દેસાઈ, અતુલ (જ. 31 જાન્યુઆરી 1934, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 2013, ટોરન્ટો, કૅનેડા) : ગુજરાતના જાણીતા શાસ્ત્રીય કંઠ્યસંગીતના કલાકાર. પિતા ગિરીશચંદ્ર તથા માતા સુલભાબહેન પાસેથી સંગીતનો વારસો મેળવ્યો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદના ચી. ન. વિદ્યાલયમાં. સાથોસાથ ત્યાં જ પ્રાથમિક સંગીત પ્રશિક્ષણની શરૂઆત કરી. ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સ કર્યા પછી વડોદરાના કલાભવનમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ પૂરો કર્યો. 1955માં બનારસ યુનિવર્સિટીમાં શાસ્ત્રીય સંગીતના ઘનિષ્ઠ પ્રશિક્ષણ માટે જોડાયા અને પંડિત ઓમકારનાથ ઠાકુર પાસેથી ગુરુશિષ્યપરંપરામાંથી આગ્રા ઘરાનાની તાલીમ મેળવી. 1956–65 દરમિયાન દેશનાં લગભગ બધાં પ્રમુખ આકાશવાણી-કેન્દ્રોમાં પ્રથમ કક્ષાના કલાકાર તરીકે સ્થાપિત થયા. 1965–72 દરમિયાન આકાશવાણી અમદાવાદ કેન્દ્રના શાસ્ત્રીય સંગીત વિભાગના નિર્માતા તરીકે સેવાઓ આપી.
1970માં અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાં જાણીતા અમેરિકન સંગીતજ્ઞ ડેવિડ ટ્યૂડર પાસેથી ‘ઇલેક્ટ્રૉનિક મ્યુઝિક’નો વિશિષ્ટ અભ્યાસક્રમ પૂરો કર્યો. ત્યારપછી તે જ વર્ષે અમદાવાદની વિખ્યાત કથકનૃત્ય પ્રશિક્ષણ સંસ્થા ‘કદમ્બ’માં સંગીત-વિભાગના નિયામક તરીકે જોડાયા, જ્યાં પારંપરિક તથા સમકાલીન આધુનિક નૃત્ય-પ્રયોગોમાં સંગીતને નૃત્યની સમકક્ષ દરજ્જો અપાવવાનું ભગીરથ કાર્ય કરી બતાવ્યું. 1975માં અવકાશ-સંશોધન માટેની વિશ્વવિખ્યાત સંસ્થા ‘ઇસરો’ના ‘સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (સાઇટ)’ના સંગીતનિર્દેશક બન્યા. સાથોસાથ નૃત્ય-નાટિકાઓ, નાટકો, રેડિયો-રૂપકો, દૂરદર્શન પરની શ્રેણીઓ તથા બાળકાર્યક્રમોનું સંગીતનિર્દેશન કર્યું.
જાપાનના ઓસાકા નગરમાં 1970માં યોજાયેલ ‘એક્સ્પો–70’ પ્રદર્શનમાં ભારતીય પૅવેલિયન દ્વારા પ્રસ્તુત ‘ઇલેક્ટ્રૉનિક સંગીત’નું નિર્દેશન તેમણે કર્યું હતું. 1973માં ભારત સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ(ICCR)ના નેજા હેઠળ વિદેશના પ્રવાસે મોકલેલ પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે છ દેશોનો પ્રવાસ ખેડ્યો. 1978માં ઍર ઇન્ડિયા અને બ્લૂમિંગડેલ્સ (અમેરિકા) દ્વારા સંયુક્ત રીતે નિર્મિત સાંસ્કૃતિક ઉત્સવ ‘ઇન્ડિયા ધી અલ્ટિમેટ ફૅન્ટસી’માં ભાગ લીધો. તે ઉપરાંત અફઘાનિસ્તાન, ક્યૂબા, ચીન, ઉત્તર કોરિયા વગેરે દેશોનો સાંસ્કૃતિક પ્રવાસ ખેડ્યો.
1986માં દિલ્હી ખાતે આયોજિત ‘અપના ઉત્સવ’માં ‘ગુંજે પથ્થર’ કાર્યક્રમના મ્યૂઝિક ટ્રૅકનું સ્વરનિયોજન અતુલ દેસાઈએ કર્યું હતું.
તેમને ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિશિષ્ટ ફેલોશિપ, વડોદરાની ત્રિવેણી સંસ્થા દ્વારા શ્રેષ્ઠ કલાકાર ઍવૉર્ડ તથા ગુજરાત રાજ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં. વળી પ્રાયોગિક સંગીતના ક્ષેત્રે તેમણે હાંસલ કરેલ સિદ્ધિઓ બદલ રાષ્ટ્રપતિના હસ્તે તેમને 1995–96ના વર્ષનો સંગીત નૃત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમનાં પત્ની સંધ્યા દેસાઈ જાણીતાં કથક નૃત્યાંગના છે, જેમને ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી દ્વારા 1996ના વર્ષ માટે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રાસબિહારી દેસાઈ