલક્ષી ફેરફારો, ભુલકણાપણું, વધુ સ્વપ્નાં આવવાં કે બિહામણાં સ્વપ્નાં આવવાં જેવા વિકારો તેના લાંબા ગાળાના મોટી માત્રાના વપરાશ પછી જોવા મળે છે. તે માનસિક ચિંતા (anxiety) ઘટાડે છે. તે લિગ્નોકેઇન જેવું ચામડીને બહેરી કરતું સક્ષમ સ્થાનિક નિશ્ચેતક (local anaesthetic) છે; પરંતુ તેનો તેવો ઉપયોગ કરાતો નથી, કેમ કે તે ઘણું ક્ષોભન (irritation) પણ કરે છે.
તે મેદલયન (lipolysis) નામની પ્રક્રિયા અટકાવીને મેદમાંથી મેદામ્લો (fatty acids) બનતાં અટકાવે છે. તે લોહીના પ્રરસ-(plasma)માં ટ્રાઇગ્લિસેરાઇડ પ્રકારની ચરબી વધારે છે. તેવી રીતે તે અલ્પઘન મેદપ્રોટીન (low density lipoprotein, LDL) વધારે છે અને અતિઘન મેદપ્રોટીન (high density lipoprotein, HDL) ઘટાડે છે. તેથી LDL/HDLનું ગુણોત્તર પ્રમાણ વધે છે. તે હૃદય, યકૃત અને સ્નાયુઓમાં સંગ્રહાયેલા ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનવાની ગ્યાલકોજનલયન (glycogenolysis) નામની પ્રક્રિયા ઘટાડે છે. તેથી લોહીમાં જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ત્યારે એડ્રિનાલિનની અસરથી જે ગ્લુકોઝ લોહીમાં પ્રવેશે છે તે બંધ થઈ જાય છે. વળી અલ્પગ્લુકોઝ રુધિરતા(hypoglycaemia)ને કારણે થતા અનુકંપી ચેતાતંત્રીય ફેરફારો (દા.ત., હૃદયના ધબકારા વધવા) તે પણ બંધ થાય છે; તેથી વ્યક્તિને તેના લોહીમાં ગ્લુકોઝ ઘટી રહ્યો છે તેની ખબર નથી પડતી, તેમજ તે સ્થિતિને સુધારવા માટેની ક્રિયા પણ અટકી જાય છે. તે કારણે મધુપ્રમેહના દર્દીઓને પ્રોપેનોલોલ અપાય તો ક્યારેક મધુપ્રમેહની દવાઓથી ઘટતું ગ્લુકોઝનું પ્રમાણ જોખમી પુરવાર થાય છે.
તે એડ્રિનાલિનને કારણે થતી ધ્રુજારીની તકલીફ ઘટાડે છે. આંખમાં ઝરતા જલાભ પ્રવાહી(aqueous humor)નું પ્રમાણ ઘટાડીને ઝામરના દર્દીને રાહત આપે છે. તેની આંખની કનીનિકાઓ (pupils) પર કોઈ ખાસ અસર નથી. તે સામાન્ય ગર્ભાશયનું સંકોચન જેમનું તેમ રાખે છે. પરંતુ જો બીટાધર્મી ઔષધોથી તે વધ્યું હોય તો ગર્ભાશયના સ્નાયુઓને શિથિલ કરે છે.
તે મોં વાટે આપ્યા પછી ઝડપથી અવશોષાય છે. પરંતુ મોટાભાગની દવા યકૃતમાં નાશ પામતી હોવાથી શરીરમાં ક્રિયાશીલ દવાનું પ્રમાણ ઓછું રહે છે. લાંબા સમયના ઉપયોગ પછી દવાને કારણે યકૃતમાં જતો લોહીનો પુરવઠો ઘટે છે અને તેથી તેનો અર્ધક્રિયાકાળ (half life) લંબાય છે. 90 %થી વધુ પ્રમાણની દવા લોહીમાંના પ્રોટીન સાથે જોડાયેલી રહે છે. તેનાં કેટલાંક ચયાપચયી શેષદ્રવ્યો (metabolites) પણ બીટારોધક તરીકે કાર્ય કરે છે.
પ્રોપેનોલોલ અને ડિજિટાલિસ કે વેરાપામિલ વચ્ચે આંતરક્રિયા થાય છે અને તેથી કર્ણક અને ક્ષેપક વચ્ચેના આવેગનું વહન ઘટે છે. જોકે તેને નેફિડિપીન સાથે સુરક્ષિત રીતે આપી શકાય છે. તેનો ઉપયોગ ઇન્સ્યુલિન કે મધુપ્રમેહ સામે મુખમાર્ગે વપરાતી દવાઓ સાથે કરવામાં જીવનને જોખમી રીતે લોહીમાંનો ગ્લુકોઝ ઘટી જવાનો ભય રહે છે. શરદીની સારવારમાં વપરાતી ઘણી α–સમધર્મી દવાઓ (દા.ત., ફિનાયલ એફ્રિન, એફિડ્રિન વગેરે) સાથે તેને વાપરતી વખતે ક્યારેક લોહીનું દબાણ વધી જાય છે. તેને ઇન્ડોમિથેસિન કે અન્ય સોજા અને દુખાવાને ઘટાડતી દવાઓ સાથે વાપરવામાં આવે ત્યારે લોહીનું દબાણ ઘટાડવાની તેની ક્ષમતા ઘટે છે. તે લિગ્નોકેઇન તથા ક્લોરપ્રોમેઝિનની અસર વધારે છે.
પ્રોપેનોલોલની મુખ્ય આડઅસરોમાં દીર્ઘકાલી હૃદયનિષ્ફળતામાં થતો વધારો, લોહીના ધબકારા એક મિનિટમાં 60 કે તેથી પણ ઓછા થઈ જાય એવો ઘટાડો, પ્રિઝામેન્ટલ પ્રકારના હૃદયના દુખાવાની તકલીફમાં વધારો, મધુપ્રમેહની સારવારમાં ક્યારેક લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં જોખમી ઘટાડો, લોહીમાંની ચરબી અને કોલેસ્ટેરૉલમાં થતા વધારાથી નસોના રોગો તથા હૃદયરોગની સંભાવનામાં થતો શક્ય વધારો વગેરેનો સમાવેશ થાય છે. લાંબા સમયના ઉપયોગ પછી તેને એકદમ બંધ કરવાથી લોહીના દબાણમાં અને હૃદયરોગનો હુમલો થવાની સંભાવનામાં વધારો થાય છે. જો હૃદયના ધબકારાની અનિયમિતતાને કારણે હૃદયમાંના આવેગવહનમાં વિકાર હોય તો તેમાં ઘણો વધારો થવાની સંભાવના રહે છે અને તેથી તે ક્યારેક ધબકતું બંધ પણ થઈ જાય છે. પ્રોપેનોલોલની અન્ય આડઅસરોમાં થાક લાગવો, હાથપગ ઠંડા રહેવા, પગમાં રુધિરાભિસરણની તકલીફ હોય તો તેમાં વધારો થવો, જઠરમાં તકલીફ થવી, રાત્રે ભયંકર સ્વપ્નાં આવવાં, ભુલકણા થવું, ક્યારેક ભણકારા વાગવા (hallucination) વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખતે આ દર્દીઓને ખિન્નતારોધક દવાઓ લેવી પડે છે અને પુરુષ દર્દીમાં જાતીય દુસ્તણાવની તકલીફ પણ ઉદભવે છે.
અન્ય બીટારોધકો : પ્રોપેનોલોલ ઉપરાંત એટેનોલોલ, મેટોપ્રોનોલોલ તથા એસિબ્યુટોલોલ જેવા હૃદયલક્ષી બીટારોધકો, લાબેટેલોલ જેવા આલ્ફા અને બીટા બંનેના મિશ્રરોધકો તથા સોટાલોલ, નેડોલોલ, ટિમોલોલ, પિન્ડોલોલ, ઑક્સપ્રેનોલેલ, એલપ્રિનેલોલ જેવા સામાન્ય બીટારોધકો ઉપલબ્ધ છે. તેમની સરખામણી સારણી 4માં કરવામાં આવેલી છે.
સારણી 4 : વિવિધ બીટારોધકોની સરખામણી
જૂથ | ઉદાહરણ | ક્ષમતા | શરીરમાંની સક્રિયતા | યકૃતમાં પ્રથમ પસાર વખતે નાશ | યકૃતમાં ચયાપચય | મૂત્રપિંડ દ્વારા ઉત્સર્ગ | અર્ધ ક્રિયાકાળ (કલાક) | નોંધ |
(અ) સામાન્ય | 1. પ્રોપેનોલોલ | 1 | 30% | હા | હા | – | 3-5 | – |
2. સોટેલોલ
|
1/3
|
60%
|
ના
|
હા
|
હા
|
6–12
|
દિવસની એક માત્રા વડે લોહીના દ્બાણની સારવાર | |
3. નેડોલોલ | 1/2–1 | 30% | ના | – | હા | 14–20 | લોહીનું દ્બાણ ઘટાડવા, દિવસની ફક્ત એક માત્રા | |
4. ટિમોલોલ | 6 | 75% | અપૂર્ણ | હા | હા | 4–5 | ઝામરની સારવારમાં આંખનાં ટીપાં તરીકે | |
5. પિનોલોલ | 6 | 80–100% | ના | હા | હા | 3–4 | – | |
6. ઑક્સપ્રિનોલોલ | 1/2–1 | 30–60% | હા | હા | 2 | ઓછા વપરાશમાં | ||
7. આલ્પ્રિનોલોલ | 1/3–1 | 10% | હા | હા | 2–3 | ઓછા વપરાશમાં | ||
(આ) હૃદયલક્ષી | 1. મેટોપ્રોલોલ | 1 | 40–50% | હા | હા | 3–4 | મધુપ્રમેહ, ઠંડા હાથપગ વગેરે તકલીફ હોય ત્યારે | |
2. એટેનોલોલ | 1 | 50–60% | ના | હા | 6–9 | પ્રથમ પસંદગીરૂપ દવા | ||
3. એસિબ્યુટોલ | 1/3 | 60% | હા | હા | હા | 3–4 | શ્વાસોચ્છ્વાસની તકલીફ હોય તોય ઉપયોગી. મુખ્યત્વે લોહીનું દ્બાણ ઘટાડવા વપરાય | |
(ઇ) મિશ્ર | 1. લાબેટોલોલ | 1/3 | 20% | હા | હા | 4–6 | લોહીનું દ્બાણ ઘટાડવા વપરાય. ફિઓફ્રોમોસાયટોમાની સારવારમાં વપરાય |
હૃદયલક્ષી બીટારોધકોની ચયાપચય, હાથપગની નસો તથા શ્વસનનલિકાઓ પર ખાસ અસર નથી. તેથી તે હાથપગની નસોના રોગોની હાજરીમાં, મધુપ્રમેહ કે મેદસ્વિતા (obesity) કે અતિકોલેસ્ટિરૉલરુધિતા(hypercholesterolaemia)માં કે દમ જેવા શ્વાસના રોગોની હાજરીમાં ખાસ વપરાય છે. પિન્ડોલોલ, ઑક્સિપ્રિનોલોલ, એલ્પ્રિનોલોલ અને એસિટાબ્યુટોલમાં અમુક અંશે અનુકંપીચેતાતંત્રીય અસરો પણ છે, તેથી મોટી ઉંમર કે હૃદયના ધીમા ધબકારાવાળા વિકારોમાં તે વપરાય છે. તેઓને બંધ કરવાથી લોહીનું દબાણ કે હૃદ્પીડ (angina pectoris) વધતાં નથી. તેઓ ચરબીના ચયાપચયને અસર કરતા નથી. તેમને આધાશીશી(migraine)નો દુખાવો રોકવામાં વાપરી શકતા નથી. નેડોલોલ, એટેનોલ અને સોટાલોલ મેદદ્રાવ્ય નથી અને તેથી તેમની કોઈ કેન્દ્રીય ચેતાતંત્રીય આડઅસર નથી. ટિમોલોલ ઝામરની સારવારમાં વપરાય છે.
બીટારોધકોના ઉપયોગો : બીટારોધકોનો મુખ્ય ઉપયોગ મંદથી મધ્યમ કક્ષાના લોહીના ઊંચા દબાણની સારવારમાં, હૃદયના દુખાવાની સારવારમાં, હૃદયના ઝડપી અનિયમિત ધબકારાથી સારવારમાં, હૃદયરોગના હુમલાની સારવારમાં થાય છે. તે ઉપરાંત તે ફિઓક્રોમો-સાયટોમાના રોગની સારવારમાં, ગલગ્રંથિ(thyroid gland)નું કાર્ય વધી ગયું હોય ત્યારે તેની સારવારમાં, આધાશીશીનો હુમલો થતો અટકાવવામાં, માનસિક ચિંતા તથા ધ્રુજારીના ઉપચારમાં પણ વપરાય છે. ઝામરની સારવારમાં ટિમોલોલ અને બીટાક્સૉલોલનાં ટીપાં વપરાય છે. હૃદયમાં આવેલા મહાધમનીના મૂળ પાસેના વાલ્વની નીચે જો હૃદય-સ્નાયુનો ભાગ જાડો થયો હોય તો તેની સારવારમાં પણ બીટારોધકો વપવરાય છે.
નિલય રા. ઠાકોર
શિલીન નં. શુક્લ