બખોલ કરતાં કરમિયાનો રોગ

January, 2000

બખોલ કરતાં કરમિયાનો રોગ : જમીનના અંદરના ભાગોમાંથી છોડમાં પ્રવેશ કરી બખોલ કરનાર કૃમિઓ. રોડોફોલસ સિમિલિસ નામના કરમિયા છોડના જમીનના અંદરના ભાગોમાં આક્રમણ કરી તેનાં થડ, કંદ, ગાંઠ કે મૂળમાં પ્રવેશ કરી તેની પેશીના કોષમાંથી પ્રવાહીને ચૂસી લે છે તેથી છોડ મૃત્યુ પામે છે, જ્યારે એ કરમિયા મૃત્યુ પામતી પેશીની જગ્યાઓમાં રસ્તા કે બખોલ કોરતા રહી પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે. આ બખોલ કરતા કરમિયા લીંબુ અને કેળના પાકમાં રોગ કરી ખૂબ જ નુકસાન કરે છે.

(1) કેળમાં બખોલ કરતા કરમિયાનાં લક્ષણો : આ કરમિયા મૂળના છાલ નીચેના ભાગમાં આક્રમણ કરી તેનાં કોષ અને પેશીનો નાશ કરી ત્યાં બખોલ કરે છે. આ ભાગમાં ફીનોલનું ઉપચયન થતાં તે ભાગ જાંબુડી કે લાલ-ભૂખરો થઈ જાય છે. રોગથી ખવાઈ ગયેલાં મૂળ નાશ પામતાં તેના ઉપરના ભાગમાં બીજાં નવાં મૂળ નીકળે છે. તે પણ વિકાસ પામતા પહેલાં જ આ કરમિયાના આક્રમણથી નાશ પામે છે. આમ નવાં મૂળ વિકાસ પહેલાં જ  કૃમિના આક્રમણથી નાશ પામતાં છોડ નબળો પડે છે અને ઉપરના વજનવાળા ભાગથી તે ઢળી પડે છે.

(2) લીંબુના છોડ નબળા પડવાનાં લક્ષણો : રોડોફોલસ સિમિલિસની બીજી જાતિના કૃમિઓ લીંબુના મૂળમાં આક્રમણ કરી તેના છોડને નબળો પાડનારો રોગ કરે છે. આ કરમિયાના આક્રમણથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. તેની પાનની સંખ્યા ઓછી થતાં છોડ નબળો પડે છે અને તેની ઉત્પાદનક્ષમતા ઘટે છે. વળી ખોરાક લેતાં તંતુમૂળની સંખ્યા ઓછી થતાં છોડ વહેલો સુકાઈને, નબળો પડીને નાશ પામે છે.

રોગિષ્ઠ વિસ્તારમાંનાં ધરુ મેળવીને રોપવાથી આ રોગનો ફેલાવો થાય છે. ખેતરમાં ખેતીકામ અને પાણી મારફતે પણ આ કૃમિઓ ફેલાય છે. આ રોગથી થતા જખમોમાં પરોપજીવી સૂક્ષ્મ જીવો પણ સહેલાઈથી પ્રવેશ કરતા હોવાથી રોગ માટેનું ચોક્કસ પ્રેરક બળ નક્કી કરવામાં મુશ્કેલી અનુભવાય છે.

કેળના કંદને રોપતાં પહેલાં તેના રોગિષ્ઠ ભાગને કાપીને દૂર કરવાથી, રોગમુક્ત વિસ્તારમાંથી લીંબુના તંદુરસ્ત રોપા મેળવીને વાવવાથી અને જમીનમાં કૃમિનાશક ધૂમીકરણ કરવાથી આ રોગ કાબૂમાં રહે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ