દેવળાલીકર, વાય. ડી. (જ. 1931, ઇન્દોર, મધ્યપ્રદેશ) : લોકકલા પરંપરાના ચિત્રકાર. શિક્ષણ, જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ, મુંબઈ. રેખાંકન અને ચિત્રકળા માટેનું જી.ડી.એ. પ્રમાણપત્ર (ડ્રૉઇંગ અને પેન્ટિંગ) મેળવ્યું. 1954માં ચિત્રકળા અંગેનાં દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં વેનિસ અને રોમમાં સક્રિય ભાગ લીધો. 1961માં મહારાષ્ટ્ર રાજ્ય કળાપ્રદર્શનમાં પુરસ્કાર દ્વારા સંમાનિત થયા. 1963–65 અને 1967ના કવિ કાલિદાસ આર્ટ પ્રદર્શન, મધ્યપ્રદેશ દ્વારા રોકડ પુરસ્કારના વિજેતા બન્યા. ન્યૂ ગિનીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પાપુઆ, ઑસ્ટ્રેલિયા ખાતે 1977માં જૂથપ્રદર્શન પ્રસંગે હાજર રહ્યા. પશ્ચિમ જર્મનીમાં સમકાલીન ભારતીય ચિત્રપ્રદર્શન અંગેના 1982ના પ્રતિનિધિમંડળમાં તેઓ હતા. તેમનું વ્યક્તિગત ચિત્રપ્રદર્શન (one man show) કૉમનવેલ્થ ઇન્સ્ટિટ્યૂટ, લંડનમાં યોજાયું. ભારતનાં મુખ્ય કલાપ્રદર્શનોમાં તેમની હાજરી અચૂક હોય જ. તેમનાં ચિત્રોનાં 7 વ્યક્તિગત ચિત્રપ્રદર્શનો જહાંગીર આર્ટ ગૅલરી અને 2 તાજ આર્ટ ગૅલરી, મુંબઈમાં થયાં હતાં. મૉડર્ન આર્ટ ગૅલરી દિલ્હી અને રોમમાં પ્રદર્શિત કરવામાં આવેલ ભારતીય નમૂના માટે તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું. ઍર ઇંડિયા અને ગ્વાલિયર આર્ટ ગૅલરી માટે તેમણે ચિત્રો તૈયાર કરી આપ્યાં. તેમણે તૈયાર કરેલાં ભીંતચિત્રોમાં હોટેલ કલિંગ માટેનાં બે અને ઓરિસા સ્ટેટ કોઑપરેટિવ બૅંક, ભુવનેશ્વર માટેનાં ચાર ચિત્રોનો સમાવેશ થાય છે.
વિ. પ્ર. ત્રિવેદી