દેશમુખ, સદાનંદ નામદેવરાવ (જ. 1959, અમ્દાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘બારેમાસ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મરાઠી સાહિત્યમાં એમ.એ. તથા બી.એડ.ની પદવીઓ પ્રાપ્ત કર્યા બાદ હાલ તેઓ એક જુનિયર કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે.
તેમણે અત્યાર સુધીમાં 5 ગ્રંથો આપ્યા છે : 3 વાર્તાસંગ્રહો : ‘લચાંડ’, ‘ઉઠાવણ’ અને ‘મહાલૂટ’; 2 નવલકથાઓ : ‘તહાન’ અને ‘બારેમાસ’. સાહિત્યિક સેવા બદલ તેમને મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ પુરસ્કાર, ‘પદ્મશ્રી’ વિખે પાટીલ પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પુરસ્કાર, જયંત દળવી સ્મારક સાહિત્ય પુરસ્કાર, વિદર્ભ સાહિત્ય સંઘ પુરસ્કાર, યશવંતરાય ચવાણ સ્મારક પુરસ્કાર અને ભારતીય પ્રકાશક સંઘ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘બારેમાસ’ ગ્રામીણ જીવન અને સંસ્કૃતિનું યથાર્થપણે વ્યાપક ચિત્રાંકન કરતી નવલકથા છે. તેમાં ઉચ્ચ સૌંદર્યપરક માનક સ્થાપિત કરવા ઉપરાંત પ્રાદેશિકતાથી આગળ વધીને સમગ્ર ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવી હોવાથી આ કૃતિ મરાઠીમાં લખાયેલ ભારતીય નવલકથામાં અનોખું પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા