દેવોની ઘાટી (1989) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નિબંધકાર અને વિવેચક ભોળાભાઈ પટેલના હિમાચલના કેટલાક ભૂભાગનું ભ્રમણવૃત્તાંત આપતું પુસ્તક. આ ભ્રમણવૃત્તાંત લેખમાળા રૂપે ‘સંદેશ’ દૈનિકની સાપ્તાહિક સંસ્કારપૂર્તિમાં 1987ના જુલાઈથી 1988ના ફેબ્રુઆરી સુધીમાં પ્રકાશિત થયો હતો.
ભોળાભાઈનો ભ્રમણશોખ કાકાસાહેબ કાલેલકરના એ પ્રકારના પ્રવાસશોખનું સ્મરણ કરાવે છે. આ ભ્રમણવૃત્ત ડાયરી અને પત્ર રૂપે લખાયું છે તે એની વિશેષતા છે. આ કારણે સરેરાશ વાચકને પણ ભ્રમણવૃત્તમાં રસ પડે છે. સળંગ માહિતી કે હકીકતોનો અહીં ખડકલો નથી. જે કંઈ જોયું છે, અંદર-બહારનું અંતર કાપ્યું છે, તેનું અહીં સરળ છતાં મોહક શૈલીમાં નિરૂપણ છે. આ નિરૂપણમાં મન:ભ્રમણ પણ ભળ્યું છે. સર્જકની રસિકતા અને વાચનસામગ્રી પણ યથોચિત ભળ્યાં છે. તેઓની સૌંદર્યર્દષ્ટિ આવા ભ્રમણવૃત્તમાં સર્વથી ઉપર રહે છે. ‘સિમલા ડાયરી’, ‘દેવોની ઘાટી’, ‘કેરલપત્રમ્’ અને ‘કૂડલ સંગમ દેવ’ એવાં પેટાશીર્ષકોમાં તેઓ જે તે સ્થળવિશેષો, તેમનો મહિમા, તેમનું ઐતિહાસિક કે કથાગત મૂલ્ય વગેરેને પ્રકટ કરે છે. સમરહિલ ઉપરના મસમોટા મકાનને જોઈને, તેઓ તેનો અંગ્રેજ કાળનો ઇતિહાસ પણ યાદ કરે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ સ્ટડી સેન્ટરનું તેનું હાલનું રૂપ પણ તે સાથે જોડે છે. રાષ્ટ્રપતિ નિવાસ તરીકેની તેની ઓળખનું પણ બયાન કરે છે. કસૌલી જેવા રમ્ય ગિરિનગર પ્રત્યેનો તૃપ્તિકર અનુભવ પણ અહીં આકાર પામ્યો છે. સ્કૅન્ડલ પૉઇન્ટના વર્ણનમાં તેમની રસિક-રમૂજ ર્દષ્ટિ સ્થાનિક કથા દ્વારા સરસ રીતે અભિવ્યક્ત થઈ છે. પંજાબની તત્કાલીન સ્થિતિનો ચચરાટ પણ અહીં છે. પ્રકૃતિ તરફનું તેમનું અદમ્ય આકર્ષણ ખીણો, પહાડો, સૂર્ય, પવન, અજાણ્યાં પંખીઓનાં ગીત વગેરેમાં સરસ રીતે પ્રકટ થતું આવ્યું છે.
અહીં સ્થળ તરફનો તેમનો લગાવ ભલે ત્યાં ઓછું રહ્યા હોય તોપણ ચિરકાલીન બની રહે છે. તેઓ એ સ્થળની હિડિમ્બા જેવી પ્રાચીન કથાઓમાં ભાવકને લઈ જાય છે, ‘કુલ્લૂ’ નામનાં રોચક અર્થઘટનો આપે છે. લાક્ષાગૃહ પછીની ઘટનાઓમાં પાંડવો અહીં રહ્યા હતા તેનું સ્મરણ કરે છે. ત્યાંની હોટેલો, તહેવારોની પણ વાત આવે છે. એ સર્વનો ગુમ્ફ આ સ્થળને વેલી ઑવ્ ગૉડ્ઝ કહેવા પ્રેરે છે, તેનો પણ ખૂબીપૂર્વક નિર્દેશ કર્યો છે. બાર્ટન હિલ, વિવેકાનંદ રૉક, દરિયો, કોલ્લમનો રમણીય પરિસર, સ્ત્રી-આકારની ટેકરી વગેરે કેરલપત્રમના આખા સ્થળને અનેકશ: ભાવક સમક્ષ ધરી દે છે. સર્જકનું મૌગ્ધ્ય અને વૈદગ્ધ બંનેની અહીં એકસાથે મહત્તા ખૂલતી પામી શકાય છે. સર્જક કોઈ વાદ, ધર્મની કંઠી બાંધ્યા વિના અહીં ધર્મ કે ધર્મમંદિરની વાત કરી શક્યા છે. ત્રિવેન્દ્રમ્ કે કન્યાકુમારીનાં નામકરણોનો ઇતિહાસ આપી શક્યા છે. વિપાશા, કાવેરી, તુંગભદ્રા જેવી સરિતાઓનું કે કન્યાકુમારીનો સાગર, શંખમુખમ્ વગેરેના નિર્દેશોમાં તેમનો પ્રકૃતિપ્રેમ સ્પૃહણીય રીતે ઊપસતો આવે છે. વિવિધ મંદિરોનાં વર્ણનોમાં તેમનો શિલ્પ-સ્થાપત્ય પ્રેમ આગળ રહ્યો છે.
ભોળાભાઈનાં અન્ય પ્રવાસવર્ણનોની જેમ જ ‘દેવોની ઘાટી’ પ્રવાસવર્ણન તરીકે સુવાચ્ય છે. અહીં તેઓ રસળતી કલમે માણ્યાનું સ્મરણ કરે-કરાવે છે. તેમની ર્દષ્ટિ આવાં સ્થળોના દર્શન-વર્ણનમાં ક્યાંય બદ્ધ નથી રહી. એક કલાકારની રીતે તેઓ સઘળું જુએ છે, પામે છે અને પ્રકટ કરે છે. ઇતિહાસ-કથા-અભ્યાસ-પુરાકલ્પનના અનેક સંદર્ભો અને વિવિધ ભાષાઓનું તેમનું જ્ઞાન આવાં પ્રવાસવર્ણનોને દીપાવે છે. તેમનું ગદ્ય એક સૌંદર્યદર્શી સર્જકનું ગદ્ય છે. ચિત્રાત્મકતા તેનો ગુણવિશેષ છે. આ ગ્રંથ દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા ઈ. સ. 1992માં પુરસ્કૃત થયો હતો.
પ્રવીણ દરજી