આરબ-ઇઝરાયલ સંઘર્ષ : 1890 માં યહૂદીઓએ યુરોપ છોડી પૅલેસ્ટાઇનમાં વસવાની શરૂઆત કરી અને યહૂદીવાદી લડતનો તેમજ યહૂદી રાજ્યની રચના અંગેની માંગનો પ્રારંભ થયો. તે સમયે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં આરબો અને જૂજ યહૂદી-વસ્તી પૅલેસ્ટાઇનમાં વસવાટ કરતી હતી.
1917 માં બાલ્ફર ઘોષણા પછી ઇઝરાયલના યહૂદી રાજ્યની સ્થાપનાનો ઇરાદો સ્પષ્ટ થયો, જેનો આરબોએ સખત વિરોધ કર્યો હતો. 1920 માં પૅલેસ્ટાઇનમાં યહૂદી વિરોધી હુલ્લડો થયાં. આથી આ વિસ્તારમાં વહીવટી સંચાલનનું કામ લીગ ઑવ્ નૅશન્સના આદેશ અનુસાર બ્રિટનને સોંપવામાં આવ્યું. 1936 માં આરબોએ બ્રિટિશ વહીવટ વિરુદ્ધ બળવો કર્યો, આથી એક બ્રિટિશ રૉયલ કમિશન નીમવામાં આવ્યું. આ કમિશને પૅલેસ્ટાઇનના ભાગલાની ભલામણ કરી. વળી બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જર્મનીના નાઝી શાસકો દ્વારા અપાતા અમાનુષી ત્રાસ અને દોજખને ભોગવતા યહૂદીઓ વ્યાપક કતલનો ભોગ બન્યા હતા. આ પરિસ્થિતિમાં આરબોના વિરોધ છતાં ઉપર્યુક્ત કમિશનની ભલામણ અનુસાર નવેમ્બર, 1947 માં પૅલેસ્ટાઇનના બે ભાગ કરવામાં આવ્યા, જેમાં 55 % વિસ્તાર ધરાવતો એક હિસ્સો યહૂદી રાજ્યનો અને 45 % વિસ્તાર ધરાવતો બીજો હિસ્સો પૅલેસ્ટાઇન રાજ્યનો જાહેર થયો. આ તબક્કે બંને વચ્ચે (ગૃહ) યુદ્ધ ફાટી નીકળ્યું.14 મે, 1948 માં યહૂદી હિસ્સામાં ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની ઘોષણા કરવામાં આવી. પૅલેસ્ટાઇનના આરબોને તથા પડોશી આરબ રાજ્યોને ઇઝરાયલનું નવું રાજ્ય – સૈદ્ધાંતિક અને ભૌગોલિક, બંને રીતે – માન્ય નહોતું. આથી પાડોશી આરબ રાજ્યોએ આરબ લીગના સભ્ય દેશોને આરબ ગેરીલા તૈયાર કરવાની કામગીરી સોંપી. આવાં ગેરીલા-જૂથો તૈયાર કરવા, લશ્કરી મદદ પહોંચાડવા પણ આ પાડોશી દેશો તૈયાર હતા. આથી આરબ રાજ્યો અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો. બંને દેશો વચ્ચે પ્રવર્તતી આ કટ્ટરતાને કારણે 2000 સુધીમાં તેમની વચ્ચે મુખ્યત્વે છ યુદ્ધો થયાં છે. તે પછી પણ આ સંઘર્ષ ચાલુ રહ્યો છે.
પહેલું યુદ્ધ : ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની ઘોષણા સાથે 15 મે, 1948 થી સંયુક્ત આરબ દળોએ તેના પર આક્રમણ કર્યું અને 13 જાન્યુઆરી, 1949સુધી ઇઝરાયલ સાથે સંઘર્ષ ચાલુ રહ્યો. આ સંઘર્ષ દરમિયાન ઇઝરાયલે સરહદો પરથી આરબોને પાછા ધકેલી પૅલેસ્ટાઇનનો કેટલોક પ્રદેશ જીતી લીધો. આ સંઘર્ષ દરમિયાન આરબોને સોવિયેત રૂસનું અને પૅલેસ્ટાઇનને અમેરિકાનું પીઠબળ મળ્યું. પરિસ્થિતિ સ્ફોટક બની. યુનોએ આ અંગે યુ.એન. કન્સિલિયેશન કમિશન ફૉર પૅલેસ્ટાઇન રચ્યું. આ કમિશને આરબો અને ઇઝરાયલી નેતાઓ સાથે અલગ અલગ મંત્રણાઓ કરી, પણ કોઈ સંધિ થઈ શકી નહિ. 1949ના યુદ્ધવિરામ સમયે ઇઝરાયલ પાસે યુનોએ સોંપેલા મૂળ પ્રદેશ કરતાં એક તૃતીયાંશ હિસ્સા જેટલો વધારાનો પ્રદેશ ઇઝરાયલની જમીનમાં ઉમેરાયો.
બીજું યુદ્ધ : 1949માં સીરિયામાં નવું લશ્કરી શાસન સ્થપાયું. 1952માં ઇજિપ્તમાં પણ લશ્કરી શાસન આવ્યું. પ્રમુખ નાસરે આરબ રાષ્ટ્રવાદની વાત કરી, જેમાં ઇઝરાયલને ધમકી દેખાઈ. 1956માં ઇજિપ્તની સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ઇજિપ્તે તિરાનની સામુદ્રધુનીની નાકાબંધી કરી. ઇઝરાયલે ફ્રેંચ અને બ્રિટિશ ટેકા સાથે સિનાઈ અને ગાઝાપટ્ટી પર આક્રમણ કરી કેટલોક વિસ્તાર (ખાસ તો ગાઝાપટ્ટીનો) જીતી લીધો. આ વિસ્તારમાં યુનોના દળોના પ્રવેશ બાદ અને અમેરિકાના ભારે દબાણ પછી ઇઝરાયલ પાછું હઠ્યું. 1960માં જૉર્ડનમાંથી ઇઝરાયલમાં આવતી જૉર્ડન નદીનાં પાણીને ઇઝરાયલે નાથ્યાં. આ જળ-યોજનાને ‘આક્રમણભર્યું પગલું’ ગણવામાં આવ્યું. 1963માં આરબ લીગના ટેકાથી આ પાણીને અન્ય માર્ગે વાળવાનો પ્રયાસ થયો, પણ ઇઝરાયલે પોતાનું આયોજન ચાલુ રાખ્યું અને તેથી આ જળ-વહેંચણીને કારણે લશ્કરી ઘર્ષણ પેદા થયું.
ત્રીજું યુદ્ધ : 5 જૂન, 1967ના દિવસે 18 વર્ષ બાદ સીરિયા, જૉર્ડન અને ઇજિપ્ત – આ ત્રણ રાષ્ટ્રોએ ઇઝરાયલ પર સંયુક્ત આક્રમણ કર્યું. પરિણામે ‘છ દિવસીય યુદ્ધ’ તરીકે જાણીતું લોહિયાળ યુદ્ધ ફાટી નીકળ્યું. ઇઝરાયલે જૉર્ડન અને સિનાઈ પર ભારે હવાઈ હુમલા કરી આરબોની હવાઈ તાકાત પર કુઠારાઘાત કર્યો. સિનાઈ દ્વીપકલ્પ પર માત્ર ત્રણ જ દિવસમાં અંકુશ સ્થાપિત કર્યો. જેરૂસલેમનું જૂનું શહેર કબજે કર્યું અને સિનાઈની ‘ગોલાન હાઇટ્સ’ની ટેકરીઓ પર કબજો કર્યો. 10 જૂને આ યુદ્ધ અટક્યું. આ યુદ્ધ દરમિયાન સુએઝ નહેર બંધ કરવામાં આવી ત્યારે ઇઝરાયલે જાહેર કર્યું કે તે જેરૂસલેમનો વિસ્તાર છોડી દેવાનું નથી. આ તબક્કે પૅલેસ્ટાઇનમાં આરબ રાષ્ટ્રવાદ વિકસ્યો અને મજબૂત બન્યો. તેમનું મહત્વનું જૂથ ફતાહ (Fatah) છે જેના નેતા યાસર અરાફત હતા. તેમણે પૅલેસ્ટાઇનના રાષ્ટ્રવાદને સક્રિય કરવા પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનિઝેશન (PLO) રચ્યું. આથી ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ રાષ્ટ્રવાદી સંઘર્ષ બન્યો. પૅલેસ્ટાઇનને આરબ જગતનો ટેકો અને નાણાં – બંને ઉપલબ્ધ હતાં. મધ્યપૂર્વમાં શાંતિના સામ્રાજ્યનો અંત આવ્યો.
ચોથું યુદ્ધ : 6 ઑક્ટોબરથી 24 ઑક્ટોબર, 1973 દરમિયાન આ યુદ્ધ ખેલાયું. 6 ઑક્ટોબરે ઇઝરાયલમાં યોમ કિપર(Yom Kippur)નો ધાર્મિક તહેવાર હતો ત્યારે તેના પર બે હુમલા કરવામાં આવ્યા. ઇઝરાયલ માટે આ અનપેક્ષિત આક્રમણ હતું. ઇજિપ્તે સરહદે રહેલાં ઇઝરાયલી દળોને પાછાં ધકેલ્યાં, સીરિયાએ ઉત્તરમાંથી હુમલો કર્યો, તેમાં ઇરાક પણ જોડાયું. જૉર્ડન, લિબિયા અને અન્ય આરબ રાજ્યોએ સીરિયાને ટેકો આપ્યો. ઇઝરાયલે ભારે જાનહાનિ સાથે વળતો જવાબ આપી તેનો પ્રતિકાર કર્યો. 25ઑક્ટોબર, 1973માં યુનોના પ્રયાસોથી યુદ્ધવિરામ થયો અને નવેમ્બરમાં યુદ્ધવિરામ અંગેનો કરાર થયો. આ કરાર છતાં ઇઝરાયલ અને સીરિયાનાં દળો વચ્ચે 1974 સુધી છમકલાં ચાલુ રહ્યાં. અમેરિકાના વિદેશમંત્રી હેન્રી કિસિંજરના મુત્સદ્દીગીરીભર્યા પ્રયાસોને લીધે વેસ્ટ બૅંક અને ઈસ્ટ બૅંક વિસ્તારોમાંથી બંને દેશનાં લશ્કરી દળો ખસી ગયાં. આરબ રાજ્યોએ પહેલી વાર રાજકીય અને આર્થિક રીતે સ્થિતિ મજબૂત કરી, જેથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો. ઇજિપ્ત અને સીરિયાના અમેરિકા સાથેના મુત્સદ્દીય સંબંધો 1967થી તૂટેલા હતા તે ફરીને શરૂ થયા. 1973 ના આ યુદ્ધથી મધ્યપૂર્વમાં નોંધપાત્ર બદલાવ આવ્યો, પરંતુ એથી મૂળ સમસ્યામાં ખાસ કોઈ પ્રગતિ થઈ શકી નહોતી.
પાંચમું યુદ્ધ : 1978માં પૅલેસ્ટાઇનના ગેરીલાઓએ લેબેનૉનમાં આશ્રય લીધો અને ઇઝરાયલ પર હુમલાઓ કરવા માંડ્યા આથી ઇઝરાયલે વળતા હુમલા કર્યા. પરિસ્થિતિ ઘણી તણાવભરી હતી. આ સ્થિતિમાં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે 1978માં અમેરિકાના મેરીલૅન્ડ રાજ્યના કૅમ્પ-ડેવિડ ખાતેની સંધિ દ્વારા શાંતિ સ્થાપવાનો પ્રયાસ થયો; પરંતુ અન્ય આરબ રાજ્યોને આ સંધિ મંજૂર નહોતી. આ સંધિ હેઠળ ઇઝરાયલે 1979થી1982 સુધીમાં કેટલાક આરબ વિસ્તારોમાંથી બે તબક્કે દળો પાછાં ખેંચ્યાં; પરંતુ જેરૂસલેમ અને વેસ્ટ બૅંક વિસ્તાર અંગે સંમતિ સાધી શકાઈ નહોતી, તેથી આ વિસ્તારો ઉપરાંત ગાઝાપટ્ટી પરનું ઇઝરાયલનું પ્રભુત્વ ચાલુ રહ્યું.
છઠ્ઠું યુદ્ધ : આ પરિસ્થિતિમાં 6 જૂનના રોજ 1982માં ઇઝરાયલે લેબેનૉન પર આક્રમણ કર્યું. તેના રાજધાનીના શહેર બૈરુતને ઘેરો ઘાલ્યો અને પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનિઝેશન તથા સીરિયાનાં દળોને આ સમગ્ર વિસ્તાર ખાલી કરવાની ફરજ પાડી. ફેબ્રુઆરી 1985માં ઇઝરાયલે લેબેનૉનમાં એકપક્ષી યુદ્ધવિરામ કરી દળો પાછાં ખેંચ્યાં, પરંતુ દક્ષિણ લેબેનૉનમાં સલામત વિસ્તાર (security zone) સ્થાપ્યો. પૅલેસ્ટાઇનના ગેરીલાઓ અને આક્રમણકારો વિરુદ્ધ તે આ વિસ્તારની ‘બફર’ વિસ્તાર તરીકે જાળવણી કરે છે તથા પૅલેસ્ટાઇનના ગેરીલા જૂથોના છાપાઓ વિરુદ્ધ લેબેનૉનના ઐચ્છિક લશ્કર(militia)ને ટેકો આપી હુમલાઓને ખાળી રાખે છે.
સાતમું યુદ્ધ : સપ્ટેમ્બર 2000થી આત્મઘાતી ટુકડીઓ દ્વારા ઇઝરાયલના નાગરિકોની જુદે જુદે ઠેકાણે હત્યાઓ કરવાની આતંકવાદી પ્રવૃત્તિ શરૂ થઈ. 2002 સુધીમાં આ સંહારક પ્રવૃત્તિ વધુ ને વધુ વ્યાપક અને ઉગ્ર બની તેમજ પુનરાવર્તન પામતી ગઈ. પરિણામે ઇઝરાયલે પોતાનાં લશ્કરો માર્ચ, 2002માં પૅલેસ્ટાઇન ફરતે ગોઠવી દીધાં. પૅલેસ્ટાઇનના વડામથક રામલ્લા ખાતે યાસર અરાફતના નિવાસસ્થાનની ચારેય બાજુ રણગાડીઓની અભેદ્ય દીવાલ ઊભી કરી; તેમનો વીજળી, પાણી અને દૂરસંચાર-જોડાણોનો પુરવઠો ખોરવી નાંખી તેમને નજરકેદની નિ:સહાય સ્થિતિમાં મૂકી દીધા. ઇઝરાયલના વડાપ્રધાન એરિયલ શેરોને પૅલેસ્ટાઇન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી, અરાફતને ‘દુશ્મન’ જાહેર કર્યા. 4થી માર્ચ, 2002ના રોજ અરાફતને ‘પૅલેસ્ટાઇન છોડી પરત ન ફરવાની શરતે’ પૅલેસ્ટાઇનમાંથી દેશનિકાલ થવા ઇઝરાયલે સંમતિ આપી હતી. ઇઝરાયલ અરાફતને ‘અલગ પાડી દેવા’ (isolate) માંગે છે. અલબત્ત, અમેરિકા અને વિશ્વના અન્ય દેશોના દબાણ હેઠળ એપ્રિલ, 2002માં યાસર અરાફતને કરેલો ઘેરાવ હળવો બનાવી દઈ તેમને મુક્ત કર્યા. પૅલેસ્ટાઇન પર લશ્કરી દળો ખડકી દેવાનું કારણ એ હતું કે ઇઝરાયલમાં વકરી રહેલા ત્રાસવાદ માટે અરાફત અને તેમનું ‘અલ-ફતહ’ સંગઠન સંકળાયેલાં હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા હતા, જે વડાપ્રધાન શેરોને ઇઝરાયલની ‘કન્સેટ’ (સંસદ) સમક્ષ રજૂ કર્યા હતા. આ પુરાવા અનુસાર ઇઝરાયલના નાગરિકની હત્યા કરનાર પ્રત્યેક આત્મઘાતી હુમલાખોરને અરાફત, તેમનું ‘અલ-ફતહ’ સંગઠન તેમજ ‘હમાસ’ સંગઠન જંગી નાણાકીય મદદ પૂરી પાડતું હતું.
પૅલેસ્ટાઇનના ઘણા વિસ્તારો પર ઇઝરાયલે વર્ચસ્ સ્થાપ્યું હતું. આરબ લીગ વતી સાઉદી અરેબિયાએ આ યુદ્ધ શાંત પાડવા એક ફૉર્મ્યુલા રજૂ કરી હતી, જેનો બંનેમાંથી કોઈ દેશોએ પ્રતિસાદ આપ્યો નહોતો. અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશે ઇઝરાયલને તેનાં દળો પાછાં ખેંચવા જણાવેલું, પરંતુ આ સૂચનનો ઇઝરાયલે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. રાષ્ટ્રસંઘે તાકીદની બેઠક બોલાવી બંને પક્ષોને યુદ્ધવિરામ કરવા અને ઇઝરાયલને પૅલેસ્ટાઇનના વિસ્તારમાંથી લશ્કરી દળો પાછાં ખેંચવા જણાવ્યું હતું. ઇઝરાયલે આ વિસ્તારોમાંથી નજીવી પીછેહઠ કરી, જે દેખાવ પૂરતી જ હતી.
ઇઝરાયલ ત્રાસવાદ વિરુદ્ધ અંતિમ યુદ્ધ છેડી મક્કમ રાષ્ટ્ર બની રહેવા ઇચ્છે છે. ઇઝરાયલની કન્સેટ(સંસદ)ની સંયુક્ત બેઠકમાં વડાપ્રધાન શેરોને જણાવ્યું કે આ ધ્યેય પૂરું ન થાય ત્યાં સુધી લશ્કર પાછું ખેંચવાનો સવાલ પેદા થતો નથી. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોના અભિપ્રાય અનુસાર આ મુદ્દે ઝડપથી શાંતિ સ્થાપિત થાય તેમ જણાતું નથી અને ઇઝરાયલ નિર્ણાયક પરિણામ પર પહોંચવા કટિબદ્ધ છે. વાસ્તવમાં આ બનાવથી પશ્ચિમ એશિયામાં સ્થપાયેલી શાંતિ જોખમાઈ છે અને શાંતિ-પ્રક્રિયામાં ભારે ઓટ આવી છે. આ સંદર્ભમાં આરબ ક્રાંતિની વિગતોનો અભ્યાસ રસપ્રદ બની રહે તેમ છે.
શેરોનના અનુગામી વડાપ્રધાન એહડ ઓલ્મટૅના નેતૃત્વમાં પણ ઇઝરાયલે લડત ચાલુ રાખી હતી. 2009થી બેન્જામિન નેતાન્યાહૂ ઇઝરાયલના વડાપ્રધાન છે. તેમણે ‘ઇકૉનૉમિક પીસ’ નામથી સ્થિરતા લાવવાના પ્રયાસો કર્યા હતા. તેમણે પેલેસ્ટાઇનના પ્રતિનિધિ સઈબ અર્કોટ સાથે સંવાદ કર્યો હતો, પરંતુ એમાં ખાસ સફળતા મળી ન હતી. 2020માં નેતાન્યાહૂએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ઇઝરાયલ-પેલેસ્ટાઇન પીસ પ્લાન’નું સમર્થન આપ્યું હતું. જોકે, એ પ્લાન અમલી બને તે પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડન સામે ચૂંટણી હારી ગયા હતા. અલગ અલગ સમયે જુદી જુદી રીતે શાંતિ સ્થાપવાના પ્રયાસો થયા હોવા છતાં આરબ લીગ અને ઇઝરાયલ વચ્ચે તંગદિલી યથાવત્ રહી છે.
રક્ષા મ. વ્યાસ