બિગોનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગોનિયેસી કુળની એક માંસલ, કંદિલ (tuberosus) અથવા પ્રકંદી (rhizomatous) શોભન પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) જાતિઓ છે; જે ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે અને મુખ્યત્વે અમેરિકામાં થાય છે. વિશ્વભરમાં તેની 600 જેટલી જાતિઓ નોંધાયેલી છે. ભારતમાં તેની લગભગ 80 જેટલી જાતિઓ જોવા મળે છે; તે પૈકી 30 જેટલી વિદેશી જાતિઓ પ્રવેશ પામેલી છે. ગુજરાતમાં છોટાઉદેપુર, ડાંગ અને પંચમહાલનાં જંગલોમાંથી Begonia crenata Dryand નૈસર્ગિક રીતે મળી આવે છે. ગ્રેહામ અને ડાલઝેલે પશ્ચિમઘાટ અને કોંકણના પર્વતીય કિનારા પરથી તેની પાંચ જાતિઓ એકત્રિત કરી હતી. મહાબલેશ્વર, ઊટી, કોડાઈ કૅનાલ અને પંચમઢીની પર્વતમાળામાં તે પ્રાકૃતિક રીતે થાય છે.
તે અંગ્રેજીમાં ‘બીફસ્ટીક-જિરાનિયમ’ અથવા ‘એલિફંટ-ઇયર’ તરીકે જાણીતી છે અને શોભન-વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં કૂંડાંઓમાં, ક્યારીઓમાં, શૈલ-ઉદ્યાનો(rockery)માં, લટકતી ટોપલીઓમાં અને ઘરમાં ઉગાડવા માટે આદર્શરૂપ ગણાય છે. વિશ્વભરમાં તેની અસંખ્ય સંકર-જાતોનું વાવેતર સૌથી સુંદર પુષ્પો અને આકર્ષક રંગીન પર્ણો માટે કરવામાં આવે છે. આ જાતોના પાંચ ઉદ્યાનવિદ્યાકીય (horticultural) વર્ગો આ પ્રમાણે છે : (1) કંદિલ મૂળવાળી જાતિઓ અત્યંત સુંદર હોય છે. તે આકર્ષક પર્ણસમૂહ, ચમકતા રંગનાં પુષ્પો અને પ્રકંદ ધરાવે છે. Begonia davissi Veitch ex Hook. f., B. froebelii A. DC., B. bicolor Wats. અને B. grandis Dry. syn. B. evansiana Andr. જેવી જાણીતી જાતિઓ આ વર્ગની છે. (2) તંતુમય મૂળવાળી જાતિઓ લગભગ 1.8 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું પ્રકાંડ નેતર જેવું હોય છે અને બારે માસ પુષ્પો આપે છે. તેનો પર્ણસમૂહ સામાન્યત: ઝાંખા કે ચળકતા લીલા રંગનો હોય છે. આ વર્ગની કેટલીક જાણીતી જાતિઓમાં B. corallina Carr., B. X ‘Gigantea Rosea’ Hort., B. X ‘Prsident Carnol’ અને B. maculata Raddiનો સમાવેશ થાય છે. (3) અર્ધ-તંતુમય (semi-fibrous) મૂળવાળી પ્રકંદી જાતિઓમાં B. nelumbifolia Cham. f. Schlccht.નો સમાવેશ થાય છે. તે જાડાં, વિસર્પી (creeping), ભૂમિગત પ્રકાંડો અને લાંબા પર્ણદંડવાળાં મોટાં પર્ણો ધરાવે છે. (4) સુંદર પર્ણોવાળી અથવા રેક્ષ (Rex) જાતિઓ 15 સેમી.થી 25 સેમી. ઊંચાઈવાળી વામન અને સુંદર પટ્ટીવાળો (striped) પર્ણસમૂહ ધરાવતી જાતિઓ છે. આસામમાં મળી આવતી B. rex Putz. મુખ્ય પ્રજનક (progenitor) જાતિ છે. બ્રાઝિલમાં B. convolvulacea A. DC. પણ જાણીતી જાતિ છે. B. rex અને B. annulata C. Koch. syn. B. griffithii Hook સૌથી મહત્વની સંકરિત (hybridized) જાતિઓ છે. (5) ક્યારી (bed) માટેની અથવા સેમ્પરફ્લોરન્સ (semperflorens) જાતિઓ વામન, 25 સેમી. સુધીની ઊંચાઈ ધરાવતી સઘન અને મુક્તપણે પુષ્પનિર્માણ કરતી જાતિઓ છે.
તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય સ્વરૂપે થાય છે અને વધારેમાં વધારે 90 સેમી.થી 150 સેમી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનાં પર્ણો વિવિધ આકારનાં, ખંડિત, અસમાન, લીસાં, માંસલ, દંતુરિત અને ઉપપર્ણીય હોય છે અને બહુશિરી શિરાવિન્યાસ અને લાંબા પર્ણદંડ ધરાવે છે. તે વિવિધરંગી હોવાથી આકર્ષક લાગે છે. પુષ્પો એકલિંગી, સફેદ, રતાશ પડતાં કે ગુલાબી રંગનાં હોય છે અને પર્ણકક્ષમાં સમૂહમાં પરિમિત પુષ્પવિન્યાસ બનાવે છે. નિપત્રો (bracts) અને નિપત્રિકાઓ (bractieoles) સન્મુખી હોય છે. વજ્રપત્રો 2 અને દલપત્રો 2 હોય છે. નર-પુષ્પમાં બહિર્ગોળ પુષ્પાસન પર આશરે 50 જેટલાં પુંકેસરો સમૂહમાં ઉત્પન્ન થાય છે. માદા પુષ્પો ઉપરિજાય (epigynous) હોય છે. બાહ્ય પરિદલચક્ર વજ્રસર્દશ (sepaloid) અને કદમાં મોટું હોય છે, જ્યારે અંત:પરિદલચક્ર કદમાં નાનું અને રંગીન હોય છે. બીજાશય અધ:સ્થ, ચપટું હોય છે અને ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. પરાગવાહિનીઓ 2થી 4 અને મુક્ત હોય છે અથવા તલસ્થ ભાગેથી જોડાયેલી હોય છે. બીજ અસંખ્ય અને કદમાં નાનાં હોય છે.
તેની જાતિઓ ઠંડી, ભેજવાળી અને અર્ધ-છાયાવાળી આબોહવા પસંદ કરે છે અને પુષ્કળ પવન અને શુષ્કતા સામે રક્ષણ માગે છે. તે પોષકતત્વો ધરાવતી, વેરાઈ જાય તેવી (friable), સારા પ્રમાણમાં સિંચિત, હલકી અને રેતાળ ભૂમિમાં થાય છે. કૂંડામાં ઉગાડવા માટે કોહવાતું દેશી ખાતર, હાડકાનો ભૂકો, કોલસાની ભૂકી અને રેત અથવા ઈંટની ભૂકી વાપરવામાં આવે છે. તેમનું પ્રસર્જન બીજ, પર્ણો અને કટકારોપણ દ્વારા થાય છે. પ્રકંદના ટુકડા કરીને કે છોડને મૂળમાંથી છૂટા પાડીને પણ વંશવૃદ્ધિ કરવામાં આવે છે. વાનસ્પતિક પ્રસર્જન માટે પર્ણોનો ઉપયોગ કરવામાં આવે છે. કંદિલ મૂળવાળી જાતિઓને Botrytis cinerea Pers. ex Fr. દ્વારા પ્રકાંડનો સડો થાય છે. તેના નિયંત્રણ માટે ઝિંક ડાઇમિથાઇલ – ડાઇથાયોકાર્બેમેટ(ઝીરમ)નો ઉપયોગ કરવામાં આવે છે. Xanthomonas begoniae (Takim) Dowson. દ્વારા બૅક્ટેરિયલ રોગ થાય છે. કેટલીક જાતિઓ પર ઇતરડી અને માંકડની જાતિઓ આક્રમણ કરતી હોવાનું નોંધાયું છે.
કેટલીક જાતિઓના માંસલ પર્ણદંડો અને પ્રકાંડો ઍસિડિક અને મનભાવન સુગંધવાળાં હોય છે. તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે અને રેવંચી (Rheum emodi Wall ex Meissn.)ના છોડની જેમ તે માંસ અને માછલીને સુગંધિત કરવામાં વપરાય છે. ખાસ કરીને દક્ષિણ અમેરિકાની કેટલીક જાતિઓના પ્રકંદ કડવા અને સંકોચક (astringent) હોય છે અને તેમનો ઉપયોગ કેટલાક પ્રકારના તાવ અને ઉપદંશ(syphilis)માં થાય છે. તેનાં પર્ણો અને મૂળ છાતીના રોગોમાં વમનકારી (emetic) તરીકે વાપરવામાં આવે છે. કેટલીક જાતિઓ રેચક ઘટક ધરાવે છે, કેટલીક જાતિઓ જળો માટે વિષાળુ હોય છે. તેના ઍસિડયુક્ત રસનો શોધન-પ્રક્રિયક (cleansing agent) તરીકે ઉપયોગ થાય છે.
B. nelumbifolia 40થી 50 સેમી. ઊંચા છોડ સ્વરૂપે થાય છે. તેનાં પર્ણો કમળનાં પર્ણો જેવાં મોટાં, ગોળ અને આછા લીલા રંગનાં થાય છે, અને છોડ આછા ગુલાબી રંગનાં પુષ્પોથી લદાઈ જાય છે. આ જાતિ કૂંડામાં તેમજ લટકતી ટોપલીઓમાં સારી રીતે ઉછેરી શકાય છે.
B. malabarica Lam. હૃદયાકાર પર્ણો ધરાવતી મોટી શાકીય જાતિ છે. તે એકગૃહી (monoecious) ગુલાબી પુષ્પો અને સપક્ષ (winged) પ્રાવર ધરાવે છે અને નીલગિરિ, અનાઈમલાઈ, પાલની અને કર્ણાટકમાં 1800 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તે સ્ટીગ્મેસ્ટેરૉલ ધરાવે છે.
B. laciniata Roxb. var. nepalensis A. DC. લાંબા પ્રકંદ ધરાવતી શાકીય જાતિ છે, અને ઘન-રોમિલ (tomentose) પ્રકાંડ અને ખંડિત પર્ણો ધરાવે છે. તેનાં પુષ્પો એકગૃહી સફેદથી માંડી ઘેરા ગુલાબી રંગનાં અને પ્રાવર સપક્ષ હોય છે. તે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલડ અને મણિપુરમાં 2100 મી.ની ઊંચાઈ સુધી થાય છે. નાગાલડમાં તેના મૂળનો ક્વાથ તાવ અને યકૃતની ફરિયાદોમાં આપવામાં આવે છે. તેના તાજા પ્રરોહો દાંતનાં દર્દોમાં ચૂસવામાં આવે છે. તેના માંસલ પર્ણદંડોનો નિષ્કર્ષ જાતીય રોગોની ચિકિત્સામાં ઉપયોગી છે.
B. picta Sm. બહુ થોડાંક જ કંદિલ મૂળવાળી અને બહુવર્ણી હૃદયાકાર પર્ણો ધરાવતી શાકીય જાતિ છે. તેનાં પુષ્પો એકગૃહી અને આછાં ગુલાબી હોય છે અને પ્રાવર મોટું, રોમિલ (pubescent) અને સપક્ષ હોય છે. તે હિમાચલ પ્રદેશથી આસામ, મેઘાલય, મણિપુર અને પશ્ચિમ બંગાળ અને બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં 2,000 મી. ઊંચાઈ સુધી થાય છે. તેનાં પર્ણો સ્વાદે ઍસિડિક હોય છે અને શાકભાજી તરીકે ખાવામાં આવે છે તેમજ આંતરડાંનાં દર્દો અને મરડામાં પણ તે ઉપયોગી છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ
જૈમિન વિ. જોશી