ચંદ્રાલોક : ચૌદમી સદીમાં થઈ ગયેલ મમ્મટના અનુગામી આલંકારિક આચાર્ય જયદેવરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. 10 પ્રકરણ – જેને માટે ‘મયૂખ’ નામ પ્રયોજાયું છે-માં વિભાજિત આ સમગ્ર ગ્રંથ કારિકાબદ્ધ છે. તેમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલ લગભગ 350 જેટલાં પદ્ય છે.

‘ચંદ્રાલોક’માં નિરૂપાયેલ વિષયનો ક્રમ આ પ્રમાણે છે :

(1) વાગ્વિચાર (શ્લોક 16), (2) દોષનિરૂપણ (શ્લોક 44), (3) લક્ષણનિરૂપણ (શ્લોક 11), (4) ગુણનિરૂપણ (શ્લોક 12), (5) અલંકારનિરૂપણ – શબ્દાલંકાર (શ્લોક 10), અલંકારાનુક્રમણિકા (શ્લોક 17), અર્થાલંકાર (શ્લોક 174), (6) રસાદિનિરૂપણ (શ્લોક 24). – આમાં આનુષંગિક રીતે 3 રીતિ અને 5 વૃત્તિનું પણ નિરૂપણ છે. (7) ધ્વનિનિરૂપણ (શ્લોક 18), (8) ગુણીભૂત વ્યંગ્ય (શ્લોક 10), (9) લક્ષણાનિરૂપણ(શ્લોક 15), (10) અભિધાનિરૂપણ (શ્લોક 4).

આ રીતે, કાવ્યશાસ્ત્રનાં વિભિન્ન તત્વો અહીં આવરી લેવાયાં છે, જેમાં એક નાટ્યશાસ્ત્રીય વિગત – નાટ્યલક્ષણનો પણ સમાવેશ કરાયો છે. સાહિત્યદર્પણકાર વિશ્વનાથે જયદેવમાંથી પ્રેરણા લઈ નાટ્યલક્ષણો તથા નાટ્યાલંકારોની પણ ચર્ચા પોતાના ગ્રંથમાં આપી હોય એ શક્ય છે. અલબત્ત, ભરતમાં પ્રાપ્ત થતાં 36 નાટ્યલક્ષણોને સ્થાને જયદેવ માત્ર 10 નાટ્યલક્ષણની નોંધ લે છે. તે ઉપરાંત, 10 ગુણો તથા 100 જેટલા અલંકારો પણ તે આપે છે. આ બધા જ વિષયોમાં અર્થાલંકારોનું વિવેચન સૌથી વિશેષ મહત્વપૂર્ણ છે, જે અત્યંત લોકપ્રિય બનેલ છે અને તેથી જ કદાચ અપ્પય દીક્ષિતે પોતાના ગ્રંથ ‘કુવલયાનંદ’માં જયદેવમાંથી અનેક કારિકાઓ અક્ષરશ: ઉદ્ધૃત કરી છે.

‘ચંદ્રાલોક’ની આ લોકપ્રિયતા તેની રજૂઆતને આભારી છે. તેમાં વિષયની રજૂઆત સંક્ષિપ્ત છતાં સુસ્પષ્ટ રીતે યથોચિત ઉદાહરણસહિત કરવામાં આવી છે.

‘ચંદ્રાલોક’ ઉપર રચાયેલ ટીકાગ્રંથોમાં પ્રદ્યોતનભટ્ટવિરચિત ‘ચંદ્રાલોકપ્રકાશશરદાગમ’ ટીકા, વૈદ્યનાથજીરચિત ‘રમા’ ટીકા તથા ગાગાભટ્ટકૃત ‘રાકાગમ’ અથવા ‘સુધાગમ’ ટીકા નોંધપાત્ર છે.

જાગૃતિ પંડ્યા