ચંદ્રગુપ્ત

January, 2012

ચંદ્રગુપ્ત : હિંદી સાહિત્યકાર જયશંકર પ્રસાદ (1889 (?)–1937) દ્વારા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય(ઈ. પૂ. 321–297)ના જીવનમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓનો આધાર લઈને લખાયેલું જાણીતું નાટક. 4 અંકોના આ નાટકનું વિષયવસ્તુ ત્રણ મુખ્ય ઘટનાઓ પર આધારિત છે : (1) અલક્ષેન્દ્ર (ઍલિગઝાંડર – સિકંદર) દ્વારા ભારત પર આક્રમણ, (2) નંદકુળનું ઉન્મૂલન અને (3) અલક્ષેન્દ્રના લશ્કરના એક સેનાપતિ સિલ્યૂકસ અને ચંદ્રગુપ્ત વચ્ચે ઈ. પૂ. 305માં થયેલ યુદ્ધમાં સિલ્યૂકસનો પરાજય. ભારતના ઇતિહાસમાં બનેલી આ ત્રણે ઘટનાઓ વચ્ચે રહેલા તર્કપૂર્ણ અને બુદ્ધિસંગત સંબંધની પૃષ્ઠભૂમિ પર આ નાટક રચાયેલું છે. સમ્રાટ ચંદ્રગુપ્તને કેન્દ્રમાં રાખીને આ નાટક રચાયું છે. ચંદ્રગુપ્તના ચરિત્રવિકાસના ક્રમનો આધાર લઈને નાટકના કથાવસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં બનેલી ઘટનાઓ અને નાટકમાં નિરૂપિત ચરિત્રવિકાસ વચ્ચે સુસંગતતા અને સામંજસ્ય સાધવાનો કસબ નાટકકારે બતાવ્યો છે. નાટકના વસ્તુવિન્યાસના આ સૌષ્ઠવને કારણે નાટ્યાત્મક સમષ્ટિ-પ્રભાવનું સુંદર અને સુસંગત સંગઠન આ નાટકમાં જોવા મળે છે. ભારતના ઇતિહાસમાં ઈ. પૂ. ત્રીજા અને બીજા શતકનાં સળંગ 25 વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓનું ધારાવાહી બયાન આ નાટકમાં કરવામાં આવ્યું છે. અભિનયકળાની ર્દષ્ટિએ પણ આ નાટકમાં રસનિરૂપણ મનોહારી અને ચમત્કૃતિયુક્ત છે.

આ નાટકમાં ચંદ્રગુપ્તની સાથોસાથ તેના ગુરુ ચાણક્યને જે મહત્વ આપવામાં આવ્યું છે તેના પરથી નાટકનો નાયક કોણ તે બાબત ચર્ચાસ્પદ બની શકે. ચંદ્રગુપ્તની ક્રિયાશીલતાને લીધે પોતાનું કાર્યક્ષેત્ર છોડીને તપસ્યા માટે જતા રહેલા ચાણક્ય નહિ; પરંતુ ચંદ્રગુપ્ત જ નાટકનો નાયક છે એ વાત સ્વીકારવી પડે.

રાષ્ટ્રભાવના પ્રજ્વલિત કરવામાં પણ આ નાટકે મોટો અને મહત્વનો ભાગ ભજવ્યો છે. વિદેશીઓના મુખથી વારંવાર ઉચ્ચારાયેલા શબ્દો અને વિધાનો ભારતવર્ષનો મહિમા પ્રસ્થાપિત કરે છે. અલકાનો દેશપ્રેમ ભારતની આઝાદીના આંદોલનનું યથોચિત પ્રતિનિધિત્વ કરે છે એ પણ આ નાટકની ખૂબી છે.

સુધા શ્રીવાસ્તવ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે