ચંદ્રાવતી : આબુરોડ સ્ટેશનની દક્ષિણે આશરે પાંચેક કિલોમીટર પર આબુના પરમારોની રાજધાની. તેના ભગ્નાવશેષો આશરે એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે. તેના વ્યવસ્થિત રસ્તા તથા વૈષ્ણવ, શૈવ, શાક્ત અને જૈન મંદિરો, મહોલ્લા, મહેલાતોના અવશેષો જોડિયાં તળાવ તથા ચંદ્રાવતી નદીની વચ્ચેના ભાગમાં ફેલાયેલા છે. તેમાંના ઘણા આશરે આઠમી-નવમી સદીથી પછીના; પરંતુ ચૌદમી સદી સુધીના છે.
ચંદ્રાવતી વિસ્તારમાં નગરથી દૂર ધાર્મિક સ્થળો, પાળિયા આદિના અવશેષો જોવામાં આવે છે. તેની સાથે અહીંથી પ્રાગૈતિહાસના અન્ત્યાશ્મ યુગના અવશેષો મળે છે તે પૈકી એક કોતરણીવાળા ગર્ભગૃહનું આ યુગની કલાના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન છે.
ચંદ્રાવતીના વિસ્તારમાં આવેલા નાનામોટા પડોદયોની આજુબાજુ જગતી બાંધીને તેની ઉપર મંદિરો બાંધવાની શૈલી પોતાનું વૈશિષ્ટ્ય ધરાવે છે. કુદરતી ખડકો સાથે થતાં આવાં બાંધકામ આ પ્રદેશમાં ખાસ જોવામાં આવે છે.
ર. ના. મહેતા