બરુવા, વેણીમાધવ (જ. 31 ડિસેમ્બર 1888, પહારતલી, જિ. ચિત્તાગૉંગ, બાંગ્લાદેશ; અ. 24 માર્ચ 1948, કલકત્તા) : ભારતીય વિદ્યાના વિદ્વાન. વેણીમાધવ ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. એમણે 1911માં બરહામપુરની કૃષ્ણનાથ કૉલેજમાં અભ્યાસ કરીને પાલિ મુખ્ય વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ ક્રમે પસાર કરી.  1913માં કલકત્તા યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં પાલિ મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમ મેળવ્યો. એ પછી ચિત્તાગૉંગની મહામુનિ ઍંગ્લો-પાલિ ઇન્સ્ટિટ્યૂટમાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા. પછી થોડા સમયમાં જ ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતાં તેઓ 1914ના સપ્ટેમ્બરમાં ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા.

ઇંગ્લૅન્ડમાં તેમણે લંડન યુનિવર્સિટીમાં ડી. લિટ.ની પદવી માટે સંસ્કૃત, પાલિ તથા પ્રાકૃતનો ઊંડો અભ્યાસ માગી લે એવો વિષય પસંદ કર્યો. એફ. ડબ્લ્યૂ. ટૉમસ, એલ. ડી. બારનેટ વગેરે ભારતીય વિદ્યાઓના વિદ્વાનો પાસેથી માર્ગદર્શન મેળવી તેઓ પાલિ સાહિત્ય, પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાન અને સંશોધનની આધુનિક પદ્ધતિઓમાં પારંગત બન્યા. ટી. ડબ્લ્યૂ. આર્નોલ્ડ, ટી. ડબ્લ્યૂ. ર્હીશ ડેવિડ્ઝ, જી. ડેવિસ હિક્સ, કાર્વેથ રીડ, આર્થર ઍન્થની, મૅકડોનેલ વગેરે વિદ્વાનોએ એમને ઘણી મદદ કરી અને માર્ગદર્શન આપ્યું. ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સંશોધન પૂર્ણ કરીને જુલાઈ 1917માં એમણે ‘ધી ઓરિજિન ઍન્ડ ગ્રોથ ઑવ્ ઇન્ડિયન ફિલૉસોફી ફ્રૉમ ધ વેદઝ ટુ બુદ્ધિઝમ’ વિષય પર ડી. લિટ.ની પદવી પ્રાપ્ત કરી.

કલકત્તા પાછા આવીને તેઓ 1918માં કલકત્તા યુનિવર્સિટીમાં પાલિ ભાષાના વ્યાખ્યાતા તરીકે જોડાયા. 1924માં તેઓ એ જ યુનિવર્સિટીમાં પાલિ વિભાગના વડા તથા પ્રોફેસર બન્યા. તેઓ દેશની ઘણી વિદ્યાસંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ બૅંગૉલના ‘ફેલો’ તરીકે એમની વરણી થઈ હતી અને એ સંસ્થા તરફથી બૌદ્ધ સાહિત્યના વિદ્વાન તરીકે એમને બી.સી.લૉ. સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો. શ્રીલંકાની વિદ્યાલંકાર પરિવેણ સંસ્થા તરફથી એમને માર્ચ 1944માં ‘બૌદ્ધ ધર્મ અને પૂર્વવેદાંત’ વિશે વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપવા બદલ ‘તિપિટકકરીય’નો ઇલકાબ આપવામાં આવ્યો હતો.

એમણે બૌદ્ધ ધર્મ, કલા, ઇતિહાસ અને અભિલેખો વિશે અનેક પુસ્તકો લખવા ઉપરાંત ‘ઇન્ડિયન કલ્ચર’ સામયિકના સહતંત્રી તરીકે કામ કર્યું હતું. એમનાં નોંધપાત્ર પુસ્તકોમાં ‘અ હિસ્ટરી ઑવ્ પ્રિ-બુદ્ધિસ્ટિક ઇન્ડિયન ફિલૉસોફી’, ‘રોલ ઑવ્ બુદ્ધિઝમ ઇન ઇન્ડિયન લાઇફ ઍન્ડ થૉટ’, ‘ગયા ઍન્ડ બુદ્ધગયા’, ‘ઓલ્ડ બ્રાહ્મી ઇન્સ્ક્રિપ્શન્સ ઇન ધી ઉદયગિરિ ઍન્ડ ખંડગિરિ કેવ્ઝ’, ‘ભારહુત’, ‘ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ અશોક’, ‘ફિલૉસૉફી ઑવ્ પ્રોગ્રેસ’ વગેરેનો સમાવેશ થાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી