ચર્ચ ઇમાત્રા : ફિનલૅન્ડમાં ઇમાત્રા ખાતેનું ચર્ચ. સ્થાપત્યની આધુનિક શૈલીના એક પ્રણેતા સમા આલ્વાર આલ્ટોએ તેના સ્થાપત્યનું આયોજન કરેલું. તે 1957–59 દરમિયાન બંધાયેલું. આજુબાજુની ઔદ્યોગિક વસાહતને લક્ષમાં લઈને દેવળના સ્થાપત્યમાં ઘંટ માટે બંધાતો મિનાર ખાસ પ્રકારનો રચાયેલ જેથી તેનો આકાર આગવી છાપ ઊભી કરી શકે; જ્યારે દૂરથી દેવળની બાહ્ય રચના તેના આંતરિક આયોજનનો ખ્યાલ આપે છે. તે જુદા જુદા ધાર્મિક તેમજ સામાજિક ઉપયોગને માટે રચાયેલ છે. તેના જુદા જુદા ભાગો ખસી શકે તેવી દીવાલોને આધારે જુદા પાડી શકાય છે; વિશાળ જગ્યાની જરૂર ઊભી થાય ત્યારે દીવાલો ખસેડીને એક વિશાળ ખંડ બનાવી દેવાય છે; તેમાં 800 માણસોનો સમાવેશ થઈ શકે છે. નાના ભાગોમાં વિભાજિત થયા બાદ દેવળમાં પ્રાર્થના માટે 290 માણસો બેસી શકે છે. આ જાતની રચના લૂથરન ધાર્મિક ક્રિયાઓ માટે કરાયેલ છે. દેવળની વ્યાસપીઠની દીવાલ સીધી છે અને પડઘા ન પડે તે માટે તેની સામેની દીવાલને ત્રણ ભાગમાં ગોળાકાર રીતે બાંધેલ છે. સમગ્ર આયોજનમાં અત્યાધુનિક બાંધકામની રચનાથી દેવળોના સ્થાપત્યને એક નવી શૈલી મળે છે જે માટે સ્થાપત્યના ઇતિહાસમાં આ ઉદાહરણ અગત્યનું સ્થાન ધરાવે છે.

રવીન્દ્ર વસાવડા