બાલાટૉન સરોવર : મધ્ય યુરોપનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : તે 46° 45´ ઉ. અ. અને 17° 45´ પૂ. રે.ની આજુબાજુ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલું છે. તે મધ્ય હંગેરીમાં બુડાપેસ્ટની નૈર્ઋત્યમાં આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. તેનો વિસ્તાર 596 ચોકિમી. જેટલો છે અને હંગેરીના બૅકોની પર્વતોના દક્ષિણ ભાગની તળેટી-ટેકરીઓની ધાર પર 77 કિમી.ની લંબાઈમાં પૂર્વ-પશ્ચિમ પથરાયેલું છે. જ્યાં તે વધુમાં વધુ પહોળું છે ત્યાં તેની મહત્તમ પહોળાઈ 14.5 કિમી. જેટલી અને મહત્તમ ઊંડાઈ 11 મીટર જેટલી છે. ઝાલા નદી તેને પુષ્કળ જળપુરવઠો પૂરો પાડે છે. તેનાં પાણી બહાર કાઢવા માટે પૂર્વ તરફના ભાગમાં અવરોધી દરવાજાઓ મૂકેલા છે. દર બે વર્ષે તેનું બધું પાણી કાઢી નાખી તાજું ભરવામાં આવે છે. ભૂસ્તરીય ઇતિહાસની ષ્ટિએ જોતાં તેની ઉત્પત્તિ 10 લાખ વર્ષ જૂની અર્થાત્ પ્લાયસ્ટોસીન વયની ગણાય છે. તે અગાઉ ત્યાં ઉત્તર-દક્ષિણ દિશામાં લંબાયેલાં પાંચ નાનાં નાનાં સરોવરો હતાં, તેમની દરેકની વચ્ચે ભૂમિવિભાજકો હતા, આ વિભાજકો ક્રમશ: ઘસાતા જવાથી તે એક થયેલું છે, તેની જૂની આકારિકીનો હજી આજે પણ ખ્યાલ આવે છે. તેની ઉત્તરે તિહાની દ્વીપકલ્પ આવેલો છે, તે સરોવર તરફ વિસ્તરેલો હોવાથી તે ભાગના સરોવરની પહોળાઈ માત્ર 1.6 કિમી. જેટલી જ છે. વાસ્તવમાં આ સંકડાશ વિભાજકોનો અવશિષ્ટ ભાગ જ છે.
સરોવર વિસ્તારની આબોહવા ખંડીય છે. મેથી ઑક્ટોબર દરમિયાન આબોહવા સૂર્યતાપવાળી, ગરમ રહે છે. શિયાળામાં તેની ઉપલી જલસપાટીમાં 20 સેમી. જેટલો બરફનો થર જામી જાય છે. અહીં વાયવ્યકોણી પવનો ફૂંકાય છે, તેથી તેના અગ્નિ કિનારાના ભાગો પર ઘસારો પહોંચે છે, જળસપાટી તરંગો (સીચિઝ-seiches) ઉદભવે છે, આ સાથે વાતાવરણનું દબાણ પણ અસર કરે છે અને ઘસારો વધે છે. આ ઉપરાંત અહીં તિહાનીના સંકડાશવાળા ભાગમાં જળપ્રવાહોની ગતિ દર સેકંડે 1.5 મીટરની રહે છે. શક્ય છે કે ભૂતકાળમાં આ પ્રકારના ઘસારાને પરિણામે પાંચ સરોવરો વચ્ચેના વિભાજકો નીચા જઈને તે એક બન્યું હશે.
આ સરોવરજળનું રાસાયણિક બંધારણ યુરોપનાં અન્ય સરોવરો કરતાં જુદું પડે છે. તેમાં મુખ્યત્વે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને સોડિયમના કાર્બોનેટ અને સલ્ફેટ ક્ષારો રહેલા છે. આ ક્ષારોની આંતરપ્રક્રિયાથી જળબંધારણ સલ્ફો-કાર્બોનેટ લક્ષણવાળું બની રહ્યું છે. સરોવરની આજુબાજુનો વિસ્તાર વનસ્પતિ તેમજ પ્રાણીજીવનથી સમૃદ્ધ છે. તિહાની દ્વીપકલ્પમાં જંગલી પ્રાણીઓનું અભયારણ્ય આવેલું છે. અહીં વિરલ જળચાહક પક્ષીઓ પણ જોવા મળે છે. સરોવરની દક્ષિણ સરહદની જમીનો ફળદ્રૂપ છે. વાયવ્યભાગમાં જ્વાળામુખીજન્ય જમીનો છે ત્યાં દ્રાક્ષનું વાવેતર થાય છે. જોકે ખેતીનું પ્રમાણ ઘણું ઓછું છે.
20મી સદીના ઉત્તરાર્ધકાળમાં આ વિસ્તારનો પ્રવાસીઓ માટે સુવિધાઓ ઊભી કરીને વિકાસ કરવામાં આવ્યો છે. કિનારે આવેલું બાલટૉનફર્ડ [વસ્તી : આશરે 15,000 જેટલી (1983)] નગર નજીકમાં આવેલા ઔષધીય મૂલ્ય ધરાવતા 11 જેટલા ઝરાઓ માટે જાણીતું બનેલું છે, સ્વાસ્થ્ય-કેન્દ્ર તરીકે તે વિકસ્યું છે. નજીક નજીકની અને જૂનામાં જૂની અહીંની વસાહતો તિહાનીના ભાગોમાં જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા