બાતિની (બાતિનિયા)

January, 2000

બાતિની (બાતિનિયા) : શિયાપંથી મુસ્લિમોમાંથી ‘ઇસ્માઇલીઓ’ કહેવાતો એક સમૂહ. બાતિની અરબી ભાષાનો શબ્દ છે; તે ‘બાતિન’ ઉપરથી બન્યો છે. તેનો અર્થ આત્મા થાય છે. કેટલાક ઇસ્માઇલી શિયાઓ પવિત્ર કુરાન તથા પયગંબર સાહેબનાં પવિત્ર વચનો(હદીસ)ના આંતરિક અર્થ ઉપર ભાર મૂકતા હતા તેથી તેઓ ‘બાતિની’ કહેવાયા. જે વ્યક્તિ કુરાન તથા હદીસના બાહ્ય અર્થને અવગણીને તેના છૂપા અર્થનો સ્વીકાર કરે તે પણ ‘બાતિની’ કહેવાય છે.

ઇસ્માઇલી તથા તેમના જેવા અન્ય શિયાપંથી લોકોમાં કુરાનનું માર્મિક અર્થઘટન કરવાની એક વિશિષ્ટ પરંપરા શરૂ થઈ હતી; જેને બાતિની તફસીર કહી શકાય. ધર્મનું અર્થઘટન પોતાના સંપ્રદાયની વિચારસરણીને અધીન બનાવવા માટેનો આ પ્રયત્ન કહી શકાય. ઇસ્લામ ધર્મનું અર્થઘટન કુરાન તથા હદીસના સંદર્ભમાં સ્પષ્ટ રીતે થયેલું હતું, પરંતુ કેટલાક સમુદાયો તથા તેમના ગુરુઓ મનસ્વી રીતે ધર્મનું આચરણ કરતા હતા. તેમને ખરું બતાવવા માટે તેમણે આંતરિક અર્થનો આશરો લીધો હતો. આની શરૂઆત આઠમા સૈકામાં ઇરાકના કટ્ટરપંથી શિયાઓમાં થઈ હતી. તેમના કથન અનુસાર, કુરાનના શબ્દ ‘અલ-સમાવાત’(એટલે આકાશ)નો આંતરિક અર્થ ‘ઇમામ’ થાય છે અને ‘અલ-અર્ઝ’(એટલે ધરતી)નો આંતરિક અર્થ ‘ઇમામના અનુયાયી’ થાય છે. આવી રીતે તેમાં ઇમામના પદને ગૌરવવંતું અને આવશ્યક બનાવવા માટે શબ્દોના મૂળ અર્થ બદલી નાખતા હતા. અબુલ ખત્તાબ(અવસાન : 755–756)ના અનુયાયીઓ જે ‘ખત્તાબી’ કહેવાય છે તેમણે ખાસ રીતે એ પ્રથા પ્રચલિત બનાવી હતી. તેઓ કહેતા હતા કે દરેક કાળમાં એક નાતિક (Vocal) ગુરુ હોય છે જે ધર્મની હકીકતોને સામાન્યજનો સમક્ષ મૂકે; અને બીજો સામિત (Silent) ગુરુ હોય છે જે ખાસ વર્તુળમાં જ હકીકતોની માર્મિક તફસીર કરે. તેમનો પાયાનો વિચાર એવો હતો કે જગતમાં દરેક દૈવી અથવા આધ્યાત્મિક હકીકતનો બાહ્યની સાથે સાથે આંતરિક અર્થ પણ થતો હોય છે. તેઓ જુદા જુદા લોકોને અલગ અલગ સમય અનુસાર એક જ હકીકત ભિન્ન રીતે સમજાવવામાં શ્રદ્ધા રાખતા હતા અને તે પ્રમાણે અર્થઘટન કરતા હતા. આની પાછળ તેમનો ખરો આશય તો પોતાની નોખી વિચારસરણીનો પ્રચાર માત્ર હતો; દા.ત., ઇસ્લામી કાયદા અનુસાર જેની પાસે અમુક પ્રકારનું નક્કી માત્રામાં ધન હોય તેવા દરેક ધનિકે ગરીબોને જકાત આપવી એવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. શિયા ઇમામો (ધર્મગુરુઓ) પોતાના અનુયાયીઓ પાસેથી નજરાણું લેતા હતા. આ બાબતને સમર્થિત કરવા માટે તેમણે ‘જકાત’ શબ્દનો માર્મિક અર્થ આવકનો પાંચમો ભાગ અથવા 20 % રકમ ઇમામને આપવી એવો ઘટાવ્યો. આ પ્રકારના પ્રયત્નોથી સાદી અને સરળ ઇસ્લામી માન્યતાઓમાં તથા ઇસ્લામી સિદ્ધાંતોમાં ગૂંચવાડા પેદા થયા. બાતિની વિચારસરણી આગળ વધીને એટલી હદે પહોંચી ગઈ હતી કે તેને કુરાન કરતાં પણ વધુ દૈવી ગણવામાં આવી.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી