ચાક : એક પ્રકારનો ચૂનાખડક. પ્રમાણમાં ખૂબ જ પોચો, અથવા ઓછો સખત બનેલો, સફેદથી આછા રાખોડી રંગવાળો, સૂક્ષ્મ જીવાવશેષ કવચ-કણિકાથી બંધાયેલો, છિદ્રાળુ અને ચૂર્ણશીલ સૂક્ષ્મદાણાદાર ચૂનાખડક. આ ખડકો લગભગ સંપૂર્ણપણે કૅલ્સાઇટના બંધારણવાળા હોય છે, એટલું જ નહિ; પરંતુ તે સંરચનાવિહીન સૂક્ષ્મદાણાદાર કૅલ્સાઇટના જ દ્રવ્યથી સંશ્લેષિત થયેલા હોય છે. સમુદ્રસપાટી નજીકના જળવિભાગોમાં તરતા રહેતા સૂક્ષ્મ જીવોના મૃતઅવશેષોમાંથી તેમજ ઓછીવત્તી ઊંડાઈવાળા સમુદ્રતળ પર રહેતા ઍમોનૉઇડ કે પૅલિસિપૉડના કવચથી મુખ્યત્વે તે બનેલા હોય છે. તેના બંધારણમાં રહેલા જીવાવશેષો પૈકી ખાસ કરીને ફૉરમિનિફરની આખી કે ભાંગેલી તકતીઓ, ગ્લૉબિજરિના અને ટેકસ્યુલેરિયા તેમજ તરતી લીલના અવશેષો, રેબ્ડોલિથ, કોક્કોલિથ, વાદળીની કણિકા અને રેડિયોલેરિયા જેવાં જીવનસ્વરૂપો જોવા મળેલાં છે. આ પ્રકારના મોટા ભાગના ચાકખડકોમાં કુલ દળનું એક તૃતીયાંશ પ્રમાણ જીવાવશેષોથી બનેલું હોવાનું માલૂમ પડેલું છે. કોઈ કોઈ જગાએ જોવા મળતા ચાકખડકો સેન્દ્રિય જીવાવશેષોરહિત પણ હોય છે.
ક્રિટેશિયસ કાળના ચાકખડકો વધુ જાણીતા છે, જે ઇંગ્લૅન્ડની ખાડીના બંને કિનારા પરની ભેખડોમાં જોવા મળે છે. ઇંગ્લૅન્ડના દક્ષિણ અને અગ્નિ કિનારાની પટ્ટીના અંદરના ભાગોની ટેકરીઓ આ પ્રકારના ચાકખડકોથી બનેલી છે. પશ્ચિમ યુરોપના કેટલાક અન્ય ભાગોમાં પણ તદ્દન શુદ્ધ, સફેદ, સૂક્ષ્મદાણાદાર ચાક મળી આવે છે. યુ.એસ.ના ઍલાબૅમા, મિસિસિપી, ટેનિસી અને નિબ્રાસ્કાના ક્રિટેશિયસ ખડકો ચાક માટે જાણીતા છે. સૌરાષ્ટ્ર (પોરબંદર) અને કચ્છની કિનારાપટ્ટીમાં પણ ફૉરામિનિફરથી બનેલા ચાકને મળતા આવતા ખડકો જોવા મળે છે. ચાકખડકો સિમેન્ટ બનાવવામાં, ઘર્ષકો અને પૉલિશ કરવા માટેનું ચૂર્ણદ્રવ્ય બનાવવામાં તેમજ રંગીન પેન્સિલો (crayons), રબર, પૉલિશ કરવાના પદાર્થો અને કૃત્રિમ ખાતરો માટેના ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે.
ચાક ઉત્પાદન અને પ્રાપ્તિની ર્દષ્ટિએ ભારતભરમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે. રાજ્યનો કુલ અનામત જથ્થો 6 કરોડ ટન જેટલો અંદાજવામાં આવેલો છે, જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના અમરેલી (જાફરાબાદ), પોરબંદર (રાણાવાવ અને પોરબંદર) અને રાજકોટ (ઉપલેટા) જિલ્લામાંથી મળી આવે છે.
ચાકને ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખડી તરીકે ઓળખવામાં આવે છે. તે કાગળ, રબર અને કાપડઉદ્યોગમાં ફિલર તરીકે, સફેદ સિમેન્ટ અને ચાક બનાવવામાં, ધાતુગાળણમાં પ્રદ્રાવક તરીકે, જમીનના સજ્જીકરણમાં તેમજ ખેતીવાડીમાં, તેમજ દવા અને ફર્મેન્ટેશન ઉદ્યોગમાં ન્યૂટ્રીલાઇઝર તરીકે ઉપયોગ લેવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા