બિજનોર (બિજનૌર) : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો 29° 02´થી 29° 57´ ઉ. અ. અને 77° 59´થી 78° 56´ પૂ. રે. વચ્ચેનો 4,715 ચોકિમી. જેટલો ત્રિકોણાકાર વિસ્તાર આવરી લે છે. તેનો  સમાવેશ બરેલી (રોહિલખંડ) વિભાગમાં કરવામાં આવેલો છે. તેની સમગ્ર પશ્ચિમ સરહદ પર થઈને ગંગા નદી પસાર થાય છે, ત્યાં હરદ્વાર, સહરાનપુર, મુઝફ્ફરનગર અને મેરઠ જિલ્લા આવેલા છે. ઈશાન તરફ ગઢવાલનો પહાડી પ્રદેશ છે. પૂર્વ તરફ નૈનીતાલ-મોરાદાબાદને અલગ પાડતી પિખા નદી વહે છે. દક્ષિણ તરફ મોરાદાબાદના ઠાકુરદ્વાર, અમરોહા અને હસનપુર તાલુકાઓ આવેલા છે. જિલ્લામથક બિજનોર જિલ્લામાં પશ્ચિમ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : પ્રાકૃતિક રચનાના સંદર્ભમાં અહીં વિવિધ લક્ષણો જોવા મળે છે. જિલ્લાનો મોટો ભાગ ખેતીલાયક સમતળ મેદાની પ્રદેશ છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ ઘણાં નદી-નાળાંથી બનેલું છે. આ મેદાની પ્રદેશ અને નદીથાળાં ઉત્તર અને ઈશાન તરફ જંગલોમાં ફેરવાય છે. ઉત્તર તરફની શિવાલિક હારમાળા પૂર્વ તરફ વિસ્તરે છે, તે સહરાનપુરને દહેરાદૂનથી અલગ પાડે છે. પૂર્વ તરફ ભાબરનો પ્રદેશ છે. પહાડી વિભાગમાંથી વહેતાં વેગવાળાં ઝરણાં નીચે ઊતર્યાં પછી ધીમાં પડી કળણભૂમિ રચે છે. અહીં ઘાસ તેમજ થોડાંઘણાં વૃક્ષો ઊગી નીકળે છે. ઉત્તર વિભાગ ફળદ્રૂપ અને ભેજવાળો છે. ઉત્તર વિભાગમાં ચંડી હારમાળા છે. ત્યાંની ઊંચાઈ સ્થાનભેદે આશરે 290થી ઘટીને 268 મીટર થાય છે. જિલ્લાનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. અહીં બાણગંગા અને કરૂલા નદીઓ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. પૂર્વ તરફનો સાંકડો પટ્ટો રામગંગા નદી સુધી પથરાયેલો છે. આ જિલ્લામાં સરકારી અનામત જંગલો અને ખાનગી જમીનદારી જંગલો જેવા બે વિભાગો છે. ચંડી હારમાળામાં વાંસ અને ઘાસ પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળે છે. સાલ, ઢાક (કેસૂડો), સેન, અસના, તેંદુ, હલદુ અને સીસમનાં વૃક્ષો નજીકના મેદાની પ્રદેશમાં જોવા મળે છે. પશ્ચિમ સરહદ રચતી ગંગા અને પૂર્વ તરફ નૈનીતાલ–મોરાદાબાદને અલગ પાડતી પિખા નદી અહીંની મુખ્ય નદીઓ છે. ખેતી-પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે. અહીં 61 % ખરીફ અને 33 % રવી પાકોનું વાવેતર થાય છે. ઘઉં, ડાંગર અને શેરડી આ જિલ્લાના મુખ્ય પાક છે. આ ઉપરાંત અમુક પ્રમાણમાં તુવેર અને ચણા જેવાં કઠોળની ખેતી પણ થાય છે. અહીંના ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે. તેઓ ગાય, ભેંસ, ઘેટાં, બકરાં જેવાં દુધાળાં પ્રાણીઓ પાળે છે. આ પ્રાણીઓની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી અહીં પશુદવાખાનાં, પશુ-ચિકિત્સાલયો તેમજ કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો અને ઉપકેન્દ્રો સ્થપાયાં છે. ઘેટાં-સંવર્ધનકેન્દ્રો તેમજ મરઘાં-ઉછેર કેન્દ્રોનો વિકાસ પણ કરવામાં આવેલો છે.

બિજનોર જિલ્લો

ઉદ્યોગો-વેપાર : આ જિલ્લો ઔદ્યોગિક વિકાસની ર્દષ્ટિએ પછાત છે, પરંતુ કુટિર-ઉદ્યોગો તથા હસ્તકારીગરીના એકમો વિસ્તારવામાં આવેલા છે. તેની પેદાશોની દેશમાં તેમજ પરદેશમાં ખૂબ માંગ રહે છે. અહીં પિત્તળની કલાકારીગરીવાળી ચીજવસ્તુઓ તથા પિત્તળ, ઍલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો તૈયાર થાય છે. અહીં ખાંડનાં ચાર કારખાનાં તેમજ કાચની કલાત્મક ચીજવસ્તુઓનાં કારખાનાં વિકસ્યાં છે. નગીના ખાતે કાપડની એક મિલ છે. સૂતર-વણાટનું કાપડ અહીંથી ભારતભરમાં જાય છે. કાંસકા અને લાકડાનાં રમકડાં અહીંની મુખ્ય પેદાશો છે. આ જિલ્લાનાં નગરોમાં પિત્તળનાં વાસણો, ખાદીનું કાપડ, ચપ્પા-છરીઓ, ખેતીનાં ઓજારો ને માટલાં બને છે. વળી ખાંડ, ગોળ તેમજ ખાદ્યતેલોનું ઉત્પાદન પણ થાય છે. વળી દારૂ ગાળવાનું કારખાનું તથા શીશા, સૂક્ષ્મ અપઘર્ષકો (abrasives) તેમજ સ્ટ્રૉ-બોર્ડ બનાવવાનાં કારખાનાં પણ છે. માનસરોવર બૉટલિંગ કંપની તથા ધામપુર શુગર મિલ જાણીતાં છે. અહીં બનતી ઉપર્યુક્ત ચીજવસ્તુઓની જિલ્લા બહાર નિકાસ થાય છે; જ્યારે ઘઉં, ચોખા, શાકભાજી, ઘી, ચામડાં, સૂતર, કપાસ અને લોખંડની આયાત થાય છે.

પરિવહન : પરિવહનક્ષેત્રે રેલસેવાનું અહીં ખૂબ મહત્વ છે. 27 રેલમથકો સહિત 189 કિમી. લંબાઈનો બ્રૉડગેજ રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. આ જિલ્લાનાં મોટાભાગનાં નગરો તેમજ કેટલાંક ગામ રેલ અને સડકમાર્ગોથી સંકળાયેલાં છે. અહીંથી એક પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી. જિલ્લાભરમાં 224 કિમી.ના રાજ્યમાર્ગો, 1,116 કિમી.ના જિલ્લામાર્ગો તથા 323 કિમી.ના ગ્રામ માર્ગો છે. આ ઉપરાંત 200 કિમી.ના અર્ધપાકા રસ્તાઓ પણ છે. દરેક હજાર ચોકિમી. વિસ્તારમાં 296 કિમી.ના રસ્તાઓની સગવડ છે.

પ્રવાસન : આ જિલ્લો પ્રવાસન-ક્ષેત્રે ખાસ જાણીતો નથી. જેનો ઉલ્લેખ મહાભારતમાં નિર્દિષ્ટ છે તે બિધુર કૂટી મંદિર, નજીબાબાદ પરગણામાં અને રફીઉન્નગર ખાતેનાં ચંડી અને ચંદગોયેલાનાં પ્રવાસધામો તેમજ બિજનોર ખાતેનું ચંડીદેવીનું પવિત્ર મંદિર આ જિલ્લાનાં જોવાલાયક સ્થળો ગણાય છે. અહીં દર વર્ષે બ્રહ્માનું સ્વરૂપ ગણાતા બુરહાબાબુના માનમાં મેળો ભરાય છે. ઘોઘાપીરના નામથી જાણીતા સ્થાનિક સંત ઝાહિર દીવાનનું અહીં ઘણું મહત્વ છે. અહીં એક ઘણો જૂનો દુર્ગ પણ આવેલો છે, તેમાં રાજ્ય સંગ્રહાલય તૈયાર કરવામાં આવેલું છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 24,54,521 જેટલી છે, તે પૈકી 13,11,710 પુરુષો અને 11,42,811 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 18,39,169 અને 6,15,352 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 14,19,479; મુસ્લિમ : 9,90,405; ખ્રિસ્તી : 1960; શીખ : 38,081; બૌદ્ધ : 2,755; જૈન : 1,790; અન્ય-ધર્મી : 23 તથા ઇતર 28 છે. જિલ્લામાં હિન્દી, પંજાબી તથા ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં કુલ શિક્ષિતોનું પ્રમાણ 7,81,511 જેટલું છે, તે પૈકી 5,46,209 પુરુષો અને 2,35,302 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ 5,56,218 અને 2,25,293 જેટલું છે. શિક્ષણના જુદા જુદા તબક્કાઓને આવરી લેતી શાળાઓ નગરો અને મોટાભાગનાં ગામડાંઓમાં આવેલી છે. હોમિયોપેથિક કૉલેજની પણ સગવડ છે. તબીબી સેવાઓની ઉપલબ્ધિ પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને 5 તાલુકાઓમાં અને 11 સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 20 નગરો અને 3,029 (897 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : દિલ્હી સલ્તનતના શરૂઆતના સમયમાં બિજનોરનો ઇતિહાસ તેની નજીકના કટેહર, બદાયૂન અને સંભલના ઇતિહાસને મળતો આવે છે. કવિ અમીર ખુસરોનાં લખાણોમાં બિજનોરનાં વર્ણનો આવે છે. દિલ્હીના સૈયદ વંશના સુલતાન ખિઝ્રખાનના વજીર તાજુલ્મુલ્કે કટેહર અને બિજનોર તરફ કૂચ કરીને તે પ્રદેશ ખેદાનમેદાન કર્યો હતો. ત્યાંનો રાજા હરસિંગ નાસી ગયો. તેનો પીછો કરીને તેને પકડવામાં આવ્યો અને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. 1418માં રાજા હરસિંગે ફરીથી બળવો કર્યો. તાજુલ્મુલ્ક તે શમાવી શક્યો નહિ. તેથી 1419માં ખિઝ્રખાને ત્યાં જાતે જઈને બંડો દબાવી દીધાં. બિજનોરનો આ વિસ્તાર અશાંત રહેતો હતો. દિલ્હી પ્રાંતના સંભલ સરકાર(જિલ્લા)માં બિજનોરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ‘આઈને અકબરી’માં તેના ઉલ્લેખો મળે છે. અકબરના શાસન બાદ લાંબા સમય પર્યન્ત બિજનોરના ઉલ્લેખો મળતા નથી. આ દરમિયાન ત્યાં શાંતિ જળવાઈ હતી. 1857ના બળવા સમયે બ્રિગેડિયર જૉન્સે નજીબાબાદ કબજે કર્યું. અંગ્રેજ સેના સહિત શેક્સપિયરે જિલ્લાનો હવાલો સંભાળ્યો અને નજીબાબાદને તેનું મુખ્ય મથક બનાવ્યું હતું.

બિજનોર (નગર) : ઉત્તરપ્રદેશ રાજ્યના બિજનોર જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 29° 50´ ઉ. અ. અને 78° 01´ પૂ. રે. નગરની પશ્ચિમમાં થઈને ગંગા નદી વહે છે. નદીના પશ્ચિમ કાંઠે મુઝફ્ફરનગર આવેલું છે. દિલ્હી–દહેરાદૂનને જોડતો રેલમાર્ગ બિજનોર પાસેથી પસાર થાય છે. રાજ્યનાં મહત્વનાં શહેરોને જોડતા પાકા રસ્તાઓ સાથે આ નગર સંકળાયેલું છે. તે જિલ્લાની ખેતીની પેદાશોનું મહત્વનું મથક બની રહેલું છે. અહીં સ્પિનિંગ મિલો આવેલી છે. ઈ. સ. 1801માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આ શહેરનું આયોજન કરવામાં આવ્યું હતું. 1991 મુજબ આ શહેરની વસ્તી 66,156 હતી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ

નીતિન કોઠારી