બરુવા, આનંદચંદ્ર (જ. 1907, ખુમ્તાઈ ટી એસ્ટેટ, મોરાન, આસામ અ. 1983) : ખ્યાતનામ અસમિયા કવિ તથા નાટ્યલેખક. 1926માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ કાશી વિશ્વવિદ્યાલયમાં જોડાયા, પણ આઝાદીની ચળવળ શરૂ થવાની સાથે તેમાં તેમણે ઝંપલાવ્યું અને અભ્યાસને તિલાંજલિ આપી દીધી. તેમની કારકિર્દીનો પ્રારંભ તેમણે પત્રકારત્વથી કર્યો. પછી રૉયલ ઍર ફૉર્સના હિસાબ ખાતામાં જોડાયા.

આનંદચંદ્ર બરુવા

1946માં તેમને યુદ્ધસેવામાંથી છૂટા કરવામાં આવ્યા. જોરહટ ખાતેની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પણ તેમણે સેવાઓ આપી હતી અને 1968માં ત્યાંથી તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ સાંસ્કૃતિક કાર્યકર તથા કલારસિક અભિનયકાર પણ હતા. તેમણે આસામ સાહિત્ય સભાના પ્રમુખ તરીકે કામગીરી બજાવી હતી. તેમણે સંખ્યાબંધ કાવ્યસંગ્રહો, નાટકો અને અનુવાદો પ્રગટ કર્યાં હતાં. 1962માં રવીન્દ્રનાથ ટાગોર પરની કવિતા માટે તેમને સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો.

‘બકુલ બનાર કવિતા’ (1976) નામનો કાવ્ય-સંગ્રહ માનવ-હૂંફ, મનુષ્ય અને પ્રકૃતિનું મર્મગ્રાહી અવલોકન, સ્ફુટ શૈલી તથા સંયત લખાવટને કારણે અસમિયા સાહિત્યમાં તેમનું શ્રેષ્ઠ પ્રદાન ગણાય છે. તે જુદા જુદા વિષયો પર લખેલ 100 કાવ્યોનો સંગ્રહ છે. આ કૃતિ માટે તેમને 1977માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનાં કાવ્યોના મુખ્ય વિષયવસ્તુમાં સૌંદર્યની ઉપાસના, માનવતા, પ્રાકૃતિક વિશ્વનો વૈભવ વગેરેનો સમાવેશ થાય છે. સૂફી કવિ હાફિઝની તેમના પર સ્થાયી અસર હતી. ‘કવિર સપન’, ‘મનોરમા’ અને ‘જીવનમાધુરી’ કાવ્યોમાં તેમનાં દિવાસ્વપ્નો; ‘પ્રેમાર કરને’, ‘અહોઈતુકી પ્રેમ’ જેવાં કેટલાંક કાવ્યોમાં સ્ત્રી-પ્રેમ; તથા ‘ઐયા અમર ભારતવર્ષ’, ‘નયન સિંઘ’ અને ‘પુનર્જન્મ’માં દેશભક્તિની ઉત્કટતા વ્યક્ત થાય છે. તેમણે બુદ્ધ, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, વિવેકાનંદ, જવાહરલાલ નેહરુ વગેરેની પ્રશસ્તિ લખી છે. શિલૉંગનાં અદભુત ર્દશ્યો જોઈને તેઓ ‘શિલૉંગાર સ્મૃતિ’ અને વસંતઋતુનો વિલાસ જોઈને ‘બસંતબહાર’ લખવા પ્રેરાયા હતા.

બળદેવભાઈ કનીજિયા