બર્લેસ્ક : પ્રહસનપ્રચુર વિડંબનારૂપ મનોરંજનલક્ષી રચના. આ સંજ્ઞાનું મૂળ જોવાયું છે ઇટાલિયન શબ્દ burlesco burlaમાં : તેનો અર્થ થાય છે ઠેકડી અથવા મજાક. તે કોઈ સાહિત્યિક કે સંગીતબદ્ધ રચનાની અતિશયોક્તિપૂર્ણ-અનુકરણરૂપ ઉપહાસિકા જેવી રચના હોય છે અને તેનાં શૈલી તથા ભાવ પૅરડી કરતાં વિસ્તૃત અને જોશીલાં હોય છે. મોટાભાગે તે રંગભૂમિના મનોરંજન સાથે સંકળાયેલું રહ્યું છે. એને ‘વિડંબનિકા’ પણ કહી શકાય.

ઍરિસ્ટોફેનિસે પોતાનાં નાટકોમાં પ્રસંગોપાત્ત, બર્લેસ્કનો ઉપયોગ કર્યો છે. ગ્રીક સૅટર નાટકો એક પ્રકારનાં બર્લેસ્ક જ હતાં. એલિઝાબેથન યુગનાં નાટકોમાંની વિદૂષકવેડાથી ભરપૂર અવાંતર પ્રહસનિકાઓ પણ આ સ્વરૂપનો જ એક આવિષ્કાર લેખાય છે.

ઇંગ્લૅન્ડમાં આનો સૌથી પ્રારંભિક નમૂનો ‘અ મિડસમર નાઇટ્સ ડ્રીમ’(આ. 1595)માં બૉટમ અને તેની મંડળી મારફત ભજવાતી પિરૅમસ અને થિસ્બીની નાટિકાને માનવામાં આવે છે. એમાં શેક્સપિયરની નેમ તેમની પૂર્વેની અવાંતર પ્રહ્સનિકાઓની મજાક ઉડાડવાની છે. થોડાં વર્ષ પછી ફ્રાન્સિસ બ્યૂમૉન્ટે પૂરી લંબાઈની સર્વપ્રથમ નાટ્યકૃતિરૂપે બર્લેસ્કની જે રચના કરી તે ‘ધ નાઇટ ઑવ્ ધ બર્નિંગ પેસલ’ (આ. 1607) છે. 1671માં ડ્યૂક ઑવ્ વેલિંગ્ટન નામે જ્યૉર્જ વિલર્સે ‘ધ રિહર્સલ’ નામની કૃતિ ભજવી તે પૂરી લંબાઈના નાટ્યાત્મક બર્લેસ્કનો અનન્ય નમૂનો લેખાય છે. આ રચનામાં તેમણે સમકાલીન અદાકારો તેમજ નાટ્યકારોની સાથોસાથ તેમના સમયની હીરૉઇક ટ્રૅજેડીની પણ હાંસી ઉડાવી છે. ફીલ્ડિંગે પણ ‘ટૉમ થમ્બ’ (1730) તથા ‘હિસ્ટોરિકલ રજિસ્ટર ફૉર ધ યર’(1736)માં આવો જ હેતુ સિદ્ધ કર્યો છે. આવી અન્ય કેટલીક રચનાઓમાં સૌથી લોકપ્રિય નીવડી તે ગ્રેની ‘ધ બેગર્સ ઑપેરા’ (1728). અમુક અંશે તે ઇટાલિયન બર્લેસ્ક જેવી કૃતિ છે. તેણે પ્રારંભેલી આ ઢબની રંગતભરી રચનાઓ પાછળથી ઓગણીસમી સદીમાં ખૂબ લોકપ્રિય નીવડી. આ પછીના સમયગાળાની ગણનાપાત્ર નાટ્યાત્મક બર્લેસ્ક રચનાઓ છે ગ્રેની ‘ધ વૉટ ડૂ યૂ કૉલ ઇટ’ (1715), ગે, પોપ અને જૉન આર્બથનૉટે સંયુક્ત રીતે લખેલી ‘થ્રી અવર્સ આફ્ટર મૅરેજ’ (1717), ફીલ્ડિંગરચિત ‘ધ કૉવેન્ટ ગાર્ડન ટ્રૅજેડી’ (1732), જી. એ. સ્ટીવન્સકૃત ‘ડિસ્ટ્રેસ આફ્ટર ડિસ્ટ્રેસ’ (1732), શેરિડનની રચના ‘ધ ક્રિટિક’ (1779) અને વિલિયમ રોડ્ઝ લિખિત ‘બૉમ્બાસ્ટિક ફ્યુરિથોસો’ (1810).

બર્લેસ્ક માત્ર નાટક પૂરતું મર્યાદિત રહ્યું ન હતું. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેન્ચ નાટ્યકાર સ્કેરૉને ‘વર્જિલ ટ્રાવેસ્ટી’ (1648) નામક બર્લેસ્ક પદ્યમાં રચ્યું હતું. સૅમ્યુઅલ બટલરે ‘હ્યુડિબ્રાસ’(1662)માં વીરકાવ્યની વિડંબના કરતું કાવ્ય રચ્યું અને તેમાં રૉમાન્સ, શૌર્યગાથા તથા પ્યુરિટનવાદની બર્લેસ્ક શૈલીથી હાંસી ઉડાવી. 1674માં બ્વોલોએ ‘લ લુટ્રિન’ નામે પ્રસિદ્ધ વિડંબનાલક્ષી મહાકાવ્ય રચ્યું અને તેમાં પુષ્કળ વક્રોક્તિ તથા મહાકાવ્યસહજ ગાંભીર્ય અને ઔચિત્ય જાળવી રાખીને ક્લાસિકલ મહાકાવ્યની ઠેકડી ઉડાવી. ડ્રાયડને ‘ધ હાઇન્ડ ઍન્ડ ધ પૅન્થર’માં બોધલક્ષી પ્રાણીકથાનું બર્લેસ્ક રચ્યું; ત્યારપછી પોપે ‘રેપ ઑવ્ ધ લૉક’ તથા ‘ધ ડન્સિયાડ’ (1728, 1742, 1743) જેવાં વિડંબનાલક્ષી વીરકાવ્યોમાં બર્લેસ્કની બહુવિધ શક્યતાઓ વિશે કસબી પ્રભુત્વ દાખવ્યું. સ્વિફ્ટરચિત ‘બૉક્સી ઍન્ડ ફિલમૉન’ (1709) પણ આ ગાળાનું મનપસંદ બર્લેસ્ક બની રહ્યું.

આમ બર્લેસ્ક નાટ્યરૂપે તથા કાવ્યરૂપે – એમ બંને પ્રકારે વૈવિધ્યપૂર્ણ રીતે ખેડાયેલો સાહિત્યપ્રકાર છે.

મહેશ ચોકસી