દિલ્હી સલ્તનત
કુત્બુદ્દીન અયબેક (1206–1210) : કુત્બુદ્દીન અયબેકને શિહાબુદ્દીન મોહમ્મદ ગોરીએ ગુલામ તરીકે ખરીદ્યો હતો. તેના પ્રશંસનીય ગુણોને લીધે શિહાબુદ્દીને તેને લશ્કરની ટુકડીનો નાયક બનાવી અમીરોના વર્ગમાં દાખલ કર્યો અને ‘અમીરે આખૂર’ (શાહી તબેલાનો દારોગો) નીમ્યો. અયબેકે પોતાના માલિક સાથે રહીને ઘણી લડાઈઓમાં મહત્વપૂર્ણ કામગીરી કરી. ચૌહાણ રાજા પૃથ્વીરાજ સાથે તરાઈની બીજી લડાઈ (1192) પછી, શિહાબુદ્દીને અયબેકને હિંદુસ્તાનમાં પોતાનો નાયબ નીમી, લશ્કરી ચડાઈઓના પૂર્ણ અધિકારો આપ્યા.
અયબેકે રાજકીય હેતુથી પોતાનું વડું મથક દિલ્હી પાસે ઇન્દ્રપ્રસ્થમાં રાખ્યું. ત્યાં તેણે હાન્સી, મેરઠ, દિલ્હી, રણથંભોર અને કોઈલ (અલીગઢ) જીત્યાં. કુત્બુદ્દીને કનોજના રાજા જયચંદ્રને છંદવારાની લડાઈમાં હરાવવામાં શિહાબુદ્દીનને મદદ કરીને (1194) અજમેર જીતી, બીજા વર્ષે ચૌલુક્ય રાજા ભીમદેવ બીજા પાસેથી (1197) અણહિલવાડ જીત્યું અને લૂંટ્યું. ત્યાં મંદિરો તોડાવી, મસ્જિદો બંધાવી. તે ઘણાં સ્ત્રી-પુરુષોને કેદ કરીને સાથે લઈ ગયો. એ પછી ખજૂરાહો, મહોબા, બદાયૂન કબજે કરી લૂંટ્યાં. અયબેકનો સાથી સેનાપતિ મોહમ્મદ બિન બખ્તયાર ખલ્જી બિહારમાં થઈ બંગાળ પહોંચ્યો. ત્યાંનો રાજા લક્ષ્મણસેન રાજધાની લખનૌતીમાંથી નાસી જતાં, મોહમ્મદે ત્યાં પોતાની રાજધાની સ્થાપી, અયબેકની સત્તાનો સ્વીકાર કર્યો.
પોતાની સ્થિતિ મજબૂત કરવા અયબેકે કીરમાન(ગઝની)ના સૂબા તાજુદ્દીન યલ્દૂઝની પુત્રી સાથે લગ્ન કર્યું અને મુલતાન તથા ઉચ્છના સૂબા નાસિરુદ્દીન કબાચા સાથે પોતાની બહેન પરણાવી. અયબેકે પોતાની પુત્રી પોતાના ગુલામ ઇલ્તુત્મિશ સાથે પરણાવી.
શિહાબુદ્દીન મોહમ્મદ ગોરીનું ઈ. સ. 1206માં ખૂન થયું એ પહેલાં તેણે કુત્બુદ્દીનને હિંદમાં પોતાનો ઉત્તરાધિકારી બનાવી તેને મલેકનો ખિતાબ આપ્યો અને સનદ, રાજછત્ર તથા શાહી પ્રતીકો મોકલાવ્યાં.
શિહાબુદ્દીન ગોરી વારસ વગર મૃત્યુ પામતાં, લાહોરના લોકોએ કુત્બુદ્દીનને સત્તા ગ્રહણ કરવા નિમંત્રણ પાઠવ્યું. તે સ્વીકારી કુત્બુદ્દીને લાહોરમાં ઈ. સ. 1206માં શાસનનું સુકાન સંભાળી લીધું.
આમ, હિંદમાં મુસ્લિમ સલ્તનત સ્થપાઈ. ઈ. સ. 1206થી 1290 સુધીના દિલ્હીના સુલતાનો મમ્લૂક વંશ અથવા ગુલામ વંશના સુલતાનો તરીકે ઓળખાય છે. તેઓ તુર્ક મુસલમાનો હતા અને સુલતાન બન્યા તે અગાઉ તેમના માલિકોએ તેમને ગુલામીમાંથી મુક્ત કર્યા હતા.
કુત્બુદ્દીનનું અવસાન ‘ચૌગાન’(પોલો)ની રમત રમતાં ઘોડા પરથી પડી જવાથી થયું (1210).
અયબેક તેના ટૂંકા શાસન દરમિયાન નવા વિજયો કે વહીવટી પદ્ધતિ સ્થાપી શકયો નહિ. તેણે પોતાના નામના સિક્કા પડાવ્યા નહિ કે પોતાનું નામ ખુત્બામાં દાખલ કરાવ્યું નહિ. મુસ્લિમ તવારીખકારોએ તેને પરોપકારી, ન્યાયી, વિદ્વાનો અને સાહિત્યકારોને રાજ્યાશ્રય આપનાર ગણાવીને ‘લકબક્ષ’ (લાખનું દાન કરનાર) તરીકે તેની પ્રશંસા કરી છે. અયબેકે દિલ્હીમાં ‘કુવ્વતુલ ઇસ્લામ’ (જામી મસ્જિદ : 1195) અને અજમેરમાં ‘અઢાઈ દિન કા ઝોંપડા’ (1200) નામે પ્રખ્યાત મસ્જિદો બંધાવી હતી.
આરામશાહ (1210–11) : કુત્બુદ્દીનનું મૃત્યુ થતાં લાહોરના તુર્કી અમીરોએ તેના પુત્ર આરામશાહને સુલતાન બનાવ્યો; પરંતુ તે અયોગ્ય હોવાથી અમીરોએ કુત્બુદ્દીનના જમાઈ અને બદાયૂનના સૂબા ઇલ્તુત્મિશને ગાદી પર બેસવા નિમંત્રણ મોકલ્યું, તેનો સ્વીકાર કરી, ઇલ્તુત્મિશે દિલ્હી તરફ કૂચ કરી. આરામશાહને હરાવી તે ગાદીએ બેઠો (1211).
ઇલ્તુત્મિશ (1211–1236) : શમ્સુદ્દીન ઇલ્તુત્મિશનો જન્મ ઇલ્બરી નામની તુર્કી જાતિના ઉમરાવ કુટુંબમાં થયો હતો. દેખાવમાં સુંદર, બુદ્ધિશાળી તથા સત્યનિષ્ઠ હોવાથી તેના અદેખા ભાઈઓએ તેને ગુલામ તરીકે વેચી દીધો. છેવટે દિલ્હીમાં કુત્બુદ્દીને તેને ખરીદ્યો. વફાદારી અને કાર્યક્ષમતા દ્વારા, ઇલ્તુત્મિશ પોતાના માલિક કુત્બુદ્દીનનો માનીતો બની ગયો.
કુત્બુદ્દીને ગ્વાલિયરનો કિલ્લો જીતી તેનો વહીવટ ઇલ્તુત્મિશને સોંપ્યો (1195–96). એ પછી તેને બુલંદશહર(બરન)નો સૂબો બનાવ્યો. કુત્બુદ્દીને પોતાની પુત્રી તેની સાથે પરણાવી. એ પછી ઇલ્તુત્મિશને બદાયૂનનો સૂબો બનાવ્યો. પંજાબમાં ખખ્ખરો સાથે શિહાબુદ્દીન લડ્યો ત્યારે ઇલ્તુત્મિશે વીરતા દાખવવાથી શિહાબુદ્દીને તેને દાસત્વમાંથી મુક્ત કર્યો. અને ‘અમીરુલ – ઉમરા’ (અમીરોનો અમીર) બનાવ્યો.
આરામશાહને હરાવી ઇલ્તુત્મિશ ગાદીએ બેઠો (1211) ત્યારે બગદાદના ખલીફાએ પણ તેનો સુલતાન તરીકે સ્વીકાર કર્યો.
ઇલ્તુત્મિશને હરીફ અમીરોનો સામનો કરવો પડ્યો. ઉચ્છ (સિંધ) અને મુલતાનના સૂબા નાસિરૂદ્દીન કબાચાએ લાહોર કબજે કરી સ્વતંત્રતા જાહેર કરી હતી. બંગાળમાં મોહમ્મદ બખ્તયાર ખલ્જીના અવસાન પછી (1206) સૂબા બનેલા અલી મર્દાન ખલ્જીએ ખંડણી મોકલવાનું બંધ કરેલું. ગઝનાના સુલતાન બનેલા તાજુદ્દીન યલ્દૂઝે પોતાનું ઇલ્તુત્મિશ પર રાજકીય વર્ચસ હોવાનો દાવો કરી, સુલતાન બનતી વખતે ઇલ્તુત્મિશ પર રાજછત્ર અને પોશાક મોકલ્યાં હતાં. ખ્વારિઝમના શાહે તાજુદ્દીન યલ્દૂઝને ગઝનામાંથી હાંકી કાઢ્યા બાદ તાજુદ્દીને પંજાબ જીતી લીધું. પણ ઇલ્તુત્મિશે તાજુદ્દીનને તરાઈ પાસે હરાવ્યો. એ પછી ઇલ્તુત્મિશે નાસિરુદ્દીન કબાચાને પંજાબમાંથી હાંકી કાઢ્યો (1217). નાસિરુદ્દીને સિંધમાં જઈ, ત્યાં સ્વતંત્ર રાજ્ય કર્યું. ઇલ્તુત્મિશે મુલતાન અને ઉચ્છ કબજે કરી સલ્તનત સાથે જોડી દીધાં. બંગાળ અને બિહારના સૂબા અલી મર્દાન પછી તેના પુત્રે ગિયાસુદ્દીન ખિતાબ ધારણ કરી સિક્કા પડાવ્યા અને ખુત્બામાં નામ દાખલ કરાવ્યું. ઇલ્તુત્મિશે તેને હરાવી મારી નંખાવી બંગાળ અને બિહારને સલ્તનત સાથે જોડી દીધાં.
1210 પછી રજપૂતોએ કાલિંજર, અજયગઢ, ગ્વાલિયર, રણથંભોર અને જાલોરમાંથી તુર્કોને હાંકી કાઢી સ્વતંત્રતા મેળવી હતી. ઇલ્તુત્મિશે નાગદા અને ગુજરાત સિવાયના ઘણા પ્રદેશો પર પોતાની સત્તા પુન: સ્થાપી. તેણે માળવા જીત્યું. ભીલસા અને ઉજ્જૈનમાં લૂંટ કરી ઉજ્જૈનમાં મહાકાળીના મંદિરનો નાશ કર્યો. દોઆબ વિસ્તારમાં બદાયૂન, કનોજ, બનારસ, કટેહર (રોહિલખંડ) પુન: કબજે કર્યાં. તેણે અવધને પણ જીત્યું.
ઇલ્તુત્મિશના સમયમાં મોગલો ચિંગીસખાનની સરદારી નીચે એશિયાના દેશોમાં આગ, લૂંટ અને ખુનામરકીનું તાંડવ કરતા. મોગલો પંજાબના થોડા ભાગો પર લૂંટફાટ ચલાવી, હિંદની અસહ્ય ગરમી વેઠી ન શકવાથી જતા રહ્યા. તેઓમાંના કેટલાક હિંદમાં રોકાયા અને વસવાટ કર્યો.
ઇલ્તુત્મિશની છેલ્લી ચડાઈ દોઆબના બનિયાન પરની હતી. પાછા ફરતાં તે માંદો પડ્યો અને દિલ્હી પહોંચ્યા બાદ તેનું અવસાન થયું (29 એપ્રિલ, 1236).
ઇલ્તુત્મિશે તુર્કી અમીરો સાથે સમાધાનની નીતિ અપનાવી. સલ્તનતને ઘણા પ્રદેશો(ઇકતા)માં વહેંચી તે અમીરોને આપી, મહેસૂલ, કાયદો અને વ્યવસ્થા, પગાર અને ખર્ચ વગેરેની પદ્ધતિ નક્કી કરી આપી. અમીરો શક્તિશાળી ન બને તે માટે ઇલ્તુત્મિશે પોતાને વફાદાર અંગરક્ષક દળની રચના કરી, જે ‘ચેહલગાની’, ‘ચાલીસા’ કે ‘તુર્કોની ચાલીસની મંડળી’ તરીકે પ્રસિદ્ધ થયું. તે દિલ્હીમાં સંપત્તિ મેળવવા સતત પ્રવૃત્તિશીલ રહેતું.
ઇલ્તુત્મિશ શિયાપંથી મુસ્લિમો પ્રત્યે દ્વેષ રાખતો. હિંદુઓ તરફ તેનું વલણ વિરોધી હતું. દિલ્હીના ઝનૂની ઇસ્માઇલી પંથીઓ દ્વારા તેની હત્યાનું કાવતરું ખુલ્લું પડી જતાં (1234), તેઓમાંના ઘણાની તેણે કતલ કરાવી.
દિલ્હીની દક્ષિણે મેહરોલી ગામ પાસે, કુત્બુદ્દીન અયબેકે આશરે 72.5 મી. ઊંચો મિનારો બંધાવવાનું કામ શરૂ કરેલું તે ઇલ્તુત્મિશે પૂરું કર્યું. બગદાદથી દિલ્હી આવી વસેલા પોતાના આદરણીય સૂફી સંત કુત્બુદ્દીન બખ્તયાર કાકીની યાદગીરીમાં આ મિનારાને તેણે ‘કુત્બ-મિનાર’ નામ આપ્યું.
ઇલ્તુત્મિશે ચાંદીના 175 ગ્રેઇન વજનના સિક્કા પર ખલીફાનું નામ કોતરાવી બહાર પાડ્યા. તેની ઉદારતા અને વિદ્વાનોને રાજ્યાશ્રય આપવાની નીતિનાં સમકાલીન મુસ્લિમ તવારીખકારોએ વખાણ કર્યાં છે. તેના સમયથી લાહોર રાજ્યનું કેન્દ્ર મટી ગયું, દિલ્હીનો ઉદય થયો. દિલ્હી સાહિત્ય, કલા અને ઇસ્લામધર્મી વિદ્વાનો માટે મહત્વનું કેન્દ્ર બની ગયું.
ઇલ્તુત્મિશને કુશળ સૈનિક અને સેનાપતિ ઉપરાંત દીર્ઘદર્શી અને શક્તિશાળી શાસક તરીકે ઓળખવામાં આવ્યો છે.
રુક્નુદ્દીન ફીરોઝશાહ (1236) : પોતાના પુત્રો અયોગ્ય જણાતાં, ઇલ્તુત્મિશે તેની પુત્રી રઝિયા ગાદીવારસ બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. છતાં ગર્વિષ્ઠ તુર્કી અમીરોએ ઇલ્તુત્મિશના મૃત્યુ બાદ તેનો પુત્ર રુક્નુદ્દીન – જે બદાયૂન અને લાહોરનો સૂબો હતો, તેને ‘ફીરોઝશાહ’ ખિતાબ આપી, ગાદીએ બેસાડ્યો. પરંતુ તે શાસક તરીકે અયોગ્ય, વ્યસની અને દુર્ગુણોવાળો હોવાથી તેણે શાસનતંત્રનો હવાલો પોતાની માતા શાહ તુર્કાનને સોંપી દીધો. દિલ્હીમાં શાહ તુર્કાનપ્રેરિત રઝિયાની હત્યા કરાવવાનું કાવતરું બહાર આવતાં, વિરોધી અમીરોએ તુર્કાનને કેદ કરીને મારી નંખાવી. પછી રુક્નુદ્દીનને કેદ કરીને તેનું પણ ખૂન કરાવ્યું (1236).
રઝિયા (1236–1240) : રુક્નુદ્દીનની હત્યા પછી દિલ્હીના તુર્કી લશ્કરે અને અમીરોએ રઝિયાને ગાદીએ બેસાડી. તેરમી સદીમાં હિંદના રૂઢિચુસ્ત તુર્કી સમાજમાં એક સ્ત્રી સુલતાના બને તે અસાધારણ ઘટના હતી.
રઝિયા શાસક બની ત્યારે સલ્તનતમાં રાજકીય અશાંતિ હતી. મુલતાન, બદાયૂન, હાન્સી અને લાહોર પ્રાંતોના સૂબાઓ તથા રુક્નુદ્દીનનો વજીર નિઝામુલમુલ્ક મોહમ્મદ જુનૈદી તેના વિરોધી હતા. તેઓએ એકત્ર થઈ દિલ્હી પર કૂચ કરી, પણ રઝિયાએ વિરોધીઓની છાવણીમાં કુસંપનાં બીજ વાવ્યાં તેથી સંઘ તૂટી પડ્યો. પોતાની સલામતી માટે સૂબાઓ તથા અમીરો નાસી છૂટ્યા. રઝિયાએ પકડાયેલા અમીરોને મોતની સજા કરી તો કેટલાકને નાણાં કે હોદ્દાઓ આપી, પોતાના પક્ષે જીતી લીધા. વિરોધી અમીરોને વેરવિખેર કર્યા બાદ, લખનૌતી(બંગાળ)થી દેવલ સુધીના બધા અમીરોએ રઝિયાના શાસનને માન્ય રાખ્યું. બંગાળના શાસકે દિલ્હીના શાસક પ્રત્યે વફાદારી વ્યક્ત કરી.
રઝિયાએ આપખુદ વહીવટ શરૂ કર્યો. તે બુરખો પહેર્યા વગર જાહેરમાં, દરબારી કામકાજ કરતી. પુરુષવેશમાં લડાઈમાં જવાની તેની રીત રૂઢિચુસ્ત મુસ્લિમોને ગમતી નહિ. ‘ચાલીસા’ના તુર્કી સભ્યોને રઝિયાના હાથ નીચે કામ કરવામાં માનહાનિ થતી લાગવાથી તેઓ રઝિયાને ઉથલાવી પાડવા ઇચ્છતા હતા. સ્ત્રી તરીકેની રઝિયાની નબળાઈઓએ તેની બુદ્ધિ અને ચતુરાઈને ઢાંકી દીધાં. એબિસિનિયન જાતિનો ગુલામ જમાલુદ્દીન યાકૂત શાહી તબેલાનો વડો તથા રઝિયાનો અંગરક્ષક હતો. તે રઝિયાનો કૃપાપાત્ર બનવાથી અદેખા અમીરો રઝિયાના વિરોધી બન્યા. અને સલ્તનતમાં એકસાથે અનેક બળવા થયા. તેની પહેલ પંજાબના સૂબા અયાઝે કરી (1240). રઝિયાએ તેને હરાવ્યો. ભટિન્ડાના સૂબા મલેક અલ્તૂનિયાએ પણ રઝિયાની સત્તા સામે બળવો કર્યો. રઝિયાએ યાકૂતને સાથે રાખી ફોજ લઈ અલ્તૂનિયા સામે કૂચ કરી. ભટિન્ડા પહોંચતાં પહેલાં જ અલ્તૂનિયાના ટેકેદારોએ યાકૂતનું ખૂન કરી, રઝિયાને કેદ કરી, ભટિન્ડાના કિલ્લામાં રાખી. બીજી બાજુ રઝિયાના ભાઈ મુઇઝ્ઝુદ્દીન બહરામશાહને સુલતાન બનાવ્યો. રઝિયાએ સ્ત્રી-ચારિત્ર્ય અજમાવી, મલેક અલ્તૂનિયાને લલચાવ્યો. બંને લગ્નગ્રંથિથી જોડાયાં. પછી બંનેએ ખખ્ખરો, જાટો અને જમીનદારોનો સાથ મેળવી સૈન્યસહિત દિલ્હી તરફ કૂચ કરી. સુલતાન બહરામશાહે તેમનો સામનો કરી હરાવ્યા (1240). ભટિન્ડા તરફ જઈ રહેલાં રઝિયા અને અલ્તૂનિયાની કૈથલ નજીક હત્યા કરવામાં આવી.
રઝિયા ન્યાયી, વિદ્વાનોની આશ્રયદાતા, પ્રજાપાલક અને યુક્તિબાજ સુલતાના હતી.
મુઇઝ્ઝુદ્દીન બહરામશાહ (1240–1242) : રઝિયાની હત્યા બાદ ઇલ્તુત્મિશના ત્રીજા પુત્ર મુઇઝ્ઝુદ્દીન બહરામશાહને ‘ચાલીસા’ જૂથે પોતાને અધીન રહી શાસન ચલાવશે એ શરતે ગાદીએ બેસાડ્યો (1240). ‘ચાલીસા’ જૂથે ‘નાયબે-મામલિક’નો હોદ્દો ઊભો કરી તેના પર ઇખ્તિયારુદ્દીન ઐતગિનની નિમણૂક કરી; સુલતાનની બહેન સાથે લગ્ન કર્યા બાદ તે, સુલતાન કરતાં પણ વધુ સત્તાધીશ બન્યો. આથી સુલતાને તેની હત્યા કરાવી અને ‘ચાલીસા’ જૂથના પ્રભાવશાળી અમીર બદરુદ્દીનને અમીરે-હજિબના હોદ્દા પર નીમ્યો. તેણે પણ તમામ સત્તાઓ હસ્તગત કરી લેતાં, તેની પણ હત્યા કરાવવામાં આવી.
બહરામશાહના શાસનમાં ખૂન અને કાવતરાંની પરંપરા સર્જાઈ. આવા સમયે મુઘલોએ હિંદ પર આક્રમણ કર્યું. લાહોર કબજે કરી, લૂંટફાટ અને લોકોની હત્યા કરી. મુઘલો સામે બહરામશાહનું લશ્કર, કશું કર્યા વગર પાછું ફર્યું. બળવાખોર લશ્કરે દિલ્હી આવી, સુલતાનને કેદ કરી તેની હત્યા કરી.
અલાઉદ્દીન મસૂદશાહ (1242–1246) : કાવતરાખોર ‘ચાલીસા’ જૂથે રુક્નુદ્દીન ફીરોઝશાહના સગીર પુત્ર અલાઉદ્દીન મસૂદશાહને સુલતાન બનાવી બધી સત્તા પોતાની પાસે રાખી. મસૂદશાહ નામનો જ સુલતાન હતો. ‘ચાલીસા’ જૂથના ગિયાસુદ્દીન બલબને ‘અમીરે-હજિબ’ પદ મેળવી સર્વ સત્તા પ્રાપ્ત કરી લીધી હતી.
મસૂદશાહના સમયમાં સ્વતંત્ર બની ગયેલા બંગાળના હાકેમ તુગાનખાને બિહાર જીતી (1242) અવધ પર આક્રમણ કર્યું. દિલ્હીની સત્તા નામ પૂરતી સ્વીકારી. મુલતાન અને ઉચ્છમાં કબીરખાન અયાઝ સ્વતંત્ર બની ગયો. પંજાબનો ઉપલાણ ભાગ ખખ્ખરોના કબજામાં હતો. તે સમયે મુઘલોએ મંગૂખાનની સરદારી નીચે હિંદ પર આક્રમણ કર્યું (1246), પણ દિલ્હીના લશ્કરે ગિયાસુદ્દીન બલબનની સરદારી નીચે મુઘલોને સજ્જડ હાર આપી.
મસૂદશાહની બિનકાર્યક્ષમતા અને વિલાસપ્રિયતાને લીધે અમીરોમાં અસંતોષ ફેલાયો. તેથી બલબને, સુલતાનને પદભ્રષ્ટ કરી ઇલ્તુત્મિશના બીજા પુત્ર નાસિરુદ્દીન મહમૂદને ગાદીએ બેસાડ્યો.
નાસિરુદ્દીન મહમૂદ (1246–1266) : ‘ચાલીસા’ જૂથ અને બલબનને લીધે, નાસિરુદ્દીન મહમૂદને દિલ્હીની ગાદી મળી હોવાથી, એ જૂથ અને બલબનનો પ્રભાવ વધ્યો. સુલતાને બલબનને ‘ઉલુગખાન’નો ખિતાબ અને વજીરપદ આપ્યાં અને પોતાના નાયબ તરીકે નીમ્યો. બલબને પોતાની પુત્રી સુલતાન નાસિરુદ્દીન સાથે પરણાવી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. નાસિરુદ્દીનનું શાસન હકીકતમાં બલબનનું જ શાસન બની રહ્યું.
બલબને મુઘલોના આક્રમણ સમયે તેમને સહકાર આપનાર ખખ્ખરો અને હિંદુઓને ભારે શિક્ષા કરી. ત્યાંના જાગીરદારો સુલતાનને લશ્કરી મદદ આપશે તેવી કબૂલાત લીધી. કાલિંજર, અવધ અને દોઆબમાં હિંદુ રાજાઓએ બંડ કરતાં (1247), તેમને હરાવી, અંકુશમાં લીધા. રણથંભોર અને દિલ્હીની દક્ષિણે આવેલ મેવાત પ્રદેશ (અલ્વર) જીતી લીધો.
બલબનની આપખુદ સત્તાથી, તુર્કી અમીરોમાં ઈર્ષ્યા જાગી. ઇમાદુદ્દીન રૈહાનની અને અમીરોની ચઢવણીથી, નાસિરુદ્દીને બલબનની સત્તાઓ આંચકી લઈ તેના સ્થાને ઇમાદુદ્દીન રૈહાનને નીમ્યો. રૈહાનના વહીવટથી અસંતુષ્ટ બનેલા તુર્કી અમીરો અને ઈરાની અમલદારોએ કરેલા બળવાથી, સુલતાનને પોતાની ભૂલ સમજાતાં, બલબનને બોલાવી તેના મૂળ સ્થાને નીમ્યો. બલબને મેવાતના પહાડી પ્રદેશોમાં થયેલાં તોફાનો દબાવી દીધાં (1259).
નાસિરુદ્દીન મહમૂદ યુવાન વયે સુલતાન બન્યો હતો. તેણે પવિત્ર, સાદું અને શાંતિમય જીવન વિતાવ્યું. તે અપુત્ર હોવાથી પોતાના ઉત્તરાધિકારી તરીકે બલબનની નિમણૂક કરી. ઈ. સ. 1266માં તેનું અવસાન થયું.
ગિયાસુદ્દીન બલબન (1266–1287) : તુર્કસ્તાનની ઇલ્બરી જાતિના ખાન કુટુંબમાં બલબનનો જન્મ થયો હતો. ઇલ્તુત્મિશે તેને ગુલામ તરીકે ખરીદ્યો હતો. બલબન પોતાની હોશિયારીથી આગળ વધ્યો હતો. ભિસ્તી અને અંગત નોકર તરીકે કામ કર્યા બાદ તે છેવટે ‘ચાલીસા’ જૂથનો સભ્ય બન્યો. ઇલ્તુત્મિશના અવસાન પછી તે સુલતાન રુક્નુદ્દીન ફીરોઝશાહના વિરોધી અમીરોનો સરદાર બન્યો. સુલતાના રઝિયાએ તેને અમીરે-શિકાર (શિકાર ખાતાનો વડો) નીમ્યો. બહરામશાહે ‘અમીરે-આખૂર’ (શાહી તબેલાનો વડો) નીમી તેને હાન્સી અને રિવાડીની જાગીરો સોંપી. બલબને સુલતાન મસૂદશાહના સમયમાં ઉચ્છ તરફ થયેલાં મુઘલોનાં આક્રમણો રોક્યાં (1246).
દિલ્હીની દક્ષિણે મેવાતીઓ અને દોઆબમાં બંડખોરો સામે લશ્કરી પગલાં લઈ તેણે તે પ્રદેશોને ભયમુક્ત કર્યા. કટેહર(રોહિલખંડ)માં વિદ્રોહીઓને કચડી નાંખ્યા. મુઘલો, ખખ્ખરો અને લૂંટારુ ટોળીઓને કાબૂમાં રાખવા તેના પિતરાઈ શેરખાનને લાહોર અને મુલતાનનો સૂબો નીમ્યો. શેરખાનની તાકાતથી ડરીને મુઘલો અને ખખ્ખરો દૂર રહેતા પણ શેરખાને દિલ્હીની સત્તાની અવગણના કરવાથી બલબને તેની હત્યા કરાવી (1270). તેના સ્થાને બંગાળના સૂબા તાતારખાનને નીમ્યો અને બંગાળામાં પોતાના જ તુર્કી ગુલામ તુગ્રિલને નીમ્યો. આવા ફેરફારથી મુઘલો, ખખ્ખરો અને તોફાની ટોળીઓએ ધાડો પાડી. આથી બલબને વાયવ્યની સંરક્ષણવ્યવસ્થામાં ફેરફાર કરી, તાતારખાનને સુનામ અને સામાના તથા બીજા પ્રાંતો અને કિલ્લાઓ અન્ય અમીરોને સોંપ્યા. સરહદોના રક્ષણ માટે પોતાના જ્યેષ્ઠ પુત્ર મોહમ્મદખાનને લાહોર અને મુલતાનનો સૂબો નીમ્યો. મુઘલોએ કરેલાં જોરદાર આક્રમણો (1279 અને 1285માં) તેણે મારીને પાછાં હઠાવ્યાં હતાં; પણ મુઘલો ફરી ચઢી આવતાં (1286) મોહમ્મદખાન તેમનો સામનો કરતાં માર્યો ગયો. મુઘલોએ જાણીતા કવિ અમીર ખુસરોને કેદ પકડ્યો, પણ પાછળથી છોડી મૂક્યો હતો.
બંગાળના સૂબા તુગ્રિલે પોતાના માલિક બલબન સામે જ બળવો પોકારી, ‘મુગીસખાન’ ખિતાબ ધારણ કરી, પોતાને સ્વતંત્ર સુલતાન જાહેર કર્યો (1279). બલબને તેની સામે મોકલેલો અવધનો સૂબો અમીનખાન હારીને પાછો આવતાં, ગુસ્સે થયેલા બલબને તેને જ ફાંસી આપી. મલેક તર્ઝીબેગને મોકલતાં તે પણ હારવાથી વધુ ક્રોધિત બનેલા બલબને જાતે લશ્કર સાથે જઈને, તુગ્રિલનો પીછો પૂર્વ બંગાળ સુધી કર્યો. તુગ્રિલ નાસી જતાં તીરથી વીંધાઈને માર્યો ગયો. બંડખોરો પર દાખલો બેસાડવા બલબને તુગ્રિલખાનના સર્વે સાથીદારોને મોતની સજા કરી. એ પછી પોતાના બીજા પુત્ર બુગ્રાખાનને, બંગાળનો સૂબો નીમ્યો.
વૃદ્ધ બલબન તેજસ્વી પુત્ર મોહમ્મદખાનના મોતનો ઘા જીરવી શક્યો નહિ. અંતરનો વિષાદ દબાવી રાખી, જાહેરમાં કડક વર્તન બતાવતા બલબને મૃત્યુનો સમય નજીક જોઈ, પુત્ર બુગ્રાખાનને બોલાવ્યો. પિતાના કડક સ્વભાવથી ડરતો બુગ્રાખાન દિલ્હી છોડી બંગાળ જતો રહ્યો. એથી બલબને સદ્ગત મોહમ્મદખાનના પુત્ર કૈખુસરોને પોતાનો ઉત્તરાધિકારી નીમ્યો. 1287માં બલબનનું અવસાન થયું.
બલબન ‘ચાલીસા’ જૂથમાંથી આગળ વધી સુલતાન બન્યો હતો. સુલતાન બન્યા પછી તેણે એ જૂથને ખતમ કરી નાંખ્યું. બલબને સરકારના દરેક ખાતામાં, પ્રાંતોમાં અને જિલ્લાઓમાં જાસૂસો નીમેલા. તેમના અહેવાલોથી તે રાજ્યના બનાવોથી માહિતગાર રહેતો. તેણે અશ્વદળ અને પાયદળમાં અનુભવી અને વિશ્વાસુ અધિકારીઓની નિમણૂક કરી. ઇલ્તુત્મિશે લશ્કરી સેવાના બદલામાં ગણોતપટેથી જમીનો આપી હતી. પરંતુ રાજ્યને પૂરતી લશ્કરી સેવા મળતી ન હોવાથી બલબને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કરેલો પ્રયાસ સફળ થયો.
બલબન આપખુદ રાજાશાહીનો પુરસ્કર્તા હતો. પોતાને તે ‘અલ્લાહનો પ્રતિનિધિ’ માનતો. ઉચ્ચ કુળના લોકો તથા પોતાનાં સગાંસંબંધીઓ સિવાય, અન્ય લોકોને હલકા ગણી, ઊંચા હોદ્દા આપતો નહિ. રાજદરબારમાં ઈરાની ઢબના શિષ્ટાચાર, સુલતાનને અભિવાદન કરવું, જમીન પર સૂઈ નમન કરવું વગેરેનું પાલન કરાવતો. પોતે હંમેશાં રાજાને યોગ્ય પોશાક પહેરતો. વર્તનમાં શિસ્ત પાળતો અને અન્ય પાસે પળાવતો. ધારેલાં કામ અમાનુષી સજા કરીને પણ કરાવતો. શિક્ષિતો, સાહિત્યપ્રેમીઓ તથા મધ્ય એશિયામાંથી આવેલા વિદ્વાનોને આશ્રય આપતો. અમીર ખુસરો અને અમીર હસન જેવા ખ્યાતનામ કવિઓ, તેના પુત્ર મોહમ્મદખાનના દરબારમાં રાજ્યાશ્રય ભોગવતા.
કૈકોબાદ (1287–1290) : બલબને પોતાના અનુગામી તરીકે નીમેલા પૌત્ર કૈખુસરોને બદલે અમીરોએ તેના પુત્ર બંગાળના સૂબા બુગ્રાખાનના પુત્ર કૈકોબાદને ‘મુઇઝ્ઝુદ્દીન’ ખિતાબ ધારણ કરાવી, ગાદીએ બેસાડ્યો. કૈકોબાદ શિક્ષિત, રાજકારણનો અજાણ, સાહિત્ય અને શાયરીનો શોખીન હતો. સુલતાન બનતાં તે વિલાસી બન્યો. તેના વજીર મલેક નિઝામુદ્દીને સર્વ સત્તા હાથ કરી.
આ સમયમાં મુઘલો પંજાબમાં થઈ સામાના સુધી ચડી આવતાં તેમને પાછા હઠાવ્યા અને હજારેકને કેદી બનાવી, દિલ્હી લાવી ફાંસી આપી. કેટલાક મુઘલો ઇસ્લામ ધર્મ સ્વીકારી દિલ્હીમાં વસ્યા. તેઓ ‘નવા મુસ્લિમો’ તરીકે ઓળખાયા.
પુત્રની વિલાસી પ્રવૃત્તિઓથી ચોંકી ઊઠેલો બુગ્રાખાન લશ્કર સાથે દિલ્હી તરફ કૂચ કરી અયોધ્યા પાસે પહોંચ્યો. કૈકોબાદ પણ લશ્કર સાથે ત્યાં પહોંચ્યો. પિતાપુત્રનું મિલન ગોગ્રા નદીના કાંઠે થયું. બુગ્રાખાને પુત્રને શિખામણ આપી; પરંતુ દિલ્હી ગયા બાદ કૈકોબાદ ફરી ભોગવિલાસમાં પડ્યો.
કૈકોબાદે વજીર નિઝામુદ્દીનને ઝેર આપી મારી નંખાવ્યો. જલાલુદ્દીન ફીરોઝ ખલ્જીને બરનની જાગીર આપી અને લશ્કરનો વડો નીમ્યો. જલાલુદ્દીને કૈકોબાદની હત્યા કરાવી પોતે રાજરક્ષક બની ગયો. તક મળતાં પોતે સુલતાન તરીકે ગાદીએ બેઠો.
જલાલુદ્દીન ફીરોઝશાહ ખલ્જી (1290–1296) : જલાલુદ્દીન ફીરોઝશાહ દિલ્હી નજીક કિલોગઢના કિલ્લામાં ગાદીએ બેઠો (13 જૂન 1290). સુલતાન બનતા પહેલાં, જલાલુદ્દીને સરે-જન્દર (અંગરક્ષક દળનો વડો), સામાના જાગીરનો સૂબો તથા અરીઝે-મામલિક જેવા હોદ્દા ભોગવ્યા હતા. મુઘલો સામે કુશળ સૈનિક અને કાબેલ સેનાપતિ તરીકે નોંધપાત્ર સેવા બજાવતાં, સુલતાન કૈકોબાદે તેને ‘શાઇસ્તખાન’નો ખિતાબ આપ્યો હતો (1289).
તુર્કી અમીરો ખલ્જીઓને હલકા અફઘાનો ગણી જલાલુદ્દીનનો વિરોધ કરતા હતા. જલાલુદ્દીને પોતાના સગાઓને ઉચ્ચ હોદ્દાની લહાણી કરી. ઉદારતા બતાવવા બલબનના ભત્રીજા મલેક છજ્જૂને કરા (હાલ અલ્લાહાબાદ જિલ્લામાં) અને માણેકપુરની સૂબાગીરી આપી.
જલાલુદ્દીને સુલતાન બન્યા બાદ કોઈ પણ મુસ્લિમનું લોહી રેડવાની ના પાડી. તેણે શાંતિ, ઉદારતા અને પરોપકારની નીતિ અપનાવી. મલેક છજ્જૂએ જલાલુદ્દીન સામે બંડ કરતાં, જલાલુદ્દીનના પુત્ર અરકલીખાને બંડખોરોને હરાવી, કેદ કરી પિતા સમક્ષ રજૂ કરતાં, કેદીઓની દુ:ખી હાલત જોઈ વ્યથિત બનેલા જલાલુદ્દીને બંડખોરોને માફી આપી, શાહી મહેમાન બનાવ્યા. મલેક છજ્જૂને મુલતાન મોકલી આપ્યો. કરાની જાગીર પોતાના ભત્રીજા અને પાછળથી જમાઈ બનાવેલા અલાઉદ્દીનને આપી. દિલ્હી નજીકના ઠગો અને ખૂનીઓને બંગાળ મોકલી છોડી મૂક્યા. જલાલુદ્દીનને મારી નાંખી અન્યને ગાદીએ બેસાડવાનું કાવતરું પકડાઈ જતાં, કાવતરાખોર અમીરોને ચેતવણી આપી માફ કર્યા. તેણે માત્ર સીદી મૌલાને હાથીના પગ નીચે કચડાવી મારી નાંખવાની સજા ફરમાવી હતી (1291).
સુલતાને રણથંભોર પર કરેલી ચડાઈનો ત્યાંના રાજાએ સામનો કરતાં, જલાલુદ્દીને એ ચડાઈ પડતી મૂકી. તેણે મંદાવર જીત્યું હતું (1292). તેના ભત્રીજા અને જમાઈ અલાઉદ્દીને જલાલુદ્દીનની પૂર્વ-સંમતિથી માળવા પર આક્રમણ કરી (1292) ભીલસા કબજે કર્યું. લૂંટ ચલાવી અઢળક ધન મેળવ્યું જે દિલ્હી લઈને આવ્યા બાદ, સુલતાને તેની સિદ્ધિથી પ્રસન્ન થઈ અવધની સૂબાગીરી વધારામાં આપી. ભીલસામાં હતો ત્યારે અલાઉદ્દીને દખ્ખણમાં દેવગિરિના યાદવ રાજા રામચંદ્ર પર હલ્લો કરી તેને હરાવ્યો અને બક્ષિસ લઈ ખંડણી નિયમિત આપવા કબૂલાત કરાવી સમાધાન કર્યું.
લૂંટની પુષ્કળ સંપત્તિ સાથે પાછા ફરી રહેલા અલાઉદ્દીનની સિદ્ધિઓને બિરદાવવા જલાલુદ્દીન જાતે કરા ગયો. ત્યાં કાવતરા મુજબ જલાલુદ્દીનની હત્યા કરવામાં આવી. એ પછી અલાઉદ્દીને પોતાને સુલતાન તરીકે જાહેર કર્યો (20 જુલાઈ, 1296).
અલાઉદ્દીન ખલ્જી (1296–1316) : અલાઉદ્દીને બાળવયમાં પિતા ગુમાવતાં કાકા જલાલુદ્દીને તેને ઉછેરી પછી જમાઈ બનાવ્યો હતો. અલાઉદ્દીન ચાલાક, ઝનૂની, સાહસિક, મહત્ત્વાકાંક્ષી અને સ્વાર્થી હતો. અલાઉદ્દીનને અમીર બનાવાયો હતો. મલેક છજ્જૂનું બંડ દબાવી દેવા બદલ જલાલુદ્દીને તેને કરાની જાગીર આપી હતી. ભીલસા પરની ચડાઈમાં સફળતા મેળવ્યા પછી તેને અરિઝે-મામલિક (યુદ્ધમંત્રી) બનાવાયો અને વધુમાં અવધ પ્રાંતનો હવાલો આપવામાં આવ્યો હતો.
જલાલુદ્દીનની હત્યાના સમાચાર જાણી, મલેકા જહાને, કેટલાક અમીરોનો ટેકો મેળવી, પોતાના નાના પુત્ર કાદિરખાનને ‘રુક્નુદ્દીન ઇબ્રાહીમખાન’નો ખિતાબ આપી દિલ્હીમાં ગાદીએ બેસાડ્યો. મોટો પુત્ર અરકલીખાન મુલતાન જતો રહ્યો. અલાઉદ્દીને કરાથી દિલ્હી કૂચ કરી. માર્ગમાં લોકોને સોનાચાંદીના સિક્કાઓ વહેંચ્યા અને લોકચાહના મેળવી. લશ્કરને પણ પોતાના પક્ષે કરી લીધું. અલાઉદ્દીનનો સામનો કરવાનું મુશ્કેલ લાગતાં, મલેકા જહાન અને સુલતાન બનેલો ઇબ્રાહીમખાન નાસી છૂટ્યાં. અલાઉદ્દીને દિલ્હી જઈ ઈ. સ. 1296માં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો.
સુલતાન બન્યા પછી અલાઉદ્દીને ભાઈ અલમાસ બેગને ઉલુગખાનનો, બનેવી મલેક નુસ્રતને નુસ્રતખાનનો, ભાણેજ હિઝ્બુદ્દીનને ઝફરખાનનો અને ઐન માહરૂને ઐનુલમુલ્કનો ખિતાબ આપ્યો. અમીર-ઉમરાવોને બક્ષિસો, પગારવધારો કે ઊંચી જગ્યાઓ આપી. તે સૌ અલાઉદ્દીનના ટેકેદારો બન્યા. એ પછી અલાઉદ્દીને રુક્નુદ્દીન ઇબ્રાહીમખાન અને અરકલીખાનની હત્યા કરાવી.
અલાઉદ્દીનના શાસન દરમિયાન 1308 સુધીમાં મુઘલોનાં બાર જેટલાં આક્રમણો પંજાબ, મુલતાન, સિંધ તથા છેક દિલ્હી અને દોઆબ પ્રદેશ સુધી થયાં. તેમનો પ્રતિકાર કરવા સંરક્ષણવ્યવસ્થા સંગઠિત કરવાની અલાઉદ્દીનને ફરજ પડી.
અલાઉદ્દીને વાયવ્ય સરહદની સંરક્ષણવ્યવસ્થા મજબૂત બનાવવા વ્યૂહાત્મક સ્થળોએ કિલ્લા દુરસ્ત કરાવ્યા, નવા બંધાવ્યા અને ઠેર ઠેર લશ્કરી થાણાં સ્થાપ્યાં. મુઘલોના 1306ના આક્રમણનો સામનો કરવા, મોકલેલા મલેક નાયબ કાફૂર અને ગાઝી મલેકે મુઘલોને હેરાન-પરેશાન કરી, કેટલાક મોગલ સરદારોને દિલ્હી લઈ જઈ મરાવી નાંખ્યા. ઘણા મુઘલોની કતલ કરાવી તેમનાં સ્ત્રીઓ અને બાળકોને ગુલામો તરીકે વેચી દેવાયાં. એ પછી મલેક ગાઝીની પંજાબના સૂબા તરીકે નિમણૂક કરી. મુઘલોના છેલ્લા આક્રમણમાં તેમની મોટી સંખ્યામાં ખુવારી થઈ, કેદ પકડાયેલાઓને ઘાતકી શિક્ષાઓ કરાઈ, તે પછી તેમનાં આક્રમણો બંધ થયાં.
ગુજરાત પર ચડાઈ કરવા મોકલાયેલા ઉલુગખાન અને નુસ્રતખાને રાજધાની અણહિલવાડ પાટણ પર ઘેરો ઘાલતાં, કર્ણદેવ બીજો પોતાની દીકરી દેવલદેવી સાથે નાસી જઈ, દેવગિરિના યાદવ રાજા રામચંદ્રને આશ્રયે જઈને રહ્યો. કર્ણદેવની રાણી કમલાદેવીને કેદ કરી, દિલ્હી મોકલાઈ, જ્યાં તેને અલાઉદ્દીનની બેગમ બનાવાઈ. મુસ્લિમ લશ્કરોએ ગુજરાતના કેટલાક પ્રદેશો તથા સમૃદ્ધ એવાં સૂરત અને ખંભાતમાં લૂંટ ચલાવી. નુસ્રતખાને ખંભાતથી ગુલામ તરીકે મલિક કાફૂરને મેળવ્યો.
રણથંભોરના રાજા હમીરદેવે દિલ્હીની સત્તાની અવગણના કરેલી અને ‘નવા મુસ્લિમો’ને રાજ્યાશ્રય આપેલો, તેવાં બે કારણથી, અલાઉદ્દીને ઉલૂગખાન અને નુસ્રતખાનને આક્રમણ કરવા મોકલ્યા (1299). પ્રથમ વારની અથડામણમાં નુસ્રતખાન માર્યો ગયો અને રજપૂતો જીત્યા. પછી અલાઉદ્દીને જાતે રણથંભોર તરફ કૂચ કરી, ઉલુગખાને નાંખેલા ઘેરાનો હવાલો સંભાળી, છળકપટ કરી, રાજા હમીરદેવના પ્રધાન રણમલને લલચાવી દગો રમી, કિલ્લામાં દાખલ થયો (1301). રજપૂતાણીઓએ જૌહર કર્યું. લડાઈમાં હમીરદેવ માર્યો ગયો. રણથંભોરનો કિલ્લો અને તેની આસપાસનો પ્રદેશ ઉલુગખાનને જાગીર તરીકે આપ્યો. આ દરમિયાન તેની વિરુદ્ધ બદાયૂનના સૂબા ઉમરખાન અને અવધના સૂબા મંગુખાને કરેલા બળવાને તથા દિલ્હીમાં હાજી મૌલાએ કરેલા બંડને (1301) તેણે સખતાઈથી દાબી દીધાં.
અલાઉદ્દીને સિસોદિયા રજપૂતોના રાજ્ય ચિતોડ પર ચડાઈ કરી ઘેરો ઘાલ્યો અને ચિતોડનો કિલ્લો જીતીને મોટા પુત્ર ખિઝરખાનને ચિતોડ સોંપ્યું. પણ થોડા સમયમાં તેને રજપૂતોએ પાછું મેળવી લીધું.
અલાઉદ્દીને માળવા (1305) અને તે પછી માંડુ, ઉજ્જૈન, ધારાનગરી અને ચંદેરી જીત્યાં. જાલોરના ચૌહાણ રાજા કાન્હડદેવે (કૃષ્ણદેવ) અલાઉદ્દીનની સત્તા સ્વીકારી પણ પાછળથી થયેલી લડાઈમાં કાન્હડદેવ માર્યો ગયો. જાલોર કબજે કરાયું. બુંદી, મંડોર અને ટોંકમાં પણ મુસ્લિમ લશ્કરોએ વિનાશ સર્જ્યો.
ગુલામ તરીકે આવેલો મલેક કાફૂર હોશિયારીથી અલાઉદ્દીનનો માનીતો બની ઊંચાં રાજપદો મેળવતો રહ્યો હતો. અલાઉદ્દીને તેને ‘નાયબ’ જેવો ઊંચો હોદ્દો આપ્યો (1305).
દેવગિરિનો રાજા રામચંદ્ર એલિચપુરનું મહેસૂલ કબૂલાત પ્રમાણે મોકલતો ન હતો. તેણે ગુજરાતના રાજા કર્ણદેવને આશ્રય આપ્યો હતો. તેને લીધે અલાઉદ્દીને મલેક કાફૂરને દેવગિરિ પર આક્રમણ કરવા અને કર્ણદેવની કુંવરી દેવલદેવીને ત્યાંથી લાવવા આદેશ આપ્યો. ગુજરાતના સૂબા અલફખાનના હાથે દેવલદેવી પકડાઈ જતાં, તેને દિલ્હી મોકલી આપવામાં આવી. મલેક કાફૂરે દેવગિરિમાંથી મોટી લૂંટ મેળવી. રામચંદ્રે છેવટે ખંડિયા રાજા બનવાનું સ્વીકાર્યું (1307).
તેલંગણાનું કાકતીય રાજ્ય તેની બેસુમાર ધનદોલત માટે જાણીતું હતું. તે લૂંટી લેવા અલાઉદ્દીને રાજધાની વારંગલ પર આક્રમણ કરી ત્યાંના રાજા વીર બલ્લાલ ત્રીજાને હરાવી, ભારે લૂંટ મેળવી ખંડિયો બનાવ્યો. એ પછી મલેક કાફૂરે પાંડ્ય રાજ્યની રાજધાની મદુરા પર કૂચ કરી (1310–11) મદુરા લૂંટી, ત્યાંના મંદિરનો નાશ કરી, પૂર્વમાં સેતુબંધ રામેશ્વર પહોંચી ત્યાંના મંદિરનો નાશ કર્યો. એ પછી તે કેરળ (ચેર) ગયો અને ત્યાંથી લૂંટ મેળવી દિલ્હી પાછો ફર્યો.
‘રાજા પૃથ્વી પર ઈશ્વરનો પ્રતિનિધિ છે; તેનામાં અન્ય કરતાં વધુ શાણપણ ઈશ્વરે બક્ષ્યું છે; તેની ઇચ્છા એ જ કાયદો છે; રાજાશાહી સગાવાદથી પર છે; પ્રજા તેની નોકર છે’ : આવી માન્યતા અલાઉદ્દીન ધરાવતો હતો. તેણે ઉમરાવો તથા ઉલેમાઓને વહીવટી તંત્રથી દૂર રાખ્યા. મુસ્લિમ ધર્મસંસ્થાઓને પોતાને અધીન બનવા ફરજ પાડી.
અલાઉદ્દીનની આપખુદ રાજાશાહી લશ્કરી બળ પર આધારિત હતી. તેણે કાયમી વિશાળ લશ્કરની રચના પોતાના રાજકીય અને આર્થિક હેતુઓ સિદ્ધ કરવા કરી અને તેનું વડું મથક રાજધાનીમાં રાખ્યું. લશ્કરના સૈનિકોને હોદ્દા પ્રમાણે નિયમિત પગાર રોકડ ‘ટંકા’માં આપ્યો. સરકારી ઘોડાઓ પર ‘ડાઘ’ (ચિહન) અંકિત કરવાની અને તેની તથા સૈનિકોની વિગતવાર નોંધ રાખવાની પદ્ધતિ દાખલ કરી. તેણે રોજબરોજની માહિતી મેળવવા સામ્રાજ્યમાં ગુપ્તચરો રાખ્યા.
ખેત-જમીનની માપણી, રાજ્યનો મહેસૂલદર, વસૂલાતની વ્યવસ્થા, તેમાં લાંચરુશવત – ભ્રષ્ટાચાર રોકવા સંબંધિત અમલદારોને રોકડ પગાર ચૂકવવા જેવા અનેક નિયમો દાખલ કર્યા. લશ્કરના ખર્ચને પહોંચી વળવા પચાસ ટકા જમીનમહેસૂલ લેવાનું નક્કી કર્યું.
અલાઉદ્દીને આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા. તેમાં જુદા જુદા પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ, દાસીઓ, વેશ્યાઓ, ગુલામો, દુધાળાં ઢોર, ઘોડા, રોટી, શાકભાજી વગેરે જીવનોપયોગી અને સામાન્ય વેપારની ગણાતી ચીજવસ્તુઓનું ભાવાંકન કરતા નિયમો ઘડ્યા. અલાઉદ્દીનની ચીજવસ્તુઓ પરનું ભાવનિયમન અને બજાર પરના અંકુશની નીતિ દિલ્હી શહેર અને તેની આસપાસના પ્રદેશો પૂરતી મર્યાદિત હતી.
અલાઉદ્દીન હિંદુઓ પ્રત્યે ઘાતકીપણે વર્તતો. હિંદુઓને તે ‘ખિરાજ-ગુજર’ (ખિરાજ એટલે કર આપીને જીવતદાન મેળવનાર) તરીકે ઓળખાવતો. હિંદુઓ વધુ ને વધુ ગરીબ, લાચાર અને દુ:ખી બની રહે તેવાં અનેક પગલાં તેણે લીધાં.
તેણે સાક્ષરો અને હુન્નરકળાને ઉત્તેજન આપ્યું. શાયર અમીર ખુસરો, અમીર હસન જેવા ફારસી સાહિત્યકારો અને દરવેશો તેના દરબારમાં રાજ્યાશ્રય મેળવતા. અલાઉદ્દીને ઘણાં કિલ્લા અને મસ્જિદો બંધાવ્યાં કે દુરસ્ત કરાવ્યાં.
સામ્રાજ્યમાં થતાં બળવા, હુલ્લડો વગેરેથી થઈ રહેલી સામ્રાજ્યના વિસર્જનની શરૂઆત છેવટના સમયમાં લાચારીથી નિહાળીને અંતે તે મૃત્યુ પામ્યો (2 જાન્યુઆરી, 1316).
કુત્બુદ્દીન મુબારકશાહ (1316–1320) : મલેક કાફૂરે ખોટા વસિયતનામાના આધારે અલાઉદ્દીનના બાળપૌત્ર શિહાબુદ્દીનને સુલતાન બનાવ્યો અને પોતે રાજરક્ષક બન્યો. તેણે અલાઉદ્દીનના બે પુત્રોને અંધ બનાવ્યા. ત્રીજા પુત્ર મુબારકખાને મલેક કાફૂરની હત્યા કરાવી. શિહાબુદ્દીનને પદભ્રષ્ટ કરીને કુત્બુદ્દીન ‘મુબારકશાહ’ ખિતાબ ધરાવી ગાદીએ બેઠો.
તેણે રાજકીય કેદીઓને છોડી મૂક્યા. જપ્ત કરાયેલી જમીનો મૂળ માલિકોને પરત કરી. પિતાએ લીધેલાં ઘણાં અપ્રિય અને સખતાઈભર્યાં પગલાં રદ કર્યાં. વહીવટમાં એકાએક ઉદારતા અને શિથિલતા આવતાં, કાયદાકાનૂનભંગનો આરંભ થયો. મુબારકશાહ પોતે આનંદપ્રમોદ અને વિલાસમાં ગળાડૂબ બની જતાં, વહીવટી તંત્રમાં અવ્યવસ્થા સર્જાઈ. મૂળ હિંદુ એવા હસનને, ‘ખુસરો’ ખિતાબ આપી, મુબારકશાહે મુખ્ય વજીર બનાવ્યો. પોતે ખુસરોના હાથમાં પૂતળા સમાન શાસક બન્યો. આથી રાજ્યમાં અવ્યવસ્થા સર્જાઈ.
ગુજરાત અને દેવગિરિમાં થયેલા બળવાને તેણે દબાવી દીધા. સુલતાને ગુલબર્ગ, સાગર, દ્વારસમુદ્ર વગેરે પર અધિકાર સ્થાપી ત્યાં મુસ્લિમ સૂબાઓને નીમ્યા.
મુબારકશાહની હત્યાનું કાવતરું ફૂટી જતાં, કાવતરાખોરો અને તેમના સંબંધીઓને મોતની સજા કરવામાં આવી. વજીર ખુસરોખાને દક્ષિણ હિંદમાં વિજયો મેળવી અઢળક ધન ભેગું કર્યું. સુલતાન વિલાસી બની જવાથી સર્વસત્તાધિકારી બનેલા ખુસરોખાને દિલ્હી પહોંચી મુબારકશાહની હત્યા કરાવીને (1320) ખલ્જી રાજવંશનો અંત આણ્યો.
નાસિરુદ્દીન ખુસરોશાહ (15 એપ્રિલથી 5 સપ્ટેમ્બર, 1320) : ખુસરો ‘નાસિરુદ્દીન ખુસરોશાહ’ ખિતાબ ધારણ કરી, ગાદીએ બેઠો. પોતાને ટેકો આપવા બદલ સગાંઓ, વફાદાર અમીરો અને અધિકારીઓને લાભ કરી આપ્યા. તેણે બધા સંભવિત વિરોધીઓનો નાશ કર્યો.
ખુસરોશાહે મસ્જિદોમાં હિંદુ દેવમૂર્તિઓની સ્થાપના કરાવી. શાહી દરબારમાં મૂર્તિપૂજા શરૂ કરાવી. ખુસરોશાહનાં આવાં પગલાંથી મુસ્લિમ અમીરવર્ગ નારાજ થયો. તેઓમાં દીપાલપુરનો શક્તિશાળી સૂબો મલિક ગાઝી (અથવા ગાઝી બેગ તુગલુક) મોખરે હતો. તેણે લશ્કર સાથે દિલ્હી તરફ કૂચ કરી, ખુસરોશાહને હરાવી શિરચ્છેદ કર્યો અને પોતે સુલતાન બન્યો.
ગ્યાસુદ્દીન તુગલુક (1320–1325) : તુગલુક વંશનો સ્થાપક ગ્યાસુદ્દીન તુગલુક ગાઝી મલેક કે ગાઝી બેગ તુગલુક કે તુગલુકશાહ નામે પણ જાણીતો હતો. તેનો પિતા બલબનનો તુર્ક ગુલામ હતો. તેણે સૈનિક તરીકેની કારકિર્દી મુલતાનમાં શરૂ કરી. સુલતાન અલાઉદ્દીનના શાસનમાં તેની નિમણૂક ક્રમશ: મીરે આખૂર (શાહી તબેલાનો વડો), વાયવ્ય સરહદના રખેવાળ અને દિપાલપુર(પંજાબ)ના સૂબા તરીકે થઈ હતી. તેણે 19 વખત મુઘલોનાં આક્રમણો પાછાં હઠાવ્યાં હતાં. ખુસરોશાહની હત્યા કરાવી, પોતે ગાદી પર બેઠો (1320). દિલ્હીના સુલતાનોમાં ગાઝી કહેવડાવનાર એ પહેલો સુલતાન હતો.
તેણે પુત્ર ફખ્રુદ્દીન મોહમ્મદ જોનાને ‘ઉલુગખાન’નો ખિતાબ આપ્યો. ખલ્જી પરિવાર ઉપર જુલમ કરનારાઓને સજા કરી. ગેરકાયદે અપાયેલી જાગીરોની હક્કદાવાની તપાસ કરાવી, તે જપ્ત કરી અમીરો અને ધનિકોને રાજ્યના ખજાનામાંથી વહેંચવામાં આવેલો કેટલોક ભાગ પાછો મેળવ્યો.
વરંગલના કાકતીય રાજ્યનો રાજા પ્રતાપરુદ્રદેવ જે 1316 પછી સ્વતંત્ર બન્યો હતો, તેને ફખ્રુદ્દીન જોનાએ બીજા પ્રયાસમાં (1323) હરાવ્યો. રાજધાની વરંગલને સુલાતાનપુર નામ આપ્યું. જોનાખાને દખ્ખણમાંથી પાછા ફરતાં ઓરિસામાં ઉત્કલ-રાજ્ય પર હુમલો કરી 40 હાથીઓ અને ઘણી કીમતી ચીજો મેળવી. સુલતાન ગ્યાસુદ્દીને બંગાળમાં જઈ ત્યાંના સત્તાસંઘર્ષમાં (1324) દરમિયાનગીરી કરી બંગાળના ભાગલા પાડ્યા. પશ્ચિમ બંગાળની ગાદી નાસિરુદ્દીનને ખઁડિયો રાજા રહેવાની શરતે આપી. પૂર્વ બંગાળનો વહીવટ દિલ્હીની સત્તા નીચે મૂક્યો. તેણે પાછા ફરતાં તીરહૂત(મિથિલા)ના રાજા હરસિંહદેવને હરાવી ત્યાં સૂબાની નિમણૂક કરી.
તેણે લશ્કરી તંત્ર કાર્યક્ષમ બનાવ્યું. સલ્તનતમાં લૂંટફાટ અને ચોરી નાબૂદ કરવા અપરાધીઓને સલ્તનતની બહાર હાંકી કાઢ્યા. ભ્રષ્ટાચાર રોકવા અધિકારીઓને સારા પગાર આપ્યા. કર્તવ્યનિષ્ઠ અધિકારીઓને બઢતી આપી. તેણે કરેલા સુધારાઓમાં જમીનમહેસૂલના દરોમાં ફેરફાર, કરવસૂલાત માટે કાર્યક્ષમ વહીવટી પદ્ધતિ, ખેતી માટે સિંચાઈ, લશ્કરી થાણાંની સ્થાપના, ટપાલસેવા માટે ખેપિયા પદ્ધતિની પુન:સ્થાપના વગેરેનો સમાવેશ થતો હતો. તે ઇસ્લામી ધાર્મિક સંસ્થાઓ તથા કવિઓ અને વિદ્વાનોને રાજ્યાશ્રય આપતો. ઈ. સ. 1325માં ગ્યાસુદ્દીન મૃત્યુ પામ્યો.
મોહમ્મદ બિન તુગલુક (1325–1351) : ગ્યાસુદ્દીનના મૃત્યુ બાદ તેનો પુત્ર ફખ્રુદ્દીન મોહમ્મદ જોના ‘મોહમ્મદ બિન તુગલુક’ બિરુદ ધારણ કરી ઈ. સ. 1325માં ગાદીએ બેઠો.
જોનાખાનનો ઉછેર એક સૈનિક તરીકે થયો હતો. તે અભ્યાસમાં તેજસ્વી હતો. સુલતાન ખુસરોખાને તેને તબેલા ખાતાનો વડો નીમ્યો હતો. તે મહત્વાકાંક્ષી હોવાથી તેણે ખુસરોશાહ સામે વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી.
મોહમ્મદ તુગલુક તેના પુરોગામી સુલતાનો કરતાં વધુ શિક્ષિત અને બુદ્ધિશાળી હતો. તે અરબી અને ફારસી ભાષા તથા ખગોળવિદ્યા, તત્વજ્ઞાન, ગણિત, ભૌતિકશાસ્ર, તર્કશાસ્ર વગેરેનું જ્ઞાન ધરાવતો હતો. તેણે સોનાચાંદીના સિક્કા લોકોમાં છૂટે હાથે વેર્યા તથા અમીરો અને સરદારોને ખિતાબો આપી ખુશ કર્યા.
દખ્ખણમાં ગુલબર્ગ નજીક સાગરની જાગીર ધરાવતા બહાઉદ્દીન ગુર્શાસ્પે બળવો કરતાં (1326–27) તેને હરાવી અમાનુષી રીતે મારી નંખાવ્યો. મોહમ્મદે પોતાની રાજધાની દખ્ખણમાં દેવગિરિમાં ખસેડી તેને દોલતાબાદ નામ આપ્યું. તે પછી પુણેની દક્ષિણે કોંધા(વર્તમાન સિંહગઢ)ના કોળી સરદારે બળવો કર્યો પણ તેને હરાવ્યો. એ પછી સિંધ, કચ્છ અને મુલતાનના જાગીરદાર કિશલૂખાને બંડ કરતાં (1327–28), સુલતાને જાતે જઈને તેને હરાવી તેનો શિરચ્છેદ કર્યો.
મધ્ય એશિયામાં ટ્રાન્ઝોક્ષિયાનાના ચઘતાઈ મુઘલ સરદાર તર્માશીરીને (1328–29), મુલતાન અને લાહોરથી દિલ્હી નજીકના પ્રદેશો સુધી લૂંટફાટ કરી વિનાશ સર્જ્યો. બંગાળના સૂબા ગ્યાસુદ્દીન બહાદુરે બળવો કરતાં તેને હરાવીને મારી નંખાવ્યો. એ પછી પોતાના સાવકા ભાઈ બહરામખાનને પૂર્વ બંગાળનો સૂબો નીમ્યો. પશ્ચિમ બંગાળના (લખનૌતી) સૂબા તરીકે કદ્રખાન (કાદરખાન) હતો. સુલતાન મોહમ્મદે ખુરાસાન (ઈરાન) અને ઇરાક જીતવાના હેતુથી, મોટું લશ્કર તૈયાર કર્યું. તે યોજના અવ્યવહારુ લાગતાં, જંગી ખર્ચ કર્યા બાદ તે પડતી મુકાઈ. પંજાબમાં કાંગડા જિલ્લામાં આવેલ નગરકોટ જીતવા સુલતાન મોહમ્મદે ચઢાઈ કરી (1337). ત્યાંનો રાજા તાબે થયો છતાં સુલતાને તેને નગરકોટ પાછું સોંપી દીધું. એ પછી તેણે કુમાઉ-ગઢવાલ પ્રદેશમાં રહેતી ટોળીઓને હરાવી ખંડણી આપવા ફરજ પાડી.
પૂર્વ બંગાળના સૂબા બહરામખાનના અવસાન પછી (1338–39) ફખુ્રદ્દીન ‘ફખ્રુદ્દીન મુબારકશાહ’ ખિતાબ ધારણ કરી, સ્વતંત્ર સુલતાન બન્યો, પણ પશ્ચિમ બંગાળના કદ્રખાને તેને હરાવ્યો અને પોતાને સોનારગાંવ(પૂર્વ બંગાળ)ના શાસક તરીકે જાહેર કર્યો, પણ તેના જ લશ્કરે બંડ કરી કદ્રખાનની હત્યા કરી. એ પછી ફખ્રુદ્દીને સોનારગાંવ કબજે કર્યું.
દોલતાબાદમાં સૂબા કુતલુગખાન જેવા અમીરોએ વિદ્રોહ કરતાં, સુલતાને તેના વફાદાર સૂબા ઐનુલ્મુલ્કને વિદ્રોહ દબાવી દેવા પરિવાર સહિત જવાનો હુકમ કર્યો (1340–41). ઐનુલ્મુલ્કે તેનો વિરોધ કરી, બંડ કર્યું. ઐનુલ્મુલ્કને હરાવી કેદી બનાવાયો; પરંતુ પાછળથી સુલતાને તેની અગાઉની સેવાઓને ધ્યાનમાં લઈ, ક્ષમા આપી. સિંધમાં લૂંટારાઓનો ઉપદ્રવ શરૂ થતાં, મોહમ્મદ તુગલુકે જાતે જઈને (1341–42) તેમને તાબે થવાની ફરજ પાડી.
ઉત્તર હિંદમાં સુલતાન સામે બંડ થતાં હતાં ત્યારે દક્ષિણ હિંદમાં હિંદુઓએ સ્વાતંત્ર્ય માટેની પ્રવૃત્તિ આરંભી. હરિહર અને બુક્ક નામના બે હિંદુ ભાઈઓએ વિજયનગરને રાજધાની બનાવી સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપ્યું (1336). પ્રથમ રાજા હરિહરે દિલ્હી પ્રત્યે વફાદારી રાખવાનો દેખાવ કર્યો. પણ વરંગલના રાજા પ્રતાપરુદ્ર બીજાના પુત્ર કૃષ્ણ નાયક તથા દ્વારસમુદ્રના હોયસલ રાજા વીર બલ્લાલ ત્રીજાના પુત્ર વિરુપક્ષ બલ્લાલે, સંયુકત રીતે બળવો કર્યો ત્યારે હરિહરે મદદ કરી. કૃષ્ણ નાયકે વરંગલ કબજે કરી (1343–44) પોતાને સ્વતંત્ર રાજા જાહેર કર્યો. દક્ષિણ હિંદમાં કૃષ્ણ નાયક, હરિહર પહેલો, વિરુપક્ષ બલ્લાલ અને કોંડ વિદુના સરદાર પ્રોલયવેમે મિત્ર-સંઘની રચના કરી (1344) અને ત્યાંથી મુસ્લિમ શાસનને નાબૂદ કર્યું.
માળવા-ધાર, ગુજરાત અને દોલતાબાદમાં સરકારી નોકરીઓમાં રહેલા વિદેશી અમીરો વિશેષાધિકારો ભોગવતા હતા. આ અધિકારો તેમને સુલતાન મોહમ્મદે રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું ત્યારે તેઓએ તેને આપેલા સહકારના બદલા રૂપે આપ્યા હતા. તેઓ બંડખોરોને સહાય કરી લૂંટ કરતા હતા. તેઓએ ગુજરાતમાં બળવો કર્યો. તેમણે દેવગિરિ જઈ ત્યાં આશ્રય લીધો. આથી સુલતાને જાતે દેવગિરિ જઈ, પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. આ સમયે ગુજરાતમાં તગીએ કરેલ બંડ (1345) દાબી દેવા સુલતાન જાતે ગયો અને અપરાધીઓને સખત શિક્ષાઓ કરી. તગીએ બીજી વખતના બંડમાં, ગુજરાતના સૂબાની હત્યા કરી, બધાં અસંતોષી તત્વોને પોતાના નેજા હેઠળ એકત્ર કરી, અણહિલવાડ, ખંભાત અને ભરૂચ કબજે કરી લૂંટ્યાં. તેથી સુલતાને બીજી વાર ગુજરાત જવું પડ્યું. સુલતાન આવતાં જ તગીએ નાસભાગ કરી, છેવટે સિંધમાં થઠ્ઠા ખાતે આશ્રય લીધો. મોહમ્મદે ગુજરાત પર અંકુશ સ્થાપી પ્રાંતીય વહીવટ સંગઠિત કર્યો. એ દરમિયાન જૂનાગઢ (ગિરનાર) જીત્યું. દિલ્હીથી વધુ શસ્ત્ર-સરંજામ આવતાં મોહમ્મદ તગીની શોધમાં થઠ્ઠા જવા નીકળ્યો. થઠ્ઠા જતાં માર્ગમાં જ સુલતાનનું અવસાન થયું (1351).
સુલતાન મોહમ્મદ ગુજરાતમાં હતો, ત્યારે બંડખોર અમીરોએ ફરીથી દોલતાબાદનો કિલ્લો કબજે કર્યો. ત્યાં સૂબા ઇમાદુલ્મુલ્કની હત્યા કરી. સુલતાનના અધિકારીઓ કિલ્લો પાછો મેળવી શક્યા નહિ ત્યારે મહત્વાકાંક્ષી હસન ગંગુએ ‘અબુલ મુઝફ્ફર અલાઉદ્દીન હસનશાહ’નો ખિતાબ ધારણ કરી (1347) સ્વતંત્ર બહમની મુસ્લિમ રાજ્યની સ્થાપના દક્ષિણમાં કરી. ગુલમર્ગ ખાતે રાજધાની રાખી તેને અહસનાબાદ નામ આપ્યું.
સુલતાન મોહમ્મદે પ્રાંતોની આવક અને ખર્ચનું પત્રક તૈયાર કરાવ્યું. દોઆબમાં કરવૃદ્ધિ કરી. જૂના વેરા શરૂ કર્યા. અને નવા દાખલ કર્યા. કરવૃદ્ધિનાં પરિણામો ખરાબ આવ્યાં. પ્રજાની હાડમારી વધી. શ્રીમંતો પણ બંડખોર બન્યા. અનાજ મોંઘું થયું. દુષ્કાળની સ્થિતિ સર્જાઈ. એ સ્થિતિમાં પણ કરવસૂલાતનો અમલ કરાયો. અપરાધીઓને સુલતાને શિક્ષા કરી. સુલતાનને સાચી પરિસ્થિતિની જાણ થતાં, રાહતકાર્યો શરૂ કરાવ્યાં, ત્યારે મોડું થઈ ગયું હતું.
સુલતાન મોહમ્મદે ખેતીને ઉત્તેજન આપવા, ખેતીવાડી ખાતા(દીવાને-કોહી)ની સ્થાપના કરી. ઋતુ પ્રમાણે કયા પાક લેવા તેનો ક્રમ નક્કી કરી, પ્રયોગો કરાવ્યા. તેમાં નિષ્ફળતા મળી. રાજધાની વહીવટી અને સંરક્ષણની ર્દષ્ટિએ કેન્દ્રમાં હોવી જોઈએ, તેથી મોહમ્મદ તુગલુકે દેવગિરિમાં રાજધાની રાખી તેને દોલતાબાદ નામ આપી દિલ્હીથી દોલતાબાદ સ્થળાંતર કર્યું (1326–27). અધિકારીઓ, અમીરો અને પ્રજાને દોલતાબાદ જવા સગવડો આપીને ત્યાં જવાની ફરજ પાડી. આ પ્રયોગ નિષ્ફળ જવાથી, છેવટે રાજધાની ફરી દિલ્હી ખસેડવી પડી (1329).
મોહમ્મદ તુગલુકે દીનાર નામના સોનાના સિક્કા (200 ગ્રેન) અને અદાલી નામના ચાંદીના સિક્કા (140 ગ્રેન) નવા બહાર પાડ્યા. વિવિધ કારણોસર ખજાનો ખાલી થઈ જવાથી તેણે ચાંદીના સિક્કાને બદલે તાંબાના પ્રતીક સિક્કા પડાવ્યા. તેણે સિક્કા પાડવાનો ઇજારો સરકારી અંકુશ હેઠળ રાખ્યો નહિ. તેથી લોકો પોતાને ઘેર સિક્કા પાડવા લાગ્યા. ત્રણ-ચાર વર્ષના અંતે વેપાર-ઉદ્યોગને નુકસાન થવાથી અને લેવડદેવડમાં મુશ્કેલી સર્જાતાં સુલતાનને ભૂલ સમજાઈ. તેણે પ્રતીક સિક્કા પાછા ખેંચી લઈ, બદલામાં સોના કે ચાંદીના સિક્કા આપવાનો હુકમ કરતાં, ચલણી નાણાની શાખ ફરી સ્થપાઈ, પણ તેનાથી સરકારી તિજોરી ખાલી થઈ ગઈ.
સુલતાન મોહમ્મદ વિદ્વાન હતો. તેથી રાજકીય અને અન્ય બાબતોમાં ઉલેમાના આદેશો સ્વીકારવાનો તેણે ઇન્કાર કર્યો. તે ધર્માંધ ન હોવાથી પ્રજાની લાગણીઓ પ્રત્યે આદરભાવ રાખતો. તેણે સતીની પ્રથા બંધ કરાવવા પ્રયાસ કર્યો. તેણે સ્વતંત્ર રજપૂત રાજ્યોનું અસ્તિત્વ રહેવા દીધું. સુલતાને થોડીક વિશિષ્ટ વ્યક્તિઓને ન્યાયકીય અધિકારો આપ્યા હતા.
સુલતાન મોહમ્મદ માનતો હતો કે તે ઈશ્વરનો પડછાયો છે. શાસનના આરંભમાં તેણે ખલીફાનો કોઈ ઉલ્લેખ કર્યો નહિ, પણ તે પ્રજામાં અપ્રિય બની ગયો ત્યારે તેણે ઇજિપ્તના ખલીફાની માન્યતા મેળવી. માનસિક અસ્થિરતાવાળો, તરંગી, લોહીતરસ્યો રાજા, ગુસ્સાવાળો શાસક જેવા આક્ષેપો તેના પર થયા છે.
ફીરોઝશાહ તુગલુક (1351–1388) : સુલતાન મોહમ્મદ તુગલુક અપુત્ર હોવાથી તેના પિતરાઈ ભાઈ ફીરોઝનો રાજ્યાભિષેક ત્યાં જ કરવામાં આવ્યો (23 માર્ચ 1351). ફીરોઝે ઉચ્ચ પદો પર રહીને વહીવટી અનુભવ મેળવ્યો હતો. તે ધર્મપ્રેમી હતો.
તેણે વજીર તરીકે મલેક મકબૂલને નીમી, તેને ‘ખાને જહાન’નો ખિતાબ આપ્યો. મલેક મકબૂલ ધુરંધર રાજનીતિજ્ઞ હતો.
ફીરોઝશાહે કાયદો અને વ્યવસ્થા સ્થાપી પ્રજાનો પ્રેમ સંપાદન કરવા સમાધાનભરી નીતિ અપનાવી. ખેડૂતો અને અન્ય લોકોનાં દેવાં માફ કર્યાં. વિરોધી પ્રવૃત્તિ કરનાર ખ્વાજા જહાનને માફી આપી. તેણે મોહમ્મદ તુગલુકના જુલમોનો ભોગ બનેલાઓને તથા મૃતકોના વંશવારસોને બોલાવી ઉદાર બદલો આપ્યો.
બંગાળના સ્વતંત્ર બનેલા (1352) હાજી ઇલિયાસે (શમસુદ્દીન ઇલિયાસ શાહે) વિસ્તાર વધારવા પ્રયાસો કર્યા, ત્યારે ફીરોઝશાહ ફોજ સાથે ત્યાં ગયો (નવેમ્બર, 1353). આથી હાજી ઇલિયાસ રાજધાની પાંડુઆ છોડી, એકદાલના દુર્ગમાં ભરાયો. છેવટે સુલતાન ફીરોઝને દિલ્હી પાછા ફરવું પડ્યું. હાજી ઇલિયાસના અવસાન પછી, તેના સુલતાન બનેલા પુત્ર સિકંદરશાહ સામે ફીરોઝશાહ ફરીથી ગયો, ત્યારે તેણે પણ નાસી જઈ એકદાલમાં આશ્રય લીધો. ફીરોઝશાહે ત્યાં જઈને ઘેરો ઘાલતાં, સિકંદરશાહે પ્રબળતાથી સામનો કર્યો. છેવટે ફીરોઝશાહને તેની સાથે સમાધાન કરવું પડ્યું. સિકંદરશાહે પૂર્વ બંગાળ (સોનારગાંવ) છોડી દઈ, ઝફરખાનને સોંપવા અને સુલતાનને ભેટસોગાદો તથા ખંડણી આપવા કબૂલ્યું.
બંગાળથી પાછા ફરતાં ફીરોઝશાહે જાજનગર (ઓરિસા) પર ચડાઈ કરી (1360). ત્યાંનો રાજા નજીકના ટાપુ પર નાસી ગયો. સુલતાને જગન્નાથપુરીનું મંદિર તોડી ભ્રષ્ટ કર્યું. ભગવાનની મૂર્તિ પગ નીચે ઘસાતી રહે તેવી વ્યવસ્થા કરવા દિલ્હી લઈ ગયો. સુલતાને ઓરિસા નજીકના એક ટાપુ પર જઈ ત્યાં આશ્રય લીધેલ હિંદુઓની ક્રૂરતાપૂર્વક કતલ કરાવી. આથી ગભરાઈ ગયેલા રાજાએ વીસ હાથી મોકલી શરણાગતિ સ્વીકારી. દર વર્ષે એટલા જ હાથી ખંડણી તરીકે મોકલવા કબૂલ્યું. ફીરોઝશાહે એ રાજાને તેના પ્રદેશો પાછા આપ્યા.
સ્વતંત્ર બની ગયેલા કાંગડા જિલ્લામાંના નગરકોટને જીતી લેવા ફીરોઝશાહે ચડાઈ કરી (1361). થોડા સમયના ઘેરા પછી રાજા સુલતાનને શરણે આવ્યો. સુલતાને ત્યાંના પ્રાચીન તીર્થધામ જ્વાલામુખી મંદિરમાંની મૂર્તિઓ તોડાવી નાંખી.
સિંધ જીતી લેવા ફીરોઝશાહે ચડાઈ કરી (1361–62). સિંધના રાજા જામ બાબિનિયાએ સુલતાનનો જોરદાર સામનો કર્યો. સુલતાનનું લશ્કર દુષ્કાળ અને ચેપી રોગનો ભોગ બનતાં તેને પીછેહઠ કરવી પડી. કચ્છના રણમાં 6 મહિના જેટલું રખડ્યા બાદ તે ગુજરાત પહોંચ્યો. દિલ્હીથી લશ્કરી કુમક આવી પહોંચતાં, ફીરોઝશાહે સિંધના જામ-બાબિનિયાને હરાવી તેના ભાઈને સિંધની ગાદી આપી.
સુલતાન ફીરોઝના શાસનના પાછળના સમયમાં થોડી મુશ્કેલીઓ સર્જાઈ અને બંડ પણ થયાં.
મહેસૂલી આવકનો સાચો અંદાજ મેળવવા સુલતાને ખ્વાજા હુસામુદ્દીન જુનૈદને નીમ્યો. તેણે છ વર્ષની જહેમત ઉઠાવી ઇસ્લામી કાનૂને માન્ય કરેલ ખિરાજ (ખેતપેદાશનો ભાગ), ખમ્સ (લડાઈમાંથી કબજે કરેલી લૂંટનો રાજ્ય માટે 1/5 ભાગ) જકાત (મુસ્લિમો પાસેથી લેવાતો 21 % ભાગ) અને જજિયા (વિધર્મીઓ પાસેથી તેમના રાજકીય, સામાજિક અને ધાર્મિક હક્કોના રક્ષણ માટે લેવાતો કર) ચાલુ રાખ્યા. જજિયાવેરામાં બ્રાહ્મણોને અપાતી મુક્તિ રદ કરી. માલસામાનની આંતરિક હેરફેર પરના જુલમી વેરા નાબૂદ કર્યા.
ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરવા ફીરોઝશાહે પગલાં લીધાં. ખેતીની ઉન્નતિ માટે હિસ્સાર (આધુનિક હરિયાણા) અને દિલ્હી આજુબાજુની જમીનને આવરી લે તેવી પાંચ નહેરો તૈયાર કરાવી. પ્રવાસીઓને પીવાનું પાણી નહેરો અને કૂવામાંથી મળી રહે તેવી વ્યવસ્થા કરી. આથી દોઆબ અને અન્ય વિસ્તારોમાં નવા વસવાટો ઊભા થયા. ઘઉં, શેરડી વગેરેની ખેતીનો વિકાસ થયો.
ફીરોઝશાહે કરવેરા ઉઘરાવવા ઇજારા આપવાની પદ્ધતિનો વ્યાપ વધારતાં, પ્રજાને હેરાનગતિ થઈ અને રાજ્યની આવક ઘટી. કેટલાક સૈનિકોને પગારને બદલે જાગીર આપવાની પ્રથા ફરીથી દાખલ કરતાં, અનિષ્ટો સર્જાયાં.
ફીરોઝશાહ જાહેર બાંધકામો કરાવવાનો શોખીન હતો. તેણે ફીરોઝાબાદ, ફતેહાબાદ, હિસ્સાર ફીરોઝા, જોનપુર, ફીરોઝપુર વગેરે નગરો વસાવ્યાં. તેણે કિલ્લા, મહેલો, મસ્જિદો, રાજમહેલો, કબરો, જળાશયો, હૉસ્પિટલો, જાહેર સ્નાનાગારો, સ્મારક સ્તંભો અને પુલો બંધાવ્યાં હતાં. દિલ્હી નજીક બાગ-બગીચાને સુધરાવ્યા અને નવા તૈયાર કરાવ્યા. દિલ્હી આસપાસના વિસ્તારોમાં આવાં 1200 જેટલાં ‘વાડી ગામો’ હતાં.
ફીરોઝશાહે પ્રાચીન સ્થાપત્યો જાળવી રાખવામાં રસ બતાવ્યો. તેણે કબરો અને નિવાસસ્થાનોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સમ્રાટ અશોકનો એક સ્તંભ તોપ્રા(અંબાલા જિલ્લો)થી લાવી ફીરોઝાબાદમાં અને બીજો સ્તંભ મેરઠથી લાવીને દિલ્હી નજીક ટેકરી પર સ્થાપિત કર્યો. ગુનો કબૂલ કરાવવા માટે તેણે શારીરિક સિતમ ગુજારવાની અને અંગછેદન જેવી સજાઓ નાબૂદ કરી.
ફીરોઝશાહે બેકારો માટે રોજગારી કેન્દ્રોની સ્થાપના, ગરીબ મુસ્લિમોને પુત્રીઓનાં લગ્ન માટે નાણાકીય સહાય, માંદાઓની સારવાર માટે મફત જમવાની સગવડવાળાં ધર્માદા દવાખાનાંની સ્થાપના તથા વૃદ્ધો અને શેખોને નિવૃત્તિવેતન આપવાની વ્યવસ્થા કરી હતી.
ફીરોઝશાહ ગુલામો રાખવાનો શોખીન હતો. ગુલામોને સામાન્ય શિક્ષણ અને વ્યવસાયો માટે તાલીમ આપીને કામધંધા સોંપવામાં આવતા હતા. દિલ્હી સલ્તનતના વિઘટન(disintegration)માં ગુલામોનો ફાળો હતો. કારખાનાંમાં તાંત્રિક (technical) શિક્ષણ લીધેલા ગુલામોને નોકરીએ રાખવામાં આવતા.
સુલતાન ફીરોઝના સમયની સૈન્યવ્યવસ્થા સામંતપ્રથા પર આધારિત હતી. કેટલાક સૈનિકોને વેતન પેટે જમીન, હંગામી સૈનિકોને પગાર અને બાકીનાને મહેસૂલનો થોડો ભાગ વસૂલ લેવાનો હક્ક અપાતો.
ફીરોઝશાહે વિદ્વાનોને આશ્રય આપીને આર્થિક મદદ કરી. દરેક મસ્જિદને સંલગ્ન એવી મદરેસા (શાળા) સ્થાપી. મદરેસાને દાન અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તેવી વ્યવસ્થા કરી. ફીરોઝશાહે ચલણની પદ્ધતિ સુધારી સોના અને ચાંદીના ટંકાઓ ઉપરાંત ચાંદી સાથે અન્ય ધાતુ મિશ્રિત કરીને વિવિધ સિક્કાઓ બહાર પાડ્યા. વેપાર-વાણિજ્ય અને લેવડદેવડ માટે તાંબા અને કાંસાના જિતલ અને આધ (અડધો) સિક્કા બહાર પાડ્યા.
સુલતાન કટ્ટર સુન્નીપંથી હતો. તેની માતા રજપૂતાણી હોવાથી તે ધર્મની બાબતમાં તુર્કોથી ઊતરતો નથી એમ બતાવતો. વિધર્મી લોકોને લાલચો આપી ઇસ્લામ સ્વીકારવા તેણે ઉત્તેજન આપ્યું. હિંદુઓ પ્રત્યે ધર્માંધ નીતિ અપનાવી. તેમાં હિંદુ મંદિરોનો નાશ, દેવમૂર્તિઓનું ખંડન, મંદિરો બાંધવા પર પ્રતિબંધ, હિંદુઓને સરકારમાં ઉચ્ચ સ્થાને નહિ નીમવાની નીતિ જેવી બાબતોનો સમાવેશ થતો હતો. સુલતાને ઇજિપ્તના ખલીફા પ્રત્યે આદરભાવ બતાવી, પોતાને તેના નાયબ તરીકે ઓળખાવી, સિક્કા અને ખુત્બામાં ખલીફાનું નામ દાખલ કરાવ્યું. આમ કરનાર તે પહેલો સુલતાન હતો.
ફીરોઝશાહ તુગલુકનો અંતિમ સમય દુ:ખદ બનાવોથી ભરપૂર રહ્યો. વજીર મલેક મકબૂલ અને તેના પુત્રો ફતહખાન અને ઝફરખાનનાં અવસાન, ત્રીજા પુત્ર મોહમ્મદખાનની બિનઆવડત અને મલેક મકબૂલ પછી વજીરપદે નિમાયેલા તેના પુત્ર ખાને-જહાન જોનાખાનની મહત્ત્વાકાંક્ષી પ્રવૃત્તિઓ ફીરોઝશાહ લાચારીથી જોઈ રહ્યો. એ સ્થિતિમાં ફતહખાનના પુત્ર (પોતાનો પૌત્ર) તુગલુકશાહને ‘ગ્યાસુદ્દીન તુગલુક બીજો’ ખિતાબ આપી અનુગામી વારસ નીમ્યો. એ પછી સુલતાન ફીરોઝ 1388માં મૃત્યુ પામ્યો.
તીમૂરનું હિંદ પર આક્રમણ (1398–99) : અમીર તીમૂર(તીમૂર લંગડા તરીકે જાણીતા)નો જન્મ ઈ. સ. 1336માં સમરકંદ નજીક કેચમાં થયો હતો. તેનો પિતા અમીર તુર્ગય, તુર્કોની ચગ્તાઈ શાખાનો સરદાર હતો. પિતાના અવસાન બાદ તે સમરકંદની ગાદીએ બેઠો. એ પછી તેણે ઈરાન-અફઘાનિસ્તાન સહિત સમગ્ર મધ્ય એશિયા પર પોતાની સત્તા સ્થાપી.
હિંદની ધનસંપત્તિ લૂંટવાના અને બિનઇસ્લામીઓ સામે યુદ્ધ કરવાના હેતુથી હિંદ પર ચડાઈ કરવાનો તેણે નિર્ણય કર્યો. તેના પૌત્ર પીર મોહમ્મદે ખૈબરઘાટ ઓળંગી, ઉચ્છ જીતી લઈ મુલતાનને ઘેરો ઘાલ્યો. ત્યાં સારંગખાને સામનો કરતાં, ઘેરો લંબાયો. આ તબક્કે પીર મોહમ્મદે તીમૂરને હિંદમાં પ્રવર્તતી અરાજકતા, અમીરો વચ્ચેનો કુસંપ અને દિલ્હીની મધ્યસ્થ સત્તા નબળી પડી ગયા વિશે જણાવી મદદે આવવા કહ્યું.
હિંદ પર આક્રમણ કરવાના સંકલ્પને સમર્થન મળતાં 62 વર્ષના તીમૂરે સૈન્ય સાથે સમરકંદથી પ્રયાણ કર્યું. તેણે સિંધુ, જેલમ અને રાવી નદી ઓળંગી તુલુમ્બા શહેરમાં માનવસંહાર કર્યો, લાહોરના રાજા જસરતને હરાવી તેનો ગઢ જીતી મોહમ્મદ સાથે તે (તીમૂર) મુલતાનમાં જોડાઈ ગયો. પરંતુ એ પહેલાં પીર મોહમ્મદે મુલતાન જીતી લીધું હતું.
તીમૂરે આગળ વધી દક્ષિણ પશ્ચિમના વિસ્તારમાં ખૂનરેજી, આગ, લૂંટફાટ દ્વારા વિનાશ સર્જી, પાકપટ્ટન, દિપાલપુર, ભાટનેર, ફતેહાબાદ, સીર્સા, સુનામ, કૈથલ અને પાણીપત જેવાં નગરો તારાજ કર્યાં. તીમૂરે દિલ્હી નજીક યમુનાકાંઠે પડાવ નાખ્યો. ત્યાં તેણે કેદ કરીને લાવેલા એક લાખ હિંદુઓની કતલ કરાવી જેથી તેઓ દિલ્હી સાથેના સંઘર્ષમાં કોઈ મુશ્કેલી ઊભી ન કરે. દિલ્હીના સુલતાન નાસિરુદ્દીન મહમૂદ (1390) અને મલ્લુ ઇકબાલે તીમૂરનો સામનો કર્યો, પણ તેઓ હારી જતાં નાસી ગયા.
વિજયી તીમૂરે બીજે દિવસે દિલ્હીમાં પ્રવેશ કર્યો. ત્યારે દિલ્હીનાં અગ્રગણ્ય નાગરિકોએ તીમૂર પાસે દયાયાચના કરી. આથી તીમૂરે દિલ્હીના લોકોની હત્યા નહિ કરવા જણાવ્યું. તેના સૈનિકો તો લૂંટ કરતા જ રહ્યા. એક વાર તેમનો સામનો કરાયો જેમાં કેટલાક સૈનિકો માર્યા જવાથી તેણે લોકોની કતલ કરવા હુકમો આપતાં પાંચ દિવસ સુધી દિલ્હીમાં ભીષણ રક્તપાત, બેફામ લૂંટ અને આગ ચાલુ રહ્યાં. મોટી સંખ્યામાં લોકોને ગુલામ બનાવાયા. પ્રત્યેક સૈનિક રાતોરાત 50થી 100 ગુલામોનો માલિક બની ગયો. તીમૂરના સૈનિકોએ વિવિધ પ્રકારના કીમતી પથ્થરો, મોતી, સોના અને ચાંદીના સિક્કા અને વાસણો, રેશમી કાપડ વગેરે લૂંટમાં મેળવ્યાં. તેણે દિલ્હી પછી મેરઠ અને હરિદ્વારમાં આગ દ્વારા તારાજી સર્જી, લાહોરના માર્ગે જતાં વચ્ચે કાંગડા અને જમ્મુને તારાજ કરી લાહોરમાં થોડો વખત રોકાઈ તેણે દરબાર ભર્યો (6 માર્ચ, 1399).
તીમૂરે ખિઝ્રખાનને લાહોર, મુલતાન અને દિપાલપુરનો સૂબો નીમ્યો. દિલ્હીની રાજકીય ગોઠવણ અંગે તીમૂરની આત્મકથા ‘તુઝુકે-તીમૂરી’ મૌન સેવે છે.
તીમૂર મેળવેલી લૂંટ સાથે સિંધુ ઓળંગી સમરકંદ પહોંચ્યો. ત્યાં તેનું અવસાન થતાં (1405), સમરકંદમાં હિંદુ કારીગરોએ બાંધેલા ભવ્ય મકબરામાં તેને દફનાવવામાં આવ્યો.
દિલ્હી તથા દોઆબના એક ભાગ સહિત સમગ્ર વાયવ્ય હિંદ તુર્કી આક્રમણકારોના કબજામાં ગયું. એ વિસ્તારમાં અપાર સંપત્તિ લૂંટાઈ, હજારો નિર્દોષ સ્ત્રી-પુરુષો અને બાળકોની હત્યા કરાઈ.
તીમૂરના ગયા પછી સુલતાન મોહમ્મદ દિલ્હી આવ્યો પણ તેની સત્તા દિલ્હી અને તેની આસપાસના પ્રદેશો પૂરતી મર્યાદિત રહી. દિલ્હી સલ્તનતના વિઘટનથી ઉત્તર કે મધ્યહિંદમાં શૂન્યાવકાશ સર્જાયો, દિલ્હી સલ્તનતની પ્રાદેશિક રાજ્યોમાં થઈ રહેલી વિભાજનની પ્રક્રિયાને તીમૂરના આક્રમણથી વેગ મળ્યો.
અરાજકતાને લીધે બહારવટિયાઓએ ચોરી અને લૂંટફાટ કરી અસહાય લોકોની મુસીબતોમાં વધારો કર્યો. ખેત ઉત્પાદન અટકી જતાં, અનાજની તંગી અને મોંઘવારી વધ્યાં. લોકો દુષ્કાળ, રોગ અને યાતનાઓથી પીડાવા લાગ્યા
વાયવ્ય હિંદમાં અનેક સ્થળોએ ભવ્ય ઇમારતો, ગ્રંથાલયો અને કારખાનાંના થયેલા વ્યાપક વિનાશથી ત્યાંનો વિકાસ અટકી ગયો. તીમૂરના આક્રમણથી હિંદુ કલાએ મધ્ય એશિયામાં પ્રવેશ કર્યો. ગુલામ તરીકે લઈ જવાયેલા અનેક હિંદુ તેમજ મુસ્લિમ કારીગરોએ મહેલો, મસ્જિદો તથા સ્થાપત્યોના બાંધકામમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો.
ખિઝ્રખાન (1414–1421) : સૈયદ વંશના સ્થાપક ખિઝ્રખાનનો પિતા મલેક સુલેમાન મુલતાનનો હાકેમ હતો. ખિઝ્રખાન સંત, સૈનિક અને રાજનીતિજ્ઞ હતો. સુલતાન ફીરોઝશાહે તેને મુલતાનનો સૂબો નીમ્યો હતો. ફીરોઝશાહના અવસાન પછીના સુલતાન નાસિરુદ્દીન મોહમ્મદે તેને ‘ખિઝ્રખાન’નો ખિતાબ આપી (1389) મુલતાનના સૂબા તરીકે ચાલુ રાખ્યો (1394). દિપાલપુરના સૂબા સારંગખાને મુલતાનને જીતી લઈ, ખિઝ્રખાનને હાંકી કાઢ્યો હતો (1395).
તીમૂરને મળી જઈ સાથ આપનાર અમીરોમાં ખિઝ્રખાન અગ્રણી હતો. તેની સેવાના બદલામાં તીમૂરે હિંદમાંથી પાછા ફરતાં ખિઝ્રખાનને મુલતાન, લાહોર અને દીપાલપુરનો સૂબો અને સંભવત: દિલ્હીમાં પોતાનો નાયબ નીમ્યો હતો.
તીમૂરના ગયા પછી સ્વતંત્ર શાસક બની ગયેલા ખિઝ્રખાને દિલ્હીના દોલતખાન લોદીને હરાવી, દિલ્હી જીતીને સૈયદ વંશની સ્થાપના કરી (1414).
ખિઝ્રખાન સ્વતંત્ર શાસન કરતો હોવા છતાં, પોતાને તીમૂરના વાઇસરૉય તરીકે ઓળખાવતો. તીમૂરના અવસાન પછી તેના ઉત્તરાધિકારી શાહરુખ(1404–1447)ને તેણે વફાદાર રહી ભેટો અને ખંડણી મોકલવાનું ચાલુ રાખ્યું. તેણે ત્રણ વર્ષ પછી, શાહરુખની સંમતિ મેળવી, પોતાનું નામ ખુત્બામાં દાખલ કરાવ્યું.
ખિઝ્રખાન સુલતાન બન્યો ત્યારે તેનું રાજ્ય સિંધ, પંજાબ અને દોઆબ (પશ્ચિમ ઉત્તર પ્રદેશ) પૂરતું મર્યાદિત હતું. રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ લેવા માટે અધિકારીઓ અને અમીરો વચ્ચે સ્પર્ધા થતી. ખિઝ્રખાને તેઓને યોગ્ય હોદ્દા આપી વહીવટી તંત્રની પુનર્રચના કરી. બંડખોર હિંદુ રાજાઓ તથા મુસ્લિમ ઉમરાવો સામે તેને સંઘર્ષ કરવો પડ્યો. કટેહર, બયાના, કમ્પિલ, ગ્વાલિયર, છંદવાર અને ઇટાવાના હિંદુ રાજાઓને નમાવી ખંડણી આપવા કબૂલાત કરાવી. તેવી રીતે કોઈલ તથા બદાયૂનમાં થયેલાં બંડોને શમાવી ખંડણી લીધી. તેના સમયમાં મહેસૂલ અને ખંડણી ઉઘરાવવા લશ્કર સહિત ધાડો પાડવાનું અનિવાર્ય બન્યું હતું. ખિઝ્રખાને છેલ્લે મેવાતના રાજાને નમાવ્યો હતો (1421).
જરૂરિયાત વગર રક્તપાતમાં ન માનનાર ખિઝ્રખાન ચોમેર ફેલાયેલી અંધાધૂંધીની સ્થિતિમાં રાજકીય સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નહિ, છતાં વહીવટમાં તેના માનવતાવાદી અભિગમના કારણે તે દિલ્હીની પ્રજામાં પ્રિય બન્યો હતો. તેણે ઉત્તરાધિકારી તરીકે પુત્ર મુબારકને નીમ્યો હતો.
મુબારકશાહ (1421–1434) : ખિઝ્રખાનના અવસાન પછી મુબારક ‘શાહ’નો ખિતાબ ધારણ કરી સુલતાન બન્યો. તેણે ઉમરાવોને પોતાના હોદ્દા પર કાયમ રાખ્યા છતાં તેમની બદલી એક જાગીર પરથી બીજી જાગીર પર કરતાં, ઉમરાવોનો સહકાર તેને મળ્યો નહિ અને છેવટે વહીવટી તંત્ર નબળું પડ્યું.
તેના સમયમાં પંજાબના ખખ્ખરોના સરદાર જસરથની સુલતાન સામેની બળવાખોરી અને આક્રમક પ્રવૃત્તિઓ 1432 સુધી ચાલુ રહી. મુબારકશાહે કટેહરના સરદારોને તથા કમ્પિલ અને ઇટાવાના રાઠોડો અને મેવાતીઓને નમાવી ખંડણી લીધી. બયાનાના સૂબાએ કરેલો બળવો દબાવ્યો. જોનપુરના સુલતાન ઇબ્રાહીમશાહ શર્કી સાથેની લડાઈ છેવટ સુધી અનિર્ણાયક રહી (એપ્રિલ, 1428), ભટિંડા(સરહિંદ)માં ફોલાદે કરેલો વિદ્રોહ ચાર વર્ષ ચાલ્યો. તેનું અવસાન (નવેમ્બર, 1433) થયા પછી સુલતાનને શાંતિ થઈ.
વજીર સરવરુલ્-મુલ્ક તથા અસંતોષી સામંતો અને સરદારોએ યોજેલા કાવતરામાં મુબારકશાહની હત્યા કરવામાં આવી (1434).
મોહમ્મદશાહ (1434–1445) : અપુત્ર મરણ પામેલા મુબારકશાહ પછી ઉમરાવોએ તેના ભાઈ ફરીદના પુત્ર મોહમ્મદખાનને સુલતાન બનાવતાં, તેણે ‘મોહમ્મદશાહ’ ખિતાબ ધારણ કર્યો. વજીર સરવરુલ્-મુલ્ક પોતાના કાકાની હત્યામાં સંડોવાયેલો હોવા છતાં તે શક્તિશાળી હોવાથી, તેને ચાલુ રાખ્યો. આ વજીરે સુલતાન પાસેથી, દબાણ કરીને ‘ખાને જહાન’નો ખિતાબ મેળવ્યો. તેની દાનત દિલ્હીની ગાદી પચાવી પાડવાની હતી. તેની જાણ અમીરો અને જાગીરદારોને થતાં તેની વિરુદ્ધ મોરચો મંડાયો. પોતાના વિરોધીઓને કચડી નાખવા વજીરે, કમાલુલ્મુલ્કની સરદારી હેઠળ લશ્કર મોકલેલું તે લશ્કરે વજીરની હત્યા કરી. એ પછી સુલતાન મોહમ્મદશાહે કમાલુલ્મુલ્કને ‘કમાલખાન’ ખિતાબ આપી વજીર બનાવ્યો.
સરહિંદના સૂબા બુહલૂલ લોદીએ શક્તિશાળી બની પોતાનો પ્રભાવ સમગ્ર પંજાબ પર સ્થાપી, પોતાના તરફથી દિલ્હી જતું મહેસૂલ અટકાવી પોતે સ્વતંત્ર થયો. જોનપુરના સુલતાન ઇબ્રાહીમ શર્કીએ સલ્તનતનાં દક્ષિણ-પૂર્વનાં પરગણાં જીતી લીધાં. મેવાતીઓ લૂંટફાટ કરતા દિલ્હી સુધી ગયા. માળવાના સુલતાન મહમૂદશાહ ખલ્જીએ દિલ્હી તરફ કૂચ કરતાં (1440–41), દિલ્હીના સુલતાને બુહલૂલ લોદીની મદદ માગી, બુહલૂલની નજર દિલ્હીની ગાદી પર હોવાથી, તેણે લશ્કરી મદદ આપી. માળવાના સુલતાન મહમૂદશાહના લશ્કર પર બુહલૂલે હુમલો કરી લૂંટ મેળવી. બુહલૂલની આ નજીવી જીતને દિલ્હીના મોહમ્મદશાહે મહાન વિજય તરીકે બિરદાવી. તેને ‘પુત્ર’ શબ્દથી સંબોધ્યો અને ‘ખાને-ખાનાન’નો ખિતાબ આપ્યો.
એ પછી બુહલૂલે પોતાની લશ્કરી તાકાત વધારી આજુબાજુના પ્રદેશો જીતી લીધા (1443). ખખ્ખરોના સ્વાર્થી નેતા જસરથે બુહલૂલને દિલ્હી પર આક્રમણ કરવા ઉત્તેજન આપ્યું. બુહલૂલે દિલ્હી પર કરેલા આક્રમણમાં સફળતા ન મળતાં, તે પાછો ગયો.
દિલ્હી સલ્તનતની અરાજકતાની સ્થિતિમાં મોહમ્મદશાહનું અવસાન થયું (1445).
અલાઉદ્દીન આલમશાહ (1445–1451) : મોહમ્મદશાહે પોતાના પુત્ર અલાઉદ્દીનને ઉત્તરાધિકારી નીમ્યો હતો તેથી તેના અવસાન પછી અલાઉદ્દીન ‘આલમશાહ’નો ખિતાબ ધારણ કરી સુલતાન બન્યો (1445). આલમશાહ તેના પિતા જેવો જ નબળો હતો.
સુલતાન અને વજીર હમીદખાન વચ્ચે ઝઘડા થતા. આથી વજીર સુલતાનનો વિરોધી બની ગયો. આલમશાહે દિલ્હીનો વહીવટ પોતાના સાળા હિસામખાનને સોંપી પોતે દિલ્હી પાસે આવેલા બદાયૂનની મુલાકાતે ગયો. ત્યાનું વાતાવરણ ગમી જતાં તેણે ત્યાં જ નિવાસસ્થાન રાખ્યું. દિલ્હીમાં હિસામખાન અને વજીર હમીદખાન વચ્ચે સત્તાસંઘર્ષ થતાં, હમીદખાને બુહલૂલને દિલ્હી બોલાવ્યો. બુહલૂલે તરત જ દિલ્હી જઈને શહેરનો કબજો લીધો. તેણે હમીદખાનને પોતાના માર્ગમાંથી દૂર કર્યો. બુહલૂલને બદાયૂનમાં રહેતા સુલતાન આલમશાહે જણાવ્યું કે હવે તેને સર્વોચ્ચ સત્તા મેળવવાની ઇચ્છા નથી. તેના પિતાએ બુહલૂલને પુત્ર તરીકે અપનાવ્યો હતો. એટલે તે ‘મોટો ભાઈ’ બન્યો હોવાથી, તેની તરફેણમાં ગાદીત્યાગ કરે છે.
આ પછી બુહલૂલ લોદી ગાદીએ બેઠો (1451). દિલ્હી સલ્તનતના સુલતાનોમાં સ્વેચ્છાએ ગાદીત્યાગ કરનાર સુલતાન આલમશાહનું બદાયૂનમાં અવસાન થતાં (1478) સૈયદ વંશનો અંત આવ્યો.
બુહલૂલ લોદી (1451–1489) : અફઘાનોની લોદી નામની જાતિની શાહુ ખૈલ ટોળીના બુહલૂલના પિતામહ વેપાર માટે ફીરોઝ તુગલુકના શાસનમાં મુલતાન આવી, ત્યાંના સૂબાની નોકરીમાં રહેલ. બુહલૂલના કાકા મલેક સુલતાનશાહે દિલ્હીના સુલતાન ખિઝ્રખાન પાસેથી ‘ઇસ્લામખાન’નો ખિતાબ મેળવી (1419) સરહિંદની સૂબાગીરી મેળવી. જ્યારે બુહલૂલના પિતા મલેક કાલાએ પંજાબના જસરથ ખખ્ખરને હરાવી સ્વતંત્ર જાગીર સ્થાપી. મલેક કાલા શત્રુઓ સામેની એક અથડામણમાં માર્યો જતાં, બુહલૂલનો ઉછેર કાકા સુલતાનશાહે કર્યો હતો. તેણે મહત્ત્વાકાંક્ષા અને લડાયક નેતાગીરીના ગુણો ધરાવતા બુહલૂલ સાથે પોતાની પુત્રી પરણાવી અને તેને બાર હજારનો સેનાપતિ બનાવ્યો. પોતાને પુત્રો હોવાં છતાં, સુલતાનશાહે બુહલૂલને વારસ નીમ્યો. સુલતાનશાહ મુઘલો સાથેના સંઘર્ષમાં માર્યો જતાં (1431) બહુલૂલ લોદી સરહિંદનો સૂબો બન્યો. તેણે દિપાલપુર, લાહોર અને મુલતાનની જાગીરો પર સત્તા સ્થાપી. દિલ્હીના સુલતાન મોહમ્મદશાહે બુહલૂલના આ કાર્યને મંજૂર રાખ્યું.
બુહલૂલે અફઘાન ઉમરાવોના સહકારથી કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યાં. મેવાતને સલ્તનતમાં જોડ્યું. સંભલ, કોઈલ (અલીગઢ), સાકીત, કમ્પિલ, રાપરી પર આક્રમણો કરી તેના રાજાઓને ખંડિયા શાસકો બનાવ્યા. એ પછી મુલતાન અને સરહિંદનાં બંડો દબાવી દીધાં અને દોઆબના હઠીલા જમીનદારોને પોતાના અંકુશ હેઠળ આણ્યા.
સુલતાન બુહલૂલ પડોશી રાજ્યો સાથે આક્રમક વલણ અપનાવતો નહિ. એમ છતાં તેને જોનપુર રાજ્યના શર્કી વંશના સુલતાન મહમૂદશાહ જે આલમશાહનો જમાઈ હતો અને પોતાને દિલ્હીની ગાદીનો હક્કદાર માનતો હતો, તેની સાથે 1451થી 1457 સુધી અને તેના પછી સુલતાન બનેલા હુસેનશાહ સાથે 1457થી 1479 સુધીના લાંબા સમયનાં યુદ્ધોમાં ઊતરવું પડ્યું. અંતે, બુહલૂલે જોનપુર જીતી લીધું. તેને દિલ્હી સલ્તનત સાથે ન જોડતાં, સ્વતંત્ર રાજ્ય રાખી, પોતાના પુત્ર બારબકશાહને ત્યાંનો સુલતાન બનાવ્યો.
સુલતાન બુહલૂલની જોનપુર પરની જીત મોટી સિદ્ધિ ગણાઈ. તેનાથી પ્રભાવિત થઈ મેવાત, બરન (બુલંદશહેર), કોઈલ, ધોલપુર, ભોનગામ, રાપરી, ઇટાવા, કાલ્પી અને અલીપુરના સરદારો તથા રાજાઓએ દિલ્હીની સાર્વભૌમ સત્તા સ્વીકારી. ગ્વાલિયરના રાજા માનસિંહને હરાવી બુહલૂલે એંશી લાખ ટંકા ખંડણી વસૂલ કરી. ગ્વાલિયરથી પાછા ફરતાં બુહલૂલનું અવસાન થયું (1489).
સુલતાન બુહલૂલે ધીરજ અને ર્દઢતાથી સલ્તનતનો વિસ્તાર કર્યો. તેણે વિરોધીઓને કચડી નાખ્યા. સલ્તનતમાં શાંતિ સ્થાપી. તેણે અફઘાનો સાથે રાજનીતિજ્ઞ તરીકે અને સૈનિકો સાથે સમોવડિયા જેવું વર્તન રાખ્યું. તેમની લાગણીઓને પોષીને અંકુશમાં રાખ્યા. લૂંટનો અમુક ભાગ રાખી બાકીનો મોટો ભાગ તે સૈનિકોને વહેંચી દેતો.
બુહલૂલે પોતાના રાજ્યને જાગીરો અને ખેતીવાડીની જમીનોમાં વહેંચી, અફઘાન અમીરોને વહેંચી આપી. તેણે સમગ્ર વહીવટી તંત્રનું ‘અફઘાનીકરણ’ કર્યું. તેણે અફઘાનોને આવકારી જમીન કે સરકારી નોકરી આપી. પ્રજાનાં દુ:ખો નિવારવાં, ફરિયાદો સાંભળવી, દુશ્મનો તરફ ઉદાર બનવું, સાહિત્યકારો તથા શેખો અને દરવેશોને રાજ્યાશ્રય આપવો, વિધર્મીઓ પ્રત્યે સહિષ્ણુતાની નીતિ અપનાવવી વગેરે કાર્યોથી તે લોકપ્રિય બન્યો હતો.
બુહલૂલનો સમય લડાઈઓમાં વીત્યો હોવાથી તેને વહીવટ સુધારવા ભાગ્યે જ સમય રહ્યો હતો; છતાં તેણે દિલ્હી સલ્તનતના વિઘટનને અટકાવી નવજીવન આપ્યું.
સિકંદરશાહ (1489–1517) : બુહલૂલ લોદીના અવસાન પછી તેનો પુત્ર નિઝામખાન, ‘સિકંદરશાહ’નો ખિતાબ ધારણ કરી ગાદીએ બેઠો (17 જુલાઈ, 1489). પ્રથમ તેણે ગાદીના હક્કદારોને નાબૂદ કર્યા. સ્વતંત્ર બનવાનો પ્રયાસ કરનાર પોતાના કાકા પાસેથી રાપરી અને છંદવાર જીતી લીધાં.
જોનપુરમાં રહેતા ભાઈ બારબકશાહે સ્વતંત્ર બની જઈ, સિકંદરની સત્તાનો સ્વીકાર ન કરતાં, સિકંદરે સમાધાન માટે કરેલા પ્રયાસો નિષ્ફળ ગયા. જોનપુરનો માજી સુલતાન હુસેનશાહ શર્કીબારબકશાહને ઉશ્કેરતો હોવાથી સિકંદરે જોનપુર પર કૂચ કરી. બારબકને કનોજ પાસે હરાવી, ઉદારતા બતાવી, જોનપુરનું રાજ્ય પાછું સોંપ્યું. એ રાજ્યમાંથી અગત્યની જાગીરો જુદી પાડી, પોતાના ટેકેદાર અમીરોને વહેંચી આપી. જોનપુરના વહીવટમાં મદદ કરવાના બહાને પોતાના ટેકેદારોને નીમ્યા.
ત્યારપછી સિકંદરે કોટલા અને કાલ્પી જીત્યાં. ગ્વાલિયરના રજપૂત રાજાને તથા બયાના અને આગ્રાના સૂબાઓને શરણે લાવી તે દિલ્હી પાછો ફર્યો (1492). આ સમયે જ હુસેનશાહ શર્કી પ્રેરિત જોનપુરના જમીનદારોએ સુલતાન બારબક સામે ફરી બંડ કરતાં બારબકશાહ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગયો તેથી સિકંદરે જાતે જઈને બળવાખોરો અને હુસેનશાહને હાર આપી, બારબકશાહને કેદ કરી જોનપુરમાં પોતાના સૂબાની નિમણૂક કરી. હારેલો હુસેનશાહ શર્કી લખનૌ તરફ નાસી ગયો.
સિકંદરે સહેલાઈથી બિહાર કબજે કર્યું, તે પછી તેણે બંગાળ પર આક્રમણ કર્યું (1495). બંગાળના સુલતાન અલાઉદ્દીન હુસેનશાહે તેના પુત્રને સૈન્ય સાથે મોકલ્યો. પરંતુ પછી બંને વચ્ચે એકબીજાના પ્રદેશોમાં પ્રવેશ ન કરવો એવું સમાધાન થયું. સિકંદરશાહ 1499માં સંભલ ગયો અને ત્યાં ચાર વરસ રહ્યો. તેની ગેરહાજરીમાં દિલ્હીમાં વહીવટ માટે નીમેલા અસગરે બંડ કર્યું પણ તેને દબાવી દેવાયું.
સુલતાન સિકંદરે 1502માં ધોલપુર કબજે કર્યું પણ તે ગ્વાલિયર જીતી ન શક્યો. તેણે ઇટાવા, બયાના, કોલી, ગ્વાલિયર અને ધોલપુર જેવાં રાજ્યો પર દેખરેખ રાખવા આગ્રા પાસે નવું શહેર વસાવ્યું અને ત્યાં પોતાનું પાટનગર ખસેડ્યું. સિકંદરે મધ્યભારતમાં પણ નરવર અને ચંદેરીનો કિલ્લો કબજે કર્યો. ઈ. સ. 1517માં આગ્રામાં તેનું અવસાન થયું. એના પછી તેનો મોટો પુત્ર ઇબ્રાહીમ ગાદીએ આવ્યો.
સિકંદરનો વધુ સમય લડવામાં ગયો. છતાં વહીવટી તંત્ર પર તેણે ધ્યાન આપ્યું હતું. તેણે રાજ્યની બાબતોમાં ઇસ્લામી કાનૂન દાખલ કર્યો. નાણાકીય ગોલમાલ કરનાર ઉમરાવો સામે તેણે તપાસ કરાવી. અપરાધીઓને શિક્ષા કરી. તે અફઘાન અમીરો ઉપર જાસૂસો દ્વારા દેખરેખ રાખતો.
સિકંદરે ભાવો નીચા રાખવા ખેતીને ઉત્તેજન આપ્યું. જાહેર માર્ગોને લૂંટારાઓથી ભયમુક્ત કર્યા. વેપારીઓને સલામતી પૂરી પાડી. તેણે મુસ્લિમ વિદ્વાનો અને સંતોને રાજ્યાશ્રય આપ્યો. પોતે ફારસીમાં કાવ્યો લખતો. તેની સૂચનાથી મિયાં ભૂવાએ આયુર્વેદના સંસ્કૃત ગ્રંથનું ‘તિબ્બે સિકંદરી’ નામે ફારસીમાં ભાષાંતર કર્યું. તેણે આગ્રા શહેર વસાવ્યું. પણ ધરતીકંપથી ઈ. સ. 1505માં તે પાયમાલ થયું હતું. સિકંદર હિંદુ માતાનો પુત્ર હોવાથી પોતે ધર્મચુસ્ત મુસલમાનથી ઊતરતો નથી એમ સાબિત કરવા તેણે ધર્મઝનૂની નીતિ અપનાવી, હિંદુ પ્રજાની લાગણીઓ ખૂબ દુભાવી. તેણે મથુરાનાં મંદિરોનો નાશ કરાવી ત્યાં સરાઈઓ (આરામગૃહો) અને મસ્જિદો બંધાવ્યાં. મંદિરોની દેવમૂર્તિઓ ખાટકીઓને વજન તરીકે વાપરવા આપી. હિંદુઓ પર જુલમ ગુજારવા અને મૂર્તિપૂજાનો અંત લાવવા, ત્રાસ આપવાની નીતિ અપનાવી. મથુરામાં યમુના નદીના ઘાટ પર હિંદુઓને સ્નાન કરવા અને ચૌલકર્મ કરવા પર પ્રતિબંધ મૂક્યો.
ઇબ્રાહીમ લોદી (1517–1526) : સિંકદરના અવસાન પછી કેટલાક્ સ્વાર્થી અમીરોએ સલ્તનતને બે રાજ્યોમાં વહેંચી, એક રાજ્ય ઇબ્રાહીમને (દિલ્હી અને આગ્રાનું) અને બીજું રાજ્ય તેના નાના ભાઈ જલાલખાનને (કાલ્પીથી જોનપુર સુધીનું) આપવું એવી હિમાયત કરી; પરંતુ અનુભવી અમીરોને લાગ્યું કે આમ થવાથી ઉત્તર હિંદમાં અફઘાન સત્તા નબળી પડી જશે. તેથી તેઓએ ઇબ્રાહીમને જ સમગ્ર દિલ્હી સલ્તનતના સુલતાન તરીકે માન્ય કર્યો. તેથી ઇબ્રાહીમ ‘ઇબ્રાહીમખાન’ ખિતાબ ધારણ કરી ગાદીએ બેઠો.
જલાલખાન કાલ્પી જઈ સ્વતંત્ર સુલતાન બન્યો. ઇબ્રાહીમે લશ્કર સાથે તેનો પીછો કરવાથી જલાલખાન રક્ષણ મેળવવા ગ્વાલિયર ગયો. ત્યાંથી માળવા થઈ ગઢ-કટક તરફ જતાં રસ્તામાં ગોંડવાનાના જમીનદારોએ તેને પકડી, ઇબ્રાહીમને સોંપ્યો. ઇબ્રાહીમે તેને કેદી બનાવ્યો. તે દરમિયાન તેનું ખૂન થયું.
ઇબ્રાહીમે ગ્વાલિયર પર ઘેરો ઘાલ્યો જે ઘણા મહિના ચાલ્યો. છેવટે ત્યાંનો રાજા ઈ. સ. 1518માં ઇબ્રાહીમને તાબે થયો. એ પછી ઇબ્રાહીમે મેવાડ જીતવા લશ્કર મોકલ્યું, પણ રજપૂતોએ સામનો કરી તેને ભગાડી મૂક્યું.
ઇબ્રાહીમે પોતાની સ્થિતિ મજબૂત કરવા આપખુદ વલણ અપનાવી, પિતાના સમયના વૃદ્ધ અને વફાદાર આઝમ હુમાયૂં સરવાની તથા વજીર મિયાં ભૂઆ અને મિયાં હુસનખાન ફરમૂલી જેવાની માનહાનિ કરી તેમની હત્યા કરાવી. અફઘાનો પ્રત્યે સમાનતાની નીતિ તેના દાદા અને પિતાએ અપનાવી હતી, તે ઇબ્રાહીમે ત્યજી દીધી. અફઘાન ઉમરાવોની માનહાનિ થાય તેવાં પગલાં લીધાં. આથી ગુસ્સે થયેલા સરદારોએ બળવા કર્યા. બિહારના સૂબા દરિયાખાનના પુત્ર બહાદુરખાને સ્વતંત્ર સુલતાન બની, ઇબ્રાહીમની સત્તાનો અનાદર કર્યો. તેને કેટલાક શક્તિશાળી બંડખોર અમીરોનો સાથ મળતાં, ઇબ્રાહીમ બળવાખોરોને કશું ન કરી શક્યો. જોનપુર રાજ્ય સહિતનો સલ્તનતનો અડધો ભાગ ઓછો થઈ ગયો.
પંજાબના અફઘાન અમીરોના વિદ્રોહો અને વાયવ્ય હિંદમાંના બનાવોએ ઇબ્રાહીમને બરબાદ કર્યો. તાતારખાન લાહોરનો સૂબો હતો. તેના પુત્ર દોલતખાન લોદીએ લશ્કરી તાકાત જમાવી હતી. ઇબ્રાહીમના રાજ્યાભિષેક વખતે વયોવૃદ્ધ દોલતખાન ન જઈ શકવાથી ઇબ્રાહીમે દોલતખાનના પુત્ર દિલાવરખાન પ્રત્યે ગેરવર્તાવ કરતાં, દિલાવરખાને લાહોર પહોંચી પિતાને સર્વ પરિસ્થિતિથી વાકેફ કર્યા. આથી દોલતખાને સ્વબચાવ માટે તૈયારી કરી. આ જ સમયે દિપાલપુરના આલમખાન લોદીએ દિલ્હીની ગાદી માટે દાવો રજૂ કર્યો. આમ આખું પંજાબ ઇબ્રાહીમનું વિરોધી બન્યું.
દોલતખાન લોદીએ બાબરને હિંદ પર ચડાઈ કરવા નિમંત્રણ મોકલ્યું. બાબરે અફઘાનિસ્તાનનો રાજા બની (1504) હિંદ તરફ નજર દોડાવી (1519–20), પંજાબ પર પાંચ આક્રમણો કર્યાં હતાં. બાબરે પંજાબ પર ચડાઈ કરી (1524), લાહોર કબજે કરી, દોલતખાનને જલંધર અને સુલતાનપુરની જાગીરો આપી, પણ દોલતખાનની વર્તણૂક અયોગ્ય જણાતાં, તે જાગીરો તેના પુત્ર દિલાવરખાનને આપી, કાબુલ પાછો ફર્યો. બાબરે ફરી હિંદ પર ચડાઈ કરી. ઐતિહાસિક પાણીપતની લડાઈમાં (1526) સુલતાન ઇબ્રાહીમ લોદી હાર્યો અને માર્યો ગયો. આ સાથે લોદી વંશની સત્તાનો અંત આવ્યો.
રમેશકાન્ત ગો. પરીખ