ચર્ચિલ, સર વિન્સ્ટન (જ. 30 નવેમ્બર 1874, વુડસ્ટૉક, ઑક્સફર્ડશાયર, લંડન; અ. 24 જાન્યુઆરી 1965, લંડન) : બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કરી સાથીરાજ્યોને વિજય મેળવવામાં અગ્રેસર રહેનાર (1940–45), હિટલરના ભયની સામે લોકોનું દેશાભિમાન જગાડનાર તથા અંગ્રેજી ભાષાની વાક્છટા તથા લેખનશૈલીમાં અનોખી ભાત પાડનાર બ્રિટનના સામ્રાજ્યના પક્ષકાર રૂઢિચુસ્ત પક્ષના અગ્રગણ્ય રાજકીય નેતા. આખું નામ વિન્સ્ટન લૅનાર્ડ સ્પેન્સર ચર્ચિલ. પિતા લૉર્ડ રૅન્ડોલ્ફ ચર્ચિલ. હૅરો અને સૅન્ડહર્સ્ટ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી 1895માં તે લશ્કરમાં દાખલ થયા. દક્ષિણ આફ્રિકામાં ‘બોઅર વિગ્રહ’ (1899–1902) દરમિયાન તેમણે ‘મૉર્નિગ પોસ્ટ’ અખબારના યુદ્ધ-ખબરપત્રી તરીકે કામ કર્યું હતું. આ કામગીરી દરમિયાન તે ડચ – બોઅરોને હાથે કેદ પકડાયા હતા; પરંતુ પછીથી નાસી છૂટ્યા હતા. 1900માં તે ઓલ્ડમમાંથી રૂઢિચુસ્ત પક્ષના સભ્ય તરીકે આમસભામાં ચૂંટાયા; પરંતુ 1906માં તે ઉદારમતવાદી પક્ષમાં ભળ્યા અને તે પક્ષના સભ્ય તરીકે વાયવ્ય મૅન્ચેસ્ટરમાંથી ચૂંટણી જીત્યા. તેમને સર હેન્રી કૅમ્બલ બૅનમનના પ્રધાનમંડળ(1906–08)માં લેવામાં આવ્યા તથા સાંસ્થાનિક ખાતું સોંપવામાં આવ્યું. 1908માં તેમને બોર્ડ ઑવ્ ટ્રેડના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા; પરંતુ તે પછી તેમને ગૃહ ખાતાનો હવાલો સોંપવામાં આવ્યો.
1911માં ચર્ચિલને ગૃહ ખાતામાંથી નૌકા ખાતામાં (ફર્સ્ટ લૉર્ડ ઑવ્ ઍડમિરલ્ટી તરીકે) મૂકવામાં આવ્યા. તેમણે આ હોદ્દા ઉપરથી નૌકા ખાતામાં કેટલાક જરૂરી સુધારા કર્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમને નૌકા સેનાપતિ લૉર્ડ ફિશર સાથે કેટલીક વ્યૂહાત્મક બાબતો વિશે મતભેદ પડ્યો હતો. દરમિયાનમાં નવા યુદ્ધ પ્રધાનમંડળમાં તેમનો સમાવેશ ન થતાં હોદ્દાનું રાજીનામું આપ્યું. પછી તે લશ્કરમાં જોડાયા અને ફ્રાન્સની ભૂમિ ઉપર જર્મની સામે લડવા પણ ગયા. દરમિયાનમાં 1917માં તેમને ફરી વખત પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા. 1918માં તેમને યુદ્ધ ખાતું સોંપવામાં આવ્યું. પરંતુ 1921માં તેમને યુદ્ધ ખાતાને બદલે સાંસ્થાનિક ખાતું સોંપવામાં આવ્યું. 1922માં લૉઇડ જ્યૉર્જના મિશ્ર પ્રધાનમંડળના પતન પછી તેમની રાજકીય કારકિર્દીમાં થોડો વિરામ આવ્યો, એ સમય તેમણે લેખન-પ્રવૃત્તિમાં વિતાવ્યો.
દરમિયાનમાં દિવસે દિવસે તેમના વિચારો સમાજવાદ-વિરોધી થવા લાગ્યા હતા. તેને પરિણામે તેમને ઉદારમતવાદી (liberal) પક્ષ સાથે મતભેદો પડવા લાગ્યા. પરિણામે ફરી વખત રૂઢિચુસ્ત પક્ષમાં ભળ્યા અને 1924માં તે પક્ષના ઉમેદવાર તરીકે તે આમસભામાં ચૂંટાયા અને બૉલ્ડવિન-પ્રધાનમંડળમાં તેમને નાણાખાતું સોંપવામાં આવ્યું. નાણા-પ્રધાન તરીકે તેમણે દેશમાં સોનાનું ચલણ ફરી શરૂ કર્યું અને કરવેરામાં ફેરફારો કરી દેશના અર્થતંત્રને યુદ્ધની અસરોમાંથી મુક્ત કરીને પુન: ચેતનવંતું બનાવવાના પ્રયત્નો કર્યા. 1929માં રૂઢિચુસ્ત સરકારનું પતન થતાં ચર્ચિલની નાણાપ્રધાન તરીકેની કારકિર્દીનો અંત આવ્યો.
1939ના સપ્ટેમ્બરમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં વડાપ્રધાન નેવિલ ચેમ્બરલેને યુદ્ધ પ્રધાનમંડળની રચના કરી, તેમાં ચર્ચિલને ફર્સ્ટ લૉર્ડ ઑવ્ ઍડમિરલ્ટી બનાવી નૌકા ખાતું સોંપ્યું. દરમિયાનમાં નેવિલ ચેબરલેનની વિદેશનીતિની તથા યુદ્ધ-સંચાલન નીતિની પક્ષમાં તથા દેશમાં ઘણી ઉગ્ર ટીકા થતાં (આ ટીકાકારોમાં ચર્ચિલ પણ હતા) તેમણે 1940ની 9મી મેએ હોદ્દાત્યાગ કર્યો. તેમની જગ્યાએ ચર્ચિલને વડાપ્રધાનપદ સોંપવામાં આવ્યું. તેમણે દેશ સમક્ષ આવી પડેલી યુદ્ધની કટોકટીને કારણે પોતાના પ્રધાનમંડળને વિસ્તૃત બનાવી, તેમાં અન્ય પક્ષોના સભ્યોનો પણ સમાવેશ કર્યો. આમ તેમની સરકાર સાચા અર્થમાં સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકાર બની.
ચર્ચિલ 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડને તથા મિત્રરાજ્યોને વિજય અપાવવામાં તેમનો ઘણો મોટો ફાળો હતો. યુદ્ધની કટોકટીના સમયે તેમણે દેશને વિજય માટે આપેલો સંકેત ‘V’ (‘V’ for Victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો હતો. યુદ્ધસમય દરમિયાન ચર્ચિલ, અમેરિકન પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટ અને સોવિયેત સંઘના વડાપ્રધાન સ્ટાલિન – આ ત્રણ માંધાતા યુદ્ધ પછીના ‘નૂતન વિશ્વના નિર્માણકર્તા’ ગણાતા. પરંતુ 1945માં યુદ્ધ પૂરું થયું કે તરત જ ઇંગ્લૅન્ડમાં યોજાયેલી ચૂંટણીઓમાં જનતાએ ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષને ફગાવી દીધો અને દેશનું યુદ્ધોત્તર નવનિર્માણનું કાર્ય મજૂર પક્ષને સોંપ્યું! આ પછી 1951ની ચૂંટણીઓમાં ફરી વખત ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ વિજયી બનતાં તેમણે 77 વર્ષની પાકટ ઉંમરે પ્રધાનમંડળની રચના કરી. 1953માં તેમને નાઇટ ઑવ્ ધ ગાર્ટરનો ઇલકાબ આપવામાં આવ્યો ત્યારથી તે સર વિન્સ્ટન ચર્ચિલ તરીકે સંબોધાવા લાગ્યા. 1955ની 6ઠ્ઠી એપ્રિલે તેમણે તબિયતને કારણે રાજીનામું આપતાં તેમની રાજકીય કારકિર્દીનો અંત આવ્યો. 1963માં અમેરિકાની કૉંગ્રેસે ખાસ અધિનિયમ કરી તેમને યુ.એસ.નું માનાર્હ નાગરિકત્વ આપી તેમનું અનન્ય બહુમાન કર્યું હતું. તેમનું અવસાન થયું ત્યારે રાષ્ટ્રે પોતાના આ યુદ્ધવીરને ભવ્ય રાજકીય સન્માન સાથે વિદાય આપી. સર વિન્સ્ટન ચર્ચિલ એક સમર્થ રાજપુરુષ હોવા ઉપરાંત ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર તેમજ વક્તા અને ચિત્રકાર પણ હતા. તેમણે લખેલાં આત્મકથાત્મક યુદ્ધસંસ્મરણો ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર’ વિશ્વસાહિત્યમાં ઘણું ઊંચું સ્થાન ધરાવે છે. મુખ્યત્વે એ માટે જ 1953માં તેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક અપાયું હતું.
દેવેન્દ્ર ભટ્ટ