ધોલપુર : રાજસ્થાનની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો અને જિલ્લાનું મુખ્ય શહેર. શહેરનું સ્થાન : 26° 42´ ઉ. અ. અને 77° 54´ પૂ. રે. 1982 સુધી આ જિલ્લો રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો એક ભાગ હતો. 1982માં તેનો અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે. ભારતીય સંઘમાં સર્વપ્રથમ જોડાવાનું માન આ પ્રદેશને ફાળે જાય છે. આ જિલ્લાની દક્ષિણે નૈર્ઋત્યથી ઈશાન તરફ વહેતી ચંબલ નદી મધ્યપ્રદેશ સાથે સરહદ બનાવે છે. વાયવ્ય સીમા પર રાજસ્થાનનો ભરતપુર જિલ્લો, ઉત્તર તરફ ઉત્તરપ્રદેશનો આગ્રા જિલ્લો, અગ્નિ ખૂણે મધ્યપ્રદેશના મુરેના અને ગ્વાલિયર જિલ્લાઓ અને પશ્ચિમે કરૌલી જિલ્લો આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3,034 ચોકિમી. અને વસ્તી 12,07,093 (2011) છે. જિલ્લામાં ધોલપુર, વાડી અને રાજાખેડા મુખ્ય નગરો છે. આ ત્રણ નગરોની અને બસેડીની પંચાયતો છે.

જિલ્લાનું ભૂતળ રેતીખડકો, ક્વાર્ટ્ઝાઇટ અને શિસ્ટ ખડકોથી બનેલું છે. યમુનાથી પશ્ચિમ તરફ આવેલા આ જિલ્લાનો કેટલોક મેદાની ભાગ સમુદ્રસપાટીથી 150થી 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં ‘દાગ (Daug)’ તરીકે ઓળખાતા પહાડો આવેલા છે. અહીં ધોલપુરથી નૈર્ઋત્ય તરફ વિસ્તરેલી રેતીખડકોથી બનેલી ટેકરીઓની શ્રેણી આવેલી છે. તેની ઊંચાઈ 356 મીટર છે. આવી જ એક બીજી શ્રેણી ચંબલ નદીને સમાંતર 5થી 6 કિમી. પશ્ચિમ તરફ આવેલી છે. ચંબલ નદીનાં બીડો (કોતરો–ravines) અહીંના ભૂતળની વિશિષ્ટતા બની રહેલાં છે. ઝરણાં અને નાની નદીઓના વેગવાળા પ્રવાહથી આ બીડોની રચના થયેલી છે. કેટલાંક બીડોની ઊંડાઈ 30 મીટર જેટલી પણ છે.

અહીંની મુખ્ય નદી ચંબલ છે, તે યમુના નદીને મળે છે. આ ઉપરાંત બીજી નાની નદીઓ પણ છે. અહીંની આબોહવા વિષમ છે. ઉનાળામાં 40° થી 45° સે. જેટલું અને શિયાળામાં 20° સે. જેટલું તાપમાન રહે છે. વરસાદનું પ્રમાણ 600થી 750 મિમી. જેટલું છે.

ચંબલ નદીની આજુબાજુની જમીન ઉપજાઉ છે. 1,42,570 હેક્ટર જમીન ખેતીલાયક અને 72,328 હેક્ટર જમીન વેરાન છે. ઘઉં અને બાજરો ખેતીની મુખ્ય પેદાશો છે, જ્યારે અન્ય પેદાશોમાં ડાંગર, જવ, જુવાર, શેરડી, ચણા, સરસવ, મરચાં અને બટાટાની ખેતી થાય છે. વનપ્રદેશનું પ્રમાણ ઓછું (12,109 હેક્ટર)  છે. મુખ્ય વૃક્ષોમાં સાગ અને આંબા છે. આ ઉપરાંત મોસમી પ્રકારની અન્ય વનસ્પતિ પણ થાય છે. ભરતપુર ફીડરમાંથી ખેતરોને પાણી મળે છે. તદુપરાંત કૂવા, ટ્યૂબવેલ અને તળાવોના પાણીથી પણ ખેતી થાય છે.

અહીંનો મુખ્ય ઉદ્યોગ કાચના સામાનને લગતો છે. હાઇટેક પ્રિસિશન ગ્લાસ લિ.ના નામે કાચનું કારખાનું સરકારને હસ્તક છે; જેમાં પ્રયોગશાળા માટેનાં કાચનાં ઉપકરણો બને છે. હસ્તઉદ્યોગો પૈકી મૂર્તિકામ, ચિત્રકારી, કાષ્ઠકારીગીરી, ગાલીચા અને ચામડાંની વસ્તુઓનો સમાવેશ થાય છે. મકાનોના પ્રાંગણમાં ફરસબંધી માટે તેમજ બાંધકામને ઉપયોગી લાલ રંગના જાણીતા ઇમારતી પથ્થરનું ખાણકાર્ય અહીં થાય છે. તે ઉપરાંત, મૅંગેનીઝનાં, લોખંડનાં ખનિજો, ચિરોડી, અબરખ અને સિલિકા પણ થોડા પ્રમાણમાં મળે છે.

જિલ્લાનું મુખ્ય બજાર ધોલપુર અને વાડીમાં છે; જ્યારે સમરથપુર, રાજાખેડા, બસેડી અને મનિયામાં નાનાં બજાર અને હાટડીઓ છે.

ધોલપુરથી તાન્તાપુરાની નૅરોગેજ રેલવે તેમજ આશરે 820 કિમી.ના પાકા, કાચા અને મોસમી અને રાષ્ટ્રીય ધોરી માર્ગો પરિવહનની સેવા પૂરી પાડે છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 10 પસાર થાય છે.

ઇતિહાસ : છઠ્ઠી શતાબ્દીમાં ગુર્જર જાતિના લોકો અહીં આવ્યા હોવાનું જાણવા મળે છે. નવમી શતાબ્દીમાં આ પ્રદેશ ચૌહાણોના કબજામાં રહેલો. ધોલપુર નગરનો સ્થાપક તોમરવંશી રાજા ધવલદેવ હતો. 1500 સુધી આ પ્રદેશ પર તોમરોનું વર્ચસ રહેલું. 1527માં અહીં બાબર આવ્યો ત્યારે તેણે અહીં ‘કમલબાગ’ નામનો એક સુંદર બાગ બનાવડાવેલો. આજે તો એના અવશેષો જ જોવા મળે છે. 1733માં અહીં સૂરજમલ નામે પ્રતાપી શાસક થઈ ગયો. પછી લાંબા સમય સુધી આ ભાગ ભરતપુર રજવાડા હેઠળ રહેલો. 1803માં સિંધિયા પાસેથી આ પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ગયો. 1857ની ક્રાંતિનો પ્રભાવ તે આગ્રા નજીકમાં આવેલું હોવાથી અહીં પણ પડેલો.

ઘણાં ઐતિહાસિક સ્થાનો અહીં જોવા મળે છે. ધૌર કુણ્ડલપુરનાં ખંડિયેરો મહાભારતકાળનાં 4000 વર્ષ પુરાણાં હોવાનું માનવામાં આવે છે. ભગોધનનાં ખંડિયેર, હનુમાનજીનું મંદિર અને ખંડિત મૂર્તિઓ બૌદ્ધકાલીન છે. મહુઆ ખેડાનું હનુમાનજીનું મંદિર અને માનપુરનાં ખંડિયેરો 2500 વર્ષ જૂનાં છે. હુલાસીપુરામાં આવેલો બાગજી તટ પર આવેલો આશ્રમ અને જેનાં પાણી ગંગાજળ જેવાં પવિત્ર માનવામાં આવે છે તે વસઈપુરામાં વસઈ બાગની સાત ક્યારીઓ 2000 વર્ષ પહેલાંની છે. રાજોર કલાનો પ્રાચીન કુંડ, વિશનોદાની વાવડી, સનોરાવાડીમાં હનુમાનજી અને ચામુંડાની મૂર્તિઓ અને વીરપુરનું દાઉજીનું મંદિર 1000થી 1500 વર્ષ જૂનાં છે.

શંકરલાલ ત્રિવેદી