ચંદ્રગુપ્ત (પહેલો) (શાસનકાળ : ઈ. સ. 319–335) : મહારાજા ઘટોત્કચનો પુત્ર અને ગુપ્ત વંશનો ત્રીજો રાજા. તેણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું અને લિચ્છવી કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યું હતું. તે રાણી મહાદેવી કુમારદેવી તરીકે ઓળખાતી. તેનો પુત્ર (લિચ્છવી-દૌહિત્ર) સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પછી મહારાજાધિરાજ તરીકે સત્તા પર આવ્યો હતો. ચંદ્રગુપ્ત અને કુમારદેવીની મુદ્રાવાળા સોનાના સિક્કા તેણે પડાવ્યા હતા. આ સિક્કાની પાછળની બાજુએ સિંહવાહિની દેવીની છાપ ઉપસાવેલી હતી. તેની નીચે लिच्छवय: એમ લખાવ્યું હતું. લિચ્છવી લોકોનું ગણતંત્ર ખૂબ જાણીતું હતું અને તેના અનેક ઉલ્લેખો બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. આવા શક્તિશાળી ગણરાજ્યના જમાઈ બનવાનું બહુમાન ચંદ્રગુપ્ત(પહેલા)ને મળ્યું હતું. ભવિષ્યપુરાણમાં કલિયુગરાજની વાર્તા પ્રમાણે ચંદ્રગુપ્ત (પહેલો) આંધ્રપ્રદેશના રાજા ચંદ્રશ્રીનો સાઢુ થતો હતો અને સાળીના કહેવાથી તેણે ચંદ્રશ્રીનો વધ કર્યો અને તેના પુત્રને મારીને તેના સિંહાસન પર અધિકાર જમાવ્યો હતો. તેના રાજ્યમાં મગધ, સાકેત અને પ્રયાગના પ્રદેશોનો સમાવેશ થતો. તેનું રાજ્ય દક્ષિણે મધ્યપ્રદેશ સુધી, ઉત્તરે ગંગા સુધી, પશ્ચિમે વિદિશા સુધી અને પૂર્વે બંગાળ સુધી ફેલાયેલું હતું.
જ. મ. શાહ