આફ્રિકા

દુનિયાના સાત ખંડોમાં પ્રાદેશિક વિશાળતાની દૃષ્ટિએ બીજા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો ખંડ. આ ખંડમાં જે દેશો યુનો સાથે સંકળાયેલા છે તેની સંખ્યા 54 છે. ભૌગોલિકસ્થાન : તે 370 ઉ. અ.થી 350 દ. અ. અને 180 પ. રે.થી 510 પૂ. રે. વચ્ચેનો આશરે 3,00,97,000 ચો. કિમી. જેટલો વિશાળ વિસ્તાર આવરી લે છે. તેની ઉ. દ. લંબાઈ આશરે 8,000 કિમી. અને પૂ. પ. પહોળાઈ 6,500 કિમી. જેટલી છે. વિષુવવૃત્ત આ ખંડના મધ્યભાગમાંથી પસાર થાય છે. તેનો ઉત્તર ભાગ ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ભાગ દક્ષિણ ગોળાર્ધમાં છે. કર્કવૃત્ત અને મકરવૃત્ત બંને આ ખંડ પરથી પસાર થાય છે. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલા (ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને રાતો સમુદ્ર, પૂર્વે હિન્દી મહાસાગર અને પશ્ચિમે ઍટલાંટિક મહાસાગર) આ ખંડનો મોટાભાગનો પ્રદેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે.

18મી સદીના અંત સુધી ‘અંધારા ખંડ’ તરીકે ઓળખાતા આ ખંડનો પરિચય બીજા ખંડોના દેશોને થોડાવત્તા અંશે કિનારાના પ્રદેશો સાથે વેપાર ખેડવા પૂરતો જ હતો. 19મી સદી દરમિયાન મંગો પાર્ક અને ડૅવિડ લિવિંગ્સ્ટન જેવા સાહસિક મુસાફરોને પ્રતાપે દુનિયાને આ ખંડની જાણકારી મળી. પરદેશી હકૂમતોના સંસ્થાનવાદને લીધે બીજા વિશ્વયુદ્ધને અંતે અહીં ફક્ત ચાર જ રાજ્યો સ્વતંત્ર હતાં. આજે મોટા ભાગનાં રાજ્યો સ્વતંત્ર છે.

ભૂપૃષ્ઠ : આફ્રિકાનો લગભગ આખોય ખંડ અસમાન ઊંચાઈવાળો ઉચ્ચપ્રદેશ છે. પૉર્ટ સૈદથી કૉંગો નદીના મૂળ સુધીના ઉચ્ચ પ્રદેશના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ પડે છે. આમાં દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ ઉત્તર કરતાં આશરે 900 મી. વધુ છે. ઈથિયોપિયાનો ઉચ્ચ પ્રદેશ લગભગ 3,000 મી. અને પૂર્વ આફ્રિકાનો ઉચ્ચપ્રદેશ 1,800 મી. ઊંચો છે. ઉષ્ણ કટિબંધમાં હોવા છતાં આટલી ઊંચાઈને લીધે આ પ્રદેશની હવા શીતળ અને ખુશનુમા રહે છે.

મહા ફાટખીણ અને સરોવરો : આફ્રિકાના પૂર્વ ભાગમાં ઉત્તર-દક્ષિણ મોટી, સાંકડી અને ઊંડી ફાટખીણ (great rift valley) આવેલી છે. તે રાતા સમુદ્રથી આફ્રિકામાં આવેલા ન્યાસા સરોવર સુધી લગભગ 5,000 કિમી. લંબાયેલી છે. તેના વધારે ઊંડા ભાગોમાં પાણી ભરાવાથી મોટાં મોટાં સરોવરો બન્યાં છે. આફ્રિકાનાં મુખ્ય સરોવરો : આબાયા, આલ્બર્ટ, બાંગવેઉલુ, ચાડ, એડ્વર્ડ, કારિબા, કિઓગા, કિવુ, લૅપોલ્ડ, માકારીકારી, મ્વેરુ, ન્યાસા, રૂડૉલ્ફ, ટાના, ટાંગાનીકા અને વિક્ટોરિયા.

પર્વતો : આફ્રિકાના વાયવ્ય ભાગમાં આવેલી ઍટલાસ ગેડ પર્વતમાળા એકબીજાને સમાંતર એવી બે હારમાં વહેંચાયેલી છે.  એનું સૌથી ઊંચું શિખર જેબલ ટૌબ્કલ 4165 મી. ઊંચું છે. આફ્રિકાના બીજા મુખ્ય પર્વતોમાં પશ્ચિમ ગિનીના અખાતના કિનારા નજીકના કૅમેરુન, પૂર્વ ભાગમાં કિનારાના સમાંતર ઉત્તરમાં ઈથિયોપિયાના પહાડો અને અગ્નિ ભાગમાં લગભગ 2,400 મી. ઊંચાઈની ડ્રેકન્સબર્ગની ગિરિમાળાનો સમાવેશ થાય છે. પૂર્વ કિનારાની ગિરિમાળામાં સૌથી ઊંચાં હિમાચ્છાદિત જ્વાળામુખીનાં શિખરો માઉન્ટ કિલિમાન્જારો (આશરે 6,000 મી.), માઉન્ટ કેન્યા (આશરે 5,150, મી.) અને માઉન્ટ રૂએન્ઝોરી (આશરે 5,000 મી.) છે.

નદીઓ : પ્રાદેશિક વિસ્તારના પ્રમાણમાં આ ખંડમાં નદીઓ બહુ ઓછી છે. તેમાંથી ત્રીજા ભાગની નદીઓ અંત:સ્થ છે એટલે સમુદ્રમાં મળતી નથી. મોટા ભાગની અંત:સ્થ નદીઓ સહરાના રણ, લિબિયાના રણ, ચાડ સરોવરની ખીણમાં, કલહારી રણના થોડા પ્રદેશમાં અને પૂર્વ આફ્રિકાની ફાટખીણના પ્રદેશમાં આવેલી છે, આફ્રિકાની મુખ્ય નદીઓ આ પ્રમાણે છે :

નાઇલ – દુનિયાની સૌથી લાંબી નદી (6,600 કિમી.), વિષુવવૃત્તની દક્ષિણે આવેલા ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. ઇજિપ્તની મહાન સંસ્કૃતિ અને આબાદી આ નાઇલ નદીને જ આભારી છે,

કૉંગો લોકશાહી પ્રજાસત્તાક (ઝૈર) – વિષુવવૃત્તીય જંગલના ભારે વરસાદવાળા પ્રદેશમાંથી વહેતી, ઍટલાંટિક સમુદ્રને મળતી, લગભગ 4,800 કિમી. લાંબી આ નદી પાણીના જથ્થાની દૃષ્ટિએ આફ્રિકાની સૌથી મોટી નદી છે. ધનુષ્ય-આકાર ધરાવતી, દુનિયાની આ એક જ નદી એવી છે જે આફ્રિકાના ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં થઈને વહે છે. તે બે વાર વિષુવવૃત્તને ઓળંગે છે. ઍટલાંટિકને મળતી આ નદીના મુખ પર મટાડી બંદર આવેલું છે.

નાઇજર – ગિનીના કિનારા પાસેના સિએરાલિયોનના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી આ નદી લગભગ 4,100 કિમી. લાંબી છે, નાઇજીરિયામાં તેનાં પાણીના જથ્થા અને ઊંડાઈને લીધે તેનો સિંચાઈ અને જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે.

ઝાંબેઝી – દક્ષિણ ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી હિંદી મહાસાગરને મળતી લગભગ 3,200 કિમી. લાંબી દક્ષિણ આફ્રિકાની આ સૌથી મહત્વની નદી છે. શરૂઆતમાં દક્ષિણમાં લગભગ 1,600 કિમી. વહીને તે ફાટખીણમાં દાખલ થાય છે. અહીં તેનો પ્રવાહ 122 મી. ઊંચાઈએથી નીચે ઊંડી ખીણમાં પડે છે, જે દુનિયાના મોટામાં મોટા વિક્ટોરિયા ધોધ તરીકે જાણીતો છે. અહીંના સીદીઓ એને ‘મોસી તુન્યા’ એટલે કે ‘ગર્જતા ધુમાડા’ તરીકે ઓળખે છે. આ સિવાય ઑરેંજ, સેનેગલ, ગેમ્બિયા, લિમ્પોપો (મગરોની નદી), વાઅલ વગેરે ઍટલાંટિકને મળતી નાની નદીઓ છે.

Sahara 3

સહરાના રણનો એક ભાગ, આફ્રિકા

સૌ. "Sahara 3" | CC BY 2.0

આબોહવા : આફ્રિકાનો મોટો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. વિષુવવૃત્ત એના મધ્ય ભાગમાંથી, કર્કવૃત્ત એના ઉત્તર અને મકરવૃત્ત એના દક્ષિણ ભાગ પરથી પસાર થાય છે. ખંડના ઉત્તર અને દક્ષિણ છેડાના ભાગો સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે. આફ્રિકાનો મોટો ભાગ અયનવૃત્તો વચ્ચે આવેલો હોવાથી સૂર્યનાં સીધાં કિરણો મેળવે છે, એટલે વધારે ઊંચા ભાગોને બાદ કરતાં અહીંનું તાપમાન આખું વર્ષ ઊંચું રહે છે. આથી ઘણા આ ખંડને ‘ગરમ ખંડ’ પણ કહે છે. સહરાના રણની આબોહવા વિષમ એટલે ઉનાળામાં ત્યાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. કિનારે વહેતા મહાસાગરના પ્રવાહો પણ તાપમાન પર પ્રબળ અસર કરે છે. દા.ત., પશ્ચિમ કિનારે કૅનેરિઝ અને બેંગ્વેલાના ઠંડા પ્રવાહો તાપમાનને ઘટાડે છે ત્યારે પૂર્વ કિનારે મોઝામ્બિકનો ગરમ પ્રવાહ તાપમાન વધારે છે.

ઉષ્ણ કટિબંધમાં આવેલો આફ્રિકાના મોટા ભાગનો પ્રદેશ વ્યાપારી પવનનો પ્રદેશ છે. આ પવનો સૂકા હોવાથી ઓછો વરસાદ લાવે છે. કૉંગોના તટપ્રદેશો અને ઍટલાંટિક પરથી વાતા મોસમી પવનોને લીધે ગિનીના કિનારાના ભાગમાં સૌથી વધુ વરસાદ (2,000 મિમી.થી વધુ) પડે છે. કૅમરુનના પહાડી પ્રદેશમાં 8,000 મિમી.થી 10,000 મિમી. વરસાદનો વિક્રમ નોંધાયો છે. વિષુવવૃત્તની ઉત્તર કે દક્ષિણ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. સહરાના રણમાં વર્ષ દરમિયાન માંડ 60થી 70 મિમી. અને કેરોમાં 30થી 40 મિમી. વરસાદ પડે છે. તે ઉપરાંત, રણના ઘણા ભાગો એવા છે જ્યાં બે-ત્રણ વર્ષે છૂટાંછવાયાં ઝાપટાં જ પડે છે. આમ આફ્રિકામાં વિષુવવૃત્તની આસપાસના પ્રદેશમાં બારે માસ વરસાદ, તેની ઉત્તર અને દક્ષિણ તરફ જઈએ તો ઉનાળુ વરસાદ, કિનારાના વાયવ્ય અને નૈર્ઋત્ય પ્રદેશમાં શિયાળુ વરસાદ પડે છે અને તેના રણપ્રદેશમાં નહિવત્ વરસાદ પડે છે.

સુદાન પ્રકારની આબોહવા ને સવાના પ્રદેશ : મોટા ભાગના સુદાનને આવરી લેતી હોવાથી અહીંની આબોહવાને ‘સુદાન પ્રકારની આબોહવા’ કહે છે. વિષુવવૃત્તની ઉત્તર અને દક્ષિણ 50થી 200 અક્ષાંશ સુધીના પ્રદેશમાં બે ઋતુઓ જોવા મળે છે. અહીં ગરમ અને ભેજવાળો ઉનાળો અને ઠંડો અને સૂકો શિયાળો જેવી મુખ્ય બે ઋતુઓ પ્રવર્તે છે. વર્ષ દરમિયાન થતી તાપમાનની વધઘટનો ગાળો મોટો હોય છે અને રણપ્રદેશ તરફ જઈએ તેમ એ વધતો જાય છે. ઓછા વરસાદને કારણે અહીં જંગલો નથી, પણ ચાર-પાંચ મી. ઊંચાં ઘાસનાં બીડો જોવા મળે છે. આ ઘાસને ‘હાથી ઘાસ’ પણ કહે છે. અહીંનાં વૃક્ષો નાનાં અને ઉપરથી છત્રી આકારનાં હોય છે. જ્યાં જ્યાં પાણીની સગવડ હોય તેવા પ્રદેશમાં ઘાસનાં બીડો સાફ કરી કપાસ, તેલીબિયાં, મકાઈ, જુવાર, બાજરી, તમાકુ, સીસલ વગેરેની ખેતી થાય છે.

ગરમ રણપ્રદેશ : આફ્રિકાના ઉત્તર તેમજ દક્ષિણ ભાગમાં અયનવૃત્તોની આસપાસ આશરે 200થી 300 અક્ષાંશ વચ્ચેનો પશ્ચિમ વિભાગનો પ્રદેશ આવેલો છે. અહીંની આબોહવા સૂકી અને વિષમ છે. વરસાદના અભાવે અહીં ઝાડીઝાંખરાં સિવાય કોઈ વનસ્પતિ થતી નથી. વિવિધ જાતના થોર અને રણદ્વીપોમાં જ્યાં પેટાળમાંથી પાણી મળી રહે છે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઉછેરવામાં આવે છે. તે ઉપરાંત, આવા રણદ્વીપોમાં કપાસ, ચોખા, શેરડી, તમાકુ, દ્રાક્ષ, જુવાર, બાજરી અને ફળોની ખેતી પણ થાય છે.

ભૂમધ્ય આબોહવાનો પ્રદેશ : આફ્રિકાના વાયવ્ય અને નૈર્ઋત્ય ભાગમાં સમુદ્રકિનારે આ પ્રદેશ આવેલો છે. અહીંનો ઉનાળો ગરમ અને સૂકો અને શિયાળો હૂંફાળો ને ભેજવાળો હોય છે. આબોહવા એકંદરે સમધાત અને બારે માસ ખુશનુમા રહે છે. વરસાદ ટૂંકા સમય માટે શિયાળામાં પડે છે. જ્યાં વરસાદ પડે છે ત્યાં કૉર્ક, ઓક અને ચેસ્ટનટ જેવાં વૃક્ષોનાં જંગલો જોવામાં આવે છે. ફૂલ તથા ફળનાં ઝાડ. નારંગી, લીંબુ, પીચ, પિયર, પ્લમ, અખરોટ, સફરજન, અંજીર, બદામ, દ્રાક્ષનાં ઑલિવનાં ફળોના તેમજ ફૂલોના બગીચાઓ અહીં જોવા મળે છે. તે ઉપરાંત ઘઉં, જવ, બટાટા, હેમ્પ વગેરેની ખેતી પણ કરવામાં આવે છે.

વનસ્પતિ : વિષુવવૃત્તીય આબોહવા અને જંગલ પ્રદેશ : ઉત્તર અને દક્ષિણ 50 અક્ષાંશ સુધીના પ્રદેશની આબોહવા બારે માસ અત્યંત ગરમ અને ભેજવાળી રહે છે. ત્યાં તાપમાન ઊંચું રહે છે તેમજ બારેમાસ સખત વરસાદ પડે છે. એના પરિણામે કૉંગોના તટપ્રદેશ અને ગિનીના કિનારાના પ્રદેશમાં ઘણાં ગીચ જંગલો આવેલાં છે. અહીંનાં વૃક્ષોનાં થડ ખૂબ મોટા ઘેરાવાવાળાં હોય છે. તે વૃક્ષોની ઊંચાઈ 60થી 90 મી. હોય છે. વૃક્ષોમાંથી મેળવાતું ઇમારતી લાકડું અહીંની મુખ્ય પેદાશ છે : મૅહોગની, અબનૂસ, લૉગવુડ, રોઝવુડ, આયર્નવુડ વગેરે. હાલ આ જંગલોને સાફ કરી ત્યાં રબર, તેલતાડ, કોકો, કેળાં વગેરે પાકોની ખેતી થાય છે.

બંદરો : આફ્રિકાનો કિનારો બહુ લાંબો છતાં બહુ ખાંચાખૂંચીવાળો ન હોવાથી બંદરો ઓછાં છે. અહીં ઘૂસી જતા અખાતો અને નજીકમાં કુદરતી બંદરને અનુકૂળ ટાપુઓ પણ ઓછા છે. થોડાંઘણાં બંદરોમાં ઉત્તરે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગનું પોર્ટ સૈદ, એલેક્ઝાન્ડ્રિયા, ત્રિપૉલી; ભૂમધ્ય સમુદ્રના કિનારાના પશ્ચિમ ભાગમાં ટ્યૂનિસ અને અલ્જિયર્સ; પશ્ચિમ ભાગે ઍટલાન્ટિકના કિનારે ફ્રીટાઉન, આક્રા, લાગૉસ, ગુલામોના વેપાર માટે એક વખતનું જાણીતું બંદર મટાડી, બેંગ્વેલા, કેપટાઉન; પૂર્વ કિનારે પૉર્ટ એલિઝાબેથ, ડર્બન, દારે-સલામથી દોઢેક કિલોમીટર દૂર આવેલા ટાપુ પરનું બંદર ઝાંઝીબાર અને મૉંબાસાનો સમાવેશ થાય છે.

વસ્તી : 146 કરોડ (2023) આફ્રિકા, એશિયા અને યુરોપ પછીનો સૌથી વધુ વસ્તીવાળો ખંડ છે, છતાં પ્રાદેશિક વિસ્તારની દૃષ્ટિએ વસ્તીનું પ્રમાણ અહીં ઓછું છે. યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં ત્રણગણો મોટો હોવા છતાં અહીં તેના કરતાં વસ્તી વધુ છે. અહીંની વસ્તીગીચતાદર ચોકિમી. મુજબ 22ની છે. આનું કારણ ભૌગોલિક સમ-વિષમ પરિસ્થિતિઓ છે.

આખા આફ્રિકામાં સરેરાશ 1,000ની વસ્તીએ 45થી 50 બાળકો જન્મે છે. તેનાં ઘણાં રાજ્યોમાં આ પ્રમાણ 35 અને ઘણાંમાં 65નું પણ મળે છે. પહેલાં ચિકિત્સાના અભાવે મૃત્યુ-આંક 20થી 40 સુધીનો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી ઘણાં રાજ્યોની પ્રગતિને લીધે આજે સરેરાશ મૃત્યુ-આંક 25 રહ્યો.

બીજા વિશ્વયુદ્ધ પછી થયેલી શોધખોળોને પરિણામે આફ્રિકાના મૂળ વતનીઓને છ જાતિઓમાં વહેંચવામાં આવ્યા હતા. સેમિટ : રહેઠાણ ઉત્તર આફ્રિકા અને સેમેટિક ભાષાઓ બોલનારાઓ. હેમિટ : અસેમિટક, અનીગ્રો ભાષા બોલનારા, કૉકેશિયન જેવા નાના બાંધાના કાળી ચામડીવાળા. નીગ્રો : બે પ્રકારના, (1) બાન્ટુ ભાષાઓ બોલનારા બાન્ટુ અને સુદાનના મૂળ હબસીઓ. (2) પશ્ચિમ ભાગના અને બાન્ટુ ભાષાઓ ન બોલનારા. નિલોટ : નાઇલના ઉપરવાસમાં વસનારા ઊંચા અને પાતળા લોકો. આમાં થોડા લોકો બાન્ટુ ભાષા બોલનારા છે, પણ બાકીના નિલેટિક ભાષાઓ બોલે છે. નિલો હેમિટ : નિલોટ અને હેમિટ વચ્ચેનો નિલોટિક ભાષાઓ બોલતો વર્ગ. બુશમૅન, હોટેન્ટોટ પિગ્મી : દક્ષિણ ભાગમાં કૉંગોથી કલહરીના રણ સુધીના છૂટાછવાયા  પ્રદેશમાં વસતા લોકો.

આજે શરીરના બાંધા અને નાક-નકશીના આધારે એક સરળ વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે પ્રમાણે (1) બુશમૅન લોકો : ઠીંગણા, ઘઉંવર્ણા અથવા પીળી ચામડીના લોકો. (2) હબસી લોકો : જાડા હોઠ, વાંકડિયા વાળ, કાળા રંગના, જે આજે બહારની દુનિયામાં વધુ જાણીતા છે. (3) કૉકેશિયન લોકો : સહરાના કિનારે તથા ઈથિયોપિયા અને સોમાલિયા તરફના કાળી ચામડીના લોકો, જે ખાસ ઉત્તર આફ્રિકામાં મળે છે. તે સિવાય ધંધાર્થે આવેલ આરબ, સ્પેનિયાર્ડ, સિસિલિયન, નૉર્મન, ગ્રીક, રોમન વગેરેના વંશજો પણ અહીં વસે છે. એશિયાના દેશોમાંથી આવેલી પ્રજા પણ અહીં વધુ પ્રમાણમાં છે. એમાં ભારતીયોની સંખ્યા વધુ છે. આ રીતે આજે અહીંની વસ્તીમાં ઘણી વિવિધતા જોવા મળે છે.

આફ્રિકાની મૂળ જનજાતિની મહિલા

આ ખંડમાં એકબીજાથી અલગ પડતી 800થી 1,000 જેટલી જુદી જુદી ભાષાઓ બોલાય છે. મેન્ડિકે, કવા, લિંગાલા, બેમ્બા અને બાન્ટુ(ઝૂલુ, સ્વાહિલી, કિકુયુ)નો સમાવેશ કરતી નાઇજર કૉર્ડોફેનિયન ભાષાઓ આફ્રિકાના પશ્ચિમ મોરિયનિયાથી દક્ષિણ આફ્રિકા સુધી બોલાય છે. મધ્ય આફ્રિકાના નાઇજર નદીથી ઈથિયોપિયાના તળેટી વિસ્તારોમાં ડિન્કા, શિલુક, નુએર મસાઈ જેવી નાઇલો-સહરાની ભાષાઓ બોલાય છે. વિષુવવૃત્તથી ઉત્તર તરફના ભાગોમાં અરેબિક, બેરબેર, ઈથિયોપિયન અને ઍમહેરિક જેવી આફ્રો-એશિયાટિક (હેમિટો-સેમિટિક) ભાષાઓ બોલાય છે. નામિબિયાના નામ, કુંગ અને ખોઈ ખોઈ લોકો ઓઇસાન ભાષાઓ બોલે છે.

નિગર-કૉંગો : આ આફ્રિકાનો સૌથી મોટો ભાષાપરિવાર છે. મોટા ભાગના દક્ષિણ આફ્રિકા, ઍટલાંટિક સમુદ્રના સેનેગલથી પૂર્વમાં કેન્યા સુધી અને દક્ષિણમાં ઠેઠ કેપ ઑવ્ ગુડ હોપ સુધી ફેલાયેલા આ ભાષા-પરિવારમાં લગભગ 900 ભાષાઓ નોંધાઈ છે ને આશરે 18.1 કરોડ લોકો તે બોલે છે. આ ભાષાઓ સાત શાખાઓમાં વર્ગીકૃત થયેલી છે : (1) પશ્ચિમ ઍટલાંટિક : આ ભાષાઓ સેનેગલ, ગિની અને સિયેરા લિયોન પ્રદેશમાં બોલાય છે. ફુલાની (70 લાખ બોલનારા), વૉલેફ અને ટેમને (Temne) આ શાખાની મુખ્ય ભાષાઓ છે. (2) મૅનડિન્ગો (Mandingo) અથવા માનદે : આ શાખાની 26 ભાષાઓ નિગર ખીણના ઉપરિયાળ ભાગમાં બોલાય છે. મૅલિન્કે (Malinke) અને લાઇબેરિયાની મૅન્ડે આની મુખ્ય ભાષાઓ છે. (3) વૉલ્ટેઇક અથવા ગુર : આ ભાષાઓ ઘાનાના ઉત્તરીય ભાગોમાં અને ઉપરવાસ વોલ્ટાના પ્રજાસત્તાક રાજ્યમાં બોલાય છે. મોસ્સી રાજ્યની ભાષાઓનો પણ આમાં સમાવેશ થાય છે. (4) ક્વા (Kwa) : આ ભાષાઓ ગિનીના અખાતના સળંગ કાંઠે અને આઇવરી કોસ્ટની પૂર્વમાં નાઇજીરિયા સુધી બોલાય છે. મુખ્ય ભાષાઓ છે  આકાન-ટ્વિ (Akan-Twi, તે આઇવરી કોસ્ટ અને ઘાનામાં બોલાય છે.), ફોં (Fo) (એ ડાહોમેની રાજ્યભાષા છે.), યોરુબા, બિનિ, નુપે, ઈબો, એવે વગેરે. આ દરેક ભાષા લગભગ 10 લાખ લોકો બોલે છે. (5) બેનુએ-કૉંગો અથવા બેનુએ નિગર : આ શાખામાં લગભગ 500 ભાષાઓ નોંધાયેલી છે. તે પશ્ચિમ કિનારાના નાઇજીરિયાથી પૂર્વે ટાન્ઝાનિયા સુધી અને દક્ષિણે દક્ષિણ આફ્રિકા સુધી ફેલાયેલી છે. લગભગ 5.5 કરોડ લોકો દ્વારા બોલાતી બાન્ટુ ભાષાઓ આ પરિવારની મહત્વપૂર્ણ ઉપશાખા છે. સ્વાહિલી (80 લાખ લોકો દ્વારા બોલાતી) મહત્વપૂર્ણ અને લિંગ્વા ફ્રાંકા (મિશ્ર ભાષારૂપ) તરીકે સમગ્ર પૂર્વ આફ્રિકામાં બોલાતી ભાષા છે. ઍફિક (Afik), અને ટિવ (Tiv) નાઇજીરિયામાં અને કૅમેરુનમાં બોલાય છે. દસ દસ લાખ માણસો દ્વારા બોલાતી બીજી 14 ભાષાઓમાં ઝૂલુ, હોઉસા (Xhosa/Hosa), શોના, લુગાન્ડા અને કિકોંકો મુખ્ય ભાષાઓ છે. એમ મનાય છે કે કૉંગોના ખીણપ્રદેશના પિગ્મી લોકોએ નિગર કૉંગો અને નિલો-સહારન ભાષાઓ અપનાવી લીધી હોવાથી તેમની મૂળ ભાષા વિશે કોઈને જાણ નથી.

અન્ય ભાષાઓ : માડાગાસ્કરમાં બોલાતી માલાગાસી ઑસ્ટ્રોનેશિયન ભાષા છે. બાકી રહેતી ભાષાઓ દક્ષિણ-પૂર્વ એશિયા અને પૅસિફિકમાં બોલાય છે. લાઇબેરિયાના કાંઠે વસેલા અમેરિકન નીગ્રો અંગ્રેજી બોલે છે. સિયેરા લિયોનના ફ્રીટાઉનમાં વસેલા ગુલામોના વંશજો ક્રિયો (Krio) ભાષા બોલે છે. દક્ષિણ આફ્રિકામાં પ્રારંભકાળના ગોરાઓ દ્વારા બોલાતી આ ભાષામાંથી ઉદભવેલી આફ્રિકન ભાષા આજે પણ તેમના વંશજો દ્વારા બોલાય છે. તે સિવાય ઇજિપ્તની ચિત્રલિપિ(heiroglyphic)માંથી સાધિત મેરોઇટિક (Meroitic) ભાષા સુદાનના પ્રજાસત્તાક રાજ્યમાં મળી આવેલ ઉત્કીર્ણ લેખોમાં જોવા મળે છે.

ઇતિહાસ અને સમાજ

માનવીનો પ્રાદુર્ભાવ સૌપ્રથમ આફ્રિકામાં થયો. ડૉ. લૂઈ લીકીને ઓલ્ડુવાઈ કોતરમાંથી મળેલા હોમોઝિન્ઝેન્થ્રોપોસના અવશેષોને આધારે કરવામાં આવતો આ દાવો વિવાદાસ્પદ હોઈ શકે. પરંતુ, આફ્રિકામાં માનવ-વસવાટ અન્ય પ્રદેશો કરતાં વધુ પુરાણો છે તે હકીકત છે. આમ છતાં વિશ્વના અન્ય દેશોએ જે સાંસ્કૃતિક વિકાસ સાધ્યો તેની તુલનામાં આફ્રિકા પાછળ રહી ગયો જણાય છે. આ માટે ભૌગોલિક પરિસ્થિતિને કારણે જોવા મળતી આફ્રિકાની અલિપ્તતાને કારણરૂપ લેખવામાં આવે છે. આથી આફ્રિકાની પ્રજાઓ  વિશ્વના મુખ્ય પ્રવાહથી અલગ પડી ગઈ અને અન્ય પ્રજાઓનાં જ્ઞાન-વિજ્ઞાન સાથે સંપર્ક રાખી શકી ન હતી.

સહરાનું રણ, કાંઠા વિસ્તારથી જ શરૂ થતા ઊંચા ડુંગરો, ગાઢ જંગલો, નૌકા-પ્રવાસ માટે પ્રતિકૂળ પરિસ્થિતિ ધરાવતી નદીઓ, રોગિષ્ઠ આબોહવા, અન્ય પ્રજાને આકર્ષે તેવી સમૃદ્ધિનો અભાવ જેવાં અનેક કારણે પ્રાચીન આફ્રિકાની પ્રજા સાંસ્કૃતિક વિનિમયના લાભથી વંચિત રહી અને વિશ્વની અન્ય પ્રજાઓ માટે તે અજ્ઞાત, સંપર્કવિહીન રહી હતી. આમ છતાં સ્થાનિક પ્રજાએ પોતાના પુરુષાર્થથી સાધેલો વિકાસ સાવ નગણ્ય ન હતો. હવે સામાજિક, રાજકીય તેમજ વૈજ્ઞાનિક વિકાસ સધાતો જાય છે.

સહરોત્તર આફ્રિકામાં તો ઇજિપ્તની ભવ્ય સંસ્કૃતિ અને ત્યારબાદ ઇસ્લામિક વ્યવસ્થા સ્થપાઈ. કેટલાક ધર્મ-પ્રચારકો ભૂમિમાર્ગે સહરા ઓળંગીને પણ આવ્યા. સહરાના દક્ષિણ કાંઠાનાં રાજ્યોમાં તેમની અસર નોંધપાત્ર હતી. પરંતુ આ ઘટના પણ બીજી સહસ્રાબ્દીના આરંભે શરૂ થઈ. આ અગાઉ ઈથિયોપિયામાં યહૂદી અને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ દેખાય છે. ઈથિયોપિયા વિશ્વનું સૌથી જૂનું ખ્રિસ્તી રાજ્ય છે. આ સિવાય, પશ્ચિમ આફિકા અને મધ્ય તથા દક્ષિણ આફ્રિકામાં પણ અનેક રાજ્યો અને સામ્રાજ્યો વિકસ્યાં હતાં. તેમાં ઘાના, માલી વગેરે પશ્ચિમ આફ્રિકામાં તથા ઝૈર (કૉંગો), યુગાન્ડા અને ઝિમ્બાબ્વેનાં સામ્રાજ્યો ખાસ નોંધપાત્ર છે. તેમની સમૃદ્ધિ, વ્યવસ્થા, લશ્કરી તાકાત અને બાંધકામની પ્રવૃત્તિ ઉલ્લેખનીય હતી.

આફ્રિકાએ ભાષા માટેની લિપિ તથા ઝડપી હેરફેર માટેનાં વાહન માટે આવશ્યક ગોળ પૈડાંનો આવિષ્કાર કર્યો ન હતો. આ કારણે પણ સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને વિકાસની પ્રક્રિયા ત્યાં કુંઠિત રહેલી. તેથી રાજ્યવ્યવસ્થા તથા અર્થકારણ વિકસ્યાં નહિ. એકંદર આફ્રિકાવાસી નિર્વાહલક્ષી અર્થકારણમાં જ જીવતો હોવાથી સભ્યતાના વિકાસ માટે જરૂરી વિશેષ સંપત્તિ કે ભદ્ર વર્ગ અહીં સર્જાયાં જ નહિ.

આફ્રિકા

મહારાજ્યોને બાદ કરતાં, અને ઘણી વાર તો તેમાં પણ સ્થાનિક કક્ષાએ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પંચપ્રથા જેવી વ્યવસ્થા દ્વારા હાથ ધરવામાં આવતા હતા. ટોળીના સભ્યો એકઠા મળી, ચર્ચાવિચારણા કરી સર્વસંમતિથી નિર્ણય કરતા. અન્ય ટોળી સાથેના મતભેદો ભૂવા કે યુદ્ધ દ્વારા ઉકેલવામાં આવતા. આ અર્ધ-ભટકતી ટોળીઓનો મુખ્ય પ્રશ્ન ચરાણનો હતો. ખેતી પણ ફરતી ઢબની હતી; તેથી વધુ જમીનની જરૂર રહેતી. પરંતુ જમીન સામૂહિક માલિકીની હતી. ટોળીના અગ્રણીઓ દ્વારા દરેક વ્યક્તિને તે જરૂર મુજબ અપાતી. આ જમીન ઉપરનો પાક તે લે, પણ જમીનની લે-વેચ થઈ શકે નહિ. સાંસ્થાનિક શાસનના આગમન સાથે આ પ્રથાનો અંત આવ્યો. વાસ્તવમાં યુરોપિયનોએ જે કંઈ જમીન આ ટોળીના વડાઓ પાસેથી મેળવી તે તેમને ખેડવા માટે જ અપાઈ હતી, વેચાણ નહિ. પરંતુ કપડું, રિબન કે એવી કોઈ નાની ભેટ દ્વારા પ્રાપ્ત કરેલી જમીન પોતાની કુલ માલિકીની છે એમ યુરોપિયનો માનતા. સમય જતાં આ ગેરસમજમાંથી આફ્રિકન પ્રજા તથા વિદેશીઓ વચ્ચે ઉગ્ર મતભેદ સર્જાયો અને આફ્રિકાના રાજકારણમાં જમીનનો પ્રશ્ન ખૂબ અગત્યનો બની રહ્યો.

યુરોપિયનોનું આફ્રિકામાંનું આગમન પ્રારંભમાં તો માત્ર કિનારા-પ્રદેશ પૂરતું જ સીમિત હતું. આફ્રિકામાં ભવ્ય નગરો કે રાજ્યો ન હતાં, જેમની અઢળક સંપત્તિ લૂંટવામાં તેમને રસ હોય. તેઓ માત્ર એશિયા તરફ જવા માટેના પ્રવાસનાં પુરવઠા અને વિશ્રામ માટેનાં સ્થાનો તરીકે જ આફ્રિકાનો ઉપયોગ કરતા. ગુલામોનો વેપાર પણ થોડોક હતો. માત્ર ઘાના પાસેના કાંઠેથી સુવર્ણ મળતું તેમાં તથા મધ્ય-દક્ષિણ આફ્રિકામાંથી હાથીદાંત મેળવવા પૂરતો જ તેમને રસ હતો. આ ચીજો પણ તેમને કાંઠા-વિસ્તારમાંથી મળી રહેતી. અમેરિકામાં સંસ્થાનો સ્થપાતાં તથા રૂ વગેરેના પાક માટે માનવશ્રમિકોની જરૂર પડતાં ગુલામોનો વેપાર મોટે પાયે શરૂ થયો.

ગુલામોના વેપારે આફ્રિકાના રાજકીય-આર્થિક-સામાજિક જીવનને નષ્ટભ્રષ્ટ કરી નાંખ્યું. ગુલામો પકડવા માટે ટોળીઓ વચ્ચેના સંઘર્ષને ઉશ્કેરવામાં આવ્યો. દર વર્ષે લાખ્ખો યુવાનોને પકડી પકડી વિદેશમાં લઈ જવામાં આવ્યા. ટોળીઓ વચ્ચેનાં યુદ્ધો, વેર અને યુવાધનની મોટા પાયે નિકાસ આફ્રિકા માટે ઘાતક નીવડ્યાં અને જે કંઈ થોડીઘણી વિકાસ-સિદ્ધિ અહીં થઈ હતી તે પણ નષ્ટ થઈ ગઈ.

યુરોપના સત્તાસંઘર્ષમાં ઊંચો દરજ્જો પ્રાપ્ત કરવાના લક્ષ્યથી યુરોપીય રાષ્ટ્રો સંસ્થાનો મેળવવાની દોડમાં પડ્યાં. એશિયા-અમેરિકાનાં સંસ્થાનો દ્વારા ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ વગેરેને પ્રાપ્ત થતા લાભો મેળવવાની આકાંક્ષા અન્ય રાષ્ટ્રોમાં પણ સળવળી. આ તબક્કે આફ્રિકામાંથી હીરા અને સોનાની ખાણો મળી આવતાં આફ્રિકાનો એકાદ ટુકડો પણ મેળવી લેવા માટે યુરોપીય રાષ્ટ્રો વચ્ચે સ્પર્ધા ચાલી. માત્ર ત્રીસ વર્ષના ગાળામાં (1880થી 1910 સુધીમાં) મોટા ભાગનું આફ્રિકા વિવિધ યુરોપીય સત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું. યુરોપમાં બેઠાં બેઠાં, માત્ર નકશા પર ફૂટપટ્ટીની રેખાઓ દોરીને (આથી જ આફ્રિકાનાં ઘણાં રાષ્ટ્રોની સરહદ સીધી રેખામાં છે) આ વહેંચણી કરવામાં આવી હતી.

સહરાના રણની ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્રકાંઠાનાં રાજ્યોમાં ફ્રેન્ચ પ્રભુત્વ હતું (લિબિયામાં ઇટાલી તથા ઇજિપ્તમાં બ્રિટનની વગ હતી). સહરાના દક્ષિણના વિસ્તારોમાં, પશ્ચિમ આફ્રિકામાં ફ્રેન્ચ વર્ચસ્ હતું (ઘાના, નાઇજીરિયામાં બ્રિટિશ). ઝાઇર(બેલ્જિયન કૉંગો)માં બેલ્જિયન, એરિટ્રિયા (ઉ. ઈથિયોપિયા) તથા સોમાલીલૅન્ડમાં ઇટાલિયન તથા અગોલા, મોઝામ્બિક, કાબિન્ડામાં પોર્ટુગીઝ અને કૅમેરુન, નામિબિયા (નૈર્ઋત્ય આફ્રિકા), ટાંગાનિકા, ટોગોલૅન્ડમાં જર્મન આધિપત્ય હતું; બાકીના વિસ્તારો બ્રિટિશ હકૂમત નીચે હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કૅમેરુન, નામિબિયા અને ટાંગાનિકાનાં જર્મન સંસ્થાનોને ‘મૅન્ડેટ’ વિસ્તારો જાહેર કરી અનુક્રમે ફ્રાન્સ, દ. આફ્રિકા અને બ્રિટનના શાસન નીચે મૂકવામાં આવ્યાં હતાં.

સામ્રાજ્યવાદી રાષ્ટ્રોની સાંસ્થાનિક વહીવટની પદ્ધતિમાં તફાવતો હતા. આમ છતાં મુખ્યત્વે બ્રિટન દ્વારા થતા વહીવટને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પદ્ધતિમાં વિભાજિત કરી શકાય. પ્રત્યક્ષ પદ્ધતિમાં શાસકો અને પ્રજા વચ્ચે મધ્યમ સ્તરના ટોળીવડા જેવા શાસકો ન હતા. તેમજ પ્રજાને ભાષા તથા સંસ્કારોની દૃષ્ટિએ જે તે સામ્રાજ્યના નાગરિકો જેવા ઘડવાનો આશય હતો. એમાંથી જે રાષ્ટ્રોમાં (દા.ત., અલ્જીરિયા, દ. આફ્રિકા, રહોડેશિયા, કેન્યા) યુરોપીય વસાહતીઓ મોટી સંખ્યામાં આવ્યા, ત્યાં ગોરી પ્રજાને વિશેષ અધિકારો અને મોભો અપાયાં તથા તેમના પછીના સ્તરે એશિયાવાસીઓને મહત્વ અપાયું; જ્યારે મૂળ નિવાસીઓ સામાજિક દૃષ્ટિએ નિમ્ન સ્તરે મુકાયા. ગોરા વસાહતીઓને કારણે સંબંધકર્તા આફ્રિકાનાં રાષ્ટ્રોની સ્વાધીનતાના માર્ગમાં અનેક અડચણો સર્જાઈ અને ઓછા-વત્તા હિંસક સંઘર્ષનો માર્ગ આફ્રિકન પ્રજાને લેવો પડ્યો.

સામ્રાજ્યવાદી શાસન દ્વારા આફ્રિકાની માનવ, પ્રાકૃતિક તથા આર્થિક સંપત્તિનું શોષણ એકધારું ચાલુ રહ્યું; શોષણની સાથે સ્થાનિક પ્રજાને હીન કે ઊતરતી ગણીને તેની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો. તેમાંથી લાંબા ગાળાની અને મોટે પાયે વિકસેલી નીતિ રંગભેદની હતી. વિદેશીઓ શાસકો બને અને મૂળ આફ્રિકી પ્રજાનું શાસન દ્વારા શોષણ કરતા. સાથે સાથે આફ્રિકાના રાજકીય, સામાજિક અને આર્થિક જીવનની કાયાપલટ પણ થતી ગઈ. નાણાંનું અર્થતંત્ર, ઉદ્યોગો, આધુનિક ખેતી, શિક્ષણ, યંત્રવિદ્યા, લિપિબદ્ધ ભાષા વગેરેનો આફ્રિકામાં પ્રવેશ થયો. નવા પ્રકારની રાજકીય શાસનપ્રથા અને ન્યાય-વ્યવસ્થા દાખલ થયાં. આફ્રિકાવાસીઓ આધુનિક વિચારો, સંસ્થાઓ તથા સંગઠનોના સંપર્કમાં આવ્યા.

આફ્રિકામાં યુરોપીય શાસનનો ગાળો લગભગ 50-75 વર્ષ જેટલો રહ્યો. પરિણામે સાંસ્થાનિક વ્યવસ્થાના ગેરફાયદા સમગ્ર પ્રજાએ અનુભવ્યા. પરંતુ તેના લાભ તો ખૂબ સીમિત વર્ગ સુધી જ પહોંચ્યા. ઘણાં સ્થળે તો ઉચ્ચ શિક્ષણ સુધીની જોગવાઈ પણ થઈ ન હતી. અગ્રવર્ગની સંખ્યા સાવ જૂજ હતી. શાસનમાં અગ્રવર્ગની ભાગીદારીનો આરંભ પણ થયો ન હતો (ઘાનાને બાદ કરતાં). સંસ્થાનવાદે સર્જેલા નવા નકશામાં રાષ્ટ્રીય ઓળખ સર્જાઈ ન હતી. આ સંજોગોમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી, આંતરરાષ્ટ્રીય લોકમતના દબાણ નીચે, આફ્રિકન રાષ્ટ્રોને સ્વાધીનતા આપવાની પ્રક્રિયા ઝડપી બની. ઘણાં સ્થળે તો રાજકીય પક્ષો આકાર પણ પામ્યા ન હતા અને રાષ્ટ્રીય પક્ષોનું વર્ચસ્ સર્જાયું ન હતું. મોટે ભાગે ટોળીવફાદારી આસપાસ સર્જાયેલા પક્ષો હતા (ઘાના અને ટાન્ઝાનિયાને બાદ કરતાં). ટૂંકમાં સ્થાનિક પ્રજાની લડત કે શક્તિ કરતાં નિ:સંસ્થાનીકરણની પ્રક્રિયાનો તેમને વિશેષ લાભ મળ્યો અને આફ્રિકન રાષ્ટ્રો ઝડપથી સ્વાધીન થવા લાગ્યાં.

ઇજિપ્ત, ઈથિયોપિયા, લાયબેરિયા, સિયેરા-લિયોન લગભગ સ્વાધીન રાષ્ટ્રો હતાં. આ સિવાયનાં આફ્રિકન રાષ્ટ્રોની સ્વાધીનતાની પ્રક્રિયામાં પ્રથમ ઘાના 1957માં સ્વતંત્ર થયું અને છેલ્લે ઝિમ્બાબ્વે ગોરા વસાહતીઓ સામેની ગેરીલા લડત પછી 1980માં સ્વાધીન થયું. પરંતુ મોટા ભાગનાં રાષ્ટ્રો 1960-70નાં વર્ષોમાં સ્વાધીન થયાં.

આફ્રિકાની સ્વાધીનતા માટેની ઝુંબેશમાં નવશિક્ષિત અગ્રવર્ગ મોખરે હતો. આ વર્ગે ગુલામી, રંગભેદ, આફ્રિકાવાસીને પછાત અને નિમ્ન સ્તરના ગણાતા ખ્યાલો વગેરે સામેના આક્રોશ રૂપે નેગ્રીટ્યૂડ અને સાર્વ-આફ્રિકાવાદની વિચારસરણીને આકાર આપ્યો. તેમાં આફ્રિકન સંસ્કૃતિ, આફ્રિકન સુંદરતા અને આફ્રિકન એકતાના પ્રતિભાવો વણી લેવામાં આવ્યા હતા. આ ઝુંબેશના ફળસ્વરૂપે 1963માં આફ્રિકન એકતા-સંગઠન(OAU)ની રચના થઈ. આ સંગઠન દ્વારા આફ્રિક્ધા રાષ્ટ્રો વચ્ચેના પ્રશ્નો, રંગભેદ સામેની લડત તથા પરાધીન રાષ્ટ્રોની સ્વાધીનતા-લડતને ટેકો, આંતરિક આર્થિક વ્યવસ્થાના વિકાસ, આફ્રિકાના વિકાસની સમસ્યાઓ ઉપર ચર્ચા-વિચારણા અને સૂચનો જેવાં મહત્વનાં કાર્યો હાથ ધરાયાં છે.

આ સાથે સાંસ્થાનિક સીમાઓમાં વસતી વિવિધ ટોળીઓને એક રાષ્ટ્રમાં સાંકળી લેવા માટે રાષ્ટ્રઘડતરની પ્રક્રિયા અગત્યની બની રહી. આ માટે આફ્રિકી રાષ્ટ્રવાદનું આગવું સ્વરૂપ કંડારાયું. તેમાં રાષ્ટ્રીયતા ઉપરાંત પ્રજાની એકતાને પ્રેરક તથા પ્રજાને રાષ્ટ્ર પ્રત્યે મમત્વ જાગે તે દૃષ્ટિથી વિકાસ, સમાન વહેંચણી અને એકતાલક્ષી સહભાગિતાના ખ્યાલો સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી આફ્રિકન સમાજવાદનું એક આગવું સ્વરૂપ આકાર પામ્યું છે.

અન્ય પરાધીન રાષ્ટ્રોની માફક આફ્રિકાના દેશોનો સ્વાધીનતા માટેનો સંઘર્ષ પણ વિવિધ તબક્કાઓમાંથી પસાર થયો છે. પ્રારંભિક સશસ્ત્ર પ્રતિકારની નિષ્ફળતા અને પરંપરાગત અગ્રવર્ગની હાર અને વિદાય પછી, નવશિક્ષિતો દ્વારા આ વિદેશીઓની ભાષા, રહેણીકરણી, સંસ્થાઓ, વિચારો વગેરે અપનાવી લેવાનું વલણ દેખાય છે. આ પછી, વિદેશી પ્રજાનાં ધોરણો મુજબની ‘ન્યાયી’ રાજકીય, આર્થિક કે સામાજિક રચના માટેની માગણીઓનો ગાળો આવે છે.

ઠરાવો, વિનંતીઓ, અરજોના ગાળાની નિષ્ફળતા પછી સંઘર્ષનો તબક્કો આવે છે. સશસ્ત્ર પગલાં દ્વારા દબાણ, જનઆંદોલનો દ્વારા લોકજાગૃતિ અને દબાણના તબક્કા સાથે શાસકો દ્વારા કેટલીક છૂટછાટો અને સમાધાન થતાં રહે છે અને અંતે નૂતન અગ્રવર્ગ સત્તા હાંસલ કરે છે. અલબત્ત, જ્યાં હજુ પરંપરાગત અગ્રવર્ગ મજબૂત હતો. (દા.ત., મોરૉક્કો, યુગાન્ડા) તેવા દેશોમાં સત્તાની ફેરબદલી વખતે તેમને અગ્રસ્થાન મળ્યું. સશસ્ત્ર હિંસક સંઘર્ષ પણ જ્યાં વસાહતીઓ હતા અથવા પોર્ટુગીઝ જેવી અક્કડ સામ્રાજ્યવાદી સત્તા હતી ત્યાં જ નજરે ચડે છે.

The Great pyramids of Giza

ઇજિપ્તના પિરામિડ

સૌ. "The Great pyramids of Giza" | CC BY-SA 4.0

સ્વાધીનતાનું આંદોલન મહદ્અંશે બંધારણીય માર્ગે ચાલ્યું. શાંત અહિંસક આંદોલન પણ નાના પાયાનું તથા થોડીએક ઘટનાઓ પૂરતું જ સીમિત હતું. રાજકીય પક્ષો, અગ્રવર્ગ કે વિચારધારાનું મજબૂત કાઠું ઊપસ્યું ન હતું. મહદ્ અંશે એનક્રુમા, કેન્યાટા, ન્યેરેરે, કોન્ડા જેવા એકાદ નેતાને કેન્દ્રમાં રાખીને આ લડત ચાલી અને તેઓ જ રાષ્ટ્રના વિધાયક બની રહ્યા. આંદોલન દરમિયાન ઝડપી વિકાસ, ન્યાયી વહેંચણી જેવાં વચનો પ્રજાને અપાયાં હતાં. સમાજવાદી ઢબની વ્યવસ્થા પ્રત્યે આછી-પાતળી પ્રતિબદ્ધતા (commitment) હતી. પરંતુ મુખ્ય સમસ્યા વિવિધ ટોળીઓને એકત્ર કરી એક રાષ્ટ્ર સર્જવાની હતી. પરિણામે, મર્યાદિત અગ્રવર્ગ, એક નેતાની આગેવાની, રાષ્ટ્રવ્યાપી સ્પર્ધાત્મક પક્ષોનો અભાવ, વિકાસની સમાજવાદી વ્યૂહરચના જેવાં વિવિધ પરિબળોની અસર નીચે એકપક્ષ પ્રથા તથા કેન્દ્રગામી વહીવટ-વ્યવસ્થા જેવા અભિગમોને ઉત્તેજન મળ્યું. ઝડપી ઔદ્યોગિકીકરણની પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે સામ્રાજ્યવાદી પશ્ચિમી રાષ્ટ્રોથી પોતાના અસ્તિત્વને અલગ પાડવા છતાં તેમની સહાયનો ઝરો સુકાઈ જાય નહિ માટે સામ્યવાદી સત્તા સાથે હાથ મિલાવવાની અનિચ્છા એટલે કે મહાસત્તાઓથી સ્વતંત્ર હસ્તી પુરવાર કરવા તેમણે બિન-જોડાણવાદી નીતિ અખત્યાર કરી.

ફ્રાન્સે પોતાનાં સંસ્થાનોને ‘રેફરેન્ડમ’ યોજી એકસામટી સ્વતંત્રતા બક્ષી. અલબત્ત, અલ્જીરિયામાં ગોરા વસાહતીઓના વિરોધને કારણે લાંબો લોહિયાળ સંઘર્ષ ખેલાયા પછી સ્વાધીનતા આવી.

બ્રિટને પણ બંધારણીય માર્ગે અને સ્થાનિક નેતાઓ સાથે પરિષદો યોજી તેમને સ્વાધીનતા અર્પી. આમાં ટાન્ઝાનિયા જેવા મૅન્ડેટ વિસ્તારો પણ સ્વાધીન થયા. કેન્યામાં આ અગાઉ માઉ-માઉ નામની હિંસક ચળવળ ચાલી હતી અને ગોરા વસાહતીઓ દ્વારા કેટલીક અડચણો સર્જાઈ હતી. દ. આફ્રિકામાં તો બોઅર વિગ્રહ પછી સ્વાધીનતા અપાઈ હતી. પરંતુ સત્તા ગોરી લઘુમતીના હાથમાં આવી અને તેમણે આફ્રિકનોને તેમાં સામેલ કર્યા નહિ અને રંગભેદની કુખ્યાત નીતિ જાળવી રાખી છે. નામિબિયાના મૅન્ડેટ વિસ્તાર ઉપર પણ તે પકડ રાખવા સંઘર્ષ ખેલી રહ્યું છે. દક્ષિણ-મધ્ય આફ્રિકામાં પણ ગોરાઓ દ્વારા દ. આફ્રિકાનું પુનરાવર્તન કરવાની મથામણ થઈ હતી. શરૂમાં તેમણે સંઘવ્યવસ્થાને નામે ઝિમ્બાબ્વે (રહોડેશિયા, દક્ષિણ), ઝામ્બિયા (ઉત્તર રહોડેશિયા) તથા માલાવી ઉપર કાબૂ મેળવવા કોશિશ કરી. પરંતુ બ્રિટને માલાવી તથા ઝામ્બિયાને સ્વાધીનતા આપતાં ઝિમ્બાબ્વેના ગોરાઓએ વિદ્રોહ કરી, એકપક્ષી જાહેરાત દ્વારા સત્તા કબજે કરી. આ સામે લાંબી ગેરીલા લડત પછી ઝિમ્બાબ્વે સ્વતંત્ર થયું.

પોર્ટુગલ પોતાનાં સંસ્થાનોને હંમેશાં દરિયાપારના પ્રદેશો ગણતું હતું અને તેમને સ્વાધીનતા આપવાની વાત સ્વીકારતું ન હતું. છેવટે, ગેરીલા લડત અને પોર્ટુગલમાં સત્તાપલટો થયા પછી મોઝામ્બિક અને અંગોલાને સ્વાધીનતા સાંપડી.

સ્વાધીનતા માટેની લડત અંગે આફ્રિકન રાષ્ટ્રોમાં તફાવત છે, તેમ સ્વાધીનતા પછીની નવરચનાની ઢબ અને શૈલીમાં પણ ભિન્નતા છે. અલબત્ત, મોટા ભાગનાં રાષ્ટ્રોમાં એક નેતા અને એક પક્ષની પ્રથા નજરે ચઢે છે. દરેક રાષ્ટ્ર આર્થિક વિકાસ ઉપર ભાર મૂકે છે અને ઔદ્યોગિકીકરણનો વ્યૂહ અપનાવે છે. મોટા ભાગનાં રાષ્ટ્રોમાં અનેક અધિકારોની અવજ્ઞા થાય છે. પરંતુ આ બાબતમાં પણ અગત્યના ભેદભાવો છે. એનક્રુમાના ઘાના કે અમીનના યુગાન્ડાની એકપક્ષપ્રથા અને ટાંઝાનિયા કે ઝામ્બિયાની એકપક્ષ-પ્રથા વચ્ચે તફાવત છે. ઘાના અને યુગાન્ડામાં દમન હતું. પરંતુ ઘાનામાં વૈચારિક પ્રતિબદ્ધતા તેમજ વિશ્વમત પ્રત્યેની સંવેદનશીલતા દેખાય છે, જ્યારે અમીનની પ્રથામાં માત્ર અત્યાચાર. ઝાઇરની પક્ષપ્રથા નામની છે અને વડા મોબુટુના આર્થિક લાભ માટે જ તંત્ર ચાલતું હોય તેવી છાપ પડે. કેનિયામાં એકપક્ષ-પ્રથા છતાં થોડીક મોકળાશ જણાય, જ્યારે ટાંઝાનિયા અને ઝામ્બિયાની એકપક્ષ-પ્રથામાં વૈચારિક પ્રતિબદ્ધતા ઉપરાંત સારી એવી સહિષ્ણુતા દેખાય. માલી અને સેનેગલમાં પણ એકપક્ષ-પ્રથા, વૈચારિક પ્રતિબદ્ધતા સાથે સામ્યવાદી શૈલીની પક્ષપ્રથા દેખાય, તો આયવરી કોસ્ટ અને ટોગોલૅન્ડમાં મુક્ત અર્થવ્યવસ્થા તરફનો પક્ષપાત દેખાય. પણ મધ્ય આફ્રિકન પ્રજાસત્તાકના સરમુખત્યાર બોકાસો પણ અમીન જેવા જ લાગે.

આર્થિક વિકાસ બાબત પણ ક્યાંક સમાન વિતરણ અથવા લાભોની વ્યાપક વહેંચણી માટેનો આગ્રહ દેખાય છે. સાથે સાથે સ્થાનિક ઉદ્યોગપતિઓને ઉત્તેજન આપવા પર પણ ભાર મુકાય છે. કેનિયામાં અને ઝામ્બિયામાં બહુરાષ્ટ્રીય કંપનીઓ કે વિદેશી રોકાણોને ઓછા પ્રમાણમાં, તો ઝાયર અને લાયબેરિયામાં તેમને ખુલ્લો આવકાર મળે છે.

આફ્રિકન રાષ્ટ્રોની બીજી એક સામાન્ય વાત તેમની અસ્થિરતાની છે. મોટા ભાગનાં રાષ્ટ્રોમાં વિદ્રોહ અને બળવા તથા સૈનિકશાસનની હારમાળા દેખાય છે. ઈથિયોપિયામાં 1974માં દેશના સમ્રાટ હેઈલ સેલાસીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેમને સ્થાને લશ્કરી શાસને સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યાં. કૉંગોમાં તો સંઘર્ષ લાંબો ચાલ્યો, રાષ્ટ્રવાદી નેતા અને દેશની સ્વતંત્રતા માટેની લડતના આગેવાન પૅટ્રીસ લુમુમ્બાની કારાવાસ દરમિયાન કટાંગા પ્રાંતના શાસક ટીશોમ્બે દ્વારા હત્યા કરવામાં આવી. કટાંગા સિવાયના પ્રદેશમાં લશ્કરના સેનાપતિ મોબુટુના નેતૃત્વ હેઠળ લશ્કરી શાસન સ્થપાયું. 1997માં મોબુટુના શાસન વિરુદ્ધ બળવો થયો અને તેના સ્થાને લોરેન્ટ કબીલા દેશના પ્રમુખ બન્યા. આ દરમિયાન તેનું નામ ઝાઇર રાખવામાં આવ્યું હતું જે કબીલાના શાસન હેઠળ ફરી ડેમૉક્રેટિક રિપબ્લિક ઑવ કૉંગો બન્યું. 1999ના મધ્યમાં લોરેન્ટ કબીલાની હત્યા કરી તેનો પુત્ર જોસેફ કબીલા પ્રમુખ બન્યો.

યુગાન્ડામાં 1971માં ઈદી અમીને સત્તા હસ્તગત કરી, પરંતુ તે લાંબો સમય ટકી શક્યા નહિ. 1979માં તેમને દેશવટો આપવામાં આવ્યો અને ત્યાં કામચલાઉ સરકારની રચના કરવામાં આવી, જેનું નેતૃત્વ યૂસુફ લુલેએ સંભાળ્યું. 1980માં નવી ચૂંટણીઓ યોજાઈ અને મિલ્ટન ઓબોટ ફરી સત્તા પર આવ્યો. 1985માં તેની સામે પણ વિદ્રોહ થયો અને તેને સ્થાને જનરલ ટીટો ઓકેલોએ સત્તા હસ્તગત કરી. જેમને 1986માં બરતરફ કરાયા અને યોવેરી મુસેવેની સત્તા પર આવ્યા. 1993માં દેશના પૂર્વશાસક રોનાલ્ડ મુવેન્ડ મુટેબી(બીજા)ને દેશના વડા તરીકે સ્થાપિત કરવામાં આવ્યા. 1996માં યોજાયેલ પ્રમુખની સીધી ચૂંટણીમાં મુસેવેની ભારે બહુમતીથી સત્તા પર આવ્યા.

ઘાના અને નાઇજીરિયામાં પણ સૈનિકશાસન-લોકશાહીની સ્થાપના-સૈનિકશાસન જેવી ઘટમાળ ચાલ્યા જ કરે છે. 1990થી પરિસ્થિતિમાં ભારે પરિવર્તન આવ્યું. આ વર્ષે દ. આફ્રિકાની ગોરી સરકારે આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ નામના રાજકીય પક્ષ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો અને અશ્વેત બહુમતીના નેતા નેલ્સન મંડેલાને જેલવાસથી મુક્ત કર્યા. નામિબિયા 1988માં સ્વતંત્ર બન્યું તેમજ ક્રમશ: રંગભેદના શેષ કાયદા રદ કરવામાં આવ્યા. 1993માં બહુમતીનું સમર્થન ધરાવતું વચગાળાનું બંધારણ સ્વીકારવામાં આવ્યું. દ. આફ્રિકામાં મુક્ત ચૂંટણીઓ યોજ્યા બાદ રાષ્ટ્રીય સરકારની સ્થાપના માટે મંડેલા સંમત થયા. 1994માં પ્રથમ બિનજાતિવાદી ચૂંટણીઓ યોજાઈ અને મંડેલા પ્રમુખ બન્યા. 1996માં રંગભેદ બાદનું નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું. જૂન, 1999માં નેલ્સન મંડેલા નિવૃત્ત થયા અને થાબો મ્બેકીએ મંડેલાના ઉત્તરાધિકારી તરીકે શાસન સંભાળ્યું.

ઉષા નાયર

જયંતી પટેલ

રક્ષા મ. વ્યાસ

નીતિન કોઠારી