બરગોહાઈ, નિરુપમા (જ. 1932, ગૌહત્તી) : આસામનાં મહિલા સાહિત્યકાર. તેમને ‘અભિજાત્રી’ નવલકથા બદલ સાહિત્ય અકાદમી. દિલ્હીનો 1996ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે.
તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના વિષય સાથે તેમજ ગૌહત્તી યુનિવર્સિટીમાંથી આસામીના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. કારકિર્દીનો આરંભ તેમણે અંગ્રેજીનાં અધ્યાપિકા તરીકે કર્યો; પછી પત્રકારત્વ તરફ વળ્યાં અને નામાંકિત સામયિકોનું સંપાદનકાર્ય સંભાળ્યું.
તેમના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જનમાં 25 નવલકથાઓ, ટૂંકી વાર્તાઓના 8 સંગ્રહો, 4 નિબંધસંગ્રહો, ભાષાંતરનાં 5 પુસ્તકો તથા આત્મકથાનો સમાવેશ થાય છે. તેમની 2 કૃતિઓ ‘મીમાંસા’ તથા ‘જય પરાજય’ પરથી કથાચિત્ર તૈયાર થયાં અને રાષ્ટ્રકક્ષાએ તે પુરસ્કાર પામ્યાં. ‘અન્ય જીવન’ નામક તેમની નવલકથા બદલ તેમને તિરુમલંબા ઍવૉર્ડ તથા વાસંતીદેવી ઍવૉર્ડ મળ્યા છે.
ઍવૉર્ડ મેળવનારી આત્મકથાત્મક નવલકથા શ્રીમતી ચન્દ્રપ્રભા સાઇકિયાનીનાં જીવન તથા કવન પર આધારિત છે અને તેને આસામ સાહિત્ય સભાનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. સંવેદના તથા તાટસ્થ્યનું વિવેકપૂર્ણ સંતુલન, સામાજિક-સાંસ્કૃતિક પરિબળોની પડછે મહિલાઓની વિકાસયાત્રાનું તાશ નિરૂપણ તેમજ ભાષાપ્રયોગ પરના અનન્ય પ્રભુત્વને કારણે આ કૃતિ આસામી ભાષામાં લખાયેલા ભારતીય કથાસાહિત્યમાં મહત્વનું યોગદાન લેખાય છે.
મહેશ ચોકસી