ચાર્ટિસ્ટ આંદોલન : ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે બેહાલ બનેલા બ્રિટિશ કામદારો દ્વારા શરૂ કરાયેલું પહેલું મોટું આંદોલન. તેનો હેતુ પાર્લમેન્ટની મુખ્યત્વે ચૂંટણીલક્ષી સુધારણાનો હતો. મે 1838માં વિલિયમ લૉવેટે આ માટે એક ખરડો પાર્લમેન્ટમાં પેશ કર્યો હતો. સમાજમાં પ્રવર્તતી અસમાનતા લોકશાહી બંધારણ દ્વારા દૂર કરી બધાંને સમાન હકો મળે તે તેનો હેતુ હતો.

લંડનના કામદારમંડળે આ અંગે નીચેની 6 માગણીઓ રજૂ કરી હતી : (1) બધા પુરુષોને સાર્વત્રિક મતાધિકાર, (2) પાર્લમેન્ટના સભ્યોની ચૂંટણી માટેની મિલકતને લગતી લાયકાત દૂર કરવી, (3) મતદાન માટે એકસરખા જિલ્લા રાખવા, (4) મતપત્ર દ્વારા મતદાન, (5) પાર્લમેન્ટની વાર્ષિક ચૂંટણી યોજવી અને (6) પાર્લમેન્ટના સભ્યોને ભથ્થું કે પગાર આપવો.

1837–38માં આર્થિક મંદીને કારણે બેકારી વધી જતાં આ ચળવળનો જન્મ થયો. 1834ના ‘ગરીબો માટેના કાયદા’ની સુધારણાની અસર બધે થઈ હતી. વિવિધ વર્ગના લોકોના સમાન હિતની વાત હોવાથી પ્રારંભમાં તેને સાર્વત્રિક ટેકો મળ્યો હતો. ફિયરગસ એડવર્ડ ઓકૉનરના પ્રબળ નેતૃત્વને લીધે તેને રાષ્ટ્રીય કક્ષાએ આવકાર મળ્યો.

1839ના ફેબ્રુઆરીમાં લંડનમાં પાર્લમેન્ટ સમક્ષ રજૂ કરવાની અરજી ઘડવા એક અધિવેશન ભરાયું. પાર્લમેન્ટ તેમની માગણી ન સ્વીકારે તો જલદ પગલાં લેવા ધમકી પણ અપાઈ હતી. આ અધિવેશનના કાર્યકર્તાઓમાં જલદ પગલાં બાબત મતભેદ હતો. મે માસમાં બર્મિંગહામમાં અધિવેશન ભરાતાં લૉવેટ અને જૉન કૉલિન્સ જેવા મવાળ નેતાઓની ધરપકડ થઈ. ફરી જુલાઈમાં પાર્લમેન્ટ સમક્ષ માગણીઓનો ખરડો રજૂ કરાયો. તે નકારાતાં ન્યૂપૉર્ટ (વેલ્સ) વગેરે સ્થળોએ બળવાનો પ્રયત્ન થયો પણ તે દાબી દેવાયો અને તેના સૂત્રધારોને ઑસ્ટ્રેલિયા દેશનિકાલ કરાયા; બીજા કેટલાકને જેલની સજા કરાઈ.

3 વર્ષ પછી વધારે વ્યવસ્થિત રીતે સંગઠિત થઈને 30 લાખ લોકોની સહીવાળી અરજી પાર્લમેન્ટ સમક્ષ રજૂ કરાઈ પણ ફરી તે નકારાઈ. 1840માં આર્થિક પરિસ્થિતિ સુધરતાં આ ચળવળ મંદ પડી અને જનસમૂહનો ટેકો ઓછો થયો. મધ્યમ અને ઉપલા વર્ગના લોકોએ આ ચળવળનો વિરોધ કર્યો હતો. 1846માં અનાજનો કાયદો રદ કરાતાં અને ચળવળ કરનારાઓમાં મતભેદ પડતાં કેટલાક લોકો ચળવળથી છૂટા થઈ ગયા.

1848માં પાક નિષ્ફળ જતાં અને યુરોપમાં ક્રાંતિ થતાં આ આંદોલન ફરી સજીવન થયું. અધિવેશન બોલાવી પાર્લમેન્ટ સમક્ષ માગણીઓ રજૂ થઈ, પરંતુ પાર્લમેન્ટે તે લક્ષમાં લીધી નહિ. એક દસકા સુધી પ્રાંતોમાં આ પ્રવૃત્તિ મંદ ગતિએ ચાલુ રહી હતી. પણ વિક્ટોરિયન યુગના મધ્ય ભાગથી સમૃદ્ધિ વધતાં કામદારોનો લડાયક મિજાજ શાંત થયો. દર વરસે પાર્લમેન્ટની ચૂંટણી કરવા સિવાયની તેમની 5 શરતો માન્ય થવાથી આ ચળવળનો અંત આવ્યો.

શિવપ્રસાદ રાજગોર