બખોલ-પૂરણી (cavity filling) : ખડક-પોલાણોમાં થતી પૂરણી; એક પ્રકારની નિક્ષેપક્રિયા. ભૂપૃષ્ઠના બધા જ પ્રકારના ખડકોમાં ભિન્ન ભિન્ન પ્રકાર અને આકાર–કદનાં પોલાણો જોવા મળે છે. કેટલાંક ખાલી, તો કેટલાંક ખનિજદ્રવ્યથી ભરેલાં હોય છે. આ પોલાણોને બખોલ કે કોટર કહેવાય છે. મોટાભાગનાં પોલાણો ભૂસંચલન-ક્રિયાઓને કારણે ઉદભવેલાં હોય છે. કેટલાંક ખડક-સહજાત તો કેટલાંક ખડકપશ્ચાત્ ઉત્પત્તિવાળાં હોય છે. તેમનાં ઉત્પત્તિ-કારણો માટે તનાવ, દાબ કે અન્ય પ્રકારનાં પ્રતિબળો કારણભૂત હોઈ શકે. ખડકોમાં જોવા મળતાં અનેકવિધ પોલાણોમાં ખડકછિદ્રો, આંતરકણજગ્યાઓ, સ્તરસંધિસપાટીઓ, સ્તરભંગો, સાંધા, તડો, ગેડપ્રકારોના શીર્ષ કે ગર્ત વિભાગો, ફાટો, દ્રવીભૂત ગુફાઓ, જ્વાળામુખી નળીઓ વગેરેનો સમાવેશ કરી શકાય. આ બધાં જ ભૂપૃષ્ઠના ખડકોમાંના નબળા વિભાગો ગણાય.
જ્યારે ખનિજીય દ્રાવણો અથવા ખનિજકારકો (mineralisers) સંચલનની કોઈ પણ પ્રકારની અસર હેઠળ પોતાના મૂળ સ્રોત-સ્થાનમાંથી સ્થાનાંતરિત થઈ આજુબાજુના ખડકોના નબળા વિભાગોમાં પ્રવેશે ત્યારે પ્રવર્તમાન તાપમાન-દબાણના સંજોગો હેઠળ પ્રાદેશિક ખડક-ઘટકોનું વિસ્થાપન કરે છે અથવા સ્વયં અવક્ષેપિત થાય છે અને તે તે સંજોગ પ્રમાણે બખોલ-પૂરણી-નિક્ષેપો રચે છે. બખોલ-પૂરણી એ મુખ્યત્વે અવક્ષેપનથી થતી એક પ્રકારની નિક્ષેપક્રિયા જ છે. ખડક-પોલાણો તેનાથી પૂરેપૂરાં કે અંશત: ભરાઈ જતાં હોય છે. પ્રારંભિક જમાવટ પોલાણોની દીવાલ પર શરૂ થઈ, ક્રમિક જમાવટથી વિકસતી જઈ, આખુંય પોલાણ પુરાઈ જાય છે. પર્યાપ્ત ખનિજદ્રવ્ય ન મળે તો ક્યારેક કેટલોક ભાગ ખાલી પણ રહી જાય છે.
બખોલ-પૂરણી થવા માટે ખડકોમાં અગાઉથી પોલાણ હોવું જરૂરી છે અને ખનિજીય દ્રાવણ પૂરતા પ્રમાણમાં મળતું રહેવું જોઈએ. પોલાણનું અસ્તિત્વ અને પૂરણી વચ્ચેનો સમયગાળો ગમે તેટલો ટૂંકો કે લાંબો હોઈ શકે. બખોલ એ ખડકોમાં રહેલો નબળો વિભાગ હોવાથી એક વાર પૂરણી થયેલી બખોલ બીજી વાર કે અનેક વાર ખૂલી શકે અને પુન:પૂરણી થઈ શકે. એ રીતે જોતાં બખોલ-પૂરણી ખડકપશ્ર્ચાત્ ઉત્પત્તિ-પ્રકાર રજૂ કરે છે.
બખોલ-પૂરણીના મળી આવતા વિવિધ નિક્ષેપ-પ્રકારો પરથી નક્કી કરી શકાયું છે કે ખનિજીય દ્રાવણો ઓછા તાપમાને અને ઓછા દબાણના સંજોગો હેઠળ અવક્ષેપન પામેલા હોય છે અને તાપમાન-દબાણના સંજોગભેદે વધુ અવક્ષેપન અને ઓછું વિસ્થાપન થયેલું જણાય છે.
બખોલ-પૂરણીથી રચાતા નિક્ષેપોને મુખ્યત્વે પોલાણોના આકારો પ્રમાણે આ પ્રકારોમાં વહેંચી નાખવામાં આવેલા છે : (1) ફાટ-શિરાઓ (fissure veins), (2) સોપાન-શિરાઓ (ladder lodes), (3) ખનિજ-શિરાઓ (mineral veins), (4) સૅડલ રિફ્સ, (5) સ્ટૉક વર્ક્સ, (6) છિદ્ર-પૂરણી (pore space filling), (7) કોટર-પૂરણી (cavity filling), (8) દ્રવીભૂત ગુફાપૂરણી (solution-cave filling), (9) ગેડપોલાણ-પૂરણી (fold cavity filling), (10) વિરૂપક વિભાગ-નિક્ષેપો (shear zone deposits), (11) બ્રેક્સિયા-નિક્ષેપો (breccia deposits) તથા (12) ધાતુખનિજ વિભાગીય પૂરણી (ore shoots).
ગિરીશભાઈ પંડ્યા