બરુવા, ભાવેન (જ. 1940) : જાણીતા અસમિયા કવિ અને વિવેચક. કલકત્તાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી અંગ્રેજીમાં ઑનર્સ સાથે સ્નાતક થયા. 1960–61 દરમિયાન જોરહટ ખાતે શાળા-શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1961–62 દરમિયાન દિલ્હી ખાતે આકાશવાણીના સમાચાર-વિભાગમાં અનુભવ મેળવ્યો. 1963માં અંગ્રેજી સાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ પંજાબ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં જોડાયા અને 1964માં ગુવાહાટી યુનિવર્સિટીમાં અંગ્રેજી શિક્ષણ વિભાગમાં જોડાયા. થોડાં વર્ષો બાદ ત્યાં તેઓ પ્રાધ્યાપક બન્યા.

તેમની સાહિત્યવિષયક કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન ‘નાતુન પૃથિવી’ નામનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો (1953) ત્યારથી થઈ હતી. આ કાવ્યોમાં કિશોરાવસ્થાના તરંગો અને ક્રાંતિકારી ઉત્સાહનું ચિત્રણ કરાયું છે.

1960ના દશકામાં તેમણે કવિ તરીકે ભિન્ન વ્યક્તિત્વ અને પરિપક્વતા પ્રાપ્ત કરી. 1977માં પ્રગટ થયેલી ‘સોનાલી જહાજ’માં તેમના અંગત કાવ્યસંગ્રહ દ્વારા કાવ્યમય રચનાના વિકાસનો તબક્કો પર્યાપ્તપણે રજૂ કરાયો છે. 1978માં તેમને પબ્લિકેશન ઍવૉર્ડ એનાયત કરાયો ત્યારે બીજા વિશ્વયુદ્ધ પછીના સમયગાળામાં અસમિયા કવિતામાં તેમની રચનાત્મક શક્તિ વ્યાપકપણે ઝળકી ઊઠી. તેમના ‘સોનાલી જહાજ’ કાવ્યસંગ્રહ માટે તેમને 1979માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમની આ કૃતિ જુદા જુદા 6 વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેના વિષય-વસ્તુના પ્રધાન મુદ્દાઓ આ પ્રમાણે છે : જીવનને અનુલક્ષીને કળા, કુદરતનાં રોજ પરિવર્તન પામતાં વિલક્ષણ પાસાં, પુરુષ અને સ્ત્રી વચ્ચેના પ્રેમ-સંબંધો, કાળ અને વિશાળ બ્રહ્માંડના અનંત પ્રવાહની પશ્ચાદભૂમિકામાં જોવા મળતી જીવન અને મરણની ઘટનાઓ, માનવજીવનમાં તેનાં મૂલ્યો અને મહત્વ અંગે મૂંઝવતા પ્રશ્નો અને દુ:ખો તથા સ્વપ્નો સાથે સામાજિક અને ઐતિહાસિક અસ્તિત્વ-સંબંધ ધરાવતો માનવી.

તેમણે સાહિત્યની કવિતા, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા જેવી વિવિધ શાખાઓને આવરી લેતા વિવેચનાત્મક નિબંધો, ગ્રંથાવલોકનો અને પૃથક્કરણો આપ્યાં છે. કવિતામાં તેમનું સૌથી વધુ નોંધપાત્ર પ્રદાન તે ચંદ્રકુમાર અગ્રવાલ અને અંબિકાગિરિ રાયચૌધરી જેવા જૂની પેઢીના ભાવનાપ્રધાન અસમિયા કવિઓ તેમજ નવકાન્ત બરુવા, મહિમ બોરા, નીલમણિ ફુકન, હીરેન ભટ્ટાચાર્ય અને નિર્મલપ્રભા બારડોલાઈ જેવાં કેટલાંક વરિષ્ઠ આધુનિક કવિઓની સફળ અને નોંધપાત્ર નીવડેલી સંખ્યાબંધ કૃતિઓ પર કાવ્યોચિત શૈલીમાં કરેલું બારીક પૃથક્કરણ છે. અસમિયા કવિતાના વિવેચનક્ષેત્રે તેમનો હિસ્સો પાછલી સિદ્ધિઓના પુનર્મૂલ્યાંકનકાર તેમજ નવી પ્રતિભાના શોધક તરીકેનો રહ્યો છે.

આ ઉપરાંત તેમણે બિરંચિકુમાર બરુવા, બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય અને હોમેન બોરગોહેનની નવલકથા, જ્યોતિપ્રસાદ અગ્રવાલના નાટક ‘લોભિતા’ અને અરુણ શર્માનાં આધુનિક નાટકો પર તથા લક્ષ્મીનાથ બેઝ બરુવા, સૌરભકુમાર ચાલીહા, ભવેન્દ્રનાથ સાઇકિયા અને મહિમ બોરાની ટૂંકી વાર્તાઓ પર કેટલાક લાંબા વિવેચનાત્મક નિબંધો લખ્યા છે.

ખાસ કરીને, ‘ધી આસામ ક્વાર્ટરલી’ અને ‘ધી આસામ એકૅડેમી રિવ્યૂ’ (1967–70), ‘સંલાપ’ (1971–73) અને ગુવાહાટી યુનિવર્સિટીના કલાવિભાગના ‘રિસર્ચ જનરલ’ના તંત્રી તરીકે કલા અને જીવન પ્રત્યેના તેમના ગંભીર અને અત્યંત વિવેકપૂર્ણ અભિગમમાં તેમની વિવેચક તરીકેની સૂઝસમજનું પ્રભાવક દર્શન થાય છે.

બળદેવભાઈ કનીજિયા