ચંબા (જિલ્લો) : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યની વાયવ્ય દિશાએ આવેલો જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 32 34´ ઉ. અ. અને 76 08´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની વાયવ્યે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો કિશ્તવાર અને ડોડા જિલ્લો, પશ્ચિમે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ, નૈર્ઋત્યે અને પૂર્વે લાહૂલ અને બારાભાંગલ જિલ્લો, અગ્નિએ કાંગરા જિલ્લો જ્યારે દક્ષિણે પંજાબ રાજ્યનો પઠાણકોટ જિલ્લો આવેલા છે. આ જિલ્લાની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1006 મીટર છે. આ જિલ્લો શહેર ચંબાના ખીણ વિસ્તારમાં આવેલ છે.

આ જિલ્લો લઘુ હિમાલય અને શિવાલિક પર્વતીય હારમાળાની વચ્ચે તથા રાવી અને ચંદ્રભાગા નદીઓના ખીણ પ્રદેશમાં આવેલો છે. અહીંની મુખ્ય નદીઓમાં રાવી અને સાલ નદી છે. રાવી નદીનો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફનો છે. આ નદીએ માર્ગમાં અનેક ઊંડાં કોતરો નિર્માણ કર્યા છે. વસંત ઋતુ અને ઉનાળામાં આ નદીના જળની સપાટી ઊંચી આવે છે જેના માટે હિમ પીગળવાનું કારણ મુખ્ય છે. પરિણામે નદીમાં વિનાશક પૂર આવે છે. આથી 2005માં નૅશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક કૉર્પોરેશને પૂરની ગંભીરતાને લક્ષમાં રાખીને જળવિદ્યુત ઉત્પન્ન કરવાનું સ્થગિત કર્યું હતું.

આબોહવા – વનસ્પતિ : આ જિલ્લાનું ઉનાળામાં તાપમાન 38 સે.થી 15 સે., શિયાળામાં 15 થી 0 સે. રહે છે. કેટલીક વાર –1 સે. પણ થઈ જાય છે. સરેરાશ વરસાદ આશરે 786 મિમી. જેટલો પડે છે.

આ પ્રદેશ અત્યંત દુર્ગમ તથા ગીચ જંગલોથી સભર છે. અહીં મોટે ભાગે સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, રોઝવુડ વગેરે વૃક્ષો જોવા મળે છે.

અર્થતંત્ર – પરિવહન – વસ્તી : અહીં પર્વતીય જમીન આવેલી છે. આ જમીનમાં કાંકરા-પથ્થર વધુ હોય છે. પરિણામે જમીન ઓછી ફળદ્રૂપ છે. જમીનની ઊંડાઈ ખૂબ ઓછી છે. સામાન્ય રીતે ખેતીની પ્રવૃત્તિ સામાન્ય છે. અહીં મકાઈ, જવ, ડાંગર, રાઈ, શેરડી અને કઠોળની ખેતી લેવાય છે. જેમાં રાજમા મુખ્ય છે. ફળોમાં સફરજન, પીચ, જરદાલુ અને શાકભાજીમાં બટાકાની ખેતી મુખ્ય છે. આ જિલ્લામાં પ્રવાસનધામો અને યાત્રાધામોને કારણે લોકોને રોજી-રોટી મળે છે. કેન્દ્ર સરકાર તરફથી પછાત પ્રદેશ જાહેર થયેલો હોવાથી સરકારી સહાય મળે છે.

અહીં પ્રવાસીઓ વધુ આવતા હોવાથી રાજ્ય પરિવહન અને ખાનગી બસો, ટૅક્સીઓ વગેરે ઉપલબ્ધ છે. પર્વતીય વિસ્તારોમાં ઘોડા, ખચ્ચર વગેરે પ્રાણીઓનો ઉપયોગ અધિક છે.

આ જિલ્લાનો વિસ્તાર 6,522 ચો.કિમી. છે. જ્યારે (2011 મુજબ) વસ્તી 5,19,080 છે. દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 989 છે. સાક્ષરતાનું પ્રમાણ 73.19% છે. શહેરી વિસ્તારમાં વસતા લોકોનું પ્રમાણ આશરે 7% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 21.52% અને 26.10% છે. આ જિલ્લામાં ‘ગડ્ડી’ આદિવાસી જાતિનું પ્રમાણ અધિક છે. આ જિલ્લામાં લોકોની ભાષા હિમાચલી જૂથની છે. જેમાં ચંબિયાલી બોલી મુખ્ય છે. જેની ટકાવારી 23% છે. આ બોલી જ લિપિવાળી છે. આ સિવાય ગડ્ડી, ચૂરાહી, પંગવાલી, ભાટેલી વગેરે બોલાય છે. પ્રવાસીઓ સાથે તેમનો વ્યવહાર સંકળાયેલો હોવાથી હિન્દી અને અંગ્રેજી ભાષા પણ બોલાય છે.

વહીવટી સુગમતા ખાતર આ જિલ્લાને 7 તાલુકામાં વિભાજિત કરેલ છે. આ જિલ્લામાં ચંબા, ડેલહાઉસી, ખજીહાર, બાનીખેત મુખ્ય છે.

આ જિલ્લામાં ધાર્મિક અને કુદરતી સૌંદર્યને લગતાં સ્થળોનું પ્રમાણ વધુ છે. પહાડી પ્રદેશ અને કુદરતી સૌંદર્યના કારણે દેશ-વિદેશના સહેલાણીઓ માટે તે આકર્ષણનો પ્રદેશ રહ્યો છે.

પર્યટનવિસ્તાર તરીકે તેનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે ઘણાં નિર્ણાયક પગલાં લીધાં છે. હિમપાતની ઋતુમાં દર વર્ષે બરફ પરની રમતોનો રમતોત્સવ યોજાય છે.

ચંબા શહેર : આ શહેર રાવી અને સાલ નદીઓના સંગમ પર વસ્યું છે. આ શહેરની પૂર્વે શાહ મદારની ટેકરી આવેલી છે. આ શહેર ઘૌલાઘર અની પીરપંજાલની પર્વતીય હારમાળાઓથી ઘેરાયેલ છે. આ શહેરની સૌથી નજીકનું બ્રૉડગેજ રેલવેસ્ટેશન ચક્કી (Chakki) બૅન્ક અને પઠાણકોટ છે. જે આ શહેરથી 120 કિમી. દૂર છે. અહીંની વસ્તી (2011 મુજબ) 19,933 હતી. જેમાં 52% પુરુષો અને 48% સ્ત્રીઓ હતી. આ શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ 81% છે. વહીવટી ભાષા હિન્દી છે જ્યારે સ્થાનિક ભાષા ચંબેલી છે. આ સિવાય રોજબરોજના વ્યવહારમાં પંજાબી, પાશ્તો ભાષા બોલાય છે. અહીં હિન્દુ અને શીખોનું પ્રમાણ વધુ છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી અહીં શહેરી વસ્તીનું પ્રમાણ વધ્યું હતું. પાકિસ્તાનમાંથી સ્થળાંતર પામેલાઓમાં ગુર્જર અને ગડ્ડા જાતિ મુખ્ય છે. આ લોકો ભટકતું જીવન ગાળતા હતા. તેઓનો ચહેરો તુર્કી લોકો જેવો છે. એવું માનવામાં આવે  છે કે તેઓ ચંબામાં 10મી સદીથી વસે છે. 18મી સદીમાં જ્યારે મોગલોનું સામ્રાજ્ય હતું ત્યારે કેટલાક લોકો લાહોરથી સ્થળાંતર પામ્યા હતા. અને તેઓ પહેલેથી શિવભક્ત હતા. આ શહેરમાં વિવિધ મેળાઓનું આયોજન થાય છે.  જેમાં સૂહી માતા મેળો, મીનીજાર મેળો મુખ્ય છે. પરંપરાગત નૃત્યોનો મહોત્સવ ઊજવાય છે. જેમાં કુન્જારી મલ્હાર (Kunjari Malhar) વધુ જાણીતો છે.

ઇતિહાસ : ચંબા નામની નગરી રાવી તથા સાલ નદીઓના સંગમ પર વસેલી છે, જે આ જિલ્લાનું વહીવટી મથક છે. રાવી નદીના તટ પર ચંબાનરેશ ઉમેરસિંગ (1748–64) દ્વારા બંધાયેલો રંગમહેલ આ નગરીમાં છે. તેમાંનાં ભીંતચિત્રો પહાડી શૈલીનાં છે અને તેમાં રામાયણ, મહાભારત, ભાગવત, દુર્ગાસપ્તશતીમાંના પૌરાણિક અને ધાર્મિક પ્રસંગો આલેખાયેલા છે. ચંબા વિસ્તારના શિલ્પમાં ઉત્તરગુપ્ત શૈલીનાં દર્શન થાય છે. ચંબા નગરમાં ઘણાં પ્રાચીન ભવ્ય મંદિરો આવેલાં છે, તેમાંનું સૌથી જૂનું લક્ષ્મીનારાયણનું મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની અપ્રતિમ કલાવાળી આરસપહાણની મૂર્તિ છે. સાહિલ્લવર્મા નામક રાજાની પુત્રી ચંપાવતીના નામ પરથી આ સ્થળે બંધાયેલું ચંપેશ્વરીનું મંદિર પણ પ્રેક્ષણીય છે. આ વિસ્તારનું ચંબા નામ પણ ચંપા કે ચંપકા નામ પરથી પાડવામાં આવ્યું છે.

જૂના વખતમાં ચંબિયાલી રાજભાષા હતી. એક જમાનામાં ચંબા પ્રદેશમાં બ્રાહ્મી તથા ખરોષ્ટી લિપિ પ્રચલિત હતી. કાંગડા જિલ્લામાં પઢિયાર તથા કહિયારા આ બે સ્થળે ઈ. સ. પૂ.ના બે શિલાલેખ સાંપડ્યા છે, જે બ્રાહ્મી તથા ખરોષ્ટીમાં લખાયેલા છે.

શિલાલેખો તથા રાજાઓની વંશાવલી પરથી જણાય છે કે છઠ્ઠી સદીમાં આ પ્રદેશ પર મૂશણ નામક વંશનું રાજ્ય હતું. ઈ. સ. 750માં અજિત વર્માનું ત્યાં શાસન હતું. હાલ ચંબાથી આશરે 40 કિમી. પર બ્રહ્મોર નામક જે સ્થળ છે તે જ જૂના વખતનું બ્રહ્મપુર. અજિતવર્માના શાસનકાળ દરમિયાન તે રાજ્યનું પાટનગર હતું. ત્યારપછીના રાજવીઓએ ચંપકા નામની નગરી વસાવી જે આજે ચંબા નામથી ઓળખાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નીતિન કોઠારી