બરુવા, ગુણાભિરામ (જ. 1837, ગૌહત્તી; અ. 1894) : અસમિયા સાહિત્યના પ્રથમ નાટકકાર, જીવનચરિત્રકાર, ઇતિહાસકાર તથા હાસ્યલેખક. એમનું શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમણે એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. આસામના વધારાના નાયબ કમિશનર તરીકે એમની નિમણૂક થઈ. તેઓ બ્રાહ્મણ હતા, પણ પછી બ્રહ્મો સંપ્રદાયમાં જોડાયા અને 1870માં 33 વર્ષની વયે પ્રથમ પત્નીનું મૃત્યુ થતાં એમણે વિષ્ણુપ્રિયા નામની બ્રાહ્મણ વિધવા જોડે લગ્ન કર્યાં.

તેમણે લેખક તરીકે કારકિર્દીની શરૂઆત ‘અરુણોદય’ માસિકમાં હપતાવાર ‘રામનવમી’ નાટકના પ્રકાશનથી કરી. અર્વાચીન અસમિયા સાહિત્યનું એ પ્રથમ નાટક છે. એમણે ‘અસમબંધુ’ નામની માસિકપત્રિકા 1855–56માં શરૂ કરી. એમનું બીજું નાટક ‘વિવાહ-રહસ્ય’ (1896) પણ હપતાવાર ‘અસમબંધુ’માં છપાતું ગયું. એમાં અસમિયા લોકોના અફીણના વ્યસન પર કટાક્ષ અને વ્યંગ્ય હતા, પણ એ નાટક પુસ્તક રૂપે પ્રગટ થઈ શક્યું નહિ. 1887માં એમણે અસમિયા સાહિત્યનું જીવનચરિત્રનું પ્રથમ પુસ્તક ‘આનંદરામ ઢેકિયલ ફુકનાર જીવનચરિત્ર’ પ્રગટ કર્યું. એમનું બીજું મહત્વનું પ્રદાન ‘અસમ બુરંજી’ છે. તેમાં પ્રાચીન કાળથી 1858માં ભારતમાં બ્રિટિશ રાજની સ્થાપના થઈ ત્યાં સુધીનો આસામનો ઇતિહાસ છે. એ પ્રકારનું તે પહેલું પુસ્તક છે. એ પુસ્તક એમની શૈલી માટે પણ જાણીતું છે. ‘કઠિન શબ્દેર રહસ્ય વાક્ય’ (1912) એ પણ અસમિયાનું હાસ્યરસનું પ્રથમ પુસ્તક છે. એમના માસિક ‘અસમબંધુ’એ અનેક લેખકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં છે. અસમિયા સાહિત્યમાં એક નિબંધકાર તરીકે પણ એમનું સ્થાન ઘણું ઊંચું છે.

ચન્દ્રકાન્ત મહેતા