દેશિંગ, વિનાયકમ્ પિલ્લે

March, 2016

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે (જ. 27 જુલાઈ 1876, કન્યાકુમારી; અ. 26 સપ્ટેમ્બર 1954) : તમિળ લેખક. આધુનિક તમિળ સાહિત્યના અગ્રગણ્ય કવિ. વતન તેરુરમાં પ્રાથમિક શિક્ષણ ને કોટ્ટારુમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે પછી તિરુવનંતપુરમમાં તમિળ અને સંસ્કૃતના વિદ્વાન પંડિત શાંતલિંગ તંપિરાન પાસે પ્રાચીન તમિળ ગ્રંથો તથા સંસ્કૃતનું અધ્યયન કર્યું. તિરુવનંતપુરમમાં પહેલાં શાળાશિક્ષક ને પછી કૉલેજના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.

એમનાં કાવ્યોમાં વિષયોનું તથા કાવ્યરીતિનું પ્રચુર વૈવિધ્ય છે. એમણે એમનાં કાવ્યોમાં હરિજનો તથા નારીની દુર્દશાનું ચિત્રણ કર્યું છે અને સામાજિક ક્રાન્તિ માટે હાકલ કરી છે. એમનું ‘આસિમજ્યોત’ મહાકાવ્ય બુદ્ધના જીવન પર આધારિત છે, જે એડવિન આરનૉલ્ડના ‘લાઇટ ઑવ્ એશિયા’ની કક્ષાનું મનાયું છે. એમના ‘મલરૂમ્ માલૈયુમ’ (ફૂલમાળા) કાવ્યસંગ્રહમાં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો છે. એ કાવ્યોનું તમિળ પ્રકૃતિકાવ્યોમાં બહુ ઊંચું સ્થાન છે. ‘ઉમરખય્યામ પાડલ્કળુ’માં ઉમર ખય્યામની રુબાયતોનો મુક્ત અનુવાદ છે. ‘દેવેયિતકીર્તિ નૌકળુ’ એમનાં ભક્તિકાવ્યોનો સંગ્રહ છે; જેમાં ઈશ્વરનાં સાકાર, નિરાકાર બંને સ્વરૂપોનું વૈશિષ્ટ્ય દર્શાવાયું છે. ‘કુડન્દૈ-યૂ-ચેલ્યમ્’ એમનાં બાળકાવ્યોનો સંગ્રહ છે. આ રીતે એમણે કાવ્યોના વિવિધ પ્રકારોનું સફળતાથી ખેડાણ કર્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા