બાલા, જિયાકૉમો (જ. 18 જુલાઈ 1871; અ. 1 માર્ચ 1958) : ફ્યૂચરિસ્ટ શૈલીમાં કામ કરનાર આધુનિક ઇટાલિયન ચિત્રકાર. શરૂઆત તેમણે પૅરિસમાં રહીને નવપ્રભાવવાદી શૈલી મુજબ ટપકાં વડે ચિત્રો આલેખવાથી કરી; પણ 1901માં તેઓ રોમ આવ્યા અને આગળ જતાં ભવિષ્યમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર ચિત્રકારો અમ્બર્ટો બૉચિયોની અને જિનો સૅવેરિનીના કલાગુરુ બન્યા. રોમ-નિવાસ દરમિયાન તેઓ નવપ્રભાવવાદી અસરમાંથી પૂરેપૂરા મુક્ત થયા અને આધુનિક  યંત્રવિજ્ઞાનનો મહિમા કરનાર ફ્યૂચરિસ્ટ શૈલી તરફ વળ્યા. આ દરમિયાન તેમણે ક્યૂબિઝમ, છબીકલા તેમજ સિનેમેટોગ્રાફીનો ઊંડો અભ્યાસ કર્યો અને એ નિષ્કર્ષ પર આવ્યા કે ગતિમાન વ્યક્તિઓ અને વસ્તુનું આલેખન સ્થિર નહિ, પણ ગતિમાન થવું જોઈએ. તેમની આ માન્યતાઓનો પડઘો તેમની મહત્વની ચિત્રકૃતિઓ ‘સ્પીડિંગ ઑટોમોબાઇલ’ અને ‘ધ ડૉગ’માં જોવા મળે છે. પહેલી કૃતિમાં ધસમસતી કારનું અને બીજી કૃતિમાં દોડતા કૂતરાનું આલેખન એવી રીતે થયું છે કે દર્શકને ગતિનો અનુભવ થયા વિના ન રહે. બીજી કૃતિમાં તો દોડતા કૂતરાની દોડતી વખતની પગના હલનચલનની જુદી જુદી મુદ્રાઓ ચીતરી છે. 1910માં મિલાન નગર ખાતે ‘ટેક્નિકલ મૅનિફેસ્ટો ઑવ્ ફ્યૂચરિસ્ટ પેઇન્ટિંગ’ પર હસ્તાક્ષર કરનાર તેઓ સૌથી મોટી ઉંમરના ચિત્રકાર હતા.

અમિતાભ મડિયા