બરુવા, દેવકાન્ત (જ. 22 ફેબ્રુઆરી 1914; અ. દિબ્રુગઢ, આસામ; અ. 28 જાન્યુઆરી 1996, નવી દિલ્હી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને દેશના અગ્રણી રાજપુરુષ. પિતા નિશિકાન્ત અને માતા પ્રિયલતા. બી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ કર્યા બાદ પત્રકાર તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી.

દેવકાન્ત બરુવા

ભારતની સ્વાતંત્ર્યલડતમાં જોડાઈને રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો. સાહિત્ય પ્રત્યેની રુચિને કારણે કાવ્યલેખનની પ્રવૃત્તિમાં પણ તેઓ સક્રિય રહ્યા. તેમના ‘સાગરદેશિકા’ કાવ્યસંગ્રહે અસમિયા સાહિત્યમાં નવો ચીલો ચાતર્યો હતો. જોકે રાજકીય જીવનમાં વધુ ને વધુ સક્રિય બનતાં કાવ્યલેખનની પ્રવૃત્તિ કરમાતી ચાલી અને રાજકારણ જ તેમનું કાર્યક્ષેત્ર બની રહ્યું.

1949થી ’51 દરમિયાન ભારતની બંધારણસભાના સભ્ય તથા 1950ની કામચલાઉ સંસદના સભ્ય બન્યા. 1952થી ’57 દરમિયાન અને ફરી 1977–79 દરમિયાન તેઓ લોકસભાના સભ્ય રહ્યા. સાઠીના દસકાના પ્રારંભે તેઓ આસામની વિધાનસભાના અધ્યક્ષ ચૂંટાયા હતા. ત્યારબાદ 1962થી ’66 દરમિયાન આસામ સરકારના શિક્ષણપ્રધાન રહ્યા હતા. 1968માં તેમને ઑઇલ ઇન્ડિયા લિમિટેડના ચૅરમૅન નીમવામાં આવેલા.

કૉંગ્રેસ પક્ષમાંની લાંબી કારકિર્દી દરમિયાન તેઓ ઇંદિરા ગાંધીના વિશ્વાસુ સાથી હતા અને 1977–79ની કટોકટી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે તેઓ ઇંદિરા ગાંધીના વફાદાર સાથી સાબિત થયા હતા; જોકે આ સંપર્કોને કારણે તેમની રાજકીય કારકિર્દી વિવાદાસ્પદ બની રહી હતી.

રક્ષા મ. વ્યાસ