ચંબલ : ઉત્તર ભારતની દક્ષિણ-ઉત્તર વહેતી મોટી નદી. તે ઉત્તર ભારતમાં આવેલી યમુના નદીની ઉપશાખા છે. તે 26° 30’ ઉ. અ. અને 79° 15’ પૂ. રે. પર આવેલી છે. ચંબલ મઉની દક્ષિણેથી વિંધ્યાચલ પર્વતમાંથી નીકળે છે. તે મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર જિલ્લામાંથી વહે છે. ઇંદોર જિલ્લામાંથી ઉત્તર તરફ વહીને તે દક્ષિણ રાજસ્થાનમાં બુંદી અને કોટા જિલ્લાની સરહદે વહે છે. કોટા શહેર આ નદીકાંઠે વસેલું છે.

અહીંથી તે ઉત્તર-પૂર્વ તરફ વળે છે અને કોટા જિલ્લામાંથી વહીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે વહેવાનું શરૂ કરે છે. પછી પૂર્વ બાજુએ ફંટાઈને અગ્નિખૂણે વહીને ઉત્તરપ્રદેશમાં દાખલ થાય છે. ત્યાં તે પવિત્ર યમુના નદીને મુરાદગંજ પાસે મળે છે.

ચંબલની કુલ લંબાઈ 900 કિમી. છે. ચંબલને બનાસ, કાલીસિંધ, શિપ્રા અને પરબતી નદીઓ મળે છે. કોટાની દક્ષિણમાં ચંબલના કિનારે ઉદ્યાનો આવેલાં છે. પર્યટકોનું આ પ્રિય સ્થળ છે. અહીં ચંબલનો સુપ્રસિદ્ધ બંધ આવેલો છે. અહીંથી આગળ ચંબલનો પ્રસિદ્ધ ખીણવિસ્તાર શરૂ થાય છે. પંચવર્ષીય યોજનામાં ચંબલનાં કોતરોને નવસાધ્ય કરવાનો પ્રૉજેક્ટ હાથ ધરવામાં આવેલ છે.

આ નદી પર ગાંધીસાગર, રાણા પ્રતાપસાગર અને કોટા એમ 3 બંધ બાંધીને બહુહેતુક યોજનાઓનો લાભ લેવાય છે. આ નદીના વહેણમાં સસ્તી જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ઉત્તમ તકો રહેલી છે.

વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં આ નદીની ખીણો માનસિંગ જેવા કુખ્યાત ડાકુઓની પ્રવૃત્તિઓનું મહત્વનું ક્ષેત્ર બની હતી. જયપ્રકાશ નારાયણના પ્રયત્નોને લીધે તેમાંના ઘણાએ આત્મસમર્પણ કર્યું હતું.

ગિરીશ ભટ્ટ

અમી રાવલ