ચાઉ વંશ (ઈ. પૂ. 1122 – ઈ. પૂ. 249) : પ્રાચીન ચીનનો સૌથી વધુ લાંબો સમય ચાલેલો રાજવંશ. તેનો સ્થાપક હતો વુ-વાંગ. તેનો પિતા વેન-વાંગ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતનો શાસક હતો. તે સમયે ચીન ઉપર શાંગ વંશનું શાસન હતું. શાંગ વંશનો છેલ્લો સમ્રાટ ચાઉ સીન ઘણો જુલમી અને વિલાસી હતો. તેના જુલમો સામે ચાઉ પ્રાંતના શાસક વેન-વાંગે અવાજ ઉઠાવ્યો, પરંતુ સમ્રાટ ચાઉ સીને તેને જેલમાં પૂર્યો. સમય જતાં તેના પુત્ર વુ-વાંગે તેને જેલમાંથી છોડાવ્યો. વુ-વાંગે પોતાના પિતાના અવસાન પછી અન્ય સરદારોનો સાથ લઈને ચાઉ સીનને ઉથલાવી, ઈ. પૂ. 1122માં નવા રાજવંશની સ્થાપના કરી. તેના પોતાના મૂળ પ્રાંત ‘ચાઉ’ના નામ ઉપરથી તેનો રાજવંશ ચાઉ વંશ તરીકે ઓળખાયો. આ રાજવંશની સ્થાપના સાથે ચીની ઇતિહાસની વધારે આધારભૂત માહિતી પ્રાપ્ત થવા માંડે છે. તે ર્દષ્ટિએ તે ચીની ઇતિહાસનો મહત્વનો રાજવંશ ગણાય છે.

ચાઉ વંશમાં કુલ 37 સમ્રાટો થયા. તેમણે લગભગ 900 વર્ષ સુધી શાસન કર્યું. શરૂઆતના ચાઉ સમ્રાટોને બાદ કરતાં મોટા ભાગના સમ્રાટો નિર્બળ હતા, પરંતુ તેઓ દૈવી તત્વ દ્વારા રાજગાદી ઉપર નિયુક્ત થયા હતા તેમ મનાતું. તેથી તેમની સત્તા અબાધિત અને સર્વોપરિ રહેતી. તેમના શાસનની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ પોતાના અમલદારોની પસંદગી પરીક્ષા લઈને કરતા. આ પરીક્ષામાં ધનુર્વિદ્યા, ઘોડેસવારી, પ્રાચીન શાસ્ત્રો અને ક્રિયાકાંડો, સંગીત વગેરેનો સમાવેશ થતો. એ રીતે પ્રાચીન દુનિયામાં સરકારી અમલદારોની પસંદગી માટે પરીક્ષા-પદ્ધતિની સૌપહેલી શરૂઆત ચીનમાં આ ચાઉ વંશના અમલ દરમિયાન થઈ હતી.

આ વંશના અમલ દરમિયાન ચીની સામ્રાજ્યનો વિસ્તાર પશ્ચિમે અને દક્ષિણે ઘણો વધ્યો. આને કારણે સીમા ઉપરની અર્ધસભ્ય જાતિઓમાં ચીની સંસ્કૃતિનો પ્રસાર થયો જે ચાઉ વંશની એક મહત્વની સિદ્ધિ ગણાય છે.

ચાઉ વંશના અમલ દરમિયાન જ ચીનમાં સામંતશાહી પદ્ધતિનો ઉદભવ અને વિકાસ થયો. આને કારણે એક સમયે દેશમાં 12 જેટલાં મોટાં સામંતીય રાજ્યો અને 6000 જેટલા નાના જાગીરદારો હતા. તેઓ પોતપોતાની જાગીરોમાં સ્વાયત્ત રાજા જેવી સત્તા ભોગવતા. તેમની વચ્ચે વારંવાર યુદ્ધો થતાં. નિર્બળ ચાઉ સમ્રાટો તેમના ઉપર અંકુશ રાખી શકે તેમ ન હતા. પરિણામે, ચાઉ વંશના અંત ભાગમાં ચીની સામ્રાજ્ય 7 વિભાગોમાં વહેંચાઈ ગયું અને દેશમાં સર્વત્ર રાજકીય અંધાધૂંધી ફેલાઈ ગઈ. આ અંધાધૂંધીમાંથી દેશને મુક્તિ અપાવી વાયવ્ય સરહદે આવેલા ‘ચીન’ પ્રાંતના સૂબા ચેને. ઈ. પૂ. 249માં ચાઉ વંશનો અંત આણીને ચેને પોતાના પ્રાંતના નામ ઉપરથી ‘ચીન’ વંશની સ્થાપના કરી; આ વંશના નામ ઉપરથી જ સમગ્ર દેશને ‘ચીન’ નામ મળ્યું છે !

ચાઉ વંશનો શાસનકાળ ચીનની સંસ્કૃતિના ઇતિહાસમાં ‘સુવર્ણયુગ’ ગણાય છે. આ સમય દરમિયાન ચીની સંસ્કૃતિનાં બધાં પાસાંમાં અને ખાસ કરીને સાહિત્ય, શિક્ષણ તથા ચિંતનને ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ. આ સમયે ઇતિહાસ અને કાવ્યો લખવાની તથા રાજ્યના દફતરમાં દસ્તાવેજો સંઘરવાની પ્રથા શરૂ થઈ. છોકરા તથા છોકરીઓના શિક્ષણ માટે શાળાઓ શરૂ કરવામાં આવી. ખેતી, સિંચાઈ, વેપાર તથા ઉદ્યોગોનો વિકાસ થયો. ધર્મના ક્ષેત્રે – ખાસ કરીને પૂર્વજો તથા દૈવી તત્વોની પૂજા ઉપર તથા ધાર્મિક ક્રિયાકાંડો ઉપર વિશેષ ભાર મુકાવા લાગ્યો; પરંતુ આ સમયમાં સૌથી વધુ વિકાસ ચિંતન અને દર્શનના ક્ષેત્રે થયો. આ સમયના ચિંતકો અને દાર્શનિકો સમાજમાં રાજકીય સ્થિરતા, શાંતિ અને સમાજકલ્યાણ વિશે વધારે ચિંતિત હતા. ‘તાઓવાદ’ના પ્રવર્તક લાઓ-ત્સે, સામાજિક સ્થિરતા અને શાંતિના પથપ્રદર્શક મહાન દાર્શનિક કૉન્ફ્યૂશિયસ અને માનવમાત્રની અંતર્ગત ભલાઈમાં શ્રદ્ધા ધરાવનાર પ્રખ્યાત ચિંતક મેન્શિયસ તથા લ્યુત્સુ, ચાંગ ત્સુ, શુન-ત્સુ જેવા અન્ય પ્રસિદ્ધ દાર્શનિકો આ સમયની ચીની સંસ્કૃતિની શ્રેષ્ઠ નીપજ હતા. આ સમયે વિકસેલા ચિંતન અને તેની દ્વારા સ્થાપિત થયેલી પદ્ધતિઓ છેક આધુનિક સમય સુધી ચીની સમાજ અને જનજીવન ઉપર ભારે અસર કરતી રહી છે.

દેવેન્દ્ર ભટ્ટ