બિગ્ઝ, રૉનાલ્ડ

January, 2000

બિગ્ઝ, રૉનાલ્ડ (જ. 1929) : નામચીન લૂંટારો–ગુનેગાર. ‘ધ ગ્રેટ ટ્રેન રૉબરી’ એ જગતભરમાં ચર્ચાયેલી સનસનાટીભરી લૂંટ લેખાઈ છે. આવી યુક્તિ અને સાહસપૂર્ણ યોજના બિગ્ઝની ગુંડા-ટોળકીએ ઘડી કાઢી હતી. લૂંટારા જે ખેતરમાં સંતાયા હતા ત્યાંથી મળેલી આંગળાંની છાપ પરથી પ્રથમ પાંચ લૂંટારા પકડાયા તેમાં બિગ્ઝનો પણ સમાવેશ થતો હતો.

કાવતરું ઘડી કાઢવા બદલ તેને 25 વર્ષની અને સશસ્ત્ર લૂંટ કરવા બદલ 30 વર્ષની જેલની સજા કરવામાં આવી. 1965માં તે વૉન્ડ્ઝ જેલમાંથી ભાગી છૂટી ઑસ્ટ્રેલિયા જતો રહ્યો. પોલીસ સતત તેનો પીછો કરતી રહી. છેવટે તે બ્રાઝિલમાં સ્થાયી થયો. ત્યાંથી દેશનિકાલ થવામાંથી ઊગરી ગયો, કારણ કે તેની સ્ત્રી-મિત્ર તેના સહચારના પરિણામે ગર્ભવતી બની હતી. (બ્રાઝિલના કાયદા અનુસાર બ્રાઝિલમાં જન્મેલાં સંતાનોના પિતાને દેશનિકાલ કરી શકાય તેમ ન હતું.) તે હજુ પણ બ્રાઝિલમાં વસે છે. 1997માં તેનો પુત્ર ઉંમરલાયક થવાથી તેના દેશનિકાલનો પ્રશ્ન ફરીથી ઊખળ્યો હતો, પરંતુ તેને બ્રાઝિલમાં રહેવાની છૂટ અપાઈ હતી.

મહેશ ચોકસી