બરુવા, ચંદ્રધર (જ. 1878; અ. 1961) : અસમિયા નાટ્યકાર અને કવિ. રંગદર્શી સાહિત્યના પ્રણેતા. ‘રંજન’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમાં પ્રણય અને પ્રકૃતિ ઉપરાંત હળવી શૈલીમાં લખાયેલાં હાસ્યપ્રધાન કાવ્યો પણ છે. ‘સ્મૃતિ’માં પ્રાકૃતિક પશ્ચાદભૂમાં પ્રણયભાવો રજૂ થયા છે. વિખૂટી પડી ગયેલી પ્રેયસીનો અમૃત-સ્પર્શ હવે કવિને પ્રકૃતિમાં ઠેર ઠેર ર્દષ્ટિગોચર થાય છે. આ અનિશ્ચિત અને નશ્વર જીવનમાં માત્ર સ્મૃતિ જ નિત્ય છે અને સ્મૃતિભાવ પ્રકૃતિથી જ સુરક્ષિત છે એમ કવિનું મન માને છે. પૌરાણિક પ્રસંગો પર આધારિત ‘મેઘનાદવધ’ અને ‘તિલોત્તમાસંભવ’ બ્લૅન્ક વર્સમાં લખાયેલાં નાટકો છે. બંને નાટકો ઉપર મધુસૂદન દત્તની અસર છે. ‘મેઘનાદવધ’માં રાવણપુત્ર ઇન્દ્રજિતના પરાજય અને વધની વાત છે. સહાનુભૂતિપૂર્વક આલેખાયેલાં રાવણ અને મેઘનાદનાં પાત્ર પર સરખો જ ભાર મૂકવામાં આવ્યો છે. લક્ષ્મણના પાત્રની ઉપેક્ષા થઈ છે, જ્યારે રામને મહાન અને મોટા મનના નાયક તરીકે આલેખવામાં આવ્યા છે. અહીં લેખકે મેઘનાદની પત્ની પ્રમીલાને સીતા કરતાં પણ વધુ રસિક અને લાવણ્યમયી નિરૂપી છે. ‘તિલોત્તમાસંભવ’ પદ્યનાટક છે. તિલોત્તમાને પામવાની સ્પર્ધામાં સુંદ અને ઉપસુંદ દાનવોના પરસ્પર વિનાશની વાત અહીં સુપેરે રજૂ થઈ છે. એમના અંત બાદ જગતમાં સદગુણો જે રીતે સુરક્ષિત બને છે તેનું આલેખન કરવામાં આવ્યું છે. વાસના અથવા પાશવી કામના ક્યારેય સૌંદર્યનો સાક્ષાત્કાર કરાવતી નથી. સૌંદર્ય જ્યારે કામનાને અધીન થાય છે ત્યારે માત્ર પતન જ નોતરે છે. દાનવી રીતોનું આ આખરી પતન એ જ ‘તિલોત્તમાસંભવ’નો કેન્દ્રવર્તી વિચાર છે. ‘ભાગ્યપરીક્ષા’ નોંધપાત્ર પ્રહસન છે. ભાગ્ય કોઈ ગૂઢ શક્તિમાં નહિ, પરંતુ નૈતિક સંનિષ્ઠામાં રહેલું છે અને જ્યાં સંનિષ્ઠા છે ત્યાં જ સમૃદ્ધિ અને શક્તિ છે તે મધ્યવર્તી વિચારની આસપાસ પાનીરામ અને માનીકી નામનાં પતિપત્નીનાં પાત્રોનું નિરૂપણ થયું છે.

વિ. પ્ર. ત્રિવેદી