આયંગર, એન. ગોપાલસ્વામી (જ. 31 માર્ચ 1882 ચેન્નાઇ ; અ. 10 ફેબ્રુઆરી 1953 ચેન્નાઇ ) : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં જન્મ. ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક થયા. શરૂઆતમાં ચેન્નાઈની કૉલેજમાં પ્રાધ્યાપક. પછી રાજ્યની સનંદી નોકરીમાં ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર તરીકે નીયુકતી થઇ.
1937 માં તેઓ કાશ્મીરના દીવાન નિમાયા અને કાશ્મીર પર મુજાહિદોએ હુમલો કર્યો ત્યારે રાજ્યના બચાવમાં તેમણે કામ કર્યું અને ભારતની સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો.
તેઓ ભારતની બંધારણ સમિતિના સભ્ય હતા તેમજ ભારત સરકારમાં રેલવે તેમજ સંરક્ષણ ખાતાના મંત્રી હતા. 1947 માં ખાતા સિવાયના મંત્રી તરીકે ભારત સરકારમાં જોડાયા, પછીથી રેલવે અને સંરક્ષણ મંત્રીના હોદ્દા ઉપર. તેઓ ભારતના બંધારણ-ઘડવૈયાઓમાંના એક હતા. 1922માં બ્રિટિશ સરકારે તેમને દીવાનબહાદુરનો ઇલકાબ આપેલો.
હેમન્તકુમાર શાહ