બખ્તખાન : 1857ના અંગ્રેજો વિરુદ્ધના વિપ્લવમાં ભારતીય ફોજનો સેનાપતિ. મુહમ્મદ બખ્શ ઉર્ફે બખ્તખાન (1797–1859) અવધના સુલ્તાનપુરનો રહેવાસી હતો. તે પિતૃપક્ષે ગુલામકાદર રોહીલાના ખાનદાનનો અને માતૃપક્ષે નવાબ શુજાઉદ્દૌલાના ખાનદાન સાથે સંબંધ ધરાવતો હતો. 1817માં વીસ વર્ષની યુવાન વયે તે આઠમા  પાયદળ તોપખાનામાં સૂબેદાર તરીકે ભરતી થયો હતો. બરેલી બ્રિગેડના નામે ઓળખાતા આ તોપખાનામાં તે સળંગ ચાલીસ વર્ષ રહ્યો હતો. તે 177.6 સેમી.ની ઊંચાઈ અને 111.6 સેમી. છાતી ધરાવતો કદાવર અને મજબૂત બાંધાનો સિપાઈ હતો. તેણે અંગ્રેજોની ફોજમાં રહીને પ્રથમ અફઘાન યુદ્ધ(1838–1842)માં યશસ્વી કામગીરી બજાવી હતી. કહેવાય છે કે મૌલવી સરફરાઝઅલી નામના એક વહાબી વિદ્વાને તેના વિચારો બદલી નાખ્યા હતા. 31 મે 1857માં બરેલીમાં ભારતીય સૈનિકોએ અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો ત્યારે તે પણ બરેલી પહોંચીને તેમની સાથે જોડાઈ ગયો હતો. તેણે બરેલીને આઝાદ કરીને હાફિજ રહમતખાનના પૌત્ર ખાનબહાદુરખાનને નવાબ બનાવ્યો અને પોતે બ્રિગેડિયરના પદ ઉપર પહોંચી ગયો. તે જ્યારે રામપુર અને મુરાદાબાદ થઈને દિલ્હી પહોંચ્યો તો મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફરે તેને શાહી ફોજનો સરસેનાપતિ બનાવ્યો હતો. તેણે શાહી ફોજને સંગઠિત કરીને 1857ના જુલાઈ મહિનાની નવમી તારીખે અંગ્રેજોને પરાજિત કર્યા હતા. તેના પ્રયત્નોથી દિલ્હીના મુસ્લિમ ધર્મગુરુઓએ અંગ્રેજો વિરુદ્ધ જેહાદ – પવિત્ર યુદ્ધનો ફતવો આપ્યો હતો. અંદરના શત્રુઓની ઈર્ષ્યા તથા કાવાદાવાનો ભોગ બની તે સપ્ટેમ્બરની ઓગણીસમીએ દિલ્હી છોડીને લખનઉ જતો રહ્યો હતો.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી