ધોલેરા : અમદાવાદ જિલ્લામાં આવેલું તાલુકામથક અને પ્રાચીન બંદર. ભૌગોલિક સ્થાન : 22° 15’ ઉ. અ. અને 72° 15’ પૂ. રે.. તે ધંધૂકાથી આશરે 28 કિમી.ના અંતરે સમુદ્રકિનારે આવેલું છે, જે રાજ્યપરિવહનની બસસેવા સાથે સંકળાયેલ છે. જૂના વખતમાં તે ‘ધોલેરાપુરા’ તરીકે ઓળખાતું હતું અને તે જાણીતું બંદર તથા વેપારનું મથક હતું. પ્રાચીન સમયમાં તે કુદરતી બારાની સુવિધા ધરાવતું હોવાથી 19મી સદીમાં તે વેપારમાં ધમધમતું હતું. તે સમયે તેનો નાળ-વિસ્તાર પહોળો અને ઊંડાણવાળો હોવાથી 107થી 143 ટનની ક્ષમતાવાળાં વહાણો લાંગરતાં હતાં. આ સમયગાળા અગાઉ તે માત્ર 300 ઘરની વસ્તીવાળું નાનું ગામ હતું. આ બંદરના પીઠપ્રદેશમાં ઘઉં અને કપાસની ખેતી વધુ થતી હોવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યાં બંદરનો વિકાસ કરવાનો પ્રારંભ કર્યો. 1871-1877ના ગાળા દરમિયાન વધુ વેપારના અર્થે તેને વીરમગામ સાથે સાંકળવામાં આવ્યું હતું. ત્યાર બાદ ક્રમશ: તેની નાળમાં પુરાણ થતું ગયું અને વેપાર પણ ઘટતો ગયો. પરિણામે તે નાના બંદર તરીકે ઓળખાતું થયું. એકવીસમી સદીના પ્રારંભમાં ગુજરાત સરકાર તેના પુન: વિકાસ માટે સક્રિય બની છે. જે ‘DHOLERA SIR’ તરીકે ઓળખાશે.
અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, ચિકિત્સાલય, પશુઓનું દવાખાનું, બૅંક, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જિનિંગ ફૅક્ટરી તેમજ લાકડાને લગતા કુટિર-ઉદ્યોગો પણ વિકસ્યા છે. ધોલેરાને અમદાવાદ સાથે પાકા રસ્તાથી સાંકળવામાં આવ્યું છે. અહીંની વસ્તી 2025 મુજબ 4,000 હતી.
ધોલેરા પ્રકલ્પ : ભારત સરકાર (દિલ્હી) અને રાજ્ય સરકાર (ગુજરાત) દ્વારા સંયુક્ત ભાગીદારીના કરાર સાથે નક્કી કરવામાં આવ્યું છે કે આ પ્રકલ્પ માટે ભારત સરકારની નાણાકીય સહાય અને રાજ્ય સરકાર ભૂમિ ફાળવશે. આ પછી સૌપ્રથમ ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) નામની સંસ્થાની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા એડવાન્સ પ્લાનિંગમાં નિષ્ણાત એવી વિશ્વની શ્રેષ્ઠ હેઈક્રો (Heicrow) કંપનીને આ વિશાળ પ્રકલ્પનો નકશો તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. વૈશ્વિક બહોળો અનુભવ ધરાવતી એકોમ (AECOM) કંપનીને પ્રકલ્પના નિર્માણનું કામ સોંપવામાં આવ્યું છે.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન(DHOLERA – SIR)નો વિસ્તાર આશરે 920 ચો.કિલોમીટર ભૂમિ પૈકી 422 ચો. કિલોમીટર વિસ્તારમાં વર્ષ 2017થી બાંધકામ શરૂ થયેલ છે. એકોમ કંપનીના નિષ્ણાતો દ્વારા સર્વે કર્યા બાદ ધોલેરા પ્રકલ્પનો રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ અને કૉમર્શિયલ એમ ત્રણ ઝોનમાં વિભાગીકરણ કરવામાં આવ્યું છે.
ફેઝ -1 : કુલ 22.5 ચો.કિમી.નો વિસ્તાર જે ઍક્ટિવેશન (Activation area) વિસ્તાર તરીકે જુદો પાડ્યો છે.
ફેઝ -2 : આ ગોલ્ડન ઝોન જે 137 ચો.કિમી. વિસ્તાર ધરાવે છે. જ્યાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, મેટ્રો રેલ અને એક્સપ્રેસ હાઈવે જેવી સુવિધાઓવાળો બનશે. નજીકના ભવિષ્યમાં રેલવેનું ભવ્ય જંકશન બનાવી વિવિધ રેલ માર્ગો સાથે તેને સાંકળવાનું આયોજન છે, જે અહીંના ઔદ્યોગિક એકમો માટે આશીર્વાદરૂપ બનશે. વધુમાં ધોલેરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને એક્સપ્રેસ હાઈવે સાથે સાંકળવામાં આવી રહ્યું છે. જ્યારે મેટ્રો રેલ શરૂ થશે ત્યારે ફક્ત 45 મિનિટમાં અમદાવાદ પહોંચી શકાશે.
ફેઝ -3 : આ ઝોનનો વિસ્તાર આશરે 263 ચો.કિમી. છે. આ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન(CRZ)માં દેશની જાણીતી ટાટા(TATA) જેવી મોટી કંપનીઓ દ્વારા પોતાની ઑટો મૅન્યુફૅક્ચરિંગ અને ઇલેક્ટ્રિક વસ્તુઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. ટાટા કંપનીનું પોતાના 300 મેગાવૉટના એકમ સાથે 5000 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવાનું આયોજન છે, જેથી સમગ્ર ધોલેરાને ઓછા દરે વીજળી પૂરી પાડશે.
આમ ધોલેરામાં આયોજન બાકીના આરક્ષિત વિસ્તારની ભૂમિ પર ટૂરિઝમ, રિસોર્ટ, ગૉલ્ફકોર્સ, વૉટરપાર્ક અને રિક્રિએશન વિભાગ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. અહીં નૉલેજ અને આઈટી વિભાગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી, ફાઇવસ્ટાર હોટલ, હાઈરાઇઝ બિલ્ડિંગ, મલ્ટિસ્ટોરેજ ઍપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રિયલ વિભાગમાં વર્લ્ડ ક્લાસ ઇન્ડસ્ટ્રીઝ જેમાં ઍરોસ્પેસ ઍન્ડ ડિફેન્સ, ઑટો અને ઑટો એસેસરીઝ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યૂટિકલ, ખેતી અને ખાદ્યપ્રકમણ, ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ, આઈટી સેક્ટર જેવા એકમો કાર્યરત થશે. તદઉપરાંત અહીં નવનિર્મિત મ્યુઝિયમ, હૉસ્પિટલ, યુનિવર્સિટી, શૉપિંગ સેન્ટર, ગાર્ડન-પાર્ક ઉભા કરવાનું આયોજન છે.
વર્તમાન પરિસ્થિતિમાં ટાટા ગ્રૂપ દ્વારા કેમિકલ, સોલાર અને પોલિકેબલ, ક્યૂબિક સોલાર અને મૉડ્યૂલ, વેદાન્તા સેમિ-કંડક્ટર, ચીરીપાલ ઍલ્યુમિનિયમ અને ફેબ્રિક પૅકેજિંગ, દાવત બેવરેજિંગ, રિન્યૂ સોલાર અને મૉડ્યૂલ મૅન્યુફૅક્ચરિંગ, ટોરન્ટ પાવર ઍન્ડ ડિસ્ટ્રિબ્યૂશન તેમજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી મોટી કંપનીઓએ પોતાના પ્રકલ્પનું નિર્માણ શરૂ કરી દીધું છે. આ તમામ પ્રકલ્પ ઘણા વિશાળ હોવાથી સ્વાભાવિક રીતે રોજગારીની તકો ઘણી વધારે ઊભી થશે.
આ વૈશ્વિક કક્ષાનો પ્રકલ્પ હોવાથી નાની-મોટી તમામ જરૂરિયાતો અંગે સરકાર દ્વારા કોઈ કસર રાખવામાં આવી નથી. જેમ કે પીવાના પાણી માટે 6 કિમી. લાંબી, 180 મીટર પહોળી અને 6 મીટર જેટલી ઊંડાઈ ધરાવતી એક વિશાળ નહેર તૈયાર કરવામાં આવી છે. વરસાદના પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરાશે અને ધોલેરા વિસ્તારમાં પાણી ભરાવાનો કે પૂરનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. વીજળી માટે પણ સોલાર પ્લાન્ટ્સ દ્વારા ગ્રીન એનર્જીની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ઔદ્યોગિક અને આવાસી વિસ્તારના ડ્રેનેજ-સ્ટ્રોમવૉટરને અદ્યતન ઢબે શુદ્ધ કરવાનો પ્લાન્ટ સ્થપાયો છે અને તે પાણીનો ઉપયોગ ધોલેરાની વનરાજીમાં સિંચન માટે કરવામાં આવશે. ગૅસની પાઇપલાઇન, ઇલેક્ટ્રિકના કેબલો, પીવાના પાણીની લાઇન, ગટરલાઇન વગેરે આવનારાં 50 વર્ષને લક્ષમાં રાખીને નાખવામાં આવી છે, જેથી પાકા આર.સી.સી.ના રસ્તાઓમાં ખોદકામ કરવું ન પડે. રસ્તાઓનું નિર્માણ આવનારા ભવિષ્યમાં ટ્રાફિકને લક્ષમાં રાખીને કરવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુ પગથીઓ અને સાઇકલ ચલાવનારા માટે વિશિષ્ટ આયોજન કરાયું છે, તેમજ રસ્તાની બંને બાજુ સુંદર મજાનાં વૃક્ષોના રોપા પણ રોપવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી રસ્તા ઉપર પૂરણીના ઢગલા જોવા ના મળે.
આમ આ વિશિષ્ટ શહેરના આયોજનમાં સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કુદરતી કે માનવરચિત હોનારતો ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે ઠેર ઠેર સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. સમગ્ર ધોલેરાના સુચારુ સંચાલન માટે આધુનિક ટૅકનૉલૉજીથી સુસજ્જ બિલ્ડિંગનું સૌપ્રથમ આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે ધોલેરામાં વીજળી, પાણી, રસ્તાનું મરામત, આગ, ટ્રાફિક તેમજ માહિતી અને સંદેશાવ્યવહાર જેવી કોઈ પણ નાની-મોટી સમસ્યાનો ઉકેલ પળવારમાં કરવાની ક્ષમતા આ બિલ્ડિંગમાં ઉપલબ્ધ છે. આ સાથે અનુભવી કેળવાયેલ માણસો અને ટૅકનૉલૉજીના નિષ્ણાત માણસો 247 હાજર રહેશે. આ બિલ્ડિંગનું સંચાલન ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ડેવલપમેન્ટ ઑથૉરિટી (Dholera Special Investment Regional Development Athority – DSIRDA) દ્વારા થાય છે.
આ ધોલેરાનું શહેરી આયોજન લંડન, શિકાગો, ડેન્માર્ક, સિંગાપોર જેવાં શહેરોનો સર્વે કર્યા પછી કરવામાં આવ્યું છે. આવનારાં વર્ષોમાં આ શહેર ગુજરાતનું ધબકતું ‘હાર્ટ’ બની રહેશે.
નીતિન કોઠારી