ચાકસી (hilsa) : ક્લુપિફૉર્મિસ શ્રેણીના ક્લુપિડે કુળની આર્થિક અગત્યની માછલી. હિં. हिल्सा; મ. पाली; બં. ઇલિશા; શાસ્ત્રીય નામ Hilsa ilisha. ચાકસી સામાન્યપણે દરિયામાં વસે છે. પ્રજનનાર્થે તે નદીમાં પ્રવેશતી હોય છે. બંગાળના ઉપસાગરની કેટલીક ચાકસી માછલીઓ તો હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને યમુના નદીને કાંઠે આવેલ આગ્રા સુધી જાય છે. પ્રગલ્ભાવસ્થા દરિયામાં પસાર કરી ચાકસી મીઠા પાણીમાં ઈંડાં કે શુક્રકોષો મૂકે છે.

ચાકસી

મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ નર્મદા નદીની આ એક અગત્યની માછલી છે. ચોમાસાની શરૂઆતમાં નદીના મુખમાર્ગે નદીમાં પ્રવેશી શુક્લતીર્થ સુધી પ્રવાસ કરે છે. ત્યાં માદા અંડકોષો અને નર શુક્રકોષો મૂકે છે. બાહ્ય ફલન દ્વારા બચ્ચાં પેદા થાય છે. નદીમુખ પાસે લંગર નાખી અથવા નદીવિસ્તારમાં માછીમારો ચાકસી પકડતા હોય છે. નર્મદા નદીના કાંઠે રહેતા હજારો માછીમારો ચાકસી મત્સ્યોદ્યોગમાં રોકાયેલા હોય છે. બચ્ચાં વિકાસ પામી સહેજ મોટાં થતાં, વસંત ઋતુ દરમિયાન સમુદ્રની દિશાએ પ્રયાણ કરી ખારા પાણીમાં સ્થાયી બને છે.

તાપી નદીની ચાકસી પણ એક જમાનામાં મત્સ્યોદ્યોગ માટે મહત્વની ગણાતી હતી; પરંતુ ઉકાઈના બંધ પછી આ નદીમાં ચાકસીની સંખ્યા નહિવત્ બની ગઈ છે.

બંગાળ ઉપસાગરમાં ચાકસી મોટી સંખ્યામાં વસે છે. બંગાળ ઉપસાગર સાથે સંકળાયેલ હુગળી, બ્રહ્મપુત્ર, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓમાં ચાકસી માછલી ઠીક ઠીક સંખ્યામાં જોવા મળે છે.

મ. શિ. દૂબળે