બર્નાર્ડ, ક્રિશ્ચિયન (જ. 1922, દક્ષિણ આફ્રિકા) : હૃદય-પ્રત્યારોપણના આફ્રિકાના નામાંકિત સર્જન. કેપટાઉન મેડિકલ સ્કૂલમાંથી તે સ્નાતક થયા.
અમેરિકામાં સંશોધન કર્યા બાદ, હૃદયની ખુલ્લી શસ્ત્રક્રિયા તથા ખુલ્લા પ્રત્યારોપણ વિશે વધુ કાર્ય કરવા 1958માં તેઓ કેપટાઉન પાછા ફર્યા. ડિસેમ્બર 1967માં તેમણે માનવહૃદયનું સૌપ્રથમ વાર સફળતા-પૂર્વક પ્રત્યારોપણ કર્યું. 18 દિવસ પછી તે દર્દી લૂઈ વૉશકૉન્સ્કી ન્યૂમોનિયાને કારણે અવસાન પામ્યો. પ્રત્યારોપિત હૃદયની પેશીનો આદાતા (recepient)નું પ્રતિરક્ષાતંત્ર (immune system) અસ્વીકાર કરે નહિ તે માટે આપેલી દવાઓના કારણે એનું જોખમ વધી ગયું હતું. જાન્યુઆરી 1968માં બીજા દર્દી ફિલિપ બ્લૉબર્ગ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી અને તે 594 દિવસ જીવ્યો. 1983માં તેમણે નિવૃત્તિ લીધી.
શિલીન નં. શુક્લ
મહેશ ચોકસી