દીને ઇલાહી (તૌહીદે-ઇલાહી) : અકબરે સ્થાપેલ સર્વ ધર્મોના સારરૂપ ધર્મ : ‘દીને ઇલાહી’નો અર્થ એકેશ્વર ધર્મ. ધર્મના તત્વ કે સત્ય માટેની સમ્રાટ અકબરની જિજ્ઞાસામાં દીને ઇલાહીનાં મૂળ રહેલાં છે. ભારતમાં પ્રચલિત વિવિધ ધર્મોના સિદ્ધાંતો સમજવા માટે અકબરે જુદા જુદા ધર્મોના પંડિતો સાથે ચર્ચા કરી હતી. આ માટે તેણે પ્રથમ ઇસ્લામ ધર્મના સુન્નીપંથી અગ્રણીઓ મુલ્લા મખદૂમ-ઉલ-મુલ્ક તથા મુલ્લા અબ્દુલનબીને આમંત્ર્યા, પરંતુ અકબરની ઉપસ્થિતિમાં જ તેઓએ અસહિષ્ણુતા, સાંપ્રદાયિકતા તથા ધર્માંધતાનું પ્રદર્શન કરતાં, ધર્મનું રહસ્ય સમજવાની અકબરની જ્ઞાનપિપાસાને તેઓ સંતોષી શક્યા નહિ.

આ પછી અકબરે ભારતમાંના વિવિધ ધર્મોના વિદ્વાનોને ધર્મનું સ્વરૂપ જાણવા નિમંત્રવાનું નક્કી કર્યું. આ માટે તેણે ફતેહપુર સિક્રીમાં 1575માં ઇબાદતખાના(પ્રાર્થનાગૃહ)ની સ્થાપના કરી. ત્યાં દર શુક્રવારે ધાર્મિક ચર્ચા યોજવામાં આવતી. ત્યાં તેણે હિન્દુ, જૈન, શીખ, પારસી, ખ્રિસ્તી વગેરે ધર્મોના પંડિતોને ચર્ચા માટે આમંત્રણ આપ્યું. 1575થી 1582ની વચ્ચે ઇબાદતખાનામાં અકબરે હિન્દુ ધર્મનાં પુરુષોત્તમ અને દેવી, પુષ્ટિમાર્ગના વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી (ગોસાંઈજી), વિખ્યાત જૈન મુનિ હીરવિજયસૂરિજી, ભાનુચંદ્ર ઉપાધ્યાય અને વિજયસેનસૂરિ, શીખ ગુરુ રામદાસ અને અમરદાસ, પારસી ધર્મગુરુ દસ્તૂર મહેરજી રાણા તથા ગોવામાંથી ખિસ્તી ધર્મગુરુઓ રુડોલ્ફ ઍક્વાવિવા, ઍન્ટની મોન્સરેટ અને ફ્રાન્સિસ હેનરી ક્વેઝ સાથે ધાર્મિક ચર્ચાઓ કરી.

આ દરમિયાન અકબરે સપ્ટેમ્બર, 1579માં ‘મહજરનામા’ નામે ધાર્મિક આજ્ઞાપત્ર પ્રસિદ્ધ કર્યું, જેને અબુલ ફઝલ તથા ફૈઝીના પિતા શેખ મુબારકે તૈયાર કર્યું હતું. ‘મહજરનામા’થી મુલ્લાઓનો શરિયત, કુરાનનાં કથનો વગેરેનું અર્થઘટન કરવાનો તથા રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો હક છીનવી લેવામાં આવ્યો અને આવા અર્થઘટનના આખરી અધિકારી શેખ મુબારક તેમજ અકબર હોવાનું જણાવવામાં આવ્યું. આ પછી અકબરે વિવિધ ધર્મોના પંડિતો સાથેની ધાર્મિક ચર્ચા આગળ ચલાવી. ‘મહજરનામા’થી અકબરે પોતાની સહિષ્ણુતા તેમજ ઉદારતાની લોકોને ખાતરી કરાવી. સાતથી આઠ વર્ષો સુધી ઉપર દર્શાવેલ ધર્મધુરંધરો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ અકબર એ તારણ પર આવ્યો કે બધા જ ધર્મોના સિદ્ધાંતો સમાન છે. પ્રત્યેક ધર્મનો હેતુ ઈશ્વર તેમજ સત્યની પ્રાપ્તિ છે. દરેકના તે માટેના માર્ગો અલગ છે. બધા જ ધર્મો ‘સબ્રે કુલ’ સર્વ સાથે સમભાવ – સર્વને શાંતિની નીતિમાં માને છે. આથી અકબરે પ્રત્યેક ધર્મના સિદ્ધાંતોના સારરૂપ ‘દીને ઇલાહી’ – દૈવી એકેશ્વરવાદ – ની સ્થાપના કરી (ફેબ્રુઆરી, 1582).

દીને ઇલાહીની સ્થાપનાથી અકબરે રાજ્ય તેમજ લોકોને ધર્માંધ મુલ્લાઓ તેમજ સાંપ્રદાયિકતાની પકડમાંથી મુક્ત કર્યાં તથા બિનસાંપ્રદાયિક ધોરણે સમાન નાગરિકત્વ વિકસાવવાનો પ્રયાસ કર્યો. ‘દીને ઇલાહી’ સ્વીકારનાર સભ્યો ‘અલ્લાહુ અકબર’ (ઈશ્વર મહાન છે) બોલતા. તેમણે પોતાની મિલકત, જીવન, માન, પરંપરાગત ધાર્મિક માન્યતાઓ દીને ઇલાહીના સ્થાપક અકબરને ચરણે ધરવાનાં હતાં. તેમણે માંસાહાર, મદિરા, પરસ્ત્રીગમન વગેરેનો ત્યાગ કરવાનો હતો. તેમણે નિયમિત બંદગી કરીને પોતાનું કલ્યાણ કરવાનું હતું તથા બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાનો હતો.

‘આઇને અકબરી’ના વિવરણ મુજબ દીને ઇલાહીમાં અકબર સહિત કુલ માત્ર 20 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતી, જેમાં એક બીરબલ હિન્દુ હતો, બાકીના 19 મુસ્લિમો હતા. તેના અનુયાયીઓની કુલ સંખ્યા 1000થી વધુ ન હતી. તેમાં રાજા ભગવાનદાસ, માનસિંહ, ટોડરમલ વગેરે જોડાયા ન હતા. અકબરે દીને ઇલાહીમાં જોડાવા કોઈને ફરજ પાડી ન હતી એ નોંધવું ઘટે. દીને ઇલાહીની સ્થાપનાથી અકબરે ઇસ્લામનો ત્યાગ કર્યો ન હતો. તેને કુરાન તેમજ મોહમ્મદ પયગંબર સાહેબના ઉપદેશોમાં છેક સુધી શ્રદ્ધા હતી. તે કટ્ટરતા તેમજ સાંપ્રદાયિકતાનો વિરોધી હતો, તે દીને ઇલાહીના નિયમોથી સ્પષ્ટ થાય છે.

દીને ઇલાહીની સ્થાપના બાદ અકબરે ઇસ્લામ ધર્મનો ત્યાગ કર્યો હોવાનો તેના સમકાલીન ઇતિહાસકાર મુલ્લા બદાયૂનીનો આક્ષેપ તદ્દન અયોગ્ય છે. ભારતીય ઇતિહાસકારોએ તથા કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ દીને ઇલાહીને હિન્દુમુસ્લિમમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક એકતા સ્થાપવાના અકબરના એક મહાપ્રયત્ન તરીકે બિરદાવેલ છે. અકબર દીને ઇલાહીની સ્થાપના મારફત બધા ધર્મોનો સમન્વય સાધવા માગતો હતો. અકબરના અવસાન સાથે દીને  ઇલાહીનો પણ વાસ્તવમાં અંત આવ્યો. વાસ્તવિકતા એ છે કે અકબરનો આ ધર્મ તેના યુગથી ઘણો આગળ હતો એટલે લોકો તેને અપનાવી શક્યા નહોતા.

રમણલાલ ક. ધારૈયા