ચાર્ટર પાર્ટી કરાર : માલવહન માટે દરિયાઈ જહાજ ભાડે આપવા-લેવા સંબંધી જહાજમાલિક અને ભાડવાત વચ્ચે થતો લેખિત કરાર. ભાડવાતને ચાર્ટરકર્તા કહે છે અને કરારને ચાર્ટરપાર્ટી કરાર કહે છે. જહાજસફર-સંચાલન તથા માલવહન સામાન્યત: જહાજમાલિકના નિયમન હેઠળ રહે છે; પરંતુ જહાજની વહનક્ષમતાની મર્યાદામાં માલસામાનની હેરફેર ચાર્ટરકર્તાના નિયમન હેઠળ થાય છે.
ચાર્ટરપાર્ટી કરારમાં સફરમાર્ગ, ભાડાપટાની મુદત, જહાજ પર ચડાવવામાં આવનાર માલસામાનની વિગત, નૂરના દર (પ્રત્યેક ટન વજન ઉપર પ્રત્યેક કિલોમીટર દીઠ) તથા લઘુતમ નૂરની રકમ, માલસામાન ચડાવવા-ઉતારવા માટેના દિવસોની મુદત, ડેમરેજના દર ઉપરાંત જહાજમાલિક તથા ચાર્ટરકર્તાના પરસ્પર અધિકાર, જવાબદારી વગેરે સ્પષ્ટ કરવામાં આવે છે. ભાડાપટે રાખેલા જહાજમાં ચાર્ટરકર્તાની માલિકીના માલસામાનની જ હેરફેર કરવી પડે એવું હોતું નથી. ચાર્ટરકર્તાનો માલસામાન ભરાઈ ગયા પછી ફાજલ રહેતી વહનક્ષમતાનો ઉપયોગ કરવા માટે અન્યની માલિકીનો માલસામાન જહાજ પર લઈ શકાય. ચાર્ટરકર્તાએ અન્ય વ્યક્તિઓના માલસામાનની હેરફેર કરવા સારુ જહાજને ભાડાપટે રાખેલું હોઈ શકે.
ચાર્ટરપાર્ટી કરાર મુખ્યત્વે બે પ્રકારના હોય છે : (1) મુકરર મુદત માટેના કરાર(time charter)ને મુદતી ચાર્ટરપાર્ટી કરાર કહે છે અને (2) મુકરર સફરમાર્ગ માટેના કરાર(voyage charter)ને સફરમાર્ગી ચાર્ટરપાર્ટી કરાર કહે છે.
જહાજમાલિકે સમગ્ર જહાજનો સંપૂર્ણ હવાલો ચાર્ટરકર્તાને સોંપી દીધેલો હોય અને સફર દરમિયાનના સઘળા ખર્ચની જવાબદારી ચાર્ટરકર્તાની હોય તો તેને બેરબોટ ચાર્ટર કહે છે. મુકરર કરેલ માલસામાન મુકરર નૂર લઈને એક બંદરેથી બીજા બંદરે હેરફેર કરી આપવા માટેના ઊધડિયા ચાર્ટર (lump sum charter) પણ હોઈ શકે.
ચાર્ટરપાર્ટી કરાર એ દરિયાઈ પરિવહનની એક વ્યાપક વ્યવહારુ વ્યવસ્થા છે; પરંતુ કોઈક ચોક્કસ ઉદ્દેશ માટે હવાઈ જહાજ કે મોટરવાહન ભાડે રાખવાના અથવા રેલવેના વૅગન અથવા કોચ અલગ ફાળવવાના કરાર હોઈ શકે, અને એવા કરારને પણ ચાર્ટરપાર્ટી કરાર કહી શકાય.
ધીરુભાઈ વેલવન