દેશ (1933) : બંગાળી સામયિક. હાલ તેના તંત્રી હર્ષ દત્ત છે. 1930માં નવોદિત બંગાળી લેખકોને પ્રોત્સાહિત કરે એવું માસિક ‘કલ્લોલ’ બંધ પડી ગયું હતું. ‘સબુજ પત્ર’ પણ ડચકાં ખાતું હતું. ‘પ્રવાસી’ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનું મુખપત્ર હતું. એથી નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરે એવા કોઈ સામયિકની આવશ્યકતા જણાઈ. બંગાળના વધુમાં વધુ ફેલાવાવાળા દૈનિકપત્ર ‘આનંદબજાર પત્રિકા’એ એવું સામયિક શરૂ કરવાનું બીડું ઝડપ્યું અને 1933માં બંગ સંવત 1339ના વિજયાદશમીના દિવસે ‘દેશ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એમાં ધારાવાહી નવલકથા, વાર્તા, પ્રવાસવર્ણન, કલાપ્રવૃત્તિના સમાચાર, વિવિધ કલાઓને લગતા લેખો વગેરે પ્રકાશિત થવા લાગ્યાં. જાણીતા કવિઓ, વાર્તાકારો, નાટ્યલેખકો વગેરેનો સાથ સાંપડ્યો. તેમાં પણ શંખો ઘોષ, સુનીલ ગંગોપાધ્યાય, બનફૂલ, શંકર, પ્રેમેન્દ્ર મિત્ર, આશાપૂર્ણાદેવી વગેરે લેખકોનો સમાવેશ થાય છે. ‘દેશ’ સાપ્તાહિક હતું, 1992થી એ પાક્ષિક બન્યું છે. પ્રતિવર્ષ નવરાત્રિ વખતે દળદાર પૂજા અંક પ્રસિદ્ધ કરે છે, જેમાં સાતેક લઘુનવલો, ટૂંકી વાર્તાઓ, નિબંધો વગેરે પ્રસિદ્ધ થાય છે. એનો વિદેશમાં પણ સારો પ્રચાર છે. લગભગ એક લાખ જેટલી એની ગ્રાહકસંખ્યા ગણાઈ છે. એના તંત્રી સાગરમય ઘોષ છે.

ચન્દ્રકાન્ત મહેતા