દિનકર (જ. 23 સપ્ટેમ્બર 1908, સિમરિયા મુંગેર જિલ્લો, બિહાર; અ. 24 એપ્રિલ 1974) : હિંદી ભાષાના અગ્રણી કવિ. મૂળ નામ રામધારી સિંહ. રાષ્ટ્રકવિનું બિરુદ પામેલા. ‘દિનકર’ તખલ્લુસ. ‘પદ્મભૂષણ’ (1959)ના સન્માન ઉપરાંત સાહિત્ય અકાદમી, દિલ્હી (1960) અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (1972)ના વિજેતા. ભાગલપુર યુનિવર્સિટીએ 1961માં ડિ.લિટ્ની માનદ ઉપાધિ આપેલી.
ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મ. વિધવા માતા દ્વારા ઉછેર. 1932માં સ્નાતક. 1933માં હાઈસ્કૂલમાં આચાર્ય. 1934માં બિહાર સરકારમાં સબ-રજિસ્ટ્રારના પદે. સ્વતંત્ર ભારતમાં કૉંગ્રેસના સભ્ય તરીકે રાજ્યસભામાં. 1950–52 દરમિયાન હિંદી ભાષા-સાહિત્યનું અધ્યાપન. 1964માં ભાગલપુર યુનિવર્સિટીમાં ઉપકુલપતિપદે. 1965માં કેન્દ્ર-સરકારના ગૃહ મંત્રાલયમાં હિંદી ભાષાના સલાહકાર. સ્વભાવ અને પરિસ્થિતિને કારણે દિનકરે જીવનભર બે ઘોડે ચડવાનો સંઘર્ષ વેઠવો પડ્યો. એક તો કવિનો સ્વતંત્ર સ્વર અને બીજી બાજુ આજીવિકા માટે અનિવાર્ય એવી સરકારી નોકરી. સ્વદેશપ્રેમ અને ક્રાંતિની કવિતા લખવાને કારણે ચાર વર્ષમાં બાવીસ વાર બદલીની સજા થયેલી. દિનકર સ્વભાવે ક્રોધી અને આવેગશીલ હતા. એક વાર સબ-રજિસ્ટ્રારના તોરમાં એક ગરીબ માણસને ફટકારી તો દીધો, પણ પછી આખી રાત રડતા રહ્યા. બીજા દિવસે જઈને તેની માફી માગી અને પૈસા આપ્યા.
ગોરો વાન, પડછંદ કાયા, અસાધારણ મોટી અને ઊપસેલી આંખો, અને મેઘમંદ્ર સ્વરમાં દિનકરનું પૌરુષ અને પ્રભુત્વ તરી આવતું. હિંદી કવિતામાં દિનકરના આગમન સમયે ‘છાયાવાદી’ કાવ્યઆંદોલનનાં વળતાં પાણી હતાં. પ્રેમ, પ્રકૃતિ અને સૌંદર્યની સૂક્ષ્મ સંવેદનાને અત્યધિક કલાત્મકતાથી નિરૂપતા કવિઓ જાણે ધરતીના વાસ્તવને વીસરી ગયા હતા. છાયાવાદી કવિતાના ઉત્તમ અંશોનો વારસો લઈને દિનકરે રાષ્ટ્રીય, સમાજલક્ષી તથા ક્રાંતિધર્મી કાવ્યરચનાઓ કરી. પરિણામે તે ‘યુગચારણ કવિ’ કહેવાયા.
ઇતિહાસ, સંસ્કૃતિ, કવિતા અને તત્વજ્ઞાનમાં એમને રસ હતો. દિનકરે કાવ્ય, વિવેચન, નિબંધ, યાત્રાવર્ણન અને બાલસાહિત્ય જેવાં એકાધિક સાહિત્યરૂપોમાં કામ કર્યું છે. તેમના ગદ્ય અને પદ્યના મળીને કુલ 43 ગ્રંથો મળે છે. 1924ની આસપાસ એમનું પ્રથમ કાવ્ય પ્રગટ થયેલું. 1929માં ’બારડોલી વિજય’ નામે રાષ્ટ્રીય ગીતોનો સંગ્રહ આપ્યો, પણ 1935માં ’રેણુકા’ના પ્રકાશન સાથે એમને રાષ્ટ્રકવિનું બિરુદ મળ્યું. દિનકરની મહત્વપૂર્ણ કાવ્યકૃતિઓમાં ‘રેણુકા’, ‘કુરુક્ષેત્ર’, ‘નીલકુસુમ’ અને ‘ઉર્વશી’ ગણી શકાય. ‘રેણુકા’ અને ‘હુંકાર’માં વિદ્રોહનો ઉદઘોષ છે. મહાભારતના શાંતિપર્વ પર આધારિત ‘કુરુક્ષેત્ર’ વિચારપ્રધાન ખંડકાવ્ય છે. અહીં યુધિષ્ઠિર અને ભીષ્મના સંવાદ દ્વારા સમગ્ર દેશમાં વ્યાપ્ત હિંસા-અહિંસાની દ્વિધાની અભિવ્યક્તિ છે. ‘રશ્મિરથી’ અને ‘પરશુરામ કી પ્રતીક્ષા’માં પણ પુરાણનો આધાર લીધો છે. ‘રશ્મિરથી’ ખંડકાવ્યમાં કર્ણના ઉદાત્ત ચરિત્રાંકન દ્વારા ધર્મ, સમાજ અને રાજનીતિમાં દલિત અને પીડિત મનુષ્યની વેદના અને ન્યાયકાંક્ષાનું નિરૂપણ છે. ભારત પર ચીનના આક્રમણની પ્રતિક્રિયા ‘પરશુરામ કી પ્રતીક્ષા’માં હિંસાના સમર્થન રૂપે જોવા મળે છે. ‘નીલકુસુમ’ની કાવ્યરચનાઓમાં વ્યક્તિગત સંવેદન, સામાજિક સંપ્રજ્ઞતા અને દાર્શનિકતા છે. કામ અને પ્રેમની ચિંતનભૂમિ લઈને આવતું મહાકાવ્ય ‘ઉર્વશી’ કામતત્વની દર્શનના સ્તરે સ્થાપના કરે છે.
ગદ્યના ક્ષેત્રે મહત્વપૂર્ણ એવા ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ તથા ‘શુદ્ધ કવિતા કી ખોજ’ અનુક્રમે દિનકરનાં ઇતિહાસજ્ઞાન તથા કાવ્યભાવનાના પરિચાયક ગ્રંથો છે.
દિનકરે એમની કાવ્યયાત્રા છાયાવાદના પ્રભાવ હેઠળ શરૂ કરેલી. આરંભે ઇકબાલ અને રવીન્દ્રનાથ વચ્ચેના આકર્ષણની કશ્મકશ તો ઉત્તરાવસ્થામાં ગાંધી અને માર્કસના વિચારો વચ્ચેની કશ્મકશમાં દિનકર સતત અટવાયેલા રહ્યા. માટે જ એમને કોઈ એક વિચારધારાના કવિ કહી શકાતા નથી. હિંદી સાહિત્યમાં ભાવપ્રવણતા, ઓજ અને સામાજિક નિસબતની અભિવ્યક્તિ કરનાર રાષ્ટ્રકવિ દિનકરનું સ્થાન મહત્વપૂર્ણ છે.
બિંદુ ભટ્ટ